'હૉસ્ટેલમાં અમારી પાસે ફરજિયાત પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવાય છે' - આદિવાસી વિદ્યાર્થિનીઓના આરોપોથી ખળભળાટ

વિદ્યાર્થિની, આદિવાસી, પ્રેગ્નેન્સી ટેસ્ટ, યુપીટી ટેસ્ટ, મહિલા સુરક્ષા, મહિલાઓ, મહારાષ્ટ્ર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પૂણે જીલ્લાની એક આદિવાસી સરકારી હૉસ્ટેલમાં રહીને કૉલેજમાં અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેઓ વૅકેશનમાંથી ઘરેથી હૉસ્ટેલ પરત ફરે ત્યારે તેમના પ્રેગ્નન્સી ટેસ્ટ કરવામાં આવે છે.
    • લેેખક, દિપાલી જગતાપ
    • પદ, બીબીસી સંવાદદાતા

"અમારી ફરિયાદ એ છે કે, અમને UPT ટેસ્ટ (યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ) કરાવવાની ફરજ પાડવામાં આવે છે. અમે ગામમાં જઈએ છીએ, તેનો અર્થ એ નથી કે, ત્યાં અમે કશુંક ખોટું કરીએ છીએ. શા માટે અમારે આ ટેસ્ટ કરવો પડે છે? હું જ્યારથી FWમાં આવી છું, ત્યારથી મેડમ કહે છે કે, જો અમે આ ટેસ્ટ નહીં કરીએ, તો અમને હૉસ્ટેલમાં રહેવા નહીં દેવાય."

આ શબ્દો છે પુણે જીલ્લાની એક આદિવાસી સરકારી હૉસ્ટેલમાં રહીને કૉલેજમાં અભ્યાસ કરી રહેલાં સ્નેહા (નામ બદલ્યું છે)ના.

કેવળ સ્નેહા જ નહીં, પણ કૉલેજમાં ભણી રહેલાં અન્ય એક વિદ્યાર્થિની આશા (નામ બદલ્યું છે)એ પણ જણાવ્યું હતું, "અમારી ફરિયાદ છે કે, સાત-આઠ દિવસના વૅકેશન પરથી પરત ફર્યાં પછી જ્યારે અમે હૉસ્ટેલ પરત આવીએ, ત્યારે અમારે UPT ટેસ્ટ કરાવવો પડે છે. આ બંધ થવું જોઈએ. જ્યારથી મને એફ ગ્રેડ મળ્યો, ત્યારથી આવું થઈ રહ્યું છે."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, "શું તમે સ્વૈચ્છિકપણે આ ટેસ્ટ કરો છો?"

ત્યારે તેમણે જવાબ આપ્યો, "ના. આ ટેસ્ટ કરવો અમારા માટે ફરજીયાત છે. UPT ટેસ્ટ અગાઉ બંધ કરી દેવાયો હતો. તેમ છતાં તેઓ ફિટનેસ સર્ટિફિકેટ લાવવા કહે છે અને UPT ટેસ્ટ પણ કરાવે છે."

તેમની સાથે રહેતાં અન્ય વિદ્યાર્થિની રેખા (નામ બદલ્યું છે)ના જણાવ્યાં પ્રમાણે, "છોકરીઓ વૅકેશનમાં ઘરેથી હૉસ્ટેલ પાછી ફરે, ત્યારે UPT ટેસ્ટ કરાવવામાં આવે છે. મને હૉસ્ટેલમાં જ તેના વિશે જણાવવામાં આવ્યું હતું."

હવે મઢી બંધ થઈ ગઈ છે. પણ તેઓ ફિટનેસ સર્ટિફિકેટ લે છે અને હૉસ્પિટલ જઈને તે મેળવવામાં આવે છે. UPT ટેસ્ટ બંધ કરાવી દેવાયો હોવા છતાં હૉસ્પિટલમાં તેઓ ફિટનેસ સર્ટિફિકેટ સાથે આ ટેસ્ટ કરાવી લે છે."

વધુમાં તે કહે છે, "તેઓ UPT ટેસ્ટ કર્યા વિના ફિટનેસ સર્ટિફિકેટ આપતા નથી. તેની આખી પ્રક્રિયા છે અને પ્રક્રિયાને અનુસરીને તેઓ સર્ટિફિકેટ આપે છે."

શું તમને ટેસ્ટ વિશે પૂછવામાં આવે છે? તેના સવાલમાં એક વિદ્યાર્થિનીએ નકારમાં જવાબ આપ્યો હતો.

પુણે જીલ્લાની સરકારી હૉસ્ટેલમાં રહેતી આ વિદ્યાર્થિની કૉલેજમાં ભણે છે.

વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે, જ્યારે તેઓ વૅકેશન પૂરું થયે ઘરેથી પરત ફરે, ત્યારે હૉસ્ટેલમાં જતાં પહેલાં તેમની પાસે ફિટનેસ સર્ટિફિકેટ માગવામાં આવે છે અને એ પછી પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવો પડે છે.

આ મામલે બીબીસીનો ગ્રાઉન્ડ રિપોર્ટ અત્રે રજૂ કરવામાં આવ્યો છે.

પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવાનો મામલો શું છે?

વિદ્યાર્થિની, આદિવાસી, પ્રેગ્નેન્સી ટેસ્ટ, યુપીટી ટેસ્ટ, મહિલા સુરક્ષા, મહિલાઓ, મહારાષ્ટ્ર, બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સરકારી નિયમો પ્રમાણે, ગર્ભાવસ્થા પરીક્ષણ કરાવવું ફરજીયાત નથી અને આદિવાસી વિભાગ તરફથી આ મામલે કોઈ સૂચના પણ આપવામાં આવી નથી. સંબંધિત અધિકારીઓએ પણ તે અંગે સ્પષ્ટતા કરી છે.

વિદ્યાર્થિનીઓ કેવી રીતે આ ટેસ્ટમાંથી પસાર થાય છે? તેની પ્રક્રિયા શું છે? તે વિશે વાત કરતાં સ્નેહા કહે છે, "અમારે પ્રેગ્નન્સી કિટ લેવાની હોય છે અને ટેસ્ટ કરવાનો રહે છે. જો ટેસ્ટ નૅગેટિવ આવે, તો જ અમને હૉસ્ટેલમાં રહેવા દેવાય છે."

"અમારે મેડિકલ સ્ટોરમાંથી કિટ ખરીદવી પડે છે. અમે તેમની સૂચનાનું પાલન કરીએ છીએ. પેશાબ અંદર લઈને અમારે તેમની સામે જ આ ટેસ્ટ કરવાનો હોય છે અને એ પછી તેઓ અમને જવા માટે કહે છે."

જો તમે UPT ટેસ્ટ ન કરાવો અને એ સિવાયના બાકી તમામ ટેસ્ટ કરાવો તો? આવો સવાલ પૂછાતાં આશાએ જવાબ આપ્યો, "તેઓ કહે છે કે, UPT ટેસ્ટ કરાવવો ફરજીયાત છે. જો એ ટેસ્ટ નહીં કરો, તો તમને હૉસ્ટેલમાં પ્રવેશવા નહીં દેવાય."

"મેં 24 નવેમ્બરે તે ટેસ્ટ કર્યો હતો. મને મેડિકલના સ્વરૂપમાં એક ફૉર્મ આપવામાં આવ્યું હતું. મેં મેડિકલમાંથી પ્રેગ્નન્સી કિટ ખરીદી. એ પછી હું સરકારી હૉસ્પિટલમાં ગઈ, ત્યારે તેમણે સહી કરીને લખ્યું કે, મારે UPT ટેસ્ટ કરવાનો છે."

"ત્યાંથી બીજા ડૉક્ટર પાસે જવાનું રહે છે. વૉશરૂમમાંથી પેશાબ લઈને અમારે તેમની સામે તે પેશાબ કિટમાં નાખવાનો હોય છે. જો નૅગેટિવ બતાવે, તો તેઓ તેમ લખે છે અને પછી અમારે અહીં મેડમની સહી અને સ્ટૅમ્પ સાથે ફૉર્મ આપવાનું હોય છે," તેમ અન્ય એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું.

'શું અમે આટલી નિમ્ન હદે જઈશું?'

વિદ્યાર્થિની, આદિવાસી, પ્રેગ્નેન્સી ટેસ્ટ, યુપીટી ટેસ્ટ, મહિલા સુરક્ષા, મહિલાઓ, મહારાષ્ટ્ર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે વિદ્યાર્થિનીઓને પૂછવામાં આવ્યું કે, આ પ્રક્રિયામાંથી પસાર થતી વખતે તેમને કેવી લાગણી થઈ?, ત્યારે તેમણે તેમના વિચારો અને અનુભવો વર્ણવ્યા હતા.

તેમણે કહ્યું કે, આ ટેસ્ટ્સ દરમિયાન છોકરીઓએ વારંવાર શરમજનક અને ઘૃણાસ્પદ સ્થિતિમાંથી પસાર થવું પડતું હોય છે.

સ્નેહાએ જણાવ્યું હતું, "સવાલ એ થાય છે કે, અમે કશું ખોટું કર્યું નથી. અમે ગામડે અમારાં ઘરે જઈએ છીએ. અમે શું કર્યું છે? અમે આ સવાલ કર્યો છે, પણ હજી સુધી તેનું નિવારણ થયું નથી."

વધુમાં તેણે કહ્યું હતું, "શું અમે એવી છોકરીઓ છીએ? તો પછી તેઓ અમારી સાથે આવું શા માટે કરે છે? શું અમે આટલી નિમ્ન હદે જઈશું? અમારી માગ એ છે કે, UPT ટેસ્ટ ન થવો જોઈએ. હવેથી તેમણે કોઈનો UPT ટેસ્ટ ન કરવો જોઈએ."

અત્યાર સુધીમાં તમે કેટલી વખત આવા પ્રેગ્નન્સી ટેસ્ટ્સ કર્યા છે?

વિદ્યાર્થિની, આદિવાસી, પ્રેગ્નેન્સી ટેસ્ટ, યુપીટી ટેસ્ટ, મહિલા સુરક્ષા, મહિલાઓ, મહારાષ્ટ્ર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ મામલે વાત કરતાં એકે કહ્યું, "મેં ઘણી વખત પ્રેગન્સી ટેસ્ટ કર્યા છે. આઠ દિવસ બાદ હું ઘરે જવાની છું અને હૉસ્ટેલમાં પરત ફરતાં પહેલાં ફરી ટેસ્ટ કરાવીશ."

"ગામમાં ગયા પછી તેઓ અમને કહે છે કે, તમારા મેડિકલ ટેસ્ટ થયાને ઘણા દિવસો થઈ ગયા છે. છેલ્લો ટેસ્ટ 30મી ઑક્ટોબરે થયો હતો."

"શું બધી છોકરીઓએ આ ટેસ્ટ કરાવવો પડે છે?" એવું પૂછાતાં તેણે માથું હલાવીને હા પાડી હતી.

'વિદ્યાર્થિનીઓ પર માનસિક તણાવ'

આશા નામની વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, આ પરિસ્થિતિની છોકરીઓના શિક્ષણ પર જ નહીં, બલ્કે તેમની માનસિક સ્થિતિ પર પણ વિપરિત અસર પડે છે.

તેણે કહ્યું હતું, "આ પ્રથા બંધ થઈ ગઈ હતી. તેમણે કહ્યું હતું કે, હવેથી અમારે માત્ર ફિટનેસ સર્ટિફિકેટ જ લાવવાનું રહેશે. પણ એ પછી પણ અમારો UPT ટેસ્ટ કરવામાં આવે છે."

"જો હું તે ટેસ્ટ ન કરાવું, તો તેઓ એક દિવસ માટે રહેવા દે છે, પણ બીજા જ દિવસે તેઓ મને ટેસ્ટ કરાવી લેવાની સૂચના આપે છે અને તેમ ન કરીએ, તો ઘરે જતા રહેવા કહે છે."

વધુમાં તે કહે છે, "UPT ટેસ્ટ બંધ કરી દેવો જોઈએ. અમે કહી રહ્યાં છીએ કે, અમે એવું કશું કરતાં નથી. અમે બસ હૉસ્ટેલથી અમારા ઘરે જઈએ છીએ અને ત્યાં રજાઓ ગાળીને હૉસ્ટેલ પરત આવીએ છીએ."

UPT ટેસ્ટ કરતી વખતે છોકરીઓ વિચારે છે, "અમે પરિણીત નથી, તો અમારે આ ટેસ્ટ શા માટે કરવો પડે છે? અમે કશું ખોટું કરતાં નથી. જ્યારે અમે UPT ટેસ્ટ કરતા, ત્યારે ત્યાંના લોકો અમને જુદી નજરથી જોતા હતા."

"તેઓ કિટને પણ અલગ નજરે જોતા હોય છે. આમ, આ ટેસ્ટની અમારા અભ્યાસ પર વિપરિત અસર પડે છે. તેનાથી અમારો માનસિક તણાવ પણ વધે છે. અને એટલે જ, UPT ટેસ્ટ બંધ થવો જોઈએ," આવી માંગ વિદ્યાર્થિનીઓએ રજૂ કરી હતી.

શું આશ્રમ શાળાની છોકરીઓએ પણ પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવો પડે છે?

વિદ્યાર્થિની, આદિવાસી, પ્રેગ્નેન્સી ટેસ્ટ, યુપીટી ટેસ્ટ, મહિલા સુરક્ષા, મહિલાઓ, મહારાષ્ટ્ર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

છોકરીઓ કહે છે કે, પ્રેગ્નન્સી ટેસ્ટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ગ્રામીણ હૉસ્પિટલોમાં કરાવવાનો રહે છે.

એક વાલીએ પણ એ વાતની પુષ્ટિ કરી હતી કે, માસિક ધર્મમાં બેસતી છોકરીઓ માટે આ પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવો ફરજીયાત છે.

સંબંધિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતાં ત્યાંના ડૉક્ટરે પણ આ વિશે માહિતી પૂરી પાડી હતી.

આશ્રમ શાળામાં અભ્યાસ કરી રહેલી એક વિદ્યાર્થિનીના વાલીએ કહ્યું હતું, "ફક્ત માસિક ધર્મમાં બેસતી છોકરીઓએ જ મેડિકલ ટેસ્ટ કરાવવાનો રહે છે. જો કોઈ છોકરી પાંચ દિવસ કરતાં વધુ સમય સુધી ઘરે રહે, તો તેણે ડૉક્ટર પાસે જવું પડે છે. તેઓ મેડિકલમાં કિટ્સનો ઉપયોગ કરે છે. કિટ દ્વારા પેશાબની ચકાસણી કરાય છે. ટેસ્ટ પૉઝિટિવ કે નૅગેટિવ હોય, તેની નોંધ ફૉર્મ પર કરવામાં આવે છે."

કોઈ છોકરી જ્યારે જાય, ત્યારે તેના વર્તન પર ધ્યાન રાખવાની સૌની જવાબદારી હોય છે. પછી મેડિકલ ટેસ્ટ થકી જાણ થાય છે. પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવાય છે. પિરીયડમાં થતી દરેક છોકરીઓએ આ ટેસ્ટ કરાવવો પડે છે.

"લાંબું વૅકેશન હોય, તો પણ મેડિકલ કરાવવું પડે છે. હૉસ્ટેલમાં રહેતી છોકરીઓ માટે આ ફરજીયાત છે."

વિદ્યાર્થિની, આદિવાસી, પ્રેગ્નેન્સી ટેસ્ટ, યુપીટી ટેસ્ટ, મહિલા સુરક્ષા, મહિલાઓ, મહારાષ્ટ્ર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

એક છોકરી ફરિયાદના સૂરમાં કહે છે, "સરકારની પણ થોડી જવાબદારી હોવી જોઈએ. જો કોઈ છોકરી મહિનામાં બે વખત ઘરે રહેવાં જાય, તો તેણે 150થી 200 રૂપિયા ખર્ચવા પડે છે. કિટ 60થી 70 રૂપિયાની આવે છે અને આવવા-જવાનું ભાડું થાય છે, તે અલગ. દરેક વખતની આ પ્રક્રિયાનો ખર્ચ છોકરીનાં માતા-પિતાએ ઊઠાવવો પડતો હોય છે."

આ વિશે માહિતી મેળવવા માટે અમે સંબંધિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.

તે સમયે, એક ડૉક્ટરે નામ ન જણાવવાની શરતે કહ્યું હતું, "આશ્રમ શાળાની સૂચના અનુસાર, છોકરીઓ UPT ટેસ્ટની કિટ લઈ આવે છે. આશ્રમ શાળાના ફૉર્મમાં તેની નોંધ કરવામાં આવે છે."

અમારી પાસે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ માટેની કિટ ઉપલબ્ધ છે. તેમાં પેશાબ લઈને ગર્ભાવસ્થા છે કે કેમ, તે ચકાસવામાં આવે છે.

"અમારા રજિસ્ટરમાં પણ તે નોંધવામાં આવે છે અને આશ્રમ શાળાનાં ફૉર્મમાં પણ તે લખવામાં આવે છે. આ આશ્રમ શાળામાં 12મા ધોરણ સુધીની વિદ્યાર્થિનીઓ રહે છે."

આ પ્રેગ્નન્સી ટેસ્ટ દરમિયાન તેમની સાથે કોણ હોય છે, એવું પૂછાતાં ડૉક્ટરે કહ્યું, "કેટલીક વખત તેમનાં માતા-પિતા સાથે હોય છે. તો કેટલીક વખત દાદા-દાદી સાથે હોય છે. કેટલીક વખત છોકરીઓ એકલી જ આવતી હોય છે."

ટેસ્ટ બંધ કરવાની માંગણી

વિદ્યાર્થિની, આદિવાસી, પ્રેગ્નેન્સી ટેસ્ટ, યુપીટી ટેસ્ટ, મહિલા સુરક્ષા, મહિલાઓ, મહારાષ્ટ્ર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

વિદ્યાર્થી સંગઠન સ્ટુડન્ટ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ આ ટેસ્ટ બંધ કરવાની માગણી કરી છે અને સાથે જ તેણે આ માટે વહીવટીતંત્રને નિવેદન પણ સુપરત કર્યું છે.

SFIના પુણે જીલ્લાનાં પ્રેસિડેન્ટ સંસ્કૃતિ ગોડેએ જણાવ્યું હતું, "જ્યારે અમે UPT ટેસ્ટ કરાવવા જઈએ, ત્યારે અમારે ત્યાં ઘણા લોકોનો સામનો કરવાનો હોય છે. ત્યાંના ડૉક્ટરો પણ જે રીતે જોતા હોય છે, તે કોઈ માનસિક ત્રાસથી કમ નથી."

"છોકરીઓનો UPT ટેસ્ટ કરાવીને તેમને માનસિક ત્રાસ આપવામાં આવે છે, તેની સામે અમે વારંવાર વિરોધ કર્યો છે. કેટલીક આશ્રમ શાળાઓમાં આવું થઈ રહ્યું છે. અમે વારંવાર રજૂઆતો કરી છે. આશ્રમ શાળાઓ અને હૉસ્ટેલોમાં છોકરીઓ પર કરવામાં આવતા UPT બંધ કરવામાં આવે, એવી અમારી માગણી છે."

વધુમાં તે કહે છે, "આવી છોકરીઓને શંકાની નજરે જોવામાં આવે છે. અમારા ગામની કોઈ છોકરી હૉસ્પિટલમાં જોવા મળે, તો પણ સવાલો ઊઠે છે. આ ઉપરાંત, છોકરીઓને UPT ટેસ્ટ માટેનાં નાણાં પણ પરત મળવાં જોઈએ."

"અમારી સ્થિતિ સારી ન હોવાથી અમે હૉસ્ટેલમાં રહીને ભણીએ છીએ. અમે આવીએ, એ સાથે તેઓ કહે છે, 'તમારે UPT ટેસ્ટ કરાવવો પડશે.' તેનો અર્થ એ કે, તેઓ તમને સ્વયં પર શંકા ઉપજાવવા પ્રેરે છે, તમારી આર્થિક સ્થિતિ ધ્યાનમાં રાખે છે અને માનસિક રીતે તમને પરેશાન કરે છે."

રાજ્ય સરકારના આદિવાસી વિકાસ વિભાગની વેબસાઇટ અનુસાર, રાજ્યમાં આદિવાસી વિકાસ વિભાગ હેઠળ કુલ 552 સરકારી આશ્રમ શાળાઓને મંજૂરી મળેલી છે.

આ પૈકીની 412 સરકારી આશ્રમ શાળાઓ આદિવાસી ઉપ-યોજના વિસ્તારમાં અને 140 આશ્રમ શાળાઓ આદિવાસી ઉપ-યોજના વિસ્તારની બહાર આવેલી છે. જોકે, એવું કહેવાય છે કે, મંજૂર કરાયેલી પૈકીની 529 આશ્રમ શાળાઓ કાર્યરત છે.

આ સિવાય, રાજ્યનાં વિદ્યાર્થીઓ તાલુકા, જીલ્લા અને ગ્રામીણ સ્તર પર ઉચ્ચ શિક્ષણ મેળવી શકે, તે માટે આદિવાસી વિકાસ વિભાગ દ્વારા સરકારી હૉસ્ટેલો પણ ચલાવવામાં આવે છે.

રાજ્ય મહિલા પંચની ભૂમિકા

વિદ્યાર્થિની, આદિવાસી, પ્રેગ્નેન્સી ટેસ્ટ, યુપીટી ટેસ્ટ, મહિલા સુરક્ષા, મહિલાઓ, મહારાષ્ટ્ર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ વર્ષના સપ્ટેમ્બરમાં પુણેની આવી જ એક હૉસ્ટેલમાં પ્રેગ્નન્સી ટેસ્ટ કરવામાં આવતો હોવાનું ખૂલ્યું હતું. રાજ્ય મહિલા પંચે આ બાબતની નોંધ લઈને આ પ્રક્રિયા બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

રાજ્ય મહિલા પંચનાં ચૅરપર્સન રૂપાલી ચાકનકરે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "મને એક ટ્વીટ મારફત ફરિયાદ મળી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, આદિવાસી કન્યાઓ માટેની એક સરકારી હૉસ્ટેલમાં UPT ટેસ્ટ્સ કરવામાં આવે છે."

"મારા માટે આ આંચકાજનક હતું. મેં વાકડમાં આવેલી હૉસ્ટેલની અણધારી મુલાકાત લીધી. છોકરીઓને બાજુ પર લઈ જઈને તેમની સાથે વાત કરતાં મારા ધ્યાન પર આવ્યું કે, કેટલીક છોકરીઓએ CS મારફત UPT ટેસ્ટ કરાવ્યો હતો."

"મને 24 તારીખે સમગ્ર વિભાગને પત્ર પાઠવીને અહેવાલ મોકલવા જણાવાયું હતું. મેં આદિવાસી વિકાસ વિભાગ પાસેથી પણ માહિતી માગી. મેં અહેવાલ માગ્યો. મેં આ સમગ્ર ઘટનાક્રમ વિશે મનોમંથન કર્યું. વાલીની ગેરહાજરીમાં આ ટેસ્ટ કરાવી શકાય નહીં," એમ તેમણે જણાવ્યું હતું.

વધુમાં તેમણે કહ્યું હતું, "કાયદામાં ક્યાંય આનો ઉલ્લેખ નથી. છોકરીઓ અભ્યાસ કરી રહી હોય, તેવા સમયે તેમની પાસે આવાં પરીક્ષણો કરાવવાં એ તેમનો આત્મવિશ્વાસ તોડી નાખવા સમાન છે."

"વળી, કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી. એવો કોઈ GR નથી કે, ઍડમિશન આપતી વખતે ટેસ્ટ કરાવવો જોઈએ. સાથે જ તેમણે જાણકારી આપી હતી કે, સંબંધિત વિભાગ વિરૂદ્ધ પગલાં લેવામાં આવશે, એ મુજબની નોટિસ અમે જારી કરી છે."

આગળ તેમણે જણાવ્યા પ્રમાણે, "આ કિસ્સામાં, જો કોઈ પરીક્ષણ કરી રહ્યું છે કે કોઈને તેના વિશે કહી રહ્યું છે, તો સંબંધિત વિભાગ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. છોકરીઓ અભ્યાસ કરી રહી હોય, એ સમયે તેમને સલામત અને ભરોસાપાત્ર વાતાવરણ પૂરું પાડવું અત્યંત જરૂરી છે. જે-તે હૉસ્ટેલ અને વિભાગ વિરૂદ્ધ પગલાં ભરવામાં આવશે."

આદિવાસી વિકાસ અને આરોગ્ય વિભાગે શું કહ્યું?

પ્રતીકાત્મક તસવીર વિદ્યાર્થિની, આદિવાસી, પ્રેગ્નેન્સી ટેસ્ટ, યુપીટી ટેસ્ટ, મહિલા સુરક્ષા, મહિલાઓ, મહારાષ્ટ્ર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આદિવાસી વિકાસ કમિશનરની કચેરીએ 30મી સપ્ટેમ્બરના રોજ આ સંદર્ભે એક પરિપત્ર જાહેર કર્યો હતો. સાથે જ તેણે તાકીદ કરી હતી કે, સરકારી હૉસ્ટેલમાં હેલ્થ ચેક-અપ દરમિયાન છોકરીને પ્રેગ્નન્સી ટેસ્ટ માટે ફરજ પાડવી જોઈએ નહીં.

આ સંદર્ભમાં પ્રોજેક્ટ ઑફિસર પ્રદીપ દેસાઈએ સ્પષ્ટતા કરી હતી કે, 'અમે કોઈપણ છોકરીને UPT ટેસ્ટ કરાવવાની ભલામણ કરતા નથી. આ મામલે અમને કોઈ પત્ર મળ્યો નથી.'

તેમ છતાં, છોકરીઓએ બીબીસીને જણાવ્યું હતું કે, ઑક્ટોબર અને નવેમ્બરમાં તેમનો પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. આ મામલે અમે આદિવાસી વિકાસ કમિશનર તથા આરોગ્ય વિભાગનો પ્રતિભાવ માગ્યો હતો.

આદિવાસી વિકાસ કમિશનર લીના બંસોડે જણાવ્યું હતું, "આદિવાસી વિકાસ વિભાગે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે, આવો કોઈ ટેસ્ટ થવો જોઈએ નહીં. ક્યાંય આવો કોઈ ટેસ્ટ કરવો ફરજીયાત નથી. આ ઉપરાંત વિભાગ આ મામલે માહિતી એકત્રિત કરી રહ્યો છે."

પુણે જીલ્લા સિવિલ સર્જન ડૉક્ટર નાગનાથ યેમ્પલ્લેના જણાવ્યા અનુસાર, "UPT ટેસ્ટ ચાર મહિના પહેલાં જ બંધ કરી દેવાયો છે. અગાઉ જ્યારે છોકરીઓ હૉસ્ટેલથી ઘરે જતી હતી અને જ્યારે તે બહારથી હૉસ્ટેલમાં પરત ફરતી હતી, ત્યારે હૉસ્ટેલ દ્વારા તેમને આ ટેસ્ટ કરવા માટે જણાવવામાં આવતું હતું."

"અગાઉ, અમારા લોકો MC રજિસ્ટર તપાસતા હતા. હૉસ્ટેલ આવો આગ્રહ રાખતી હતી. ચાર મહિના બાદ, રૂપાલીતાઈએ મુલાકાત લીધી, એ પછી અમે તાકીદ કરી કે, આવા ટેસ્ટ થવા જોઈએ નહીં."

આરોગ્ય વિભાગ અને આદિવાસી વિકાસ વિભાગના ઉપરોક્ત ખુલાસા છતાં છોકરીઓએ બીબીસી સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો કે, હજુ ઑક્ટોબર અને નવેમ્બરમાં જ તેમણે પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન