મણિપુરનાં શબઘરોમાં પડેલા કેટલાય મૃતદેહોનું કોઈ પૂછનાર કેમ નથી?

મણિપુર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, શકીલ અખ્તર
    • પદ, બીબીસી ઉર્દૂ સંવાદદાતા, દિલ્હી

મણિપુરમાં 3 મેના રોજ શરૂ થયેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. અહીંની હૉસ્પિટલોમાં 90થી વધુ મૃતદેહો રાખવામાં આવ્યા છે જેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.

મણિપુરમાં 3 મેના રોજ થયેલી હિંસા વધ્યા બાદ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. 23 સપ્ટેમ્બરે મોબાઇલ ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ હઠાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ બે વિદ્યાર્થીના મૃતદેહોની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી, જેના કારણે ખીણના વિસ્તારોમાં ઉગ્ર વિરોધપ્રદર્શનો થવાં લાગ્યાં હતાં. સરકારે ફરી એક વાર ત્યાં મોબાઇલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

મણિપુરમાં થયેલી જાતિગત હિંસામાં અત્યાર સુધીમાં 170થી વધુ લોકોનાં મોત થયાં છે જ્યારે હજારો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે.

રમખાણો અને હિંસા પછી રાજ્યની ત્રણ સૌથી મોટી હૉસ્પિટલોના શબઘરમાં એવા લગભગ 96 મૃતદેહો પડ્યા છે જેની ઓળખ માટે હજુ કોઈ પૂછપરછ કરવામાં આવી નથી.

મણિપુર

ઇમેજ સ્રોત, Getty Images

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર લોકો ડરના કારણે તેમના સ્વજનોના મૃતદેહોને હૉસ્પિટલોમાંથી લઈ જતા નથી. હૉસ્પિટલ મૅનેજમૅન્ટના જણાવ્યા અનુસાર, આ મૃતદેહો ઘણા મહિનાથી શબઘરમાં પડ્યા છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી ભૂતપૂર્વ ન્યાયાધીશોની સમિતિએ રાજ્ય સરકારને મૃત્યુ પામેલા લોકોની યાદી જાહેરમાં મૂકવાની સલાહ આપી છે, જેથી મૃતદેહોની ઓળખ કરી શકાય અને મૃતદેહો તેમના પરિવારજનોને સોંપી શકાય.

જેમના વારસદારો કે સંબંધીઓ પછી પણ આગળ ન આવે તો તેમના અંતિમસંસ્કાર પૂર્ણ સન્માન સાથે કરી દેવામાં આવે.

સરકારી આંકડાઓ અનુસાર મણિપુરની જાતિગત હિંસામાં અત્યાર સુધીમાં 175 લોકો માર્યા ગયા છે જ્યારે ઘણા લોકો હજુ પણ લાપતા છે.

મણિપુર રાજ્યમાં બહુમતી મૈતેઈ અને કુકી જાતિના લોકો વચ્ચે જાતિગત રમખાણો થયાં હતાં. આ વંશીય જૂથો રાજ્યના વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં સ્થાયી થયેલાં છે.

રમખાણો બાદ હવે સ્થિતિ એવી છે કે એક જાતિના લોકો બીજી જાતિના વિસ્તારોમાં જઈ શકતા નથી. સમગ્ર મણિપુર રાજ્ય જાણે કે જાતિના આધારે વિભાજિત થઈ ગયું છે.

અહીં હજુ પણ હિંસાની ઘટનાઓ બની રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્યમાં સ્થિતિ ઘણી ગંભીર હોવાનું કહેવાય છે.

આ અહેવાલ લખતી વખતે બે વિદ્યાર્થીનું અપહરણ અને હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળ્યા છે. આ બંને વિદ્યાર્થી જુલાઈના પ્રથમ સપ્તાહથી ગુમ હતી.

સોમવારે સાંજે સોશિયલ મીડિયા પર બે તસવીરો વાઇરલ થઈ હતી જેમાંથી એકમાં બંને વિદ્યાર્થીઓ એકસાથે બેઠેલી જોવા મળી હતી જ્યારે સશસ્ત્ર લોકો તેમની પાસે ઊભા હતા. બીજી તસવીરમાં તેમના મૃતદેહો બતાવવામાં આવ્યા છે.

બીબીસી સ્વતંત્ર રીતે આ તસવીરોની ચકાસણી કરતું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર આ બાબત પ્રકાશમાં આવ્યા બાદ રાજ્ય સરકારે લોકોને ધીરજ રાખવાની અપીલ કરી છે.

બંને સમુદાયોના લોકો એકબીજાના વિસ્તારમાં જઈ શકતા નથી

મણિપુર હિંસા

ઇમેજ સ્રોત, STRDEL/AFP VIA GETTY IMAGES

મણિપુરની રાજધાની ઈમ્ફાલના વરિષ્ઠ પત્રકાર વાહેંગબામ ટેકેન્દરસિંહે બીબીસીને જણાવ્યું કે, “જાતિગત હિંસામાં મૃત્યુ પામેલા 96 લોકોના મૃતદેહ ઈમ્ફાલની બે હૉસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. તેમને ‘રીજનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીઝ’ , ‘જવાહરલાલ નેહરુ ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ’ અને ચુરાચાંદપુરની મેડિકલ કૉલેજમાં રાખવામાં આવ્યા છે.”

ઇમ્ફાલ ખીણમાં મૈતેઈ વંશીય જૂથનું વર્ચસ્વ છે અને અહીંની બે હૉસ્પિટલમાં રાખવામાં આવેલા મૃતદેહો કુકી વંશીય જૂથના છે. ચુરાચાંદપુરની જિલ્લા મેડિકલ હૉસ્પિટલમાં રાખવામાં આવેલા મૃતદેહોમાં કુકી અને મૈતેઈ બંને જૂથના લોકોનો સમાવેશ થાય છે, જોકે કુકી લોકો વધુ સંખ્યામાં છે.

વહેંગબામે કહ્યું કે સમસ્યા એ છે કે રમખાણો પછી કુકીઓ મૈતેઈ વિસ્તારમાં જઈ શકતા નથી અને મૈતેઈ સમુદાયના લોકો કુકી વિસ્તારમાં જઈ શકતા નથી.

કાયદા અનુસાર મૃતકોના પરિવારના સભ્યોએ મૃતદેહોની ઓળખ માટે રૂબરૂ હૉસ્પિટલના શબઘરમાં જવું જરૂરી છે અને લોકો ત્યાં જઈ શકતા નથી. તેથી આ મૃતદેહોને મહિનાઓથી કોઈ ઓળખ વિના અહીં રાખવામાં આવ્યા છે.

અવિશ્વાસ અને નફરત

મણિપુર હિંસા

ઇમેજ સ્રોત, AFP VIA GETTY IMAGES

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે કહ્યું કે સ્થિતિ અત્યંત સંવેદનશીલ હોવાને કારણે હૉસ્પિટલોએ હજુ સુધી તે મૃતદેહોના ફોટોગ્રાફ્સ અને તેમની સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ માહિતી જાહેર કરી નથી.

અધિકારીઓ અને સુરક્ષા દળો પરિસ્થિતિને ઓછામાં ઓછી એટલી સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જેથી મૃતકોના પરિવારજનો અહીં આવીને મૃતદેહોની ઓળખ કરી શકે. તો તેમના અંતિમસંસ્કાર થઈ શકે પરંતુ એવું પણ શક્ય બની રહ્યું નથી.

વહેંગબામે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં અહીં ગોળીબારની ઘટનાઓમાં ઘટાડો થયો છે, તેથી તેના કારણે થતા મૃત્યુમાં થોડો ઘટાડો થયો છે.

તેઓ કહે છે, "પરંતુ સમસ્યા એ છે કે બંને વંશીય જૂથોના લોકો વચ્ચે અવિશ્વાસ અને નફરતની ખાઈ એટલી ઊંડી થઈ ગઈ છે કે તેને દૂર કરવામાં ઘણો સમય લાગશે. આ સમસ્યા તેમના વચ્ચેના સંઘર્ષને કારણે અને સુરક્ષા દળો પ્રત્યે અવિશ્વાસની ભાવનાને કારણે વધુ જટિલ બની રહી છે."

તેમના કહેવા પ્રમાણે, "મૈતેઈ જૂથના લોકો આર્મી અને આસામ રાઇફલ્સના માર્ગમાં અવરોધો ઊભા કરે છે. તેઓ આરોપ લગાવે છે કે આ સુરક્ષા દળો કોઈ મદદ કરતા નથી. જ્યારે કુકી જૂથો રાજ્ય પોલીસ અને સુરક્ષા દળોને તેમના વિસ્તારમાં પ્રવેશવા દેતા નથી. તેઓ એવો આરોપ લગાવે છે કે આ સુરક્ષા દળો મૈતેઈ જૂથો છે. આ સમયે પરસ્પરનો વિશ્વાસ તૂટવો એ જ સૌથી મોટી સમસ્યા છે."

હજારો લોકો હજુ પણ અસ્થાયી શિબિરોમાં

મણિપુર હિંસા

ઇમેજ સ્રોત, ARUN SANKAR/AFP VIA GETTY IMAGES

બીબીસી સાથે વાત કરતા કુકી સંગઠન 'ઇન્ડિજિનસ ટ્રાઇબલ લીડર્સ ફોરમ'ના સેક્રેટરી મવાન તેવમબેંગે કહ્યું કે, "મૃતદેહોને ઓળખવા માટે ઇમ્ફાલ ખીણમાં જવું અશક્ય છે, કારણ કે તે મૃત્યુની ખીણ સમાન છે. પરિવારજનો પણ મૃતદેહોને ઓળખવા માટે ત્યાં જઈ શકતા નથી. અમારા વિધાનસભા સદસ્યને પણ ત્યાં ત્યાં નિર્દયતાથી મારવામાં આવ્યા હતા."

તેમનું કહેવું છે કે મોટા ભાગના મૃતદેહોની ઓળખ ફોટોગ્રાફ્સ અને ફોન કૉલ્સ દ્વારા કરવામાં આવી છે પરંતુ અધિકારીઓ સંપૂર્ણ કાયદાકીય દસ્તાવેજોના અભાવે મૃતકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી રહ્યા નથી.

તેમણે કહ્યું કે આ મૃતદેહો સિવાય 41 કુકી લોકો હજુ પણ ગુમ છે. ઘણા મૃતદેહો અતિશય બળી ગયા છે અને તેમની ઓળખ કરવી મુશ્કેલ છે. તેમણે બીબીસીને મૃતકોની યાદી મોકલી છે જેમાં તેમનાં નામ, ઉંમર અને અન્ય માહિતી આપવામાં આવી છે.

તેમણે કહ્યું, "સ્થિતિ ત્યારે જ સુધરી શકે છે જ્યારે બહુમતી મૈતેઈ જૂથ સકારાત્મક પગલાં લે અને કેન્દ્ર સરકાર અમારી ફરિયાદોનું નિરાકરણ કરે."

તેઓ કહે છે, "એકતાળીસ હજાર કુકીઓ હજુ પણ અસ્થાયી શિબિરોમાં રહે છે. સ્થિતિ એવી છે કે તેને થોડા દિવસોમાં સુધારી શકાય તેમ નથી. સ્થિતિ સરકારના ઈરાદા પર નિર્ભર છે. અત્યારે કંઈ જ થઈ રહ્યું નથી."

સરકાર શું કરી રહી છે?

સુપ્રીમ કોર્ટે ગત મહિને જમ્મુ અને કશ્મીરના પૂર્વ ચીફ જસ્ટિસ ગીતા મિત્તલના નેતૃત્વમાં ત્રણ નિવૃત્ત જજોની એક સમિતિ બનાવી હતી. આ સમિતિનું કામ મણિપુરની જાતિગત હિંસાના માનવીય મુદ્દાઓ પર મદદ કરવાનું છે.

આ સમિતિએ એક અહેવાલમાં ભલામણ કરી છે કે રાજ્ય સરકારે પાંચ મહિનાથી ચાલી રહેલી હિંસામાં માર્યા ગયેલા લોકોની યાદી જાહેર કરવી જોઈએ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મૃતકોના સંબંધીઓની ઓળખ કરવામાં આવે જેથી તેમના પરિવારજનોને નિર્ધારિત વળતર ચૂકવી શકાય.

સમિતિએ સલાહ આપી છે કે જો તેઓ તેમાં સફળ ન થાય તો જિલ્લા કલેક્ટર યોગ્ય સ્થળ નક્કી કરે અને મૃતદેહોના સંપૂર્ણ સન્માન સાથે અંતિમસંસ્કાર કરાવે.

પત્રકાર વહેંગબામ ટેકેન્દરસિંહ કહે છે, "અજાણ્યા મૃતદેહોના અંતિમસંસ્કાર એ ખૂબ જ સંવેદનશીલ મામલો છે. આ સમયે અમને ખબર નથી કે જો સરકાર આવી જાહેરાત કરશે તો લોકોની પ્રતિક્રિયા શું હશે."

મણિપુર અત્યારે હિંસા અને ડરમાં ડૂબેલું છે. અહીં ફરી એક વાર મોબાઇલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

હજારો લોકો અસ્થાયી કૅમ્પોમાં અતિશય મુશ્કેલ સંજોગોમાં જીવન વિતાવી રહ્યા છે અને તેમનું જીવન જાણે કે સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત છે. સ્થિતિ ક્યારે સામાન્ય થશે એ તો અત્યારે કહી ન શકાય.