ટ્રમ્પના સમર્થક ચાર્લી કિર્કની ગોળી મારીને હત્યા, ત્રણ હજાર લોકોની હાજરીમાં ગોળીબાર થયો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જૂડ શિરીન અને એના ફાગુય
- પદ, બીબીસી ન્યૂઝ, વૉશિંગ્ટન ડીસી
ઉટામાં એક કાર્યક્રમ દરમિયાન ગોળીબાર થતાં કન્ઝર્વેટિવ ઍક્ટિવિસ્ટ ચાર્લી કિર્કની ગોળી મારીને હત્યા કરાઈ છે.
કિર્કને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગી માનવામાં આવતા હતા. તેઓ અમેરિકાનાં વિવિધ કૅમ્પસમાં ચર્ચા-કાર્યક્રમોનું સંચાલન કરવા માટે જાણીતા હતા.
ટ્રમ્પે લખ્યું, "મહાન અને દિગ્ગજ ચાર્લી કર્ક હવે રહ્યા નથી. અમેરિકાના યુવાનોને ચાર્લી જેટલું કોઈ સમજી શક્યું નથી કે પ્રેમ કરી શક્યું નથી."
એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે કહ્યું છે કે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવાયા બાદ તેને છોડી દેવામાં આવી છે.
અધિકારીઓનું માનવું છે કે ગોળી છત પરથી ચલાવાઈ હતી. બીબીસી વેરિફાઇએ ગોળીબાર પછી ઑનલાઇન પોસ્ટ કરાયેલા એક વીડિયોની તપાસ કરી છે.
બીજા એક વીડિયોમાં જોઈ શકાય છે કે કિર્કને સામૂહિક ગોળીબાર વિશે સવાલ કરવામાં આવી રહ્યો હતો ત્યારે જ ગોળી ચાલી હતી.
યુટા યુનિવર્સિટીના પોલીસ પ્રમુખ જેફ લૉન્ગે કહ્યું કે આ કાર્યક્રમ ખુલ્લામાં યોજાયો હતો, જેમાં 3000 લોકો સામેલ થયા હતા અને છ અધિકારી પણ હતા.
તેમણે કહ્યું કે જે સ્થળે કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો એ સ્થળ આખું ઇમારતોથી ઘેરાયેલું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોણ હતા ચાર્લી કિર્ક?

ઇમેજ સ્રોત, Getty Images
કિર્ક એમેરિકાના હાઈ-પ્રોફાઇલ કન્ઝર્વેટિવ ઍક્ટિવિસ્ટ અને જાણીતી મીડિયા હસ્તી હતા.
કિર્કને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના વિશ્વાસપાત્ર સહયોગી માનવામાં આવતા હતા.
31 વર્ષીય કિર્ક અમેરિકાનાં વિવિધ કૅમ્પસમાં ચર્ચા-કાર્યક્રમોનું સંચાલન કરવા માટે જાણીતા હતા.
2012માં 18 વર્ષની ઉંમરે તેમણે ટર્નિંગ પૉઇન્ટ યુએસએ (TPUSA)ની સહ-સ્થાપના કરી.
આ એક વિદ્યાર્થી સંગઠન છે જેનો ઉદ્દેશ્ય ઉદારવાદી વલણ ધરાવતી અમેરિકન કૉલેજોમાં રૂઢિચુસ્ત આદર્શો ફેલાવવાનો છે.
તેમના સોશિયલ મીડિયા અને પોડકાસ્ટમાં ઘણી વાર તેઓ વિદ્યાર્થીઓ સાથે ટ્રાન્સજેન્ડર ઓળખ, આબોહવા પરિવર્તન, ધર્મ અને કૌટુંબિક મૂલ્યો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરતા હતા.
કૉલેજ છોડીને રાજકારણમાં ઝંપલાવ્યું

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શિકાગોના પ્રોસ્પેક્ટ હાઇટ્સ વિસ્તારમાં પ્રભાવશાળી લોકો રહે છે. કિર્કનો ત્યાં જ ઉછેર થયો હતો. તેમના પિતા એક આર્કિટેક્ટ હતા.
કિર્ક શિકાગો નજીક એક કૉમ્યુનિટી કૉલેજમાં ભણ્યા હતા, પરંતુ રાજકારણમાં પ્રવેશવા માટે તેમણે અભ્યાસ છોડી દીધો.
તેમણે પ્રતિષ્ઠિત યુએસ મિલિટરી અકાદમી વેસ્ટ પૉઇન્ટમાં અરજી કરી, પરંતુ તેમની પસંદગી ન થઈ.
કિર્ક ઘણી વાર વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સાથે પોસ્ટમૉર્ડનિઝમ જેવા ગંભીર વિષયો પર ચર્ચા કરતા હતા અને પોતાની પાસે કૉલેજની ડિગ્રી ન હોવા અંગે મજાક કરતા હતા.
2012માં રાષ્ટ્રપતિ બરાક ઓબામા ફરીથી ચૂંટાયા પછી ટીપીયુએસએ (TPUSA)માં તેઓ વધુ સક્રિય બન્યા.
આ NGOનો ઉદ્દેશ્ય 'ફ્રી ટ્રેડથી લઈને સરકારી સત્તાઓને મર્યાદિત કરવા' સુધીના વિચારોને પ્રોત્સાહન આપવા માટે વિદ્યાર્થીઓને સંગઠિત કરવાનો છે.
હવે આ સંસ્થાની અમેરિકામાં 850થી વધુ કૉલેજોમાં શાખાઓ છે.
કિર્કે દેશભરમાં રિપબ્લિકન પાર્ટીના કાર્યક્રમોમાં ભાષણ આપ્યું છે.
તેમનાં ઘણાં ભાષણો અતિ-રૂઢિચુસ્ત ટી પાર્ટી ચળવળના સભ્યોમાં ખૂબ જ લોકપ્રિય હતાં.
સીબીએસ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે તેમના કન્ઝર્વેટિવ રેડિયો ટૉક શોના સોશિયલ મીડિયા પેજ પર લાખો ફૉલોઅર્સ હતા.
ટ્રમ્પનું સમર્થન

ઇમેજ સ્રોત, Getty Images
કિર્ક એક અસરદાર વક્તા હતા. તેમણે આ વર્ષની શરૂઆતમાં ઑક્સફોર્ડ યુનિયનને સંબોધન કર્યું હતું.
૨૦૨૦માં તેમણે 'ધ મેગા ડૉક્ટ્રીન' નામનું પુસ્તક લખ્યું, જે બેસ્ટસેલર સાબિત થયું. આ પુસ્તક ટ્રમ્પના 'મૅક અમેરિકા ગ્રેટ' અભિયાનનું સમર્થન કરે છે.
ગયા વર્ષની ચૂંટણીમાં ટ્રમ્પ અને અન્ય રિપબ્લિકન ઉમેદવારોના પ્રચારમાં ટીપીયુએસએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
કિર્કે હજારો નવા મતદારોની નોંધણી કરાવવા અને ટ્રમ્પ માટે એરિઝોના રાજ્યને ટ્રમ્પના પક્ષમાં કરવા માટે મદદ કરી હતી.
જાન્યુઆરીમાં વૉશિંગ્ટન ડીસીમાં ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં કિર્કે હાજરી આપી હતી. ટ્રમ્પના બંને કાર્યકાળ દરમિયાન તેઓ વ્હાઇટ હાઉસમાં નિયમિત મહેમાન રહ્યા છે.
બુધવારે, ટ્રમ્પે કિર્કને શ્રદ્ધાંજલિ આપી અને તેમના મૃત્યુની જાહેરાત કરી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના સાથીઓએ કિર્કની રાજકીય સમજદારીની કદર કરતા હતા.
તેમણે રિપબ્લિકન સંમેલનોમાં ભાષણ આપ્યું છે. ગયા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પે એરિઝોનામાં ટર્નિંગ પૉઇન્ટ સંમેલનમાં ભાષણ આપીને આ અહેસાનનું ઋણ ચુકવ્યૂં હતું.
વિવાદિત વિચાર

ઇમેજ સ્રોત, Reuters
આ વર્ષની શરૂઆતમાં તેમણે ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર સાથે ગ્રીનલૅન્ડની યાત્રા કરી હતી.
તે સમયે ટ્રમ્પ દલીલ કરી રહ્યા હતા કે ગ્રીનલૅન્ડ પર અમેરિકાનો કબજો હોવો જોઈએ.
કિર્કનાં લગ્ન ભૂતપૂર્વ મિસ એરિઝોના સાથે થયાં હતાં. તેમને કન્ઝર્વેટિવ રાજકારણનું ભવિષ્ય માનવામાં આવતા હતા, પરંતુ આ સાથે તેમને ધ્રુવીકરણ કરનાર વ્યક્તિ તરીકે પણ જોવામાં આવતા હતા.
રિપબ્લિકન રાજકારણમાં તેમના યોગદાન માટે કદાચ સૌથી મોટી શ્રદ્ધાંજલિ ખુદ ટ્રમ્પ તરફથી મળી હશે.
તે કિર્કના પૉડકાસ્ટમાં શરૂઆતમાં વગાડવામાં આવેલી એક ક્લિપ હતી.
ક્લિપમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ કહે છે, "હું ચાર્લીનો આભાર માનવા માગું છું, તે એક અદ્ભુત વ્યક્તિ છે. તેમણે અત્યાર સુધીનાં સૌથી શક્તિશાળી યુવા સંગઠનોમાંના એકનું નિર્માણ કરવામાં જબરદસ્ત કામ કર્યું છે."
કિર્કે તેમના શો અને પૉડકાસ્ટમાં અનેક રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરી છે.
આમાંનો એક મુદ્દો ગન કંટ્રોલનો પણ હતો.
થોડા મહિના પહેલાં એક ભાષણમાં કિર્કે કહ્યું હતું કે, "દુર્ભાગ્યવશ, દર વર્ષે થોડા બંદૂકથી થનારા મૃત્યુ એ કિંમત ચૂકવવા યોગ્ય છે, જેથી આપણે બંધારણના બીજા સુધારાને લાગુ કરી શકીએ."
તેમના ઘણા વિચારો વિવાદાસ્પદ માનવામાં આવ્યા હતા.
સીબીએસ ન્યૂઝ અનુસાર, કિર્કે કોવિડ રોગચાળા પર શંકા વ્યક્ત કરી હતી, ટ્રાન્સજેન્ડર લોકો વિરુદ્ધ ઝુંબેશ ચલાવી હતી અને 2020ની ચૂંટણી ટ્રમ્પ પાસેથી ચોરી લેવામાં આવી હોવાના ખોટા દાવાને જાહેરમાં પ્રોત્સાહન આપ્યું છે.
સીબીએસ ન્યૂઝ અનુસાર તેમણે 'ગ્રેટ રિપ્લેસમેન્ટ' ષડ્યંત્રના સિદ્ધાંતને પણ ટેકો આપ્યો હતો.
આ સિદ્ધાંત મુજબ, શ્વેત વસ્તીને લઘુમતીઓ સાથે રીપ્લેસ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે.
જોકે, કેટલાક લોકોએ કહ્યું કે કિર્ક પોતાનાથી અલગ-અલગ મંતવ્યોને પણ આદર આપતા હતા અને તેમને પ્રોત્સાહિત કરતા હતા.
ચાર્લી કિર્કના મૃત્યુ બાદ ટ્રમ્પે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
કન્ઝર્વેટિવ ઍક્ટિવિસ્ટ ચાર્લી કિર્કના મૃત્યુ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયો સંદેશ જાહેર કરીને તેને અમેરિકા માટે ખરાબ સમય ગણાવ્યો છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં ટ્રમ્પે કહ્યું કે તેઓ "ચાર્લી કિર્કની ક્રૂર હત્યાથી ખૂબ દુઃખી અને ક્રોધિત છે.''
યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું, "ચાર્લીએ લાખો લોકોને પ્રેરણા આપી અને આજે રાત્રે જે કોઈ તેમને ઓળખતું અને પ્રેમ કરતું હતું તે બધા આઘાત અને ભયમાં છે. ચાર્લી એક સાચા દેશભક્ત હતા, જેમણે પોતાનું જીવન ખુલ્લી ચર્ચા અને પોતાના દેશ અમેરિકા માટે સમર્પિત કર્યું."
તેમણે કહ્યું, "તેઓ સત્ય અને સ્વતંત્રતાના પ્રતીક હતા. યુવાઓમાં ચાર્લી જેટલો આદર કોઈને મળ્યો ન હતો."
ટ્રમ્પે કહ્યું, "અમને એ વાતનો દિલાસો છે કે તેમને સ્વર્ગમાં ભગવાને શાંતિ આપી છે.''
ટ્રમ્પે રાજકીય હિંસાને રોકવાની પણ વાત કરી છે.
તેમણે કહ્યું કે, ''તેમની સરકાર આ ઘટના અને અન્ય રાજકીય હિંસામાં સંડોવાયેલા દરેકને શોધી કાઢશે.''
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












