આજથી જીએસટીના નવા દરો લાગુ, કઈ-કઈ ચીજવસ્તુઓ સસ્તી થશે?

સોમવારથી જીએસટીના નવા દર લાગુ, કઈ વસ્તુઓ સસ્તી થશે, 5 અને 18 ટકાના નવા દર, 12 અને 28 ટકાના દર નાબૂદ, નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સોમવારથી ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સના (જીએસટી) નવા દર લાગુ થઈ જશે, જેના કારણે જીવનજરૂરિયાતની અનેક ચીજવસ્તુઓ અને સેવાઓ સસ્તી થઈ જશે.

આ પહેલાં રવિવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે 'સોમવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે અને સામાન્ય નાગરિકો તેમજ નિયો મિડલ ક્લાસ માટે જીએસટી બચત મહોત્સવ શરૂ થઈ રહ્યો છે.'

પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદીએ સ્વદેશી ઉત્પાદનો, આત્મનિર્ભરતા અને મૅડ ઇન ઇન્ડિયા ઉપર ભાર મૂક્યો હતો.

કેટલાક દ્વારા દેશમાં દિવાળી અને તહેવારોની ખરીદી પહેલાં જીએસટી દરમાં ઘટાડાને અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા લાદવામાં આવેલાં ટેરિફને કારણે ભારતના અર્થતંત્રને થનારી માઠી અસરના તોડ તરીકે જોવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જીએસટી કાઉન્સિલમાં 12 ટકા અને 28 ટકાના બે સ્લૅબને નાબૂદ કરવાની અને 5 ટકા અને 18 ટકાના બે દરને મંજૂરી આપવામાં આવી હતી.

GST ઘટ્યા પછી કઈ વસ્તુઓ સસ્તી થશે

સોમવારથી જીએસટીના નવા દર લાગુ, કઈ વસ્તુઓ સસ્તી થશે, 5 અને 18 ટકાના નવા દર, 12 અને 28 ટકાના દર નાબૂદ, નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લાંબી અને લક્ઝરી ગાડીઓ પરનો ટૅક્સ વધશે (પ્રતીકાત્મક તસવીર)

જીએસટીના દર ઘટવાને કારણે હૅર ઑઇલ, શૅમ્પૂ, ટૂથપેસ્ટ, ટૉઇલેટ સોપ બાર, ટૂથબ્રશ, શેવિંગ ક્રીમ, બટર, ઘી, ચીઝ, સ્પ્રેડ ચીઝ સહિતનાં ડેરી ઉત્પાદનો સસ્તાં થશે.

આ સિવાય પૅકેજ્ડ નમકીન, ભુજિયા મિક્સચર, વાસણ, બાળકોની દૂધ પીવાની બૉટલ, નૅપ્કિન અને ડાયપર, સિલાઈ મશીન અને તેના પાર્ટ્સના ભાવો ઘટશે.

ઉલ્લેખનીય છેકે દેશની સૌથી મોટી દૂધ અને ડેરી ઉત્પાદક મંડળીએ તેના ઉત્પાદનોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. એ સિવાય રેલવે નીરે પણ પાણીની બોટલના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે.

અગાઉ ઉપરોક્ત ચીજવસ્તુઓ ઉપર 12 ટકા જીએસટી લાગતો હતો, જે હવે ઘટીને પાંચ ટકા થઈ જશે.

નકશો, ચાર્ટ, ગ્લોબ, પેન્સિલ, શાર્પનર, કલર્સ, બુક અને નોટબુક, ઇરેઝર જેવી બાળકોનાં ભણતરની ચીજવસ્તુઓ ઉપર શૂન્ય ટકા જીએસટી લાગશે.

અગાઉ ટ્રૅક્ટરનાં ટાયર અને તેના પાર્ટ્સ ઉપર 18 ટકાના દરથી જીએસટી લાગતો હતો, જેને ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવ્યો છે.

આ સિવાય ટ્રૅક્ટર, બાયૉ-કીટનાશક, માઇક્રો ન્યુટ્રિએન્ટ્સ, ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ અને સ્પ્રિંકલર ઉપર 12 ટકા જીએસટી લાગતો હતો, જે ઘટીને પાંચ ટકાનો સ્લૅબ લાગુ કરવામાં આવ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'આ સુધારાને કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓ સસ્તી થશે. હવે તેના પર 5 ટકા અને 18 ટકા ટૅક્સ જ લાગશે. તે પૈકી 99 ટકા ચીજવસ્તુઓ પર ક્યાં તો શૂન્ય ટકા અથવા તો પાંચ ટકા ટૅક્સ લાગશે.'

જોકે, ઘટાડો ગ્રાહકો સુધી ક્યારે પહોંચશે અને અર્થતંત્ર ઉપર તેની ક્યારથી અસર જોવા મળશે, તેના વિશે ચર્ચાઓ ચાલી રહી છે.

વ્હાઇટ ગુડ્સ ઉપરનો ટૅક્સ ઘટાડાયો

સોમવારથી જીએસટીના નવા દર લાગુ, કઈ વસ્તુઓ સસ્તી થશે, 5 અને 18 ટકાના નવા દર, 12 અને 28 ટકાના દર નાબૂદ, નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડીશ વૉશિંગ મશીન જેવા સાધનોની ગણતરી વ્હાઇટ ગુડ્સ તરીકે થાય છે

ભારતીય પરિવારોમાં સામાન્ય રીતે અષાઢી બીજ, ઉત્તરાયણ, અખાત્રીજ, નવરાત્રિ, દશેરા અને દિવાળી દરમિયાન ટીવી, મોબાઇલ, સાઉન્ડ સિસ્ટમ જેવા વ્હાઇટ ગુડ્સ તથા ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલર ખરીદવાનું ચલણ જોવા મળે છે.

ત્યારે વાસણ ધોવાનાં મશીનો, એસી અને મોટરથી ચાલતા પંખા, ટીવી, મૉનિટર, પ્રોજેક્ટર અને સેટ-ટૉપ બૉક્સ જેવા સામાનને 28 ટકાના ટૅક્સના સ્લૅબમાંથી ઘટાડીને 18 ટકાના દરમાં મૂકવામાં આવ્યા છે.

અગાઉ આરોગ્ય અને જીવન વીમા પ્રિમિયમ ઉપર 18 ટકા જીએસટી લાગતો હતો, જેને ઘટાડીને શૂન્ય ટકા કરી દેવામાં આવ્યો છે.

આ સિવાય થર્મૉમીટર, મેડિકલ ગ્રેડ ઑક્સિજન, ડાયગ્નોસ્ટિક કીટ, ગ્લુકૉમીટર, ટેસ્ટ સ્ટ્રીપ્સ ઉપર પાંચ ટકા જીએસટી લાગશે.

'સીન ગુડ્સ' તરીકે વર્ગીકૃત થતાં પાનમસાલા, સિગારેટ, કેફિનયુક્ત પેચ ઉપરાંત ઍરેટેડ વૉટરને 40 ટકા સ્લૅબમાં મૂકવામાં આવ્યા છે.

મોટી સાઇઠની લક્ઝરી ગાડીઓ, યૉટ, હાઇ-ઍન્ડ મોટરસાઇકલ અને પ્રાઇવેટ પ્લેન્સ ઉપર 40 ટકા જીએસટી લાગશે.

GST ઘટાડા પર પીએમ મોદીએ શું કહ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઑગસ્ટે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું, ત્યારે જીએસટીના દરોમાં ઘટાડાના અણસાર આપ્યા હતા

ઇમેજ સ્રોત, Getty

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઑગસ્ટે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું, ત્યારે જીએસટીના દરોમાં ઘટાડાના અણસાર આપ્યા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રવિવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેની જાહેરાત સવારના ભાગમાં થઈ હતી.

શનિવારે ટ્રમ્પ સરકાર દ્વારા H1B વિઝા ઉપર મોટાપાયે નિયંત્રણ લાદવામાં આવ્યા હતા, જેની અસર સૌથી વધુ ભારતીયોને થવાની હતી, કારણ કે આ વિઝાવ્યવસ્થાનો લાભ લેનારા 72 ટકા ભારતીય છે.

એથી એવું માનવામાં આવતું હતું કે મોદી આ મુદ્દે, સોમવારથી શરૂ થતી નવરાત્રિ અથવા જીએસટી ઘટાડા ઉપર બોલશે. જોકે, વડા પ્રધાને પોતાનું ભાષણ જીએસટીના ઘટાડા ઉપર જ કેન્દ્રિત રાખ્યું હતું.

વડા પ્રધાન મોદીએ કહ્યું, "નવરાત્રિના પહેલા દિવસથી દેશમાં આવનારી પેઢીના જીએસટી સુધારા લાગુ થઈ જશે. એક પ્રકારે દેશમાં જીએસટી બચત ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. આ જીએસટી બચત ઉત્સવમાં તમારી બચત વધશે અને તમે તમારી મનપસંદ ચીજોને વધુ સરળતાથી ખરીદી શકશો."

પીએમ મોદીએ કહ્યું, "અમારા દેશના ગરીબ, મધ્યમવર્ગીય લોકો, ન્યૂ મિડલ ક્લાસ, યુવા, ખેડૂત, મહિલાઓ, દુકાનદાર, ઉદ્યમી... તમામને આ બચત ઉત્સવથી ઘણો ફાયદો થશે."

મોદીએ કહ્યું હતું કે ઇન્કમટૅક્સની મર્યાદા વધારવાને કારણે જો દેશના મધ્યમવર્ગને લાભ થયો હતો, તો જીએસટીના દરોમાં ઘટાડાને કારણે તાજેતરમાં ગરીબીમાંથી બહાર નીકળેલા 25 કરોડ લોકોના નિયો મિડલ ક્લાસને લાભ થશે.

ઘટાડાની પૃષ્ઠભૂમિ

સોમવારથી જીએસટીના નવા દર લાગુ, કઈ વસ્તુઓ સસ્તી થશે, 5 અને 18 ટકાના નવા દર, 12 અને 28 ટકાના દર નાબૂદ, નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, નાણા મંત્રી નિર્મલા સીતારમણની ફાઇલ તસવીર

જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં જીએસટી દરોને ઘટાડવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. તા. ત્રીજી સપ્ટેમ્બરે બેઠક બાદ જાહેરાત કરવામાં આવી હતી કે નવા દર તા. 22 સપ્ટેમ્બરથી લાગુ થશે.

કાઉન્સિલની બેઠકમાં 12 ટકા અને 28 ટકાના સ્લૅબને નાબૂદ કરવાના નિર્ણય ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

તેના સ્થાને આ બેઠકમાં જીએસટી સ્લૅબના દરને ઘટાડીને પાંચ ટકા અને 18 ટકા સુધી મર્યાદિત કરી દેવાયા હતા.

આ સિવાય જીવનજરૂરિયાતની કેટલીક ચીજવસ્તુઓ પર લાગતો જીએસટી નાબૂદ કરી દેવામાં આવ્યો હતો.

સરકારી અનુમાન પ્રમાણે આ ઘટાડાને કારણે સરકારને અંદાજે રૂ. 93 હજાર કરોડની આવક ગુમાવવી પડશે. તેના સામે 40 ટકાના ઉચ્ચતમ દરમાંથી રૂ. 45 હજાર કરોડની વધારાની આવક થશે, એવું અનુમાન મૂકવામાં આવ્યું છે.

રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જીએસટીમાં દર ઘટાડાને કારણે નાગરિકોને રૂ. અઢી લાખ કરોડની બચત થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન