ફ્રાંસમાં નવેસરથી હિંસા શરૂ થવાનો ખતરો તોળાઈ રહ્યો છે?

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, કાત્યા એડલર
- પદ, યુરોપ એડિટર
“હવે તમે ઘરે જશો?”
આ કંટાળાજનક અવાજમાં પૂછાયેલો સવાલ હતો. રક્ષાકવચથી સજ્જ હુલ્લડ નિયંત્રક પોલીસ ટુકડી યુવાનોની એક ટોળકીનો પીછો કરી રહી હતી અને એ ટોળકી ફ્રાંસની મધ્યમ વયની એક મહિલાને આગળ ધકેલી રહી હતી ત્યારે મહિલાએ ટોળકીને તે સવાલ પૂછ્યો હતો.
સૅન્ટ્રલ પેરિસમાં પ્રવાસ ગ્રાહકોનું સ્વર્ગ ગણાતા ચૅમ્પ્સ ઍલિસીસ વિસ્તારમાં તે રવિવારની વહેલી સવાર હતી. હવામાં અશ્રુવાયુની તીવ્ર ગંધ હતી. પેરિસ હાઉસિંગ એરેસ્ટ પોલીસ દ્વારા ફ્રેંચ-અલ્જિરિયન કિશોર નાહેલની હત્યા બાદ સમગ્ર ફ્રાંસમાં ફાટી નીકળેલાં રમખાણોની પાંચમી રાત પછીની સવાર હતી.
હું અને મારા સાથીઓ ચારેબાજુ ફેલાયેલી અરાજકતાનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે મને વિચાર આવ્યો હતો કે પેલી ચિડાયેલી મહિલા જેવો સવાલ ફ્રાંસમાં કેટલા લોકોને થતો હશે.
સમગ્ર ફાંસમાં હિંસાની ઘટનાઓમાં રાતોરાત ઘટાડો થયો હતો. નાહેલનાં દાદીએ કરેલી અપીલથી તોફાનીઓએ કદાચ શરમ અનુભવી હશે. નાહેલનાં દાદીએ યુવાનોને શાંત થવાની અપીલ ફ્રેંચ ટીવી પર કરી હતી.
મેં પરિવારના એક અન્ય સભ્ય સાથે વાત કરી હતી. તણાવ હજુ પણ વધી રહ્યો હોવાથી પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે તેમણે જણાવ્યું હતું કે તોફાનીઓ ઘરમાં જ રહે તેવું અમે ઇચ્છીએ છીએ. અમે નાહેલના નામે નફરત અથવા ચોરી કે વિનાશનાં કૃત્યોની હાકલ ક્યારેય કરી નથી.
વાસ્તવમાં તેઓ ન્યાય ઇચ્છે છે, પરંતુ હિંસાને કારણે ન્યાયના માર્ગમાં અડચણ સર્જાવાની તેમને ચિંતા છે. તેઓ ઇચ્છે છે કે જે પોલીસ અધિકારીએ નાહેલની હત્યા કરી તેને કારાવાસની સજા થવી જોઈએ.
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રૉન પણ ઇચ્છે છે કે વિરોધ પ્રદર્શન કરતા લોકો અને તોફાનીએ ઘરમાં જ રહે છે. તેના ઘણાં કારણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફ્રાંસના રાષ્ટ્રપતિ તરીકેના બીજા કાર્યકાળ દરમિયાન મૅક્રૉન જોરદાર વિરોધનો સામનો કરી રહ્યા છે. પહેલાં પેન્શન સુધારણા બાબતે તેમનો વિરોધ થયો હતો અને હવે નાહેલના મોતને લીધે તેઓ ઘેરાયેલા છે. તેનાથી તેમની લોકપ્રિયતામાં વધારો તો થતો જ નથી.
અબ્દુલ નામના શિક્ષક પણ નાહેલ જે વિસ્તારમાં રહેતો હતો ત્યાં રહે છે. અબ્દુલે મારી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે બધો વાંક મૅક્રૉનનો છે. તેમના આર્થિક સુધારા આપત્તિજનક છે. ફ્રાંસ તેની શિક્ષણ પ્રણાલીની માફક તૂટી રહ્યું છે.

મૅક્રૉન માટે મામલો મુશ્કેલ

ઇમેજ સ્રોત, EPA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અબ્દુલ ભારપૂર્વક માને છે કે શેરીઓમાં થયેલી હિંસા માટે બેરોજગાર, અસંતુષ્ટ યુવાનો પણ આંશિક રીતે જવાબદાર છે. એ યુવાનો પડદા પાછળ રહીને કિશોરોને ઉશ્કેરી રહ્યા છે.
અબ્દુલના પાડોશીઓ, તાજેતરના રમખાણના વિનાશના અવશેષોના ફોટોગ્રાફ તેમના મોબાઈલમાં રોજ સવારે લે છે. તેમણે પણ જણાવ્યું હતું કે યુવાનો હવે અટકે તો સારું.
સેલિયા નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે હિંસાનો અંત તેમના સમગ્ર સમુદાય વિરુદ્ધની પ્રતિક્રિયાના સ્વરૂપમાં થઈ શકે છે.
પેરિસ પાસેના શ્રમિકોના વિસ્તાર ઔલનીમાં રહેતી માતાઓ હિંસા પર પૂર્ણવિરામ મૂકવાની અપીલ કરતાં બેનર્સ સાથે શેરીઓમાં ઊતરી આવી હતી. રાષ્ટ્રપતિ મૅક્રૉને હુલ્લડખોરોનાં માતા-પિતાને ગયા સપ્તાહે વિનંતી કરી હતી કે તેઓ તેઓ તેમનાં સંતાનોને ઘરમાં રાખે અને સોશિયલ મીડિયાથી દૂર રાખે. મૅક્રૉનના કહેવા મુજબ, સોશિયલ મીડિયા દ્વારા ઉશ્કેરણીજનક સામગ્રી પ્રસારિત કરવામાં આવે છે.
આ સંકટ મૅક્રૉનને રાજકીય રીતે નબળા પાડી રહ્યું છે. તેમણે શું કરવું જોઈએ તેની ડાબેરી અને જમણેરી બન્ને પક્ષો ટીકા કરી રહ્યા છે. મૅક્રૉન ગરીબો અને હાંસિયા પરના લોકોની ઉપેક્ષા કરતા હોવાનો આક્ષેપ ડાબેરીઓ કરી રહ્યા છે, જ્યારે જમણેરીઓ એવી માગ કરી રહ્યા છે કે મૅક્રૉન રાષ્ટ્રવ્યાપી કટોકટી લાદીને હિંસા સામે આકરા પગલાં લેવાં જોઈએ.
જોકે, મૅક્રૉન માટે મામલો થોડો મુશ્કેલ છે. તેમને એવો ડર હોઈ શકે કે આકરાં પગલાં લેવાથી લોકો વધારે રોષે ભરાઈ શકે છે અને તેનાથી ફ્રાંસની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે.
યુરોપિયન સંઘના નેતાઓ ગયા સપ્તાહે યુક્રેન પર રશિયાના આક્રમણની ગંભીર બાબતની ચર્ચા કરવા ગયા સપ્તાહે એકઠા થયા હતા, પરંતુ ઘરઆંગણે સર્જાયેલી સમસ્યાને કારણે મૅક્રૉને તે શિખર સંમેલન છોડીને ફ્રાંસ પાછા ફરવું પડ્યું હતું.
ગત સપ્તાહાંતમાં તેમણે યુરોપિયન સંઘના મહત્વના સહયોગી જર્મનીની તેમની બહુચર્ચિત યાત્રા રદ કરવી પડી હતી. તે છેલ્લા 23 વર્ષમાં ફ્રાંસના કોઈ રાષ્ટ્રપતિની સૌપ્રથમ જર્મની યાત્રા હતી.
રમતગમત જગતમાં એવા સવાલ પૂછવામાં આવી રહ્યા છે કે વિશ્વની સૌથી મોટી સાઇકલિંગ ચૅમ્પિયનશિપ 'ધ ટૂર ડી ફ્રાંસ' જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના સલામત આયોજક બનવા માટે ફ્રાંસને સલામત ગણી શકાય કે નહીં. તેનું સમાપન ત્રણ સપ્તાહમાં ચૅમ્પ્સ ઍલિસીસમાં થવાનું છે અને ત્યાં સૌથી વધુ હિંસા થઈ રહી છે. ફ્રાંસમાં સપ્ટેમ્બરમાં રગ્બી વર્લ્ડ કપ શરૂ થવાનો છે. આવતા મહિને ફ્રાંસમાં ઉનાળુ ઓલિમ્પિક્સ પણ યોજાવાની છે. નાહેલના મોત પછી તોફાનીઓએ ઓલિમ્પિક સ્વીમિંગ કૉમ્પ્લેક્સને નિશાન બનાવ્યો હતો એ લગભગ બધા જાણે છે.
ઘણા વિરોધ પ્રદર્શનકર્તાઓ કહે છે કે તેમના માટે ખુદના ઘરમાં રહેવું પણ આસાન નથી. પોલીસ સાથેના સતત ઘર્ષણને કારણે તેઓ અસલામતી અનુભવી રહ્યા છે. ફ્રાંસના સલામતી દળો પદ્ધતિસરનો જાતિવાદ આચરી રહ્યા હોવાનો આક્ષેપ સંયુક્ત રાષ્ટ્રસંઘે કર્યો છે.

'ફ્રાંસમાં પોલીસિંગ હાલ રમત જેવું બની ગયું'

ઇમેજ સ્રોત, Getty Images
આસા ટ્રોર નામના કર્મશીલના ભાઈ, સાત વર્ષ પહેલાં ધરપકડ કરવામાં આવી પછી મૃત્યુ પામ્યા હતા. આસા ટ્રોરે અમને જણાવ્યું હતું કે ફ્રાંસમાં હાઉસિંગ એસ્ટેટમાં રહેતા યુવાન અશ્વેત તથા આરબ લોકો નિયમિત રીતે પોલીસની નિર્દયતાનો ભોગ બને છે. તેમને સતત પૂછપરછ કરવામાં આવે છે. ફ્રાંસ આ સમસ્યાને સ્થાનિક નહીં ગણે ત્યાં સુધી નાહેલના મોત જેવી ઘટનાઓ બનતી રહેશે.
જોકે, ફ્રાંસના શક્તિશાળી પોલીસ સંઘો પૈકીના એક યુનાઈટ એસજીપીના મહામંત્રીએ પદ્ધતિસરના જાતિવાદના આક્ષેપને ફગાવી દીધો હતો.
જીન-ક્રિસ્ટોફર કુવીએ કહ્યું હતું, “ફ્રાંસ કંઈ અમેરિકા નથી. અમારે ત્યાં ચોક્કસ સમુદાયના લોકો જ પોલીસમાં નથી. અમારા દળો ફ્રાંસના બહુસાંસ્કૃતિક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં તમામ વર્ગના લોકો ફરજ બજાવે છે. બાકીના સમાજની જેમ તેમાં કદાચ એક ટકા લોકો જાતિવાદી હશે, પરંતુ બધા નથી.”
નાહેલના કેસ બાબતે તપાસ ચાલી રહી હોવાથી એ બાબતે ચર્ચા કરવા જીન-ક્રિસ્ટોફર કુવી તૈયાર નથી. તેથી મેં તેમને સવાલ કર્યો હતો કે વસાહતોમાં રહેતા લોકો સાથેનો પોલીસનો સંબંધ કઈ રીતે બહેતર બનાવી શકાય?
તેમણે કહ્યું હતું, “શ્રેષ્ઠ માર્ગ ફ્રાંસમાં કૉમ્યુનિટી પોલીસિંગ વ્યવસ્થા ફરી અપનાવવાનો છે. તેમાં લોકો એકમેકને સારી રીતે ઓળખતા હોય છે.”
તેમના જણાવ્યા મુજબ, ફ્રાંસમાં પોલીસિંગ હાલ રમત જેવું બની ગયું છે, જેમાં પોતે કેટલી મહેનત કરી રહ્યા છે તે દર્શાવવા માટે દરેક અધિકારી વધુને વધુ લોકોને અટકાયતમાં લે છે.
તેમણે કહ્યું હતું, “તે પોલીસ વિરુદ્ધ એસ્ટેટના રહેવાસીઓ એમ શેરીઓમાંની બે વિરોધી ટોળકીઓ જેવું બની ગયું છે. એ મૂળ સમસ્યા છે.”

એ મૂળ સમસ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ફ્રાંસનાં વડાપ્રધાન ઍલિઝાબેથ બોર્ને ગત જાન્યુઆરીમાં જાતિવાદ સામેની નવી યોજના શરૂ કરી હતી, પરંતુ ફ્રેંચ પોલીસ દ્વારા લોકોની વંશીય નોંધણીના મુદ્દે તે યોજનામાં કોઈ સ્પષ્ટતા ન હોવાથી તેની ટીકા કરવામાં આવી હતી.
જાતિવાદ અને અસહિષ્ણુતા વિરુદ્ધની યુરોપિયન કમિશનની કાઉન્સિલે ગયા ઉનાળામાં ફ્રાંસ વિશેનો છઠ્ઠો અહેવાલ બહાર પાડ્યો હતો. કાયદાનો અમલ કરાવતા અધિકારીઓ દ્વારા વંશીય નોંધણીનો ઉપયોગ ઘટાડવાની દિશામાં “બહુ ઓછી પ્રગતિ” થઈ હોવાનું તે અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
ફ્રાંસની શેરીઓમાં ઊતરી પડેલા બધા તોફાનીઓની ઉશ્કેરણીનું કારણ માત્ર નાહેલનું મોત નથી. તેનું કારણ એવા લોકો પણ છે, જેઓ કહે છે કે જોરદાર વિરોધ પ્રદર્શન જ એકમાત્ર વિકલ્પ છે, જેના વડે ફ્રાંસમાં પોતાની ફરિયાદ સત્તાધીશોના કાન સુધી પહોંચાડી શકાય છે. તેથી ઘરે ચૂપચાપ બેસી ન રહેવું જોઈએ, એવું તેઓ ભારપૂર્વક માને છે.
ફ્રાંસ કદાચ શાંત થઈ રહ્યું છે. દેશના મોટાભાગના લોકોને પણ એવી આશા છે, પરંતુ ફાંસમાં નવેસરથી હિંસા શરૂ થવાનો ખતરો તોળાઈ રહ્યો છે. અહીંની શેરીઓમાં અને સોશિયલ મીડિયામાં ફ્રેંચ પુરુષો તથા સ્ત્રીઓ એવી ભવિષ્યવાણી કરી રહ્યાં છે કે અધિકારીઓ અને હાઉસિંગ એસ્ટેટ્સ વચ્ચેના સંબંધમાં સુધારો નહીં થાય તો ફ્રાંસની શેરીઓ ફરીથી સળગી શકે છે. ભૂતકાળમાં આવું ઘણી વખત થયું છે.














