નીતીશકુમારે પલટી મારતા ઇન્ડિયા ગઠબંધનનું શું થશે?

ઇમેજ સ્રોત, ani
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિના અભિષેકનો કાર્યક્રમ અભૂતપૂર્વ સ્તરે યોજાયો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુત્વના ધ્વજવાહક તરીકે રજૂ કરાયા હતા. અયોધ્યાથી ઊભી થયેલી ધાર્મિક લાગણીની લહેર દેશના મોટાભાગના વિસ્તારોમાં અનુભવાઈ.
સામાન્ય ચૂંટણીના થોડા મહિના અગાઉ યોજાયેલા આ કાર્યક્રમમાં વિપક્ષના નેતાઓએ ભાગ લીધો નહોતો. કૉંગ્રેસે પણ તેમાં સામેલ થવાથી ઇન્કાર કરી દીધો.
હિંદુત્વની આ લહેર હજુ શમી નહોતી ત્યારે બિહારમાં ઊભી થયેલી બીજી રાજકીય લહેરે ઇન્ડિયા ગઠબંધનને હચમચાવી નાખ્યું.
ભાજપ વિરુદ્ધ વિપક્ષને એક કરવાનો પ્રયાસ કરી રહેલા નીતીશકુમારે મહાગઠબંધન તોડી નાખ્યું અને ફરીથી ભાજપમાં જોડાયા.
રવિવારે બિહારના પટનામાં રાજભવનમાં મુખ્ય મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ નીતીશે સ્પષ્ટ કર્યું કે તેઓ ભાજપ સાથે ફરી સરકાર બનાવવા જઈ રહ્યા છે.
નીતીશે કહ્યું, "અમે તમામ પક્ષોને સાથે લાવ્યા હતા પરંતુ ત્યાં કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું હતું અને મને મનમાં દુઃખ થયું. હવે અમે ઇન્ડિયા ગઠબંધનનો ભાગ નથી. અમે ઇન્ડિયા ગઠબંધન છોડી દીધું છે."
નીતીશની વિદાયથી ઇન્ડિયા ગઠબંધનને શું અસર થશે?

ઇમેજ સ્રોત, ANI
નીતીશની વિદાયને ઇન્ડિયા ગઠબંધન માટે મોટો ફટકો માનવામાં આવે છે. બિહારમાં લોકસભાની 40 બેઠકો છે અને અહીં નીતીશ સાથે ઇન્ડિયા ગઠબંધન ભાજપને મજબૂત પડકાર આપવાની સ્થિતિમાં હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ ઇન્ડિયા ગઠબંધન માટે આ પહેલો આંચકો નથી. થોડા દિવસો અગાઉ મમતા બેનરજીએ સ્પષ્ટ કર્યું હતું કે પશ્ચિમ બંગાળમાં સીટોની વહેંચણી થશે નહીં અને તેમની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે.
ભારતીય ગઠબંધનનો ભાગ બનેલી આમ આદમી પાર્ટીએ પણ સ્પષ્ટ કર્યું છે કે તે પંજાબમાં કૉંગ્રેસ સાથે સીટો વહેંચશે નહીં અને એકલા હાથે ચૂંટણી લડશે.
ઇન્ડિયા ગઠબંધનને મળતા આ આંચકાઓ વચ્ચે કૉંગ્રેસના નેતા શશિ થરૂરે એક નિવેદનમાં કહ્યું છે કે ગઠબંધનનો ઉદ્દેશ્ય ભાજપને કેન્દ્રમાં સત્તા પરથી હટાવવાનો છે.
થરૂરે કહ્યું કે સીટોની વહેંચણીને લઈને વાતચીત ચાલી રહી છે અને સીટોની વહેંચણી માટે કોઈ એક ફૉર્મ્યુલા નથી જે દરેકને લાગુ પડે.
તેમણે કહ્યું કે ગઠબંધનમાં રાજ્યવાર સીટોની વહેંચણીને લઈને વાતચીત ચાલી રહી છે. દરેક રાજ્યમાં સીટોની વહેંચણી અલગ-અલગ હશે.
ઇન્ડિયા ગઠબંધનને તોડવાનું હતું ષડયંત્ર?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને સતત મળી રહેલા પડકારો વચ્ચે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે સંકેત આપ્યો કે રાજ્યમાં કૉંગ્રેસ સાથે ગઠબંધન ટ્રેક પર છે.
શનિવારે કૉંગ્રેસે પણ સ્વીકાર્યું હતું કે ગઠબંધન સામે કેટલાક પડકારો છે. જોકે, કૉંગ્રેસે એવી આશા પણ વ્યક્ત કરી છે કે મમતા બેનરજીનો ગુસ્સો શાંત થશે અને ગઠબંધનના અન્ય ભાગીદારો સાથે ટૂંક સમયમાં બેઠકોની વહેંચણી અંગે સમજૂતી થઈ જશે.
જયરામ રમેશે શનિવારે કહ્યું, "સ્થિતિ વધુ સારી બની શકી હોત, લોકો જોઈ રહ્યા છે કે એક પક્ષ અમારાથી નારાજ છે અને અમને છોડીને જઈ રહ્યો છે, એ સારું ના દેખાય, ઇન્ડિયાની છબી માટે આ ઠીક નથી."
દરમ્યાન એ સ્પષ્ટ છે કે ઇન્ડિયા ગઠબંધન 'પરસેપ્શન'ની લડાઈમાં પાછળ છે. આ ઘટનાક્રમ વચ્ચે નરેન્દ્ર મોદીની મજબૂત લહેર પર સવાર થઈ રહેલ ભાજપ સામે કૉંગ્રેસ અને તેના સહયોગીઓ નબળા દેખાઈ રહ્યા છે.
નીતીશની પાર્ટી જેડીયુથી અલગ થયા પહેલાં જ પાર્ટીના મહાસચિવ કે. સી. ત્યાગીએ એક નિવેદનમાં કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન તૂટી રહ્યું છે.
રવિવારે આપવામાં આવેલા એક નિવેદનમાં કે. સી. ત્યાગીએ કહ્યું હતું, "કૉંગ્રેસનું એક જૂથ ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વને હડપ કરવા માગે છે. 19 ડિસેમ્બરે અશોકા હોટેલમાં મળેલી બેઠકમાં એક ષડયંત્રના ભાગરૂપે ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ કરવા ખડગેનું નામ સૂચવવામાં આવ્યું હતું."
"આ પહેલાં મુંબઈમાં મળેલી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો કે ઇન્ડિયા ગઠબંધન કોઈપણ ચહેરાને આગળ કર્યા વગર કામ કરશે. કાવતરાના ભાગરૂપે કૉંગ્રેસના એક જૂથે ખડગેજીનું નામ સૂચવ્યું હતું. તમામ બિન-કૉંગ્રેસી પ્રાદેશિક પક્ષો છે જેવાં કે લોકદળ, સપા, બસપા, આરજેડી, ટીએમસી કે અન્ય પક્ષો, તેમણે કૉંગ્રેસમાંથી ચૂંટણી લડીને રાજકારણમાં પોતાનું સ્થાન બનાવ્યું છે."
"કૉંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવાના તબક્કામાંથી પસાર થઈ રહી છે. કૉંગ્રેસ પ્રાદેશિક પક્ષોના નેતૃત્વને ખતમ કરવા માગે છે."
અસ્પષ્ટતાઓ જ ઇન્ડિયા ગઠબંધનના તિરાડનું મુખ્ય કારણ?

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્લેષકો માને છે કે ઇન્ડિયા ગઠબંધન તેનું ચિત્ર સ્પષ્ટ કરી શક્યું નથી અને તે જ જોડાણમાં તિરાડનું કારણ છે.
વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદી કહે છે, "શું ઇન્ડિયા ગઠબંધન ખરેખર ઔપચારિક રીતે એક ગઠબંધન બની ગયું છે, શું કોઈ એવું ગઠબંધન રચાયું છે જે વિચારધારા પર આધારિત છે, કોઈપણ મુદ્દા અથવા કોઈપણ લઘુત્તમ સામાન્ય કાર્યક્રમ, સીટની વહેંચણી, નેતૃત્વ સંબંધિત કંઈ પણ નક્કી કરવામાં સક્ષમ છે."
"શું તેઓ અત્યાર સુધી એવું વાતાવરણ બનાવવામાં સફળ રહ્યા છે કે તેઓ વર્તમાન સરકાર સામે રાજકીય લડાઈ લડવા માગે છે?"
"પહેલી વાત એ કે ગઠબંધન સંપૂર્ણ રીતે બની શક્યું નથી, એવું નથી કે ગઠબંધન નથી પરંતુ જે સ્પષ્ટ ચિત્ર બનવું જોઈતું હતું તે બની શક્યું નથી. આ કારણોસર મોટી પાર્ટીઓ અલગ થવા લાગી છે."
વિજય ત્રિવેદીનું માનવું છે કે ટીએમસી અને આમ આદમી પાર્ટીની અલગ-અલગ લડવાની જાહેરાત એ ગઠબંધન માટે મોટો ફટકો છે.
ત્રિવેદી કહે છે, "કૉંગ્રેસ પછી ટીએમસી ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી છે, તે અલગ થઈ ગઈ છે, ટીએમસીએ અલગથી લડવાનું નક્કી કર્યું છે, આ ઇન્ડિયા ગઠબંધન માટે એક મોટો ફટકો છે."
દરમ્યાન રવિવારે નીતીશે મહાગઠબંધનથી અલગ થઈ ભાજપ સાથે મળીને સરકાર બનાવી. બિહારમાં લોકસભાની 40 બેઠકો છે. વિશ્લેષકો માને છે કે નીતીશ સાથે આવવાથી બિહારમાં ભાજપની સ્થિતિ મજબૂત થશે.
જોકે, વિશ્લેષકો માને છે કે નીતીશને સાથે રાખવા એ ભાજપની મજબૂરી છે.
નીતીશને સાથે રાખવા ભાજપની મજબૂરી છે?

ઇમેજ સ્રોત, ANI
વરિષ્ઠ પત્રકાર હેમંત અત્રી માને છે કે રામમંદિર પછી હિન્દુત્વની કથિત લહેર છતાં ભાજપને બિહારમાં સત્તા બદલવી પડી રહી છે. જે દર્શાવે છે કે પાર્ટીને આગામી લોકસભા ચૂંટણીમાં તેની જીત અંગે વિશ્વાસ નથી.
હેમંત અત્રી કહે છે, "રામમંદિરના કાર્યક્રમ પછી દેશમાં એવો સંદેશ આપવાનો પ્રયાસ થયો હતો કે લોકસભા ચૂંટણીમાં ભાજપ 400થી વધુ બેઠકો જીતશે. આ પછી જ્યારે નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચ્યા તો તેમણે બિહારના પૂર્વ મુખ્ય મંત્ર કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન આપવાની જાહેરાત કરી. આમાં સવાલ એ ઊભો થાય છે કે જો ભાજપને 400થી વધુ બેઠકો જીતવાનો વિશ્વાસ હતો તો વડા પ્રધાનને રામમંદિરના કાર્યક્રમ પછી તરત જ આ રાજકીય જાહેરાત કરવાની જરૂર કેમ પડી? જે દર્શાવે છે કે નરેન્દ્ર મોદીને આગામી ચૂંટણીમાં દિલ્હીમાં તેમની સરકાર આવવાનો પૂરો ભરોસો નથી."
હેમંત અત્રી કહે છે, "ભાજપ જાણે છે કે તેને બે રાજ્યોમાં નુકસાનનો સૌથી મોટો ખતરો છે. એક મહારાષ્ટ્ર અને બીજું બિહાર. જે રીતે ભાજપે મહારાષ્ટ્રમાં શિંદેની સરકાર બનાવી છે તે સ્પષ્ટ છે કે પાર્ટી ત્યાં પોતાને નબળી માને છે."
મહાગઠબંધનના ભવિષ્ય સામે છે સવાલો કે પછી નીતીશને દોડવું હતું ને ઢાળ મળી ગયેલો?

ઇમેજ સ્રોત, ANI
નીતીશના ગયા બાદ મહાગઠબંધનના ભવિષ્ય પર પણ સવાલો ઊઠી રહ્યા છે. જોકે, વિશ્લેષકો માને છે કે બિહારમાં મહાગઠબંધનને નુકસાન થશે તો પણ રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન મજબૂત રહેશે. પરંતુ નીતીશના જવાથી મહાગઠબંધનની છબીને ચોક્કસ નુકસાન થશે.
વિજય ત્રિવેદી કહે છે, "નીતીશકુમાર એનડીએ સાથે ગયા છે. નીતીશના જવાથી ગઠબંધન ભલે ખતમ ન થાય પરંતુ ગઠબંધન પર્સેપ્શનની લડાઈમાં ઘણું પાછળ રહી જશે. લોકોને લાગશે કે ગઠબંધન લડવાની સ્થિતિમાં નથી."
"ભલે નીતીશકુમારને મહાગઠબંધનનો ચહેરો બનાવવામાં ના આવ્યા હોય પરંતુ તેમણે દેશભરમાં સભાઓ કરી વિવિધ પક્ષોના નેતાઓને સાથે લાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે નીતીશ પોતે જ મહાગઠબંધનથી અલગ થઈ ગયા છે. તો આનાથી દેખીતી રીતે જ ગઠબંધન નબળું લાગશે."
હેમંત અત્રીનું માનવું છે કે નીતીશ જ્યારથી તેમને ગઠબંધનના ચહેરા તરીકે સ્થાન ના આપવામાં આવ્યું ત્યારથી તેઓ આ ગઠબંધનથી અલગ થવાનું બહાનું શોધી રહ્યા હતા.
અત્રી કહે છે, "નીતીશને બહાર નીકળવા માટે કોઈ બહાનાની જરૂર હતી. ભાજપ જાણે છે કે નીતીશ ઇન્ડિયા ગઠબંધનની નબળી કડી છે કારણ કે તેમને ગઠબંધનમાં જે જોઈતું હતું તે મળ્યું નથી. નીતીશને લાગ્યું કે લાલુપ્રસાદ યાદવ પુત્ર તેજસ્વીને જલદી મુખ્ય મંત્રી બનાવવા માગે છે અને તેઓ પોતે પણ મુખ્ય મંત્રી પદ છોડવા માગતા ન હતા. તેથી જ તેઓ ભાજપ સાથે ગયા. નીતીશને સાથે લેવા એ ભાજપની મજબૂરી છે કારણ કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ બિહારની સીટોને કોઈ પણ સંજોગોમાં ગુમાવી શકે તેવી સ્થિતિમાં નથી."
હવે કઈ તક બાકી છે?

ઇમેજ સ્રોત, ANI
જોકે વિશ્લેષક એ પણ માને છે કે બિહારમાં ભલે ગઠબંધનને છબીને નુકસાન થઈ રહ્યું હોય પરંતુ હાલ તેજસ્વી અને રાહુલ ગાંધી પાસે લોકોની નજીક જઈ પોતાની વાત રજૂ કરવાની તક છે.
હેમંત અત્રી કહે છે, "નીતીશના જવાથી બિહારમાં ઇન્ડિયા ગઠબંધનને નુકસાન થશે એમાં કોઈ શંકા નથી. પણ તેજસ્વી હવે પૂરા જોશમાં છે. તેઓ ભાજપ પર હુમલો કરી રહ્યા હતા હવે નીતીશ પર પણ કરશે. તેજસ્વી, નીતીશના તકવાદને ઍનકેશ કરવાનો પ્રયાસ કરશે. જો તેઓ આવું કરી શકે તો જે નુકસાન થયું છે તેને તેઓ ફાયદામાં બદલી શકે છે."
ભાજપ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને અન્ય હિન્દી ભાષી રાજ્યોમાં મજબૂત સ્થિતિમાં દેખાય છે. નિષ્ણાતો માને છે કે કેટલાય રાજ્યોમાં ક્ષેત્રિય દળો ભાજપને પોતાના બળ પર ટક્કર આપવાની સ્થિતિમાં છે.
વિજય ત્રિવેદી કહે છે, "જો અન્ય રાજ્યોમાં ઇન્ડિયા ગઠબંધન ના પણ હોય તો પણ ત્યાં ક્ષેત્રિય દળો કોઈ પણ ગઠબંધન વિના મજબૂત સ્થિતિમાં છે. તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ, પશ્ચિમ બંગાળ કે પછી ઝારખંડ... આ કોઈપણ રાજ્યમાં ક્ષેત્રિય દળો સાબિત કરી ચૂક્યા છે કે તે ભાજપને હરાવવામાં સક્ષમ છે. ભાજપ આ રાજ્યોમાં ક્ષેત્રિય નેતાઓ સામે લડવામાં અત્યાર સુધી પોતાને મજબૂત સ્થિતિમાં નથી લાવી શક્યો.”
આવામાં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કૉંગ્રેસે ઇન્ડિયા ગઠબંધનને મજબૂત કરવામાં ઉદારતા નથી દાખવી.
ગઠબંધનને મજબૂત કરવામાં ઉદાસીન રહી કૉંગ્રેસ?

ઇમેજ સ્રોત, ANI
વિજય ત્રિવેદી કહે છે, "કૉંગ્રેસની જો બેઠકો વધે છે તો ઇન્ડિયા ગઠબંધનને વધારે તાકાત મળશે. જ્યાં સુધી ક્ષેત્રિય દળોનો સવાલ છે તે પોતાના બળે ભાજપને ટક્કર આપવાની સ્થિતિમાં છે. કૉંગ્રેસે ગઠબંધનને મજબૂત કરવા પર ધ્યાન આપવું જોઈતું હતું."
હેમંત અત્રી પણ આવો જ મત ધરાવે છે. અત્રી કહે છે, "જ્યાં સુધી ઇન્ડિયા ગઠબંધન એકજૂથ નહીં દેખાય ત્યાં સુધી ગઠબંધનની છબીને સંકટ તો રહેલું છે. પરંતુ આ સંકટ એટલું મોટું નથી કે જેનો કોઈ નીવેડો ના આવી શકે. જો ઇન્ડિયા ગઠબંધનના દળો એક સુરમાં બોલશે તો તેની અસર થશે."
કૉંગ્રેસ સામે આ સમયે સૌથી મોટો પડકાર એ છે કે તેઓ ગઠબંધનમાં બનેલા રહે, પર્સેપ્શનને બદલે અને બાકી દળોને એ સંદેશો આપે કે ક્ષેત્રિય દળોને મજબૂત બનાવી રાખવા એ તેમની પ્રાથમિકતા છે.
ત્રિવેદી કહે છે, "કૉંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનનું ચુંબક બની શકતી હતી. પણ હાલ સુધી તો એવું લાગે છે કે કૉંગ્રેસ ગઠબંધનને મજબૂત કરવાની ભૂમિકા સારી રીતે નથી નીભાવી શકી. કૉંગ્રેસનું બધું ધ્યાન અત્યાર સુધી પોતાને મજબૂત બનાવવા પર જ રહ્યું છે. પાર્ટીએ ગઠબંધનને મજબૂત કરવા પર એવી ધ્યાન નથી આપ્યું જેવી રીતે આપવું જોઈતું હતું."
"ખડગે અને રાહુલ ગાંધીએ વ્યક્તિગત રીતે પ્રાદેશિક પક્ષોના નેતાઓને મળવું જોઈએ અને તેમનો ગુસ્સો દૂર કરવો જોઈએ. ગઠબંધન મજબૂત થવાથી કૉંગ્રેસને જ ફાયદો થશે. કૉંગ્રેસે ગઠબંધન જાળવી રાખવા માટે જે સક્રિયતા દાખવવી જોઈતી હતી તે દેખાડી નથી."
"રાહુલ ગાંધીએ મહાગઠબંધનનો ઝંડો ઉઠાવવો જોઈતો હતો પરંતુ તેઓ અલગથી ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે. હવે તેમની પાસે મહાગઠબંધનના અન્ય નેતાઓ સાથે વાત કરવાનો પણ સમય નહીં હોય."
"કૉંગ્રેસે પોતાની જાતને મોટી પાર્ટી ન ગણવી જોઈએ પરંતુ બધાને સમાન રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. આનાથી ઇન્ડિયા ગઠબંધન અને કૉંગ્રેસ બંનેની સ્થિતિમાં સુધારો થયો હોત."














