શ્રદ્ધા મર્ડર કેસ : આવા ભયાનક ગુનેગારના મગજમાં શું ચાલતું હોય છે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, સુશીલાસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
દિલ્હીમાં થયેલી શ્રદ્ધા હત્યા મામલાને કારણે સમગ્ર દેશ હચમચી ગયો છે. એક તરફ કાયદાકીય પ્રવાહોમાં એ વાતને લઈને ચર્ચા થઈ રહી છે કે અપરાધ સાબિત થવા પર કડકમાં કડક સજાની જોગવાઈ હોવી જોઈએ કે આમાં ‘દુર્લભથી દુર્લભ’ મામલા અંતર્ગત કાર્યવાહી થવી જોઈએ.
તેમજ ટ્વિટર પર #DelhiMurder, #AaftabPoonawala અને #ShraddhaWalkar ટ્રેન્ડ કરી રહ્યાં છે.
કોઈ આટલો ઘૃણાસ્પદ અપરાધ કેવી રીતે આચરી શકે, આ વાતને લઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.
આવી વ્યક્તિના મગજમાં એવું તો શું ચાલી રહ્યું હતું કે તેણે હત્યા કર્યા બાદ ગુનાને છુપાવવા માટે આટલું ક્રૂર પગલું ભર્યું?
બીજી તરફ આ મામલાને સોશિયલ મીડિયા પર સાંપ્રદાયિક રંગ આપવાની પણ કોશિશો ચાલી રહી છે.

શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, ANI
પોલીસ અનુસાર, આ વર્ષે મે મહિનામાં 27 વર્ષનાં શ્રદ્ધા વાલકરની આફતાબ પૂનાવાલાએ પહેલાં હત્યા કરી અને પછી તેમના શરીરના 35 ટુકડા કરીને જંગલના અલગ-અલગ વિસ્તારોમાં ફેંકી દીધા.
તેઓ લિવ-ઇન રિલેશન એટલે કે લગ્ન વગર એક સાથે રહેતાં હતાં. પોલીસે આફતાબની ધરપકડ કરી લીધી છે અને તેમની પૂછપરછ કરાઈ રહી છે.
પૂછપરછ દરમિયાન પોલીસ આફતાબને ઘટનાસ્થળે પણ લઈ ગઈ જ્યાં તેણે શ્રદ્ધાના શરીરના ટુકડા ફેંક્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસને અપાયેલી જાણકારીમાં જણાવાયું છે કે શ્રદ્ધા મહારાષ્ટ્રના પાલઘરનાં રહેવાસી હતાં અને યુવતીનો પરિવાર આ સંબંધથી નાખુશ હતો. સાથે જ આફતાબ અને તેમની પ્રેમિકાનો હત્યાના દિવસે પણ ઝઘડો થયો હતો.

આવી વ્યક્તિને કેવી રીતે ઓળખશો?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મનોવૈજ્ઞાનિક ડૉક્ટર સમીર મલ્હોત્રા કહે છે કે આવા ગુના પાછળ ઘણાં કારણ હોય છે.
તેઓ જણાવે છે કે, “અહીં એ જોવું જરૂરી છે કે ગુનો આચરનાર વ્યક્તિનો કેવા વાતાવરણમાં ઉછેર થયો છે, તેમના બાળપણથી માંડીને મોટા થયા ત્યાં સુધી કેવા વિચાર રહ્યા છે અને તેમના આચરણ પર આ વાતની કેવી અસર પડી છે.”
દિલ્હીસ્થિત મૅક્સ હૉસ્પિટલમાં મૅન્ટલ હેલ્થ ઍન્ડ બિહેવિયરલ સાયન્સીઝના નિદેશક ડૉક્ટર સમીર મલ્હોત્રા કહે છે કે, “આવા અપરાધ કરનારમાં બાળપણથી યુવાની સુધી એવા સંકેત મળે છે, તેઓ ગુસ્સા પર નિયંત્રણ નથી રાખી શકતા અને આવા અપરાધ કરી બેસે છે.”
ડૉક્ટરોનું કહેવું છે કે આફતાબના મામલામાં જોવા મળી છે તેવી અપરાધ કરવાની માનસિકતા એક દિવસમાં વિકસિત નથી થતી, બલકે તેની પૅટર્ન સ્વભાવમાં દેખાવા લાગે છે.
આવા લોકો માટે પોતાની જરૂરિયાત પૂર કરવી, બાબતોનું નિયંત્રણ મેળવવું એ જ સર્વોપરી બની જાય છે અને યોગ્ય-અયોગ્યનું જ્ઞાન હોવા છતાં તેઓ તાર્કિક સમજ ગુમાવી બેસે છે.
મનોવૈજ્ઞાનિક ડૉક્ટર પૂજા શિવમ અને ડૉક્ટર સમીર મલ્હોત્રા જણાવે છે કે આવા વ્યવહારથી એ વાતની ખબર પડી શકે છે કે કોઈ વ્યક્તિ ગુનો આચરી શકે છે :
- ગુસ્સા પર નિયંત્રણ ન હોવું (નાની વાતોને લઈને ખૂબ ગુસ્સે થઈ જવું, પોતાની જાતને કે અન્યને શારીરિક નુકસાન પહોંચાડવું)
- બીજાને પીડા આપીને નિરાંત અનુભવવી
- સંબંધમાં એકબીજા પ્રત્યે સન્માન ન હોવું
- એક સંબંધ માત્ર એક જ વ્યક્તિની જરૂરિયાતો અનુસાર ચાલી રહ્યો છે અને તેમાં બીજી વ્યક્તિનાં મત, ઇચ્છાનું કોઈ મહત્ત્વ ન હોવું
- સંબંધમાં એક વ્યક્તિનું બીજી વ્યક્તિ પર નિયંત્રણ હોવું
- વ્યવહારમાં અનિયમિતતા કે મૂડ સ્વિંગ, એટલે કે અત્યંત પ્રેમ, અત્યંત ક્રોધ, અને આવું માત્ર પાર્ટનર સાથે જ નહીં, બલકે લોકો સાથે પણ આવો જ વ્યવહાર કરવો
- વાતો છુપાવવાની ટેવ
- જૂઠ બોલવું, બીજાની સંવેદનાને ન સમજવી
જો ઉપરોક્ત વ્યવહાર સ્વભાવમાં જોવા મળે તો આ જોખમના સંકેત હોઈ શકે છે, પરંતુ તેનો અર્થ એવું બિલકુલ નથી કે આવો વ્યવહાર કરનાર વ્યક્તિ જઘન્ય અપરાધ કરશે જ.

‘ક્રાઇમ શો જોતો’

પોલીસ પ્રમાણે, શ્રદ્ધાના મૃતદેહને ઠેકાણે લગાડવાની યુક્તિ આફતાબે ‘ડેક્સટર’ સિરીઝથી મેળવી. જાણકારી અનુસાર ડેક્સટર એક અમેરિકાન ટીવી સિરીઝ છે જે વર્ષ 2006થી 2013 સુધી પ્રસારિત થઈ હતી.
આ ટીવી સિરીઝની કહાણી ડેક્સટર મૉર્ગનની આસપાસ ફરે છે જે એક ફૉરેન્સિક ટૅકનિશિયન છે અને સિરિયલ કિલર તરીકે એક દ્વિમુખી જીવન જીવી રહ્યો છે. આ સિરીઝમાં બતાવાયું છે કે તે એ લોકોની હત્યા કરે છે જેને કાયદા અંતર્ગત મુક્ત કરી દેવાયા હોય છે.
પોલીસ સામે આફતાબે મર્ડરનું કારણ આપતાં કહ્યું છે કે શ્રદ્ધા તેના પર લગ્ન બાબતે દબાણ કરી રહ્યાં હતાં.
ડૉ. પૂજા શિવમ જેટલી કહે છે કે, “મોટા ભાગના લોકો એવી સામગ્રી જોવા માગે છે જે તેમને રોમાંચિત કરે. તમે આ વાતને એવી રીતે સમજો કે જો સામાન્ય લોકો પણ આવી સામગ્રી કે આવા કામને લાંબા સમય સુધી કરે કે જુએ તો તેનું તેમની મન:સ્થિતિ પર અસર પડે છે.”
તેમના અનુસાર, “અમુક લોકો એવા પણ હોય છે જેઓ આવી સામગ્રીઓ જોઈએ એટલા ભ્રમિત થઈ જાય છે કે તેમનાં મન, મસ્તિષ્ક પર એટલી ઊંડી અસર પડે છે કે તેઓ તર્કની ક્ષમતા જ ગુમાવી દે છે.”
આવી વ્યક્તિ જે આત્મલીન હોય કે અસામાજિક હોય, તેઓ જ્યારે આવી ઉત્તેજક વસ્તુઓ જુએ છે તો આવી સામગ્રીઓ તેમની વિચારવા અને સમજવાની શક્તિને ખતમ કરી દે છે.

પારિવારિક અને સામાજિક મૂલ્ય પ્રભાવિત

ઇમેજ સ્રોત, ANI
જો મોટા મામલાની વાત કરીએ તો આરુષિ હત્યાકાંડ તો તમને યાદ હશે જ, જેમાં 14 વર્ષનાં વિદ્યાર્થિની સંદિગ્ધ અવસ્થામાં મૃત્યુ પામ્યાં હતાં અને નિઠારીનો મામલો હજુ સુધી લોકોને યાદ છે.
નીરજ ગ્રોવર મામલો સૌથી બીભત્સ મામલા પૈકી એક છે જેમાં નીરજના શરીરના ટુકડા કરીને, ત્રણ સૂટકેસોમાં ભરીને જંગલમાં લઈને જઈને આગ ચાંપી દેવાઈ હતી.
હાલના મામલાની વાત કરાય તો મધ્ય પ્રદેશમાંથી એક વ્યક્તિ દ્વારા પોતાની ગર્લફ્રેન્ડની હત્યા કરાયાનો મામલો સામે આવ્યો હતો. સોશિયલ મીડિયા પર તેમણે આ અંગે પોસ્ટ પણ કરી હતી જેમાં તેઓ કહી રહ્યા હતા કે, “બેવફાઈ નહીં કરને કા.”
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક પત્નીએ પોતાના પતિની હત્યા કર્યાનો મામલો સામે આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે મામલામાં મહિલા સહિત પ્રેમીની પણ ધરપકડ કરાઈ છે. આ આરોપીઓએ હત્યા કરીને મૃતદેહ ઘરમાં દફન કરી દીધો હતો.
અવારનવાર છાપામાં ગુનાના સમાચાર હેડલાઇન બનાવે છે અને આવા ઘૃણાસ્પદ ગુનાના સમાચાર એ પ્રશ્ન પણ ઊભો કરે છે કે સંબંધોમાં થનારા ગુના સમાજને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે?
ડૉક્ટર સમીર મલ્હોત્રાનું કહેવું છે કે “આનાં ઘણાં સામાજિક પાસાં છે. એવું જોવા મળી રહ્યું છે કે પહેલાં સંબંધોમાં પારિવારિક મૂલ્ય રહેતાં, જોડાણ રહેતું અને ભૌતિક વસ્તુઓ કરતાં વધુ પરિવારને પ્રાથમિકતા અપાતી, પરંતુ હવે તેમાં કમી આવી રહી છે.”
તેઓ આગળ કહે છે કે, “લોકો હવે માણસાઈ અને સંવેદનાઓને સમજવાના સ્થાને ભૌતિકવાદ પાછળ ભાગે છે અને પારિવારિક મૂલ્ય ખતમ થતાં જઈ રહ્યાં છે.”
“લોકોને તાબડતોડ બધું જોઈએ અને ભાવનાત્મક જોડાણ ખતમ થતું જઈ રહ્યું છે. માત્ર પોતાની ઇચ્છાઓ પૂરી કરવામાં પણ આવા ગુના આચરાય છે. તેમજ શિક્ષણની કમી, નશાખોરી અને બાળપણમાં વીતેલ પારિવારિક જીવન પણ આનું કારણ બને છે.”














