મણિપુર હિંસા: 'આખી રાત સૂતી નથી, પળેપળ ડર રહે છે', પૂર્વોત્તરનાં રાજ્યોમાં શું માહોલ છે?

મણિપુર હિંસા પર દિલ્હીમાં યોજાયેલા એક પ્રદર્શનની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

    • લેેખક, દિલીપકુમાર શર્મા
    • પદ, ગુવાહાટીથી, બીબીસી હિન્દી માટે

39 વર્ષીય એન અંજલિ (નામ બદલ્યું છે) માટે ગયા શનિવારની સવાર ખૂબ જ ડરામણી સાબિત થઈ હતી.

મિઝોરમની રાજધાની આઇઝોલમાં તેઓ તેમના પુત્ર સાથે રહે છે. તેઓ મણિપુરના મૈતેઈ સમુદાયમાંથી આવે છે, પરંતુ આઈઝોલમાં વસી ગયાં છે.

શનિવારે સવારે જ્યારે અંજલિએ સાંભળ્યું કે મૈતેઈ સમુદાયના ઘણા લોકો મિઝોરમ છોડીને ભાગી રહ્યા છે, ત્યારે અચાનક તેમની સામાન્ય દિનચર્યા પર વિરામ લાગી ગયો.

જોકે મણિપુરમાં કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે ચાલી રહેલી હિંસાની અસર હવે મિઝોરમ સહિત પૂર્વોત્તરનાં ઘણાં રાજ્યોમાં જોવા મળી રહી છે.

મિઝોરમમાં જનજાતીય લોકોની નારાજગી અને વિરોધને ઘણા લોકો જોખમનો સંકેત માની રહ્યા છે.

પીસ એકૉર્ડ એમએનએફ રિટર્નીઝ ઍસોસિયેશન (પીએએમઆરએ) નામના સંગઠને શુક્રવારે એક નિવેદન જારી કરી મિઝોરમમાં રહેતા મૈતેઈ લોકોને કહ્યું કે, “તેઓ તેમની સુરક્ષાને કારણે મિઝોરમ છોડી દે, નહીં તો તેમની સાથે કોઈ પણ પ્રકારની હિંસા થશે તો તેઓ તેની જવાબદારી લેશે નહીં.”

પીએએમઆરએ પૂર્વ ભૂમિગત મિઝો નેશનલ ફ્રન્ટ મિલિટન્ટ્સ સાથે જોડાયેલું એક પ્રભાવી સંગઠન છે.

બીબીસી ગુજરાતી

મિઝોરમમાં ડરી રહ્યા છે મૈતેઈ લોકો

મૈતેઈ સમુદાય

ઇમેજ સ્રોત, ANUP BISWAS

મણિપુરમાં બે કુકી મહિલાને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવાનો વીડિયો જ્યારથી વાઇરલ થયો છે, ત્યારથી પૂર્વોત્તરના જનજાતીય લોકો ભારે નારાજ છે અને ત્યાંના મૈતેઈ લોકોમાં ડર છે. એક હજારથી વધુ મૈતેઈ લોકો આઇઝોલ છોડીને જઈ ચૂક્યા છે.

મિઝોરમમાં અચાનક બનેલા તણાવભર્યા માહોલમાં અંજલિએ માત્ર એટલું જ કહ્યું કે શનિવાર પછી ડરના કારણે તેઓ એક રાત પણ સારી રીતે સૂઈ શક્યાં નથી.

અંજલિએ કહ્યું કે, “અત્યાર સુધી મિઝોરમમાં બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ હવે હંમેશાં ડર રહે છે.”

પીએએમઆરએ દ્વારા મિઝોરમમાં લખવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મણિપુરમાં ઝો જાતિ સમુદાય વિરુદ્ધ હિંસાએ મિઝો લોકોની ભાવનાઓને ખૂબ ઠેસ પહોંચાડી છે. તેથી હવે મૈતેઈ લોકો માટે મિઝોરમમાં રહેવું સુરક્ષિત નથી. આ નિવેદન બાદ શનિવાર બપોરથી મૈતેઈ લોકોએ મિઝોરમ છોડવાનું શરૂ કરી દીધું છે.

ઝો સમુદાયમાં કુકી, ચીન અને મિઝો લોકો આવે છે.

બીબીસી ગુજરાતી

પ્રદેશ સરકારના આશ્વાસન બાદ પણ ડર યથાવત્

મૈતેઈ સમુદાય

ઇમેજ સ્રોત, EZRELA DALIDIA FANAI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઑલ મિઝોરમ મણિપુરી ઍસોસિયેશનની એક માહિતી અનુસાર, મિઝોરમમાં લગભગ ત્રણ હજાર મૈતેઈ લોકો વસે છે, જેમાં વિદ્યાર્થીઓથી લઈને સરકારી અને પ્રાઇવેટ નોકરી કરનારા લોકો પણ સામેલ છે.

રાજધાની આઇઝોલમાં લગભગ બે હજાર મૈતેઈ લોકો રહે છે.

ઑલ મિઝોરમ મણિપુરી ઍસોસિયેશનના એક નેતાએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું છે કે, “મિઝોરમ સરકારે ભલે મૈતેઈ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો વાયદો કર્યો છે, પરંતુ લોકો ઘણા ડરી રહ્યા છે.”

તેમણે જણાવ્યું છે કે, અડધાથી વધુ લોકો મિઝોરમમાંથી આવ્યા છે, કારણ કે કેટલાક સ્થાનિક સંગઠન પ્રેસ રિપોર્ટ જાહેર કરીને ચેતવણી આપી રહ્યા છે. અમારા સંગઠનની મિઝોરમ ગૃહ આયુક્ત સાથે બે-ત્રણ વખત બેઠક થઈ છે, પરંતુ તેમ છતાં અમે અમારા મૈતેઈ લોકોને મિઝોરમમાં રહેવાની સૂચના આપી શકતા નથી.

જોકે પીએએમઆરએ એ સ્પષ્ટ કર્યું છે કે તેમના દ્વારા જારી કરવામાં આવેલો રિપોર્ટ માત્ર એક સલાહ હતો.

મિઝોરમમાં રહેતા મૈતેઈ લોકોને સાવધાની રાખવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો, કારણ કે મણિપુરમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે મિઝોરમમાં જનભાવનાઓ તેમના વિરુદ્ધ છે. પરંતુ કોઈને પણ મિઝોરમ છોડવા માટે કોઈ આદેશ કે નોટિસ આપવામાં આવી ન હતી.

મિઝોરમમાં મૈતેઈ લોકોને પ્રદેશ છોડવાના ફરમાનના જવાબમાં ઑલ આસામ મણિપુરી વિદ્યાર્થી સંઘ નામના સંગઠને પણ આસામની બરાક ઘાટીમાં વસેલા મિઝોરમ લોકોને કહ્યું છે કે તેઓ આ વિસ્તાર તાત્કાલિક ખાલી કરી દે. જોકે કેટલાક કલાકો બાદ વિદ્યાર્થી સંગઠને તેમનું નિવેદન પાછું લઈ લીધું હતું.

ઉપરાંત મણિપુરમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ મુદ્દે મંગળવારે આસામના દિમા હસાઓ જિલ્લામાં હજારોની સંખ્યામાં જનજાતિ મહિલાઓ રસ્તાઓ પર ઊતરી આવી અને પીડિતો માટે ન્યાયની માગ કરી.

બીબીસી ગુજરાતી

પૂર્વોત્તર રાજ્યોમાં હિંસા ફેલાવાનું જોખમ

મણિપુરમાં હિંસા

ઇમેજ સ્રોત, EZRELA DALIDIA FANAI

મણિપુરની હિંસાને લઈને પૂર્વોત્તરનાં રાજ્યોમાં જે પ્રકારનો વિરોધ જોવા મળી રહ્યો છે તેને ‘ઉત્તર પૂર્વીય સામાજિક અનુસંધાન કેન્દ્ર’ના નિદેશક વૉલ્ટર ફર્નાન્ડીસ એક જોખમ તરીકે જુએ છે.

તેઓ કહે છે કે “જે પ્રકારે મણિપુરમાં આટલા લાંબા સમયથી હિંસા ચાલી રહી છે તેને જોતાં મને લાગે છે કે કેટલીક એવી રાજકીય તાકતો છે, જે આ સંઘર્ષને વ્યાપકપણે ફેલાવવા માગે છે. આ એક એવી સ્થિતિ છે જે આપણે અટકાવી જોઈએ. કેટલાક શક્તિશાળી લોકો નિહિત સ્વાર્થમાં સ્થાનિક મુદ્દાનો ઉપયોગ કરી રહ્યા છે.”

ઉત્તર પૂર્વ ભારતનાં આ સાત રાજ્યોમાં અલગાવવાદને કારણે લાંબા સમયથી અશાંતિ રહી છે.

જોકે 2014 પછીથી ક્ષેત્રના સૌથી મોટા નાગા વિદ્રોહી સંગઠન નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઑફ નાગાલૅન્ડ એટલે કે એનએસસીએન-આઈએમ સાથે સરકારે ફ્રૅમવર્ક કરાર કર્યો છે.

આ ઉપરાંત અન્ય ઘણાં રાજ્યોમાં ચરમપંથીઓને પણ મુખ્યધારામાં લાવવાના દાવા કરવામાં આવ્યા છે.

ઘણાં રાજ્યોમાંથી આર્મ્ડ ફૉર્સિસ સ્પેશિયલ પાવર્સ ઍક્ટ (એફ્સ્પા)ને પણ હઠાવાયો છે. જોકે આ પ્રકારે લોકોને એ લાગતું હતું કે પૂર્વોત્તર રાજ્યોમાં શાંતિ પાછી આવી રહી છે. પરંતુ મણિપુર હિંસાએ શાંતિની એ તમામ અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું છે.

પૂર્વોત્તર ક્ષેત્રની શાંતિ સાથે જોડાયેલા એક સવાલનો જવાબ આપતા વૉલ્ટર ફર્નાન્ડીસ કહે છે કે, “છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીં સંઘર્ષ અટક્યો છે અને સ્થિરતા જોવા મળી છે, પરંતુ સાથે જ કેટલાક અન્ય સાંપ્રદાયિક સંઘર્ષ પણ વધ્યા છે. એવી તાકત છે, જે માત્ર મણિપુરમાં જ નહીં, પરંતુ અન્ય જગ્યાઓ પર પણ અન્ય સંઘર્ષોને હવા આપી રહી છે.”

“ઉદાહરણ તરીકે આસામની સ્થિતિ જોઈ લો. અહીં સામ્યવાદ અમારા જાતિગત મુદ્દાઓમાં કઈ રીતે પ્રવેશ કરી રહ્યો છે. આ તાકાતો તેમના રાજકીય ઉદ્દેશ માટે જાતીય સંઘર્ષને હવે સાંપ્રદાયિક સંઘર્ષ તરફ વાળી રહી છે.”

બીબીસી ગુજરાતી

મિઝો-કુકી લોકો વચ્ચે જાતીય બંધન

મણિપુરમાં હિંસા

ઇમેજ સ્રોત, EZRELA DALIDIA FANAI

મણિપુરમાં જાતીય હિંસાને કારણે આ સમયે મિઝોરમમાં 12 હજાર 584 ચિન-કુકી-ઝો લોકોએ આશ્રય લીધો છે. મિઝોરમના મિઝો લોકોને મણિપુરના કુકી-ઝોમિસ જનજાતિઓ સાથે એક ઊંડું જાતીય બંધન છે.

એવું કહેવાઈ રહ્યું છે કે બેઘર થયેલા આ ચિન-કુકી અને ઝો પીડિતો સાથે મિઝોરમની વસતીનો એક મોટો વર્ગ સહાનુભૂતિ રાખે છે અને તેઓ મૈતેઈ લોકોથી ઘણા ગુસ્સે પણ છે.

મિઝોરમ, આસામ જેવાં રાજ્યો પર પડતી આ અસર અંગે વરિષ્ઠ પત્રકાર સમીર કે પુરકાયસ્થ કહે છે કે, “પૂર્વોત્તર રાજ્યોમાં જનજાતીય લોકોની જનસંખ્યા જે ક્ષેત્રોમાં જે પ્રકારે વસેલી છે, તેના પર નિર્ભર કરે છે કે ત્યાં આ હિંસાની શું અસર થશે?”

“જ્યાં સુધી મિઝોરમની વાત છે, તો મિઝો લોકો માત્ર કુકી લોકો સાથે જાતીય બંધનમાં છે, પરંતુ બંને એક જ ઈસાઈ ધર્મ સાથે બંધાયેલા છે. જોકે કુકી લોકો પર થયેલો હુમલો એક પ્રકારે મિઝો લોકોની ભાવનાને ઠેસ પહોંચાડે છે. તેથી મિઝોરમમાં તેની અસર જોવા મળી શકે છે.”

તેઓ કહે છે કે, “આસામના કેટલાક વિસ્તારોમાં પણ બંને જનજાતિના લોકો રહે છે, તો ત્યાં થોડો તણાવ થઈ શકે છે. પરંતુ અન્ય રાજ્યોમાં આ હિંસાની કોઈ સીધી અસર હાલ જોવા મળી રહી નથી, કારણ કે જનજાતીય સમાજમાં સરહદબંધી ઘણી અલગ પ્રકારે થાય છે.”

જોકે ત્રણ મેથી મણિપુરમાં શરૂ થયેલી હિંસા પછી મેઘાલયમાં પણ પોલીસે અશાંતિ ફેલાવવાના આરોપમાં ઓછામાં ઓછા 16 લોકોની ધરપકડ કરી હતી.

મેઘાલયમાં શરૂઆતના તણાવને જોતા રાજ્ય સરકારને ઘણા ઉપાય કરવા પડ્યા હતા, કારણ કે કુકી-મૈતેઈ વચ્ચે હિંસા, જનજાતિ અને બિનજનજાતિ વચ્ચેની લડાઈ બની ગઈ છે.

એવામાં પૂર્વોત્તર રાજ્યોમાં વસેલા ટ્રાઇબલ સમુદાયની નારાજગીની શી અસર થઈ શકે છે?

આ સવાલનો જવાબ આપતા સમીર કહે છે કે, “મણિપુરની હિંસા મુદ્દે મૈતેઈ સમુદાય વિરુદ્ધ જનજાતીય લોકો નારાજ છે. ખાસ કરીને બે કુકી મહિલાને નગ્ન હાલતમાં પરેડ કરાવવાની ઘટના સામે આવ્યા પછીથી તો જનજાતીય લોકો મિઝોરમ, આસામ, મેઘાલય સહિતનાં તમામ રાજ્યોમાં તેમનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.”

“પરંતુ જો પહેલાંનાં ઘણાં ઉદાહરણ જોઈએ- જેવાં કે 2001માં ભાગલાવાદી સંગઠન એમએસસીએન-આઈએમ સાથે મણિપુરમાં જ્યારે મોટો ઝઘડો થયો, ત્યારે તેનો નાગાલૅન્ડમાં કોઈ પ્રભાવ પડ્યો નહીં, કારણ કે નાગા લોકોએ કહ્યું કે આ મુદ્દો તાંગખુલ જનજાતિના લોકો જોઈ લેશે. કેમ કે એનએસસીએન-આઈએમના નેતા તાંગખુલ જનજાતિના છે. કુકી-નાગા હિંસા દરમિયાન પણ પૂર્વોત્તર રાજ્યોમાં કોઈ પ્રભાવ પડ્યો નહીં.”

બીબીસી ગુજરાતી

બરાક ઘાટી

વીડિયો કૅપ્શન, મણિપુરમાં હિંસાનો ભોગ બનનારાં મહિલાઓએ તેમની સાથે શું બન્યું તે કહ્યું.

મિઝોરમમાં વસેલા મોટા ભાગના મૈતેઈ લોકો આસામની બરાક ઘાટીના રહેનારા છે.

બરાક ઘાટી વિસ્તારને અડીને મિઝોરમની સરહદ આવેલી છે. આ આસામ-મિઝોરમની એ જ વિવાદાસ્પદ બૉર્ડર છે, જ્યાં 2021માં હિંસા થઈ હતી અને આસામ પોલીસના પાંચ જવાનો માર્યા ગયા હતા.

જોકે બરાક ઘાટીનો આ વિસ્તાર મિઝોરમને અડીને આવેલો છે, તેથી અહીં મિઝો લોકો પણ વસેલા છે. મણિપુર વિદ્યાર્થી નેતાઓની ચેતાવણી પછી અહીં પણ તણાવ છે.

પૂર્વોત્તરના ઉચ્ચ વિદ્યાર્થી નિકાસ નૉર્થ ઇસ્ટ સ્ટુડન્ટ્સ ઑર્ગેનાઇઝેશનના અધ્યક્ષ સૅમ્યુઅલ જિરવા મણિપુરમાં ચાલુ હિંસા પર ચિંતા વ્યક્ત કરતા કહે છે કે, “કોઈ પણ પ્રકારની હિંસાને સમય પર નિયંત્રિત કરવી ખૂબ જરૂરી છે. જે કંઈ પણ થઈ રહ્યું છે તેને લઈને તમામ સમુદાયના લોકોને ખૂબ સતર્ક રહેવાની જરૂર છે. નહીં તો કોઈ આપણને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ હાલ મણિપુરની હિંસાની પૂર્વોત્તરનાં અન્ય રાજ્યમાં કોઈ અસર પડી નથી.”

દરમિયાન મિઝોરમ સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, “રાજ્યમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની હિંસા કે અપ્રિય ઘટના સામે આવી નથી.”

મણિપુરમાં ચાલુ હિંસામાં અત્યાર સુધી 150થી વધુ લોકોનાં મોત થયાં છે, જ્યારે 60 હજારથી વધુ લોકો તેમનાં ઘરોમાંથી વિસ્થાપિત થઈ ગયા છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી