સુદાનઃ કથિત વ્યભિચાર બદલ 'પથ્થરો મારીને મૃત્યુદંડની સજા' પામેલી યુવતીને હવે કોણ બચાવશે?

અદાલતના ચુકાદા સામે યુવતીએ કરેલી અપીલની સુનાવણી હાલ થઈ રહી છે

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મેઘા મોહન
    • પદ, બીબીસી સંવાદદાતા
લાઇન
  • યુવતી 2020માં તેના પતિથી અલગ થઈ હતી અને તેનાં માતા-પિતા સાથે રહેતી હતી
  • બળવા પછી સત્તા પર આવેલા સૈન્યએ બશીરના વફાદારોને પોતાની પડખે લીધા હોવાના અહેવાલ પણ છે
  • રાષ્ટ્રપ્રમુખ ઓમર અલ-બશીર વિરુદ્ધના 2019ના બળવા પછી સુદાનમાં વચગાળાની સરકાર શાસન ચલાવી રહી છે
લાઇન

એક વર્ષ પહેલાં બળવો થયા પછી સુદાનમાં સૈન્યનું શાસન છે.

આ સંબંધે ઝુંબેશ ચલાવી રહેલા લોકોનું કહેવું છે કે, વીસ વર્ષની તે યુવતી સાથે અન્યાય થયો છે અને તેને મુક્ત કરવી જોઈએ.

એ યુવતી 2020માં તેના પતિથી અલગ થઈ હતી અને તેનાં માતા-પિતા સાથે રહેતી હતી. 2021માં તેના પતિએ યુવતી પર વ્યભિચારનો આક્ષેપ કર્યો હતો. સુદાનના વ્હાઈટ નાઈલ સ્ટેટમાંના કોસ્ટી શહેરની એક અદાલતે જૂન-2022માં આ યુવતીને દોષી ઠરાવી હતી.

અદાલતના ચુકાદા સામે યુવતીએ કરેલી અપીલની સુનાવણી હાલ થઈ રહી છે અને અપીલના ચુકાદાની પ્રતિક્ષા કરવામાં આવી રહી છે.

line

માનવાધિકાર જૂથો શું કહે છે?

પથ્થરો મારીને મૃત્યુદંડ આપવાની સજાને પાછી ખેંચી લેવાનું વચન સુદાન સરકારે 2015માં આપ્યું હતું

ઇમેજ સ્રોત, SIHA

સામાજિક વિકાસ મંત્રાલયમાંના મહિલાઓ વિરુદ્ધની હિંસાના વિભાગનાં વડાં સુલેમા ઈશાકે બીબીસીને જણાવ્યું હતું કે, "યુવતી સામેના ખટલાની કાર્યવાહી ક્ષતિયુક્ત હોવાની રજૂઆત મેં પાટનગર ખાર્ટૂમમાંના અધિકારીઓ સમક્ષ વારંવાર કરી છે, પરંતુ સરકારી પ્રધાનોના અભાવે મારો મુદ્દો વર્તમાન શાસકો સુધી પહોંચાડવાનું મુશ્કેલ બની રહ્યું છે."

માનવાધિકાર જૂથો જણાવે છે કે, "તે યુવતી કસ્ટડીમાં હતી ત્યારે તેને સરકારી વકીલની સુવિધા આપવામાં આવી ન હતી અને તે તેના પર શું આરોપ મૂકવામાં આવ્યો છે એ પણ જાણતી નથી."

આફ્રિકન સેન્ટર ફૉર જસ્ટિસ ઍન્ડ પીસ સ્ટડીઝ (એસીજેપીએસ)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મોસાદ મોહમ્મદ અલીએ કહ્યું હતું કે, "પોલીસે કબૂલાતનામા પર યુવતી પાસે બળજબરીથી સહી કરાવી હોવાનું માનવાનાં પૂરતાં કારણો અમારી પાસે છે."

યુવતીના વકીલ ઈન્તિસાર અબ્દાલાએ બીબીસીને જણાવ્યું હતું કે, "અમારી અપીલના અનુસંધાને અદાલત સાચો ફેંસલો કરશે અને યુવતીને મુક્ત કરશે એવી મને આશા છે."

કુરાનમાં અલ્લાહ દ્વારા વ્યાખ્યાઈત ચોરી તથા વ્યભિચાર સહિતના હુદાદ તરીકે ઓળખાતા કેટલાક ગુનાઓમાં સુદાનમાં આજે પણ મૃત્યુદંડની સજા કરવામાં આવે છે.

સુદાનના કાયદા મુજબ, ગુનેગારને કોરડા ફટકારવાની, બન્ને હાથ-પગ કાપી નાખવાની, ફાંસીના માંચડે લટકાવી દેવાની અને પથ્થર મારીને મૃત્યુદંડ જેવી સજા કરવામાં આવે છે.

માનવાધિકાર જૂથોના જણાવ્યા મુજબ, પથ્થરો મારીને મૃત્યુદંડ આપવાની સજાને પાછી ખેંચી લેવાનું વચન સુદાન સરકારે 2015માં આપ્યું હતું, પરંતુ તે વચનનું પાલન અત્યાર સુધી થયું નથી.

સુલેમા ઈશાકે બીબીસીને કહ્યું હતું કે, "સૌથી વધુ રૂઢિચુસ્ત રાજકારણી પણ પથ્થરો મારીને મૃત્યુદંડની સજાનો વિરોધ કરે છે, પરંતુ અહીં પરિસ્થિતિ બદલાતાં તથા તેનો અમલ અદાલતો મારફતે થતાં લાંબો સમય લાગે છે અને આ વિલંબને લીધે સ્ત્રીઓએ સૌથી વધુ સહન કરવું પડે છે."

line

સુદાને અત્યાચાર વિરુદ્ધના સંયુક્ત રાષ્ટ્રસંઘના કરાર પર 2021માં સહી કરી હતી

વ્યભિચાર બદલ પથ્થરો મારીને જેને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી તે મહિલાનું નામ ઈન્તિસાર અલ શેરિફ અબ્દાલ્લા હતું

ઇમેજ સ્રોત, Getty Images

સ્ટ્રેટેજિક ઈનિશિયેટિવ ફૉર વીમેન ઇન ધ હોર્ન ઑફ આફ્રિકા (એસઆઈએચએ)ના રિજનલ ડિરેક્ટર હલા અલ-કરિબે કહ્યું હતું કે, "સુદાનમાં વ્યભિચાર સંબંધી કાયદાઓનો અમલ મહિલાઓ પર વધારે પડતો જ થાય છે."

વ્યભિચાર બદલ પથ્થરો મારીને જેને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી તે મહિલાનું નામ ઈન્તિસાર અલ શેરિફ અબ્દાલ્લા હતું. ઈન્તિસાર અને તેના ચાર માસના સંતાનને, એસઆઈએચએ તથા એમ્નેસ્ટી ઈન્ટરનેશનલની ઝુંબેશને પગલે 2012માં કારાગારમાંથી મુક્ત કરવામાં આવ્યાં હતાં, પરંતુ હાલા અલ-કરિબે જણાવ્યું હતું કે આવા બીજા કેસ પણ હશે, જે ધ્યાનમાં નહીં આવ્યા હોય.

હાલા અલ-કરિબે કહ્યું હતું કે, "દેશમાંના નારીવાદી અને માનવાધિકાર જૂથો પાસે બહુ ઓછા સ્રોત છે. અમારી જાણ બહાર આવા હજ્જારો કિસ્સા હશે."

રાષ્ટ્રપ્રમુખ ઓમર અલ-બશીર વિરુદ્ધના 2019ના બળવા પછી સુદાનમાં વચગાળાની સરકાર શાસન ચલાવી રહી છે. મહિલાઓએ જાહેરમાં કેવાં વસ્ત્રો પહેરવાં જોઈએ તથા તેમનું વર્તન કેવું હોવું જોઈએ એ વિશેના કાયદાને વચગાળાની સરકારે રદ્દ કર્યો હતો.

સુદાનના પત્રકાર ઝૈનાબ મોહમ્મદ સલીહના અહેવાલ મુજબ, શેરીઓમાં પેટ્રોલિંગ કરતી અને ઉપરોક્ત કાયદાનો અમલ કરાવતી મોરાલિટી પોલીસ દેશમાં બળવો થયાને પગલે ફરી સક્રિય બની છે.

બળવા પછી સત્તા પર આવેલા સૈન્યએ બશીરના વફાદારોને પોતાની પડખે લીધા હોવાના અહેવાલ પણ છે.

હાલા અલ-કિરાબે કહ્યું હતું કે, "દેશનું વર્તમાન કાયદાકીય માળખું મહિલાઓ તથા છોકરીઓને સતત ગુનેગાર ઠરાવે છે તેમજ તેમની આધિનતા અને અસમાનતામાં વધારો કરે છે. વચગાળાની સરકાર આ કાયદાકીય માળખામાંના ફેરફારોને અમલી બનાવશે તેવી અમને આશા હતી, પરંતુ એ આશા ઠગારી નીવડી છે."

સુદાને અત્યાચાર વિરુદ્ધના સંયુક્ત રાષ્ટ્રસંઘના કરાર પર 2021માં સહી કરી હતી.

line

યુવતીની મુક્તિ માટે શું કહ્યું લોકોએ?

યુવતી અત્યંત પરંપરાગત, ધાર્મિક અને ખેડૂત પરિવારની સામાન્ય, સાધારણ છોકરી છે

ઇમેજ સ્રોત, EPA

એસીજેપીએસના મોસાદ મોહમ્મદ અલીએ કહ્યું હતું કે, "તે કરારમાં અત્યાચારની વ્યાખ્યામાં વ્યક્તિને ઈરાદાપૂર્વક અને સખત ત્રાસ આપવાનો સમાવેશ થાય છે. કોઈને પથ્થર મારીને મૃત્યુદંડ આપવો તે અત્યાચારનું સૌથી ખરાબ સ્વરૂપ છે."

તે યુવતીની મુક્તિની માગણી કરી રહેલાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્વૈચ્છિક સંગઠનો પણ પથ્થર વડે કોઈને મૃત્યુદંડ આપવાની સજાને "ક્રૂર, અમાનવીય અને અપમાનજનક" ગણાવે છે.

વ્હાઈટ નાઈલ સ્ટેટમાંના કારાગારમાં રાખવામાં આવેલી 20 વર્ષની યુવતીને મળવાની પરવાનગી એકમાત્ર ઈન્તિસાર અબ્દાલાને જ આપવામાં આવી હતી.

ઈન્તિસાર અબ્દાલાએ કહ્યું હતું કે, "એ યુવતીની શારીરિક હાલત તો સારી છે, પરંતુ એ અત્યંત ચિંતિત છે. કોસ્ટી જેવા રૂઢિચુસ્ત સમાજમાં અન્ય મહિલાઓને મદદ કરતી એક મહિલા વકીલ તરીકે આનાથી વધારે હું કશું કહી શકું તેમ નથી."

તેમણે ઉમેર્યું હતું કે, એ યુવતી અત્યંત પરંપરાગત, ધાર્મિક અને ખેડૂત પરિવારની સામાન્ય, સાધારણ છોકરી છે. તેનાં માતા-પિતાએ તેને ત્યજી દીધી નથી.

તેમણે કહ્યું હતું કે, "અમે અપીલ સંબંધે અદાલતના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ અદાલતનો ચુકાદો ક્યારે આવશે તે કોઈ કહી શકે નહીં. પ્રતિક્ષા એકમાત્ર વિકલ્પ છે."

યુવતીની મુક્તિ માટે ઝુંબેશ ચલાવી રહેલા લોકોના કહેવા મુજબ, તેઓ આંતરરાષ્ટ્રીય દબાણને આવકારે છે.

હાલા અલ-કરિબે કહ્યું હતું કે, "અપીલ કોર્ટ યુવતીની તરફેણમાં ચુકાદો નહીં આપે તેવી અમને શંકા છે. આંતરરાષ્ટ્રીય સમુદાય અવાજ ઉઠાવશે અને સુદાન સરકાર પર દબાણ લાવશે ત્યારે જ અમે તે યુવતીને બચાવી શકીશું."

"આંતરરાષ્ટ્રીય સ્તરે અદાલતનો ચુકાદો આઘાતજનક હશે, પરંતુ અમારા માટે એવું નહીં હોય."

બીબીસીએ કોસ્ટી ક્રિમિનલ કોર્ટનો પ્રતિભાવ મેળવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ કોઈ પ્રત્યુત્તર સાંપડ્યો ન હતો.

ન્યાય વિભાગના પ્રધાનનો સત્તાવાર પ્રતિભાવ મેળવવાનું પણ શક્ય નથી, કારણ કે તે પદ ખાલી છે.

સુદાનની લંડનસ્થિત એલચી કચેરીના એક પ્રવક્તાએ કહ્યું હતું કે, "અમે આ કેસથી સંપૂર્ણપણે વાકેફ છીએ અને અમને જાણ છે ત્યાં સુધી આ અદાલતનો આખરી નિર્ણય નથી. અમે આ સંદર્ભે સુદાનમાંના ન્યાય વિભાગના સત્તાવાળાઓ સાથે વાત કરી છે અને તેમના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છીએ."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન