શ્રીલંકા, બાંગ્લાદેશ બાદ હવે નેપાળ, પડોશમાં લાગેલી આગની અસર ભારતમાં પણ થશે?

બીબીસી ગુજરાતી ભારત નેપાળ સોશિયલ મીડિયા વિરોધ પ્રદર્શન વડા પ્રધાન યુવાન કાઠમંડુ

ઇમેજ સ્રોત, Anadolu via Getty Images

ઇમેજ કૅપ્શન, નેપાળની સેનાએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે
    • લેેખક, ચંદનકુમાર જજવાડે
    • પદ, બીબીસી સંવાદદાતા

નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધના પગલે હિંસક વિરોધપ્રદર્શનો શરૂ થયાં જેના પર ભારતે અત્યાર સુધી સાવધાનીપૂર્વક પ્રતિક્રિયા આપી છે.

ભારતે પોતાના નાગરિકોને પરિસ્થિતિ સ્થિર ન થાય ત્યાં સુધી નેપાળનો પ્રવાસ ન ખેડવાની સલાહ આપી છે.

નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ રાજધાની કાઠમંડુમાં સોમવારે યુવાનોએ વિરોધપ્રદર્શનો શરૂ કર્યાં હતાં.

પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં 20થી વધુ લોકોનાં મોત થયાં છે.

ત્યાર બાદ મંગળવારે પણ બે લોકોનાં મોત થયાં હતાં.

નેપાળ ઘણી ચીજોના પુરવઠા માટે ભારત પર નિર્ભર છે, કારણ કે તે એક ચારે બાજુથી જમીનથી ઘેરાયેલો દેશ છે અને અહીં માલસામાનના સપ્લાયમાં ભારતની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે.

તેવી જ રીતે ભારત માટે પણ નેપાળ મહત્ત્વનો દેશ છે, કારણ કે તે ભારત અને ચીન વચ્ચે 'બફર સ્ટેટ' છે.

ગયા મહિને, ભારત અને ચીન લિપુલેખના રૂટથી ફરી વેપાર શરૂ કરવા સંમત થયા હતા. ત્યાર પછી નેપાળે કહ્યું હતું કે આ વિસ્તાર તેનો અભિન્ન ભાગ છે અને તેના સત્તાવાર નકશામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ત્યાર બાદ શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (એસસીઓ)ની બેઠકમાં નેપાળના તત્કાલીન વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ પણ ચીન સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

કેપી શર્મા ઓલીના શાસનકાળ દરમિયાન ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં ઉષ્માનો અભાવ હતો. જોકે, બંને દેશો વચ્ચે ઐતિહાસિક રીતે ગાઢ સંબંધો રહ્યા છે.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઓલીના શાસન દરમિયાન ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો સારા નહોતા.

આવી સ્થિતિમાં, નેપાળમાં ફરી એક વાર રાજકીય અસ્થિરતા પેદા થાય તો ભારત માટે તે કેટલી મોટી ચિંતાનો વિષય ગણી શકાય?

ભારત માટે કેટલી ચિંતાજનક સ્થિતિ છે?

નેપાળનું ભૌગોલિક સ્થાન ભારત માટે ખાસ મહત્ત્વનું છે. ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ઉતાર-ચઢાવ વચ્ચે ભારત હંમેશાં નેપાળમાં થતી ઘટનાઓ પર નજર રાખે છે.

ઘણા નિષ્ણાતો માને છે કે નેપાળના મધેસી આંદોલનને ભારતના લોકો તરફથી સહાનુભૂતિ અને ટેકો મળ્યો હતો.

મોટા ભાગની મધેસી લોકો ભારતની સરહદ નજીક નેપાળના દક્ષિણ ભાગમાં રહે છે.

નેપાળ એ ભારતનો ત્રીજો પડોશી દેશ છે જ્યાં લોકોના ગુસ્સા સામે દેશના નેતાઓએ નમતું જોખવું પડ્યું છે.

ગયા વર્ષે બાંગ્લાદેશમાં આવી જ ઘટનાઓ બની. ત્યાર પછી તત્કાલીન વડાં પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપીને ભારત આવવું પડ્યું હતું.

લગભગ ત્રણ વર્ષ પહેલાં, શ્રીલંકામાં પણ આવું જ હિંસક આંદોલન થયું હતું અને ત્યાંની સરકાર પડી ભાંગી હતી.

શું દક્ષિણ એશિયાના આ ક્ષેત્રમાં રાજકીય ઊથલપાથલ ભારત માટે ચિંતાનો વિષય છે?

ડેનમાર્ક ખાતે નેપાળના રાજદૂત રહેલા અને કાઠમંડુમાં 'સેન્ટર ફૉર સોશિયલ ઇન્ક્લુઝન ઍન્ડ ફેડરલિઝમ' (CEISF) થિંક ટેન્ક ચલાવતા વિજયકાંત કર્ણ માને છે કે આ પરિસ્થિતિ ભારત માટે ચિંતાનો વિષય છે.

તેઓ કહે છે, "ભારત લોકશાહીનો સમર્થક દેશ છે. તે ઇચ્છે છે કે તેના પડોશમાં લોકશાહી વ્યવસ્થિત રીતે ચાલે, પરંતુ શ્રીલંકા અને પછી બાંગ્લાદેશમાં જે કંઈ થયું તે ભારતના દૃષ્ટિકોણથી યોગ્ય નહોતું. બાંગ્લાદેશ મુદ્દાનો ભારત પર ખાસ પ્રભાવ પડ્યો છે."

નેપાળની હિંસાની ભારત પર અસર

બીબીસી ગુજરાતી ભારત નેપાળ સોશિયલ મીડિયા વિરોધ પ્રદર્શન વડા પ્રધાન યુવાન કાઠમંડુ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નેપાળમાં નેતાઓ અને સરકારી અધિકારીઓ સામે લોકોમાં રોષ છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારત અને નેપાળના સંબંધો ઘણા જૂના છે. નેપાળ ભારતની સાથે માત્ર ભૌગોલિક રીતે નથી જોડાયેલું, પરંતુ તે સામાજિક અને સાંસ્કૃતિક રીતે પણ જોડાયેલ છે.

બંને દેશના લોકો એકબીજાને ત્યાં રોજીરોટી કમાય છે. ભારત-નેપાળના લોકોની આર્થિક પ્રવૃત્તિ સરહદ પાર સાથે જોડાયેલ છે અને તેમની વચ્ચે લગ્નના સંબંધ પણ છે.

આ ઉપરાંત, બંને દેશોની સરહદો વચ્ચે ગામડાં એવી રીતે વસેલાં છે કે કયો વિસ્તાર નેપાળનો ભાગ છે અને કયો ભારતનો ભાગ છે, તે નક્કી કરવું ખૂબ મુશ્કેલ છે.

તો શું નેપાળની હાલની પરિસ્થિતિની ભારત પર અસર પડી શકે છે?

વિજયકાંત કર્ણ કહે છે, "મને ભારત પર આની કોઈ અસર દેખાતી નથી. આ આંદોલનમાં ભારતનો કોઈ વિરોધ નથી. વાસ્તવમાં તે ભ્રષ્ટાચારનો વિરોધ છે અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધે લોકોને ઉશ્કેર્યા છે."

તેઓ કહે છે, "ભવિષ્યમાં નેપાળમાં જે પણ સરકાર સત્તામાં આવશે, તે ભારત સાથે સારા સંબંધો જાળવી રાખશે. પડોશી દેશો નેપાળ માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે."

દક્ષિણ એશિયાની રાજનીતિના નિષ્ણાત અને સાઉથ એશિયન યુનિવર્સિટીના સહયોગી પ્રોફેસર ધનંજય ત્રિપાઠી પણ આ સાથે સહમત હોય તેવું લાગે છે.

તેઓ કહે છે, "ભારતના પડોશમાં સર્જાયેલી આ અશાંતિ ભારત માટે ચિંતાનો વિષય છે. નેપાળમાં ભારતનું મોટું રોકાણ પણ છે. તેમણે નેપાળમાં રહેતા ભારતીયોનું પણ ધ્યાન રાખવું પડશે, પરંતુ તેની ભારત પર કોઈ અસર થતી હોય તેવું લાગતું નથી. ત્યાંના યુવાનોમાં ગુસ્સો છે અને ભારતે એ ધ્યાનમાં રાખવું પડશે કે ભારત ત્યાંના નેતાઓને બચાવે છે તેવો મૅસેજ ન જાય."

નેપાળની કેવી હાલત છે?

બીબીસી ગુજરાતી ભારત નેપાળ સોશિયલ મીડિયા વિરોધ પ્રદર્શન વડા પ્રધાન યુવાન કાઠમંડુ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નેપાળમાં રોજગારીથી લઈને કાયદો અને વ્યવસ્થા સુધીના પ્રશ્નો છે

વિજયકાંત કર્ણ કહે છે કે "લોકો પાસે રોજગારી નથી, નોકરી નથી. ખેડૂતોને ફર્ટિલાઇઝર નથી મળતું, સિંચાઈ માટે પાણી નથી મળતું. દેશમાં કાયદો અને વ્યવસ્થા નથી."

"પોતાના ફાયદા માટે નેતાઓ કાયદા બદલી નાખે છે. તેમની જિંદગી સાવ બદલાઈ ગઈ છે. તેમની પાસે આલીશાન ઘર છે, બાળકો વિદેશમાં ભણે છે, પરંતુ સામાન્ય લોકોનું જીવન નથી બદલાયું અને તેનો વિરોધ થાય છે."

નેપાળમાં આ વર્ષે માર્ચ મહિનામાં રાજાશાહીના ટેકામાં દેખાવો થયા હતા.

નેપાળના અર્થતંત્ર અને વહીવટીતંત્રની ખરાબ હાલતના કારણે યુવાનો બહેતર જીવન અને રોજગારીની શોધમાં સતત બીજા દેશોમાં જઈ રહ્યા છે.

વિજયકાંત કર્ણ જે અવ્યવસ્થાનો ઉલ્લેખ કરે છે, તેને જ મુદ્દો બનાવીને રાજાશાહીના સમર્થકો ફરીથી રાજાશાહી લાવવા અને દેશને હિંદુ રાષ્ટ્ર બનાવવા પ્રદર્શન કરી રહ્યા છે.

પરંતુ આ વખતનાં પ્રદર્શન ઘણા ઉગ્ર અને હિંસક રહ્યાં છે. વિરોધપ્રદર્શનના બીજા જ દિવસે વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે.

નેપાળના રાષ્ટ્રપતિ સહિત ઘણા લોકોએ યુવાનો અને નેપાળના નાગરિકોને શાંતિ જાળવવા અપીલ કરી છે, પરંતુ યુવાનોમાં આક્રોશના સતત સમાચાર મળી રહ્યા છે.

પ્રોફેસર ધનંજય ત્રિપાઠી માને છે કે "ભારતે નેપાળના મુદ્દે સંવેદનશીલ બનવું પડશે. ત્યાંની હાલની સ્થિતિની ભારત પર તાત્કાલિક કોઈ અસર નહીં થાય. ભારતે માત્ર એ દેખાડવાનું રહેશે કે તે જનતાની વાત સાથે સહમત છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન