'પ્રાઇવેટ પાર્ટ પકડવો રેપ નહીં', અદાલતોની આવી ટિપ્પણીઓ ઉપર સુપ્રીમ કોર્ટનું કડક વલણ

દેશની સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે જાતીય ગુનાના કેસોમાં કોર્ટેની અસંવેદનશીલ ટિપ્પણીઓને કારણે પરિવાર તથા સમગ્ર સમાજની ઉપર "ભય પેદા કરનારી અસર" ઊભી થઈ શકે છે.
જોકે, હાઇકોર્ટની અમુક ટિપ્પણીઓએ મહિલાઓની ગરિમાને આઘાત પહોંચાડ્યો છે.
ક્યારેક કહેવામાં આવ્યું હતું કે 'સ્કિન-ટૂ-સ્કિન' કૉન્ટેક્ટ વગર જાતીય સતામણી ન થઈ શકે, તો ક્યારેક સગીરાઓને પોતાની 'ઇચ્છાઓ ઉપર સંયમ' રાખવાની સલાહ આપવા જેવી ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી.
એક ચુકાદામાં મહિલા માટે 'ગેરકાયદેસર પત્ની' તથા 'વફાદાર માલકણ' જેવા શબ્દપ્રયોગ પણ થયા.
આવી ટિપ્પણીઓ વિશે સુપ્રીમ કોર્ટે અનેક વખત કડક વલણ અપનાવ્યું છે.
કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે મહિલાઓની ગરિમા સાથે કોઈ બાંધછોડ ન થઈ શકે. ભાષા અને ન્યાય, બંને સંવેદનશીલ હોવા જોઈએ.
'પ્રાઇવેટ પાર્ટ પકડવો રેપ નહીં...'

ઇમેજ સ્રોત, Getty Images
અલાહાબાદ હાઇકોર્ટે તા. 17 માર્ચ 2025ના રેપના પ્રયાસ સંબંધિત એક કેસમાં ચુકાદો સંભળાવ્યો હતો. હાઇકોર્ટનું કહેવું હતું કે સગીરાનાં સ્તન પકડવાં, તેના પાયજામાનું નાડું તોડવું તથા કપડાં ઉતારવાનો પ્રયાસ કરવો, એ બળાત્કારની કોશિશ થઈ, એવું સાબિત કરવા માટે પૂરતું નથી.
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઉચ્ચ અદાલતે આરોપીઓ વિરુદ્ધ ઓછી ગંભીર પ્રકારની કલમો લગાડવા માટે પણ કહ્યું હતું.
હાઇકોર્ટના આ ચુકાદાનો કાયદાકીય નિષ્ણાતો, રાજકારણીઓ તથા અલગ-અલગ ક્ષેત્રોના નિષ્ણાતોએ વિરોધ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે તા. આઠમી ડિસેમ્બરે આ ચુકાદાનું સ્વતઃ સંજ્ઞાન લીધું હતું અને સુનાવણી કરી હતી.
ઉચ્ચતમ અદાલતે કહ્યું હતું કે જાતીયશોષણના કેસોમાં નીચલી અદાલતોની સંવેદનહિન ટિપ્પણીઓ પીડિત, તેમના પરિવાર તથા સમગ્ર સમાજ ઉપર "ભય પેદા કરનારી અસર" ઊભી કરી શકે છે.
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તે નીચલી અદાલતો માટે વ્યાપક દિશાનિર્દેશ બહાર પાડવા અંગે વિચાર કરી શકે છે.
દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત તથા જસ્ટિસ જૉયમાલ્યા બાગચીની ખંડપીઠે કહ્યું, "અમે દિશાનિર્દેશ બહાર પાડવા અંગે વિચાર કરી શકીએ છીએ. આવી ટિપ્પણીઓ પીડિતો અને તેમના પરિવારોને ફરિયાદ પરત ખેંચવા માટે મજબૂર કરી શકે છે અને તેના કારણે સમાજમાં પણ ખોટો સંદેશ જાય છે."
સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ શોભા ગુપ્તા તથા અન્ય વકીલોએ કહ્યું કે તાજેતરના દિવસોમાં અનેક ઉચ્ચ અદાલતોએ જાતીય શોષણના કેસોમાં આવી મૌખિક અને લેખિત ટિપ્પણીઓ કરી છે.
ખંડપીઠે એવું પણ કહ્યું હતું કે અલ્લાહબાદ હાઇકોર્ટના આદેશને રદ્દ કરશે તથા કેસની ટ્રાયલ ચાલુ રહેવા દેવાશે.
'જાતીય ઇચ્છાઓ ઉપર સંયમ રાખવો જોઈએ'

ઇમેજ સ્રોત, Getty Images
ઑગસ્ટ-2024માં સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઇકોર્ટને કડક સલાહ આપતા કહ્યું હતું કે સગીર સંબંધિત જાતીય અપરાધો માટે અદાલતોએ અસંવેદનશીલ ટિપ્પણીઓ ન કરવી જોઈએ.
ઉચ્ચતમ અદાલતનું કહેવું હતું કે હાઇકોર્ટે આ પ્રકારની વાતો કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી પીડિતો અને સમાજની ઉપર ખરાબ અસર પડે છે.
સુપ્રીમ કોર્ટે બે જજોની બેન્ચે સ્પષ્ટ કહ્યું હતું કે પૉક્સો કાયદામાં 'પરસ્પર સહમતિ' જેવી કોઈ છૂટ નથી અથવા સગીરની સહમતિનો દાવો પણ ગુનાને રદબાતલ ન થઈ શકે.
સર્વોચ્ચ અદાલતે કલકત્તા હાઇકોર્ટના ચુકાદાને પણ રદ્દ કરી દીધો હતો. ઉચ્ચ અદાલતે એક વ્યક્તિને રેપ તથા અપહરણ જેવા ગંભીર આરોપોમાંથી મુક્ત કરી દેવામાં આવી હતી.
નીચલી અદાલતે આઈપીસી (ઇન્ડિયન પીનલ કોડ) તથા પૉક્સોની (પ્રૉટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ ઍક્ટ) કલમ છ હેઠળ 20 વર્ષની સજા આપી હતી.
હાઇકોર્ટે પોતાના ચુકાદામાં સગીરાઓનાં જાતીય આચરણ વિશે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે "છોકરીઓએ પોતાની જાતીય ઇચ્છાઓ ઉપર સંયમ રાખવો જોઈએ."
સર્વોચ્ચ અદાલતે આ ટિપ્પણીને વાંધાજનક અને ખોટી ગણાવી હતી.
કોર્ટે નિર્દેશ કર્યો હતો કે ભવિષ્યમાં આ પ્રકારના કેસમાં ચુકાદો લખતી વેળાએ યોગ્ય ભાષા માટે દિશાનિર્દેશ તૈયાર કરવામાં આવે અને પુનર્વાસ પ્રક્રિયામાં મદદ કરવા માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવવામાં આવે.
આ કેસ વર્ષ 2018માં શરૂ થયો હતો, પશ્ચિમ બંગાળમાં 14 વર્ષીય સગીરા ગુમ થઈ ગઈ હતી. એ પછી માલૂમ પડ્યું હતું કે એ સગીરા 25 વર્ષીય યુવક સાથે રહેતી હતી.
કિશોરીનાં માતાએ અપહરણ અને રેપનો કેસ દાખલ કરાવ્યો હતો. વર્ષ 2023માં હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે સગીરા પોતાની ઇચ્છાથી યુવક સાથે ગઈ હતી.
'ગેરકાયદેસર પત્ની' અને 'વફાદાર માલકણ'

ઇમેજ સ્રોત, Getty Images
ફેબ્રુઆરી-2025માં સુપ્રીમ કોર્ટે બૉમ્બે હાઇકોર્ટના આ ચુકાદાની કડક શબ્દોમાં ટીકા કરી હતી. વર્ષ 2004માં બૉમ્બે હાઇકોર્ટે 'ભાઉસાહેબ વિરુદ્ધ લીલાબાઈ' કેસમાં વળતરનો આદેશ આપવાનો ઇન્કાર કરતા, બીજાં પત્નીને 'ગેરકાયદેસર પત્ની' તથા 'વફાદાર માલકણ' જેવા અપમાનજનક તથા મહિલાવિરોધી શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
લાઇવ લૉના અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે આ પ્રકારની ભાષા ન કેવળ અસંવેદનશીલ છે, પરંતુ તે સંબંધિત મહિલાના બંધારણીય અધિકારોનો પણ ભંગ કરે છે.
સર્વોચ્ચ અદાલતે યાદ અપાવ્યું હતું કે ભારતીય બંધારણ મુજબ, અનુચ્છેદ 21 હેઠળ દરેક વ્યક્તિને ગરિમાપૂર્વક જીવવાનો અધિકાર છે અને કોઈ પણ મહિલા માટે આવા શબ્દોથી સંબંધિત કરવાથી તેની ગરિમાને આઘાત પહોંચે છે.
સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે હાઇકોર્ટની ફૂલ બેન્ચના ચુકાદામાં આ પ્રકારની ભાષા વાપરવામાં આવી, તે ખૂબ જ દુઃખદાયક છે.
સુપ્રીમ કોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે વૈવાહિક વિવાદોમાં પુરુષોને માટે ક્યારેય આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં નથી આવતો, પરંતુ મહિલાઓના કિસ્સામાં આવું જોવામાં આવે છે.
લગ્ન ગેરકાયદેસર જાહેર થાય, તો પણ હિંદુ મૅરેજ ઍક્ટ, 1955ની કલમ 25 હેઠળ કોઈપણ પુરુષ કે સ્ત્રીને કાયમી ભરણપોષણ મળી શકે કે કેમ? તેના વિશે ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી.
સર્વોચ્ચ અદાલતે 'હૅન્ડબૂક ઑન કૉમ્બેટિંગ જૅન્ડર સ્ટિરિયોટાઇપ્સ' બહાર પાડી હતી, જેમાં અદાલતો, જજો તથા વકીલોને મહિલાવિરોધી ભાષાનો ઉપયોગ ન કરવા માટે જણાવવામાં આવ્યું હતું.
મહિલાઓ સાથે અજાણતા પણ ભેદભાવ ન થાય, તે માટે આ પ્રકારના કેસોમાં કેવા પ્રકારની ભાષા વાપરવી જોઈએ, તેના વિશે પણ હૅન્ડબુકમાં જણાવવામાં આવ્યું હતું.
'મહિલાએ જાતે મુસીબત નોતરી હતી'

તા. 10 એપ્રિલના અલાહાબાદ હાઇકોર્ટે રેપ સંબંધિત એક ટિપ્પણી કરી હતી, જેની ઉપર વિવાદ થયો હતો.
ઉચ્ચ અદાલતે આરોપીને જામીન આપતી વેળાએ કહ્યું હતું કે મહિલાએ જાતે જ મુસીબતને નોતરી હતી. તેની સાથે જે કંઈ થયું, તેના માટે તે પોતે જ જવાબદાર છે.
સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ બીઆર ગવઈ તથા એજી મસીહની બેન્ચે હાઇકોર્ટના આ ચુકાદા અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને સતર્ક રહેવા તાકીદ પણ કરી હતી.
જસ્ટિસ ગવઈએ કહ્યું હતું, "...જામીન આપી શકાય.....પરંતુ તેણે જાતે મુશ્કેલી નોતરી હતી....આ તે કેવી ચર્ચા છે? આવી વાતો કરતી વેળાએ ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ. વિશેષ કરીને આપણા તરફથી (જજો). ક્યાંય એક પણ શબ્દ આઘો-પાછો થયો તો..."
જસ્ટિસ સંજયકુમારે અલ્લાહબાદ હાઇકોર્ટના આ કેસની સુનાવણી કરી હતી. ઉત્તર પ્રદેશની એમએની વિદ્યાર્થિનીએ પોતાના પુરુષમિત્ર ઉપર બળાત્કારનો આરોપ મૂક્યો હતો.
સપ્ટેમ્બર-2024ના આ કેસમાં જસ્ટિસ સંજયકુમારે આ કેસમાં આરોપીની અરજી ઉપર સુનાવણી કરી હતી અને જામીન આપ્યા હતા.
કાયદાકીય બાબતોના સમાચાર પ્રકાશિત કરતા પૉર્ટલ 'બાર ઍન્ડ બેન્ચ'ના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર-2024માં વિદ્યાર્થિની તેનાં ત્રણ મહિલામિત્રો સાથે દિલ્હીના એક બારમાં આવી હતી. જ્યાં કેટલાક પુરુષો સાથે તેમની ઓળખાણ થઈ હતી, જેમાં આરોપીનો પણ સમાવેશ થતો હતો.
વિદ્યાર્થિનીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણી શરાબની અસર હેઠળ હતી અને આરોપી તેની નજીક આવી રહ્યો હતો. એ લોકો સવારે ત્રણ વાગ્યા સુધી બારમાં હતાં અને આરોપીએ વારંવાર વિદ્યાર્થિનીને પોતાની સાથે આવવા માટે આગ્રહ કર્યો.
વારંવારના આગ્રહને કારણે વિદ્યાર્થિની આરોપીના ઘરે જવા માટે તૈયાર થઈ ગઈ, પરંતુ આરોપી તેને પોતાના ઘરે નોઇડા લઈ જવાને બદલે, પોતાના સંબંધીના ઘરે લઈ ગયો.
છોકરીના કહેવા પ્રમાણે, ત્યાં યુવકે તેની સાથે રેપ કર્યો. વિદ્યાર્થિનીની ફરિયાદને આધારે પોલીસે એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરી, જેના કારણે આરોપીની ડિસેમ્બર-2024માં ધરપકડ કરવામાં આવી.
આરોપીએ પોતાની જામીન અરજીમાં કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે એ સમયે મહિલાને સધિયારાની જરૂર હતી અને તે જાતે જ આવવા માટે તૈયાર થઈ હતી. આરોપીએ બળાત્કારના આરોપોને નકાર્યા હતા અને કહ્યું હતું કે તેમની વચ્ચે પરસ્પરની સહમતિથી જાતીયસંબંધ બંધાયા હતા.
જામીન અરજી અંગે સુનાવણી કરતી વેળાએ કોર્ટે કહ્યું, "કોર્ટ માને છે કે જો પીડિતાના આરોપોને ખરા માની લેવામાં આવે તો એવો નિષ્કર્ષ કાઢી શકાય કે મહિલાએ જાતે જ મુસીબત નોતરી હતી અને આ ઘટના માટે તે પોતે જ જવાબદાર છે."
"મહિલાએ પોતાનાં નિવેદનમાં પણ કંઈક આવી જ વાતો કહી હતી. તબીબી તપાસ માટે ડૉક્ટરે જાતીયહુમલા અંગે કોઈ વાત નહોતી કહી."
જસ્ટિસ સંજયકુમારે એમ પણ કહ્યું હતું કે મહિલા પોસ્ટ-ગ્રૅજ્યુએટ છે તથા તેને પોતાનાં કૃત્યની નૈતિકતા તથા તેનું મહત્ત્વ સમજવા માટે સક્ષમ છે.
તેમના જણાવ્યા પ્રમાણે, "તમામ તથ્ય તથા પરિસ્થિતિને ધ્યાને લેતા, સાથે જ ગુનાની પ્રકૃત્તિ, પુરાવા, બંને પક્ષોનાં નિવેદનને ધ્યાને લેતા, મને લાગે છે કે અરજકર્તાને જામીન મેળવવાનો હક છે. એટલે જામીન આપવાની મંજૂરી આપવામાં આવે છે."
'સ્કિન-ટૂ-સ્કિન' સંપર્ક નથી થયો

બૉમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચના વિવાદાસ્પદ ચુકાદા ઉપર સર્વોચ્ચ અદાલતે સ્ટે મૂક્યો હતો. હાઇકોર્ટનું કહેવું હતું કે કપડાં ઉતાર્યાં વગર સ્તનો સાથે છેડછાડ પૉક્સોના કાયદા હેઠળ જાતીય સતામણી નથી.
લાઇવ લૉના રિપોર્ટ મુજબ, 39 વર્ષની વ્યક્તિને 12 વર્ષની છોકરીના જાતીય શોષણના કેસમાં દોષિત ઠેરવવામાં આવી હતી, પરંતુ અદાલતે દોષિતને 354ની કલમ હેઠળ માત્ર એક વર્ષની સજા સંભળાવી હતી.
અદાલતનું કહેવું હતું કે આ કેસમાં 'સ્કિન-ટૂ-સ્કિન' સંપર્ક નથી થયો, એટલે તે (તત્કાલીન) આઈપીસી (ઇન્ડિયન પીનલ કોડ, ભારતીય દંડ સંહિતા) હેઠળ ગુનો છે.
સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે પૉક્સો કાયદા હેઠળ 'સ્કિન-ટૂ-સ્કિન' કૉન્ટેક્ટ ન થયો હોય તો પણ તે ગુનો છે.
સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે બૉમ્બે હાઇકોર્ટે પૉક્સોના કાયદાને ખૂબ જ સંકીર્ણ રીતે સમજ્યો છે. અદાલતનું કહેવું હતું કે આ કાયદાનો હેતુ બાળકોનો જાતીય શોષણથી બચાવ કરવાનો છે. એટલે જો જાતીય સંબંધના ઇરાદાથી શારીરિક સંપર્ક કરવામાં આવ્યો હોય, તો તે પૉક્સો હેઠળનો ગુનો છે. તથા તેમાં 'સ્કિન-ટૂ-સ્કિન' કૉન્ટેક્ટની કોઈ પૂર્વશરત નથી.
ઍટર્ની જનરલ કેકે વેણુગોપાલે બૉમ્બે હાઇકોર્ટના આ ચુકાદાનો વિરોધ કરતા કહ્યું હતું કે જો આ વ્યાખ્યાને સ્વીકારી લેવામાં આવે, તો કોઈપણ વ્યક્તિ મોજાં પહેરીને બાળકોનું જાતીયશોષણ કરીને છટકી જઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન








