ભારતમાં ઍન્ટિબાયૉટિક ગોળીનો આડેધડ ઉપયોગ, ખતરનાક સ્થિતિમાં ફસાતો દેશ

- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, ભારત સંવાદદાતા
મહારાષ્ટ્રની 1000 પથારીવાળી બિન-નફાકારક કસ્તૂરબા હૉસ્પિટલમાં ડૉક્ટરો ઍન્ટિબાયૉટિક-પ્રતિરોધક 'સુપરબગ સંક્રમણ' સામે ઝઝૂમી રહ્યા છે.
આવું ત્યારે થયું, જ્યારે બૅક્ટેરિયા સમય સાથે બદલાય છે અને એવી દવાઓ માટે પ્રતિરોધક બની જાય છે જે એમને હરાવવામાં અને એનાથી થનારા સંક્રમણને મટાડવામાં અસરકારક સાબિત થાય છે.
મેડિકલ જર્નલ 'ધ લૅંસેટ' અનુસાર, 2019માં આ પ્રકારની પ્રતિકારકતાની સીધી અસરથી દુનિયાભરમાં 12 લાખ 70 હજાર મૃત્યુ થયાં. ઍન્ટિબાયૉટિક, જેને ગંભીર ચેપની સામે સુરક્ષા માટેની પ્રથમ ક્રમની દવા માનવામાં આવે છે, એણે આમાંના મોટા ભાગના કેસમાં કાર્ય ન કર્યું.
ભારત એવા દેશોમાંનો એક છે જે 'ઍન્ટિમાઇક્રોબિયલ રેસિસ્ટન્સ'થી સૌથી ખરાબ રીતે પીડિત છે. દર વર્ષે લગભગ 60 હજાર નવજાત શિશુઓનાં મૃત્યુનું કારણ બને છે. એક નવો સરકારી રિપોર્ટ ચોંકાવનારું ચિત્ર દર્શાવે છે કે કઈ રીતે વસ્તુઓ ખરાબ થતી જાય છે.
પાંચ મુખ્ય રોગાણુ (પૅથજન)નો સામનો કરવામાં કઈ ઍન્ટિબાયૉટિક સૌથી વધુ પ્રભાવક રહેશે, એ શોધવા માટે કસ્તૂરબા હૉસ્પિટલમાં કરાયેલાં પરીક્ષણોમાં જાણવા મળ્યું કે ઘણી અગ્ર ક્રમની દવાઓ રોગાણુ સામે લડવામાં ખાસ અસરકારક નથી રહી.
આ રોગાણુઓમાં ઈ.કોલી (એસ્ચેરિચિયા કોલાઈ)નો સમાવેશ થાય છે, જે સામાન્ય રીતે બગડેલા ભોજનના સેવન પછી માનવો અને જાનવરોનાં આંતરડાંમાં જોવા મળે છે. એમાં ક્લેબસિએલા ન્યૂમોનિયા, જે ફેફસાંને સંક્રમિત કરીને ન્યૂમોનિયાનું કારણ બની શકે છે અને રક્ત, ત્વચા અને મસ્તિષ્કના આવરણને ચીરીને મેનિન્જાઇટિસનું કારણ બની શકે છે, તે પણ સામેલ છે.
એ ઉપરાંત, જીવલેણ સ્ટૅફિલોકોકસ ઑરિયસ, જે ખોરાકમાંથી જન્મેલા બૅક્ટેરિયા છે અને જે હવાનાં ટીપાં કે એરોસોલના માધ્યમથી ફેલાઈ શકે છે.

આડેધડ ઉપયોગથી કેટલું જોખમ

ઇમેજ સ્રોત, Getty Images
ડૉક્ટરોએ જોયું કે કેટલીક મુખ્ય ઍન્ટિબાયૉટિક દવાઓ આ રોગાણુઓના સંક્રમણની સારવારમાં 15 ટકા કરતાં ઓછી પ્રભાવક હતી. સૌથી વધારે ચિંતા એસિનેટોબૅક્ટર બૉમની નામના મલ્ટિડ્રગ રેસિસ્ટન્ટ પૅથજનની હતી, જે ક્રિટિકલ કેર યુનિટોમાં દર્દીઓનાં ફેફસાં પર આક્રમણ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હૉસ્પિટલના તબીબી અધીક્ષક ડૉ. એસપી કાલંત્રીએ કહ્યું, "અમારા લગભગ બધા દર્દીઓ મોંઘી ઍન્ટિબાયૉટિકનો ખર્ચ કરી શકે એમ નથી, એ જોતાં જ્યારે ગંભીર ન્યૂમોનિયા થાય એવી સ્થિતિમાં એમને વૅન્ટિલેટર પર મૂકવા પડે, ત્યારે એમના જીવને સૌથી વધારે જોખમ હોય છે."
ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)ના એક નવા રિપોર્ટમાં કહેવાયું છે કે, "કાર્બાપેનમ નામના ઘણી શક્તિશાળી ઍન્ટિબાયૉટિક દવાઓના વર્ગ સામે, (જેનાથી ઘણા બધા પૅથજનને હરાવી શકાય છે)ની પ્રતિકારકતામાં માત્ર એક વર્ષમાં દસ ટકાનો વધારો થયો છે."
આઇસીએમઆરનો આ જ રિપોર્ટ દર વર્ષે 30 સાર્વજનિક અને ખાનગી હૉસ્પિટલોમાંથી ઍન્ટિબાયૉટિક પ્રતિકારક અંગેનો ડેટા એકત્ર કરે છે.
ઇન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલનાં વિજ્ઞાનિક ડૉ. કામિની વાલિયાએ કહ્યું, "સ્થિતિ ગંભીર એટલા માટે છે કે, આ દવા (કાર્બાપેનમ) સેપ્સિસની સારવાર માટે ખૂબ અસરકારક દવા છે અને હૉસ્પિટલોમાં ક્યારેક ક્યારેક આઇસીયુમાં વધારે પડતા બીમાર દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે."
આઇસીએમઆરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બાબતો એટલી બધી ચિંતાજનક છે કે 2021માં ભારતમાં એક પૅથજનના કારણે થનારા ન્યૂમોનિયા સંક્રમણમાંથી માત્ર 43%ની સારવાર પ્રથમ ક્રમાંકની ઍન્ટિબાયૉટિકથી કરી શકાઈ, જે 2016માં 65 ટકા હતા.

ઍન્ટિબાયોટિક પ્રતિકારઃ સાઇલન્ટ કિલર

- ઍન્ટિબાયૉટિક રેસિસ્ટન્સ આજે વૈશ્વિક સ્વાસ્થ્ય, ખાદ્ય સુરક્ષા અને વિકાસ માટે સૌથી મોટાં જોખમોમાંનું એક છે.
- ઍન્ટિબાયૉટિક પ્રતિકાર સ્વાભાવિક રીતે થાય છે, પરંતુ ઍન્ટિબાયૉટિક દવાઓના દુરુપયોગથી માનવો અને જાનવરોમાં એ પ્રક્રિયા ઝડપી બનતી જાય છે.
- ન્યૂમોનિયા, ટીબી અને સાલ્મોનેલોસિસ જેવાં સંક્રમણોના વધતા જતા દર્દીઓની સારવાર કરવી કઠિન થતી જાય છે, કેમ કે એમની સારવાર માટે ઉપયોગમાં લેવાતી ઍન્ટિબાયૉટિકની અસરકારકતા ઓછી થતી જાય છે.
(સ્રોતઃ વિશ્વ આરોગ્ય સંગઠન)

દર્દીઓની સારવાર માટે હવે વધારે વિકલ્પ નથી

ઇમેજ સ્રોત, Getty Images
કોલકાતાની એએમઆરઆઇ હૉસ્પિટલમાંનાં ક્રિટિકલ કેર સ્પેશિયલિસ્ટ સાસ્વતી સિન્હાનું કહેવું છે કે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે એમના આઇસીયુમાં "દસમાંથી છ" દર્દીઓને દવા પ્રતિરોધક સંક્રમણ છે. "આપણે એક એવા તબક્કામાં આવી ગયા છીએ કે જેમાં તમારી પાસે આમાંના થોડા દર્દીઓની સારવાર માટે કંઈ વધારે વિકલ્પ નથી રહ્યા."
કસ્તૂરબા હૉસ્પિટલના ડૉક્ટરોનું કહેવું છે કે ઍન્ટિબાયૉટિક દવાઓ સામેની પ્રતિકારકતા, ગામડાં અને નાનાં શહેરોના બહારના દર્દીઓમાં પણ વ્યાપક છે.
મોટા ભાગના લોકો પાસે પોતાની જૂની સારવાર અને દવાઓની ખાસ જાણકારી નથી હોતી તેથી ડૉક્ટરો માટે એમની ઍન્ટિબાયૉટિક દવાઓના પાછલા રેકૉર્ડ મેળવવાનું મુશ્કેલ બની જાય છે.
ડૉક્ટર કલંત્રી જણાવે છે કે, "પરિસ્થિતિ બેચેન કરનારી છે અને આવી પરિસ્થિતિને પહોંચી વળવા લેવાયેલા નિર્ણયો - વધુ પ્રમાણમાં ઍન્ટિબાયૉટિકને ઑર્ડર કરવાના નિરાકરણથી નુકસાનમાં વધારો થઈ શકે છે."
પબ્લિક હેલ્થ વિશેષજ્ઞોનું માનવું છે કે ભારતમાં ઘણા ડૉક્ટર વિચાર્યા વગર ઍન્ટિબાયૉટિક દવાઓ આપે છે.
ઉદાહરણ તરીકે, ઍન્ટિબાયૉટિક ફ્લૂ કે સામાન્ય શરદી જેવી વાઇરલ બીમારીઓની સારવાર નથી કરી શકતી. ઘણી વાર ડેન્ગ્યુ અને મલેરિયાના દર્દીઓને ઍન્ટિબાયૉટિક દવા આપવામાં આવે છે.
ડાયરિયા અને શ્વાસ સંબંધી બીમારીઓ માટે પણ એક સીમિત સમય પૂરતી ઍન્ટિબાયૉટિક અપાય છે.
કોવિડ-19ની સારવાર દરમિયાન ઍન્ટિબાયૉટિક દવાઓથી દર્દીઓની સારવાર કરવામાં આવી, જેમાં લાભ કરતાં નુકસાન વધારે જોવા મળ્યું.
ગયા વર્ષે આઇસીએમઆર દ્વારા કોવિડથી સંક્રમિત 17,534 લોકો પર કરાયેલા એક રિપોર્ટ અનુસાર, અડધા કરતાં વધારે એવા લોકોનાં મૃત્યુ થયાં જેમને દવા પ્રતિરોધક સંક્રમણ હતું.
આ બધી પરેશાનીઓ છતાં, જે ઍન્ટિબાયૉટિક દવાઓનો ઉપયોગ માત્ર ખૂબ ગંભીર બીમારીઓ માટે કરવો જોઈએ, ભારતમાં એના ઉપયોગ કે ઉપયોગની સલાહ લગભગ 75 ટકા છે.

ઍન્ટિબાયૉટિક વિશેની માહિતીનો અભાવ

ઇમેજ સ્રોત, MANSI THAPLIYAL
ડૉક્ટર કાલંત્રીએ કહ્યું, "આના માટે ડૉક્ટરોને સંપૂર્ણપણે જવાબદાર ન માની શકાય. હૉસ્પિટલોમાં દર્દીઓની એટલી ભીડ હોય છે કે ડૉક્ટરોને સારવાર માટે સમય ઓછો પડે છે."
એના ઉપયોગમાં વૃદ્ધિનું એક કારણ ગામડાં કે શહેરોમાં આ દવાઓના પ્રતિકાર વિશેની માહિતીનો અભાવ પણ છે. ભણેલા-ગણેલા કે પૈસાદાર લોકો પણ બીમાર થાય ત્યારે ઍન્ટિબાયૉટિકનો ઉપયોગ કરે છે.
ડૉ. વાલિયાએ કહ્યું, "આજના સમયે ઍન્ટિબાયૉટિકના ભાવમાં ઘટાડો અને મેડિકલ ટેસ્ટ મોંઘા હોવા તે પણ કારણ છે. કેમ કે ઘણી વાર ડૉક્ટર પોતાના દર્દીની બીમારી બાબતે સ્પષ્ટ સ્થિતિમાં નથી હોતા, એ જોતાં તેઓ એવી ઍન્ટિબાયૉટિક દવાઓનો ઉપયોગ કરે છે જે મોટા ભાગની બીમારીઓ પર કામ કરે."
હૉસ્પિટલોમાં સ્વચ્છતાના અભાવના કારણે જે દર્દીઓને ઇન્ફેક્શન થઈ જાય છે એમની સારવાર માટે પણ ડૉક્ટર ઍન્ટિબાયૉટિક દવા આપે છે. "કેમ કે, કોઈ પણ ડૉક્ટર માત્ર ઇન્ફેક્શનના કારણે પોતાના દર્દીને ખોવા નથી માગતા."
વન હેલ્થ ટ્રસ્ટના ડાયરેક્ટર રમનન લક્ષ્મીનારાયનને કહ્યું, "ભારત માટે આ એક ગંભીર સમસ્યા છે, કેમ કે અહીં ઇન્ફેક્શનથી થતી બીમારીઓ ઘણી છે, જેના લીધે કારણ વિના ઍન્ટિબાયૉટિકનું સેવન કરવામાં આવે છે."
જાણકારો માને છે કે ભારતે પોતાની મેડિકલ ટેસ્ટ લૅબ્સ પર ધ્યાન આપવાની જરૂર છે. ભારતમાં સંક્રમણથી થનારી બીમારીના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર વધારેમાં વધારે હોવા જોઈએ, હૉસ્પિટલોમાં સાફસફાઈ પર ધ્યાન અપાવું જોઈએ અને ડૉક્ટરોને ઍન્ટિબાયૉટિકના ઉપયોગ માટે યોગ્ય પ્રશિક્ષણ આપવા પર ભાર મૂકવો જોઈએ.
ડૉ. વાલિયાએ કહ્યું કે જો આ કામોમાં કશી બેદરકારી રખાઈ તો ઍન્ટિબાયૉટિક પ્રતિકારની સમસ્યા એક મહામારી પણ બની શકે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













