ચોખાની નિકાસ પર ભારતે પ્રતિબંધ મૂકતાં વિદેશમાં વસતા ગુજરાતીઓને કેવી અસર પડી?

ઇમેજ સ્રોત, UGC
યુક્રેન પર રશિયાના હુમલાના કારણે વિશ્વમાં અનાજના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાદ્ય અને ગ્રાહક સંબંધિત બાબતોના મંત્રાલયે 20 જુલાઈએ દેશમાં ચોખાની અસ્થિર થઇ રહેલી છૂટક કિંમતોને સ્થિર કરવા માટે બાસમતી સિવાયના સફેદ ચોખાની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે.
20 જુલાઈએ કેન્દ્ર સરકારે જાહેર કરેલી પ્રેસ નોટ અનુસાર "ભારતીય બજારમાં બાસમતી સિવાયના સફેદ ચોખાની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને સ્થાનિક બજારમાં ભાવ વધારાને ઘટાડવા માટે, બિન-બાસમતી ચોખાની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે." જેના કારણે અમેરિકા અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં ચોખાના ભાવ બમણા થઈ ગયા છે. આ સિવાય વિદેશમાં રહેતા ભારતીયોનું કહેવું છે કે તેમને ચોખા ખરીદવા માટે લાંબી લાઇનોમાં ઊભા રહીને ઘણી રાહ જોવી પડે છે.
કેન્દ્ર સરકારે નોંધ્યું છે કે ભારતમાં ચોખાના ભાવ સતત વધી રહ્યા છે. ચોખાના છૂટક ભાવમાં એક વર્ષમાં 11.5 ટકા અને છેલ્લા એક મહિનામાં 3 ટકાનો વધારો થયો છે. જોકે, ખાદ્યસુરક્ષાની જરૂરિયાતો હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવી હોય તેવા દેશોમાં નિકાસ માટે મુક્તિ આપવામાં આવી છે.
નોંધનીય છે કે ભારત આંતરરાષ્ટ્રીય ચોખાની નિકાસમાં 40 ટકા હિસ્સો ઘરાવે છે. આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે બાસમતી સિવાયના ચોખાની નિકાસ પરના હાલના પ્રતિબંધોથી ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થઈ શકે છે.

ચોખાના ભાવમાં બમણો વધારો થયો છે

અમેરિકામાં ભારતીયો ઇટાલિયન ચોખાનો ઘણો ઉપયોગ કરે છે. આ ઉપરાંત 'પોન્ની' અને 'સોનામસૂરી' જેવી ચોખાની જાતો પણ અહીં વેચાય છે. હાલમાં આ ત્રણેય પ્રકારના ચોખાની ભારે અછત છે.
મૂળ અમદાવાદનાં ઊષા પટેલ છેલ્લાં 20 વર્ષથી ઑસ્ટ્રેલિયામાં રહે છે. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ઊષા જણાવે છે, "2-3 મહિના પેહલાં ચોખાનો ભાવ 10 ડૉલર હતો, જે વધીને આજે 20 ડૉલર પર પહોંચી ગયો છે. 'કોસ્ટા' જેવા સુપરમાર્કેટમાં ચોખાનો સ્ટૉક ખલાસ થઈ ગયો છે. લોકો ચોખાનો સંગ્રહ કરવા લાગ્યા છે. નિકાસ પર પ્રતિબંધ ફક્ત બાસમતી સિવાયના ચોખા પર ભલે હોય પણ હવે લોકોને ભય છે કે બાસમતી ચોખાનો ભાવ પણ વધી શકે છે, એટલે એ સ્ટૉક કરવા લાગ્યા છે. કાઉન્ટરો પર સ્ટૉક ખાલી થઇ ગયો છે. પેહલાં એવું લાગતું હતું કે ફક્ત બાસમતી સિવાયના ચોખા જ મોઘા થશે, પરંતુ આજે તો બાસમતી ચોખા પણ લોકો ભેગા કરવા લાગ્યા છે."
તેમણે ઉમેર્યું "ગઈ કાલે જ મેં 21 ડૉલરમાં 10 કિલો ચોખા ખરીદ્યા હતા. અમે 3-4 મહિના ચાલે એટલા ચોખાનો સ્ટૉક કરી લીધો છે."
તેઓ કહે છે, "બધું જ વેચાઈ ગયું છે. જો એવું થશે તો ભારત સરકારના પ્રતિબંધથી અહીંના ભારતીયોને ઘણી અસર થશે. ભારત સરકાર વિચારે છે કે વિદેશમાં રહેતા ભારતીયો બાસમતી ચોખા તરફ વળી જશે. પરંતુ ચોક્કસ પણે કશું કહી ન શકાય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

વૈશ્વિક ચોખાના વેપાર માટે ભારત નિર્ણાયક છે

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વમાં ચોખાની નિકાસનો 40 ટકા ભાગ ધરાવતું ભારત લગભગ 140 દેશોમાં ચોખાની નિકાસ કરે છે.
ભારત પછી થાઇલૅન્ડ, વિયેતનામ, પાકિસ્તાન અને યુએસએ ચોખાના સૌથી મોટા નિકાસકાર દેશો છે.
વર્ષ 2022માં વૈશ્વિક ચોખાની નિકાસ 5.54 કરોડ ટન નોંધાઈ હતી, જેમાંથી ભારતનો હિસ્સો 2.22 કરોડ ટન હતો અને તેમાં 1.8 કરોડ ટન જેટલી નિકાસ બિન-બાસમતી ચોખાની હતી.
ચોખાના ભાવમાં વધારો ન થાય તે માટે ભારતે ગયા વર્ષે 8 સપ્ટેમ્બરે બાસમતી સિવાયના ચોખાની નિકાસ પર 20% નિકાસ ટેક્સ લાદ્યો હતો. જોકે, સપ્ટેમ્બર 2021થી માર્ચ 2022ની સરખામણીમાં સપ્ટેમ્બર 2022થી માર્ચ 2023 દરમિયાન ચોખાની નિકાસ 33.66 લાખ મેટ્રિક ટન (LMT)થી વધીને 42.12 લાખ મેટ્રિક ટન થઈ છે.
ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી જૂન દરમિયાન ભારતમાંથી 15.54 LMT ચોખાની નિકાસ કરાઈ છે.

ચોખાની નિકાસમાંથી કોને મુક્તિ મળશે?

ઇમેજ સ્રોત, Getty Images
ખાદ્ય સુરક્ષા જરૂરિયાતો હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ દેશોમાં નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી.
જેનો અર્થ એ છે કે પોષક, આરોગ્યપ્રદ ખોરાકની માગને પહોંચી વળવામાં ખોટ ધરાવતા દેશોને ચોખાની નિકાસ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવશે.
એવા દેશો જેમને ખાદ્ય સુરક્ષાની જરૂરિયાત છે ત્યાં ચોખાના નિકાસ પર કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી.
આ ઉપરાંત, પ્રતિબંધ મુકાયો તે સમયગાળા દરમિયાન જહાજો પર લૉડ કરાયેલા માલની નિકાસને પણ મુક્તિ આપવામાં આવી છે.

બધા ચોખા વેચાઈ ગયા છે

ઇમેજ સ્રોત, UGC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાના અલાબામા શેહેરમાં રહેતા અમદાવાદના પુરવા દીવાનજી ખગોળશાસ્ત્રમાં પીએચડી કરે છે. તેઓ કહે છે, “પટેલ બ્રધર્સ જેવા મોટા સ્ટોર ધરાવતા શહેરોમાં લોકો સ્ટૉક કરી રહ્યાં છે. કૉસ્ટકો અને સૅમ્સ ક્લબ જેવાં જથ્થાબંધ ક્લબ પણ છે જે ચોખાનું વેચાણ કરે છે. મારા શહેરમાં એક ખૂબ જ નાનો સ્ટોર છે, જેમાં જથ્થાબંધ ચોખા નથી આવતા. છેલ્લા કેટલાક દિવસોમાં આ સ્થળોએ સ્ટોક કરવા માટે દક્ષિણ એશિયાના લોકોનો ધસારો જોવા મળ્યો છે.”
તેમણે ઉમેર્યું “આ રીતે, જ્યારે ભારત સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે પણ તેની કિંમતમાં વધારો થયો હતો અને અછત ઊભી થઇ હતી.”
કૅનેડાના રહેતાં મનાલી શર્મા કહે છે, “અહીં ચોખાનો ભાવ બમણો થઇ ગયો છે અને લોકોએ સંગ્રહ કરી લીધો છે, જેના લીધે બજારમાં અછત ઊભી થઇ છે. ગયા વર્ષે આવી અછત લોટના ભાવમાં થઇ હતી, અને કોઈ સ્ટોર પર લોટ ઉપલબ્ધ નહોતો.”
મનાલીએ ઉમેર્યું, "હું પેહલાં ચોખા 11 ડૉલરમાં અઢી કિલો ખરીદતી હતી. આજે એનો ભાવ 18 ડૉલર થઇ ગયો છે. આજકાલ 'ઇન્ડિયા ગેટ' બ્રાન્ડના ચોખાનો લોકો સ્ટૉક કરી રહ્યા છે અને સ્ટોરે ભાવ બે ગણો વધારી દીધો છે."
તેમનું માનવું છે કે જો આવી રીતે જ ભાવ વધતો રહ્યો તો કૅનેડામાં ભણતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી શકે છે.
છેલ્લા એક વર્ષથી જર્મનીમાં રહેતાં પૂજા શુક્લ કહે છે, "જર્મનીમાં હજી દેખીતો ફેરફાર નથી થયો. પહેલાં 10 કિલો ચોખા 25-30 યુરોમાં મળતા હતા, જેનો ભાવ ભાવ અત્યારે 27-30 યુરો છે.” જોકે, તેમણે ઉમેર્યું હતું કે ચોખાના ભાવ નજીકના ભવિષ્યમાં વધી શકે છે.














