માઉન્ટ એવરેસ્ટ પર ટ્રાફિક જામ : પર્વતરોહીઓના મોતમાં વધારો કેમ થયો?

એવરેસ્ટ પર આરોહણ માટેની પીક સિઝન તાજેતરમાં જ ખતમ થઈ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એવરેસ્ટ પર આરોહણ માટેની પીક સિઝન તાજેતરમાં જ ખતમ થઈ છે
    • લેેખક, જોએલ ગ્વિંટો
    • પદ, બીબીસી ન્યૂઝ

વિશ્વના સૌથી મોટા શિખર માઉન્ટ એવરેસ્ટ પર પહોંચતાં પહેલાં ઑસ્ટ્રેલિયન ઇજનેર જેસન કેનિસને વીડિયો કૉલ પર પોતાનાં માતાને જણાવ્યું કે તેઓ નીચે ઊતરીને તેમની સાથે વાત કરશે.

કેનિસન એવરેસ્ટ પર આરોહણ કરીને પોતાના જીવનનું સૌથી મોટું સ્વપ્ન પૂરું કરી રહ્યા હતા.

પરંતુ એ વીડિયો કૉલ અંતિમ સંપર્ક સાબિત થયો. તે બાદ ગિલ કેનિસન પોતાના પુત્ર સાથે ફરી વાત ન કરી શક્યાં.

40 વર્ષના જેસન નીચે ઊતર્યા અને તેઓ બીમાર પડી ગયા. બાદમાં તેમનું મૃત્યુ થયું.

કેનિસન એ 12 લોકોમાં સામેલ છે જે ઉનાળા પહેલાં એવરેસ્ટ પર આરોહણ અને અવરોહણ બાદ મૃત્યુ પામ્યા છે. આ હાલનાં વર્ષોમાં મૃત્યુ પામેલા લોકોનો સૌથી મોટો આંકડો છે.

હવે એવરેસ્ટ પર આરોહણની મોસમ ખતમ થઈ ચૂકી છે પરંતુ હજુ પણ પાંચ લોકો ગુમ છે. આ વર્ષે મૃત્યુનો આંકડો વર્ષ 2019માં થયેલ 11 મૃત્યુને પાર કરી ચૂક્યો છે.

એ વર્ષે એક વાઇરલ તસવીરમાં એવરેસ્ટ પર આરોહણ કરનાર લોકોની લાઇન જોવા મળી હતી.

આ વર્ષે ત્રણ શેરપા બરફ પડવાને કારણે મૃત્યુ પામ્યા. કેનિસન જેવા કેટલાક લોકો ઊતર્યા બાદ બીમાર પડ્યા અને મૃત્યુ પામ્યા.

આ વર્ષે મૃત્યુની સંખ્યાએ એવરેસ્ટ પર આરોહણ કરવા માટે અપાતી પરમિટ તરફ ધ્યાન આકર્ષ્યું છે.

ગ્રે લાઇન

એવરેસ્ટ પર ટ્રાફિક જામ

એવરેસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

નેપાળના લોકો આ મૃત્યુ માટે આ વર્ષે રેકૉર્ડ સંખ્યામાં અપાયેલ પરમિટને જવાબદાર ઠેરવી છે. આટલી બધી પરમિટ આપવાનું કારણ એ છે કે કોવિડ મહામારીના કારણે આ પ્રવૃત્તિ રોકાયેલી હતી.

અમેરિકાની મેડિસન માઉન્ટેનિયરિંગ કંપનીના ગેરેટ મેડિસને રૉયટર્સને જણાવ્યું છે કે આટલી મોટી સંખ્યામાં પર્વતારોહીનું એવરેસ્ટ પરનું આરોહણ સમગ્ર સિસ્ટમને ટ્રાફિક જામની સ્થિતિમાં ધકેલી દે છે.

એવરેસ્ટ પર આરોહણ કનારા લોકોની કતાર એટલા માટે જોવા મળે છે કારણ કે બધા આરોહણ માટે યોગ્ય મોસમની રાહ જોતા હોય છે.

આ સિવાય નવશિખાઉ અને ઓછો અનુભવ ધરાવતા પર્વતારોહીના કારણે પણ કતાર લાંબી થઈ જાય છે.

ગ્રે લાઇન

પર્વતારોહી કેમ બીમાર પડે છે?

માઉન્ટ એવરેસ્ટ પર પહોંચેલા પર્વતારોહીની આ તસવીર મે 2021ની છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માઉન્ટ એવરેસ્ટ પર પહોંચેલા પર્વતારોહીની આ તસવીર મે 2021ની છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સમુદ્રની સપાટી કરતાં વધુ ઊંચાઈએ શરીરમાં વધુ ફ્લુઇડ પેદા થાય છે. આનાથી ફેફસાં અને મગજમાં સોજો ચડે છે. જે બાદ થાક, શ્વાસ લેવામાં તકલીફ જેવી મુશ્કેલીઓનો અનુભવ થવા લાગે છે.

અમેરિકાના અલ્પેનગ્લો એક્સપિડિશિન્સના એડ્રિયન બેલિંગર ચીનની બાજુએથી એવરેસ્ટ પર આરોહણ કરાવે છે.

બેલિંગર કહે છે કે નેપાળની તરફની કંપનીઓ ઓછો અનુભવ ધરાવતા લોકોને પણ એવરેસ્ટ પર જવાની પરમિટ અપાવી રહી છે.

એવરેસ્ટ અભિયાનથી નેપાળને ભારે કમાણી થાય છે. નવ લાખ રૂપિયા આપીને ગમે તે વ્યક્તિ પરમિટ મેળવી શકે છે, આને લઈને નેપાળ સરકાર પશ્ચિમના દેશોના ઘણા પર્વતારોહીઓની ટીકાનો સામનો પણ કરતી આવી છે.

પરંતુ નેપાળની સરકાર આ વાતનો ઇનકાર કરતી રહી છે.

જોકે, પરમિટ પરના ખર્ચ સહિત દરેક પર્વતારોહીએ લગભગ 22 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. તેમાં ગૅસ, ભોજન, ગાઇડ અને લોકલ ટ્રાવેલનો ખર્ચ સામેલ હોય છે.

યુબરાજ ખાતીવાડા નેપાળના પર્યટન વિભાગના નિદેશક છે. તેઓ પર્યટન સિસ્ટમને લઈને ઊઠતા સવાલોને યોગ્ય નથી માનતા.

અમુક સમય પહેલાં તેમણે કહ્યું હતું કે સમગ્ર સિઝનને યોગ્ય રીતે મૅનેજ કરવાના હેતુસર એવરેસ્ટ બૅઝ કૅમ્પમાં સરકારી અધિકારીઓ અને ડૉક્ટરોની એક ટીમ તહેનાત કરાશે.

ખાતિવાડાએ એએફપીને જણાવ્યું હતું કે, “અમને તેમની સુરક્ષાની ચિંતા છે. અમે ભીડને મૅનેજ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.”

લુકાસ ફર્ટબાખ ઑસ્ટ્રિયાના છે. તેમની કંપની 2016માં 100 લોકોને એવરેસ્ટ પર આરોહણ માટે નેપાળ લઈ આવી હતી. તેઓ જણાવે છે કે પર્વતારોહીઓની બીડ માટે ઓક્સિજનની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ.

તેઓ જણાવે છે કે તેમની કંપની પર્વતારોહીને ઓક્સિજનની અછતનો અનુભવ ન થાય એ વાતનો સંપૂર્ણપણે ધ્યાન રાખે છે.

લુકાસ ફર્ટબાખે બીબીસીને જણાવ્યું કે, “જો એવરેસ્ટ પર આરોહણ કરનારાની સંખ્યા વધુ હોય તો તેવા કિસ્સામાં પૂરતા ઓક્સિજનની વ્યવસ્થા એ સૌથી મહત્ત્વપૂર્ણ બાબત બની જાય છે. મને વિશ્વાસ છે કે જો તમામ ઑપરેટર સુરક્ષાનું ધ્યાન રાખે તો આપણે ઘણા જીવ બચાવી શકીએ.”

બીબીસી ગુજરાતી

અન્ય ચિંતાઓ

ઓગળતા જતા ગ્લેશિયર એવરેસ્ટ અભિયાન ચલાવનારા માટે એક મોટી સમસ્યા બનતા જઈ રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઓગળતા જતા ગ્લેશિયર એવરેસ્ટ અભિયાન ચલાવનારા માટે એક મોટી સમસ્યા બનતા જઈ રહ્યા છે

આ વર્ષે બરફના તોફાનને કારણે એક પણ મૃત્યુ નથી થયું. પરંતુ સામાન્યપણે એવરેસ્ટ પર થનારાં મોતો પૈકી 40 ટકા મૃત્યુ, આ તોફાનોને કારણે જ થાય છે.

વર્ષ 2014માં આવા જ એક બરફના તોફાનમાં 16 લોકોનાં મૃત્યુ થયાં હતાં. તેને એવરેસ્ટ પર બનેલી એક મોટી ઘટના તરીકે યાદ કરાય છે.

આ સિવાય પર્વતારોહીઓને ઘણી વખત વધુ તાપમાનના કારણે બરફ ઓગળવાના કારણે બનેલાં તળાવોનો પણ સામનો કરવો પડે છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે એવરેસ્ટના વિસ્તારોમાં સરેરાશ તાપમાનમાં 1979 બાદ બે ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે.

અને જ્યારે બરફ ઓગળે ત્યારે ગ્લેશિયર પાણીથી ભરાવાનું શરૂ થઈ જાય છે.

આ પાણી ઢોળાવ તરફ જાય છે અને આ દરમિયાન સૂર્યના તાપને કારણે અમુક પ્રમાણમાં પાણીના બાષ્પીભવનની પ્રક્રિયા પણ થાય છે. બાષ્પ હવામાં મિશ્રિત થવાને કારણે ઝડપી પવનો ફૂંકાવા લાગે છે.

વર્ષ 2022માં અમેરિકાની મૅન યુનિવર્સિટીના એક અભ્યાસ પરથી આ માહિતી મળેશે.

આ અભ્યાસમાં કહેવાયું છે કે જેમ-જેમ બરફ ઓગળવાના કારણે જમીન સામે આવશે, દરિયાઈ તોફાનોમાં વધારો થશે.

ઓગળતા ગ્લેશિયર એવરેસ્ટ બૅઝ કૅમ્પોને પણ અસ્થિર બનાવી શકે છે. આવા કૅમ્પોમાં એક સમયે લગભગ એક હજાર પર્વતારોહી હોય છે.

આ કૅમ્પોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની યોજના હાલ ટાળી દેવાઈ છે.

ગત મહિને શેરપાના લીડરે બીબીસીને જણાવ્યું હતું કે કૅમ્પ અન્ય સ્થળે શિફ્ટ કરવાનો પ્રસ્તાવ લાગુ કરવા જેવો નથી.

અનુભવી શેરપા પસાંગ યાંચીએ વર્ષ 2022માં એક પોડકાસ્ટને જણાવ્યું હતું કે, “લોકો કહી રહ્યા છે કે જ્યારે પણ તેઓ એવરેસ્ટના રૂટ પર જાય છે ત્યારે તેમને પર્વત થોડો બદલાયેલો લાગે છે. ગત વર્ષે જ્યાં બરફ હતો ત્યાં આ વર્ષે પાણી દેખાય છે. જે સ્થળે ગત વર્ષે કઠોર બરફ હતી ત્યાં આ વર્ષે નરમ બરફ હોય છે.”

નેપાળમાં માઉન્ટેનિયરિંગ ઍસોસિયેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ શેરિંગ શેરપા જણાવે છે કે આ વર્ષે સિઝન દરમિયાન એવી હિમવર્ષા થઈ જેવી સામાન્યપણે શિયાળામાં થાય છે, તેઓ કહે છે કે આના કારણે બરફનાં તોફાનોની શક્યતા વધી ગઈ છે.

ફર્ટનબાખ પણ જણાવે છે કે ક્લાઇમેટ ચેન્જની એવરેસ્ટ પર ઘણી અસર થઈ છે.

તેમણે બીબીસીને જણાવ્યું કે, “આપણે આવનારાં પાંચ-દસ વર્ષોમાં આ અસરને સંપૂર્ણપણે સમજી શકશું.”

રેડ લાઇન
રેડ લાઇન