ઇન્ડિગો સંકટ : જેટ ઍરવેઝ અને કિંગફિશર જેવી ભારતની ઍરલાઇન્સ શા માટે અચાનક બંધ થઈ ગઈ?

બીબીસી ગુજરાતી ભારત ઍરલાઇન્સ જેટ ઍરવેઝ કિંગફિશર ડેક્કન ગો ઍર
31 ડિસેમ્બર, 2024 મુજબ ભારતમાં 12 ઍરલાઇન્સ પાસે ઍર ઑપરેટર માટેનાં સર્ટિફિકેટ હતાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 31 ડિસેમ્બર, 2024 મુજબ ભારતમાં 12 ઍરલાઇન્સ પાસે ઍર ઑપરેટર માટેનાં સર્ટિફિકેટ હતાં

હાલમાં ઇન્ડિગો ઍરલાઇન્સ દેશભરમાં ચર્ચામાં છે. તેણે પાઇલોટની અછતનું કારણ આગળ ધરીને ઘણી ફ્લાઇટ્સ રદ કરતા સેંકડો પ્રવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેને કારણે દેશમાં ઍરલાઇન્સની મોનોપૉલી તથા સરકારના નિયંત્રણ પર સવાલો ઉઠ્યા છે. ત્યારે જોઈએ દેશની એવી પાંચ ઍરલાઇન્સ જે અચાનક બંધ પડી ગઈ.

ભારતનું આકાશ એક સમયે ખુશનુમા હતું. નવી-નવી ઍરલાઇન્સ આવતી અને લોકો વિચારતા કે હવે હવાઈ મુસાફરી સરળ બનશે.

કેટલીક ઍરલાઇન્સે પોતે લક્ઝરી ઍરલાઇન હોવાની બડાઈ મારી હતી, જ્યારે કેટલીકે સસ્તી ટિકિટનું સ્વપ્ન દેખાડ્યું હતું. પરંતુ થોડા જ સમયમાં ચિત્ર બદલાઈ ગયું.

વધતું જતું દેવું, ઇંધણનો ભારે ખર્ચ અને ખોટા નિર્ણયોએ મોટી-મોટી ઍરલાઇન્સને ગ્રાઉન્ડેડ કરી દીધી.

કિંગફિશર ઍરલાઇન્સની લક્ઝરી હોય કે ગો-ફર્સ્ટની સસ્તી ફ્લાઇટ્સ, દરેકની કહાણી અલગ છે. પરંતુ તેમાંથી બોધપાઠ એ મળે છે કે ભારતમાં ઍરલાઇન ચલાવવી આસાન નથી.

અહીં આવી પાંચ ઍરલાઇન્સની વાત કરીએ, જે અચાનક બંધ થઈ ગઈ હતી.

1. કિંગફિશર ઍરલાઇન્સ

બીબીસી ગુજરાતી ભારત ઍરલાઇન્સ જેટ ઍરવેઝ કિંગફિશર ડેક્કન ગો ઍર ઇન્ડિગો ક્રાઇસીસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બૅન્કોએ વિજય માલ્યાની કિંગફિશર ઍરલાઇનની સંપત્તિની હરાજી કરી હતી

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર કિંગફિશર ઍરલાઇન્સની ઍર ઑપરેટિંગ પરમિટ વર્ષ 2003માં જારી કરવામાં આવી હતી.

ઇંધણના વધતા ભાવ, ઊંચા ખર્ચ અને ટિકિટની ઘટતી આવકને કારણે કંપનીને સતત ભારે નુકસાન થઈ રહ્યું હતું. ઍરલાઇન પર હજારો કરોડ રૂપિયાનું દેવું હતું.

ઍર ડેક્કનને હસ્તગત કરવા અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ઝડપથી વિસ્તરણ કરવા છતાં કંપની નફો કરવામાં નિષ્ફળ સાબિત થઈ.

પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે કંપની કર્મચારીઓના પગાર અને બૅન્કોને સમયસર પૈસા ચૂકવી શકી નહીં અને તેની ફ્લાઇટ્સ રદ થવા લાગી.

અંતમાં 20 ઑક્ટોબર 2012ના રોજ સુરક્ષા અને નાણાકીય કારણોસર DGCAએ કિંગફિશરની ઍર પરમિટ રદ કરી.

લોકસભામાં આપવામાં આવેલા જવાબ મુજબ DGCAના વડાએ 2 ઑક્ટોબર, 2012ના રોજ ઍરલાઇનના CEO સાથે બેઠક યોજી હતી, પરંતુ તેનું કોઈ પરિણામ મળ્યું ન હતું.

ત્યાર પછી કિંગફિશરે ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા માટે ઘણા પ્રયાસો કર્યા, પરંતુ તેની નાણાકીય સ્થિતિ એટલી ખરાબ હતી કે કંપની ક્યારેય પાછી ફરી શકી નહીં.

કિંગફિશરની આ સ્થિતિ માટે વિશ્વભરમાં ચાલી રહેલી આર્થિક મંદી પણ જવાબદાર ગણાવવામાં આવી હતી.

2. જેટ ઍરવેઝ

બીબીસી ગુજરાતી ભારત ઍરલાઇન્સ જેટ ઍરવેઝ કિંગફિશર ડેક્કન ગો ઍર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જેટ ઍરવેઝના સ્થાપક નરેશ ગોયલ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જેટ ઍરવેઝે 5 મે, 1993ના રોજ ઍર-ટૅક્સી સર્વિસ તરીકે તેની કામગીરી શરૂ કરી હતી. તે સમયે કંપનીએ ચાર બૉઇંગ 737 વિમાનો ભાડે લીધાં હતાં અને ફ્લાઇટ્સનું સંચાલન શરૂ કર્યું હતું.

જાન્યુઆરી 1995માં તેને 'શિડ્યુલ્ડ ઍરલાઇન'નો દરજ્જો આપવામાં આવ્યો. એટલે કે હવે તે નિયમિત પૅસેન્જર ફ્લાઇટ્સ ઑપરેટ કરી શકશે.

2000ના દાયકાની શરૂઆતમાં જેટ ઍરવેઝનો ઝડપથી વિકાસ થયો અને તેણે સ્થાનિક રૂટની સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ શરૂ કરી.

2004માં તેણે ચેન્નાઈથી કોલંબો સુધીની તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરી અને 2005માં કંપની ભારતીય સ્ટૉક ઍક્સચેન્જમાં લિસ્ટેડ થઈ.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર માર્ચ 2018માં કંપનીને ભારે નુકસાન થયું હતું. તે સતત ચાર ક્વાર્ટર સુધી નુકસાનમાં રહી. આના કારણે કૅશ રિઝર્વ ઘટી ગઈ અને ઍરલાઇન ચલાવવાનું મુશ્કેલ બન્યું.

સરકારના જણાવ્યા મુજબ સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાના નેતૃત્વ હેઠળની બૅન્કોએ કંપનીને બચાવવા માટે વિવિધ વિકલ્પોની શોધ કરી. આરબીઆઈના "પ્રોજેક્ટ શક્તિ" હેઠળ ઍરલાઇન માટે એક રિઝોલ્યુશન પ્લાન વિકસાવવામાં આવ્યો હતો.

પરંતુ જેટ ઍરવેઝની ભાગીદાર એતિહાદ અને ભારતીય બૅન્કો વચ્ચે કોઈ ઍગ્રીમેન્ટ થઈ ન શક્યું. માર્ચ 2019માં પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે ભંડોળના અભાવે ઘણાં વિમાનોને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યાં.

સરકારના જણાવ્યા અનુસાર 10 એપ્રિલ, 2019ના રોજ કંપનીએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો બંધ કરી દીધી હતી અને 17 એપ્રિલ, 2019ના રોજ જેટ ઍરવેઝે તેની બધી ફ્લાઇટ્સ બંધ કરી દીધી હતી.

ત્યાર પછી બૅન્કોએ નવા માલિક અથવા મૅનેજમેન્ટ માટે બિડ મગાવી હતી, પરંતુ તેમને કોઈ સ્પષ્ટ અને બિનશરતી બિડ મળી ન હતી.

સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે દરેક ઍરલાઇન પોતાના બિઝનેસ પ્લાન વિકસાવે છે. ભંડોળ એકત્ર કરવું અને કામગીરી જાળવી રાખવી એ કંપનીની પોતાની જવાબદારી છે, અને તે કોઈપણ ખાનગી ઍરલાઇન માટે ભંડોળ એકત્ર કરવામાં કોઈ ભૂમિકા ભજવતી નથી.

3. ગો ઍર

બીબીસી ગુજરાતી ભારત ઍરલાઇન્સ જેટ ઍરવેઝ કિંગફિશર ડેક્કન ગો ઍર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, 2021માં ગો ઍરનું નામ બદલી નાખવામાં આવ્યું.

ગો ઍર નવેમ્બર 2005થી કાર્યરત લો-કોસ્ટ ઍરલાઇન હતી. મે 2021માં તેનું નામ બદલીને ગો ફર્સ્ટ રાખવામાં આવ્યું.

કંપનીએ મે 2023માં નૅશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં નાદારીના કાયદા હેઠળ અરજી દાખલ કરી હતી. ઍરલાઇને જણાવ્યું કે તે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહી છે અને ફડચામાં જવા માંગે છે.

કંપનીએ ભારતની ત્રીજી સૌથી મોટી ઍરલાઇન હોવાનો દાવો કર્યો હતો, જેણે 2010થી જાન્યુઆરી 2021 દરમિયાન 83.8 મિલિયન મુસાફરોને પ્રવાસ કરાવ્યો હતો. તે સમયે કંપની દર અઠવાડિયે 2,290 ફ્લાઇટ્સ ઑપરેટ કરતી હતી.

કંપનીએ કહ્યું કે તે 2009થી 2018 સુધી સતત નફાકારક રહી હતી અને 2019-20માં પણ તેની પાસે બચત હતી.

ઍરલાઇને જણાવ્યું કે લગભગ 7,000 કર્મચારીઓ તેના પર સીધા નિર્ભર હતા અને લગભગ 10,000 લોકોની રોજગારી પરોક્ષ રીતે તેના પર આધારિત હતી.

કંપનીએ જણાવ્યું હતું કે તે લેહ અને પૉર્ટ બ્લૅર જેવા મુશ્કેલ ઍરપૉર્ટ પર પણ સર્વિસ આપે છે અને જમ્મુ અને કાશ્મીરમાં સૌથી મોટી ઍરલાઇન ઑપરેટર રહી છે.

કંપનીએ જણાવ્યું હતું કે 2022માં તેની પેમેન્ટ પ્રક્રિયામાં અનિયમિતતા શરૂ થઈ. તે પોતાના વેન્ડર્સ, વિમાન ભાડે આપતી કંપનીઓ અને અન્ય સપ્લાયર્સને ચૂકવણી કરવામાં અસમર્થ હતી. તેને કૉમર્શિયલ ભાગીદારો અને વિમાન લીઝ પર આપનારાઓ તરફથી વારંવાર નોટિસો મળી હતી.

એન્જિનની સમસ્યા એટલી ગંભીર બની ગઈ કે તેમનાં ઘણાં વિમાનો ઉડાન ભરી શક્યાં નહીં. કંપનીએ જણાવ્યું કે તેમની પાસે કુલ 54 વિમાનો હતાં, જેમાંથી 28 ગ્રાઉન્ડેડ હતાં.

ઍરલાઇને એન્જિન ઉત્પાદક કંપની પ્રેટ એન્ડ વ્હિટની પર ઍગ્રીમેન્ટ મુજબ રિપેર ન કરવાનો કે નવા એન્જિન પૂરા ન પાડવાનો આરોપ લગાવ્યો હતો.

કંપનીએ જણાવ્યું હતું કે તેણે માત્ર 30 દિવસમાં 4,118 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી, જેના કારણે 77,500 મુસાફરોને અગવડ થઈ હતી.

ફોર્ચ્યુન ઈન્ડિયાના જણાવ્યા અનુસાર ગો ફર્સ્ટ માટે તૈયાર કરાયેલી બચાવ યોજનાને ઑગસ્ટ 2024માં ધિરાણ આપતી બૅન્કોના જૂથ દ્વારા નકારી કાઢવામાં આવી હતી.

ત્યાર પછી 20 જાન્યુઆરી, 2025ના રોજ એનસીએલટીએ ગો ફર્સ્ટના લિક્વિડેશનનો આદેશ આપ્યો હતો. એટલે કે કંપની હવે તેનું દેવું ચૂકવવા માટે પોતાની સંપત્તિ વેચી નાખશે.

આ ઑર્ડર સાથે જ 17 વર્ષ કરતાં વધુ સમયથી ઉડાન ભરી રહેલી ગો ફર્સ્ટ ઍરલાઇનની કહાણીનો અંત આવ્યો.

4. ઍર ડેક્કન

બીબીસી ગુજરાતી ભારત ઍરલાઇન્સ જેટ ઍરવેઝ કિંગફિશર ડેક્કન ગો ઍર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઍર ડેક્કનના સ્થાપક જીઆર ગોપીનાથ. તેમણે ભારતીયોને માત્ર એક રૂપિયામાં વિમાનયાત્રાની તક આપવાની વાત કરી હતી.

ઍર ડેક્કનનું સંચાલન કરતી કંપનીનું નામ ડેક્કન ઍવિએશન લિમિટેડ હતું. કંપનીએ 1997માં ચાર્ટર્ડ ઍરક્રાફ્ટ કંપની તરીકે કામગીરી શરૂ કરી હતી.

શરૂઆતમાં કંપનીએ માત્ર હેલિકૉપ્ટરો ભાડે લીધાં હતાં. ઑગસ્ટ 2003માં તેણે કામગીરી શરૂ કરી અને શરૂઆતમાં બૅંગ્લુરુ-હુબલી રૂટ પર એક નાનું ATR વિમાન ઑપરેટ કર્યું હતું.

કંપનીના જણાવ્યા મુજબ માર્ચ 2006 સુધીમાં તેણે 41 લાખ પ્રવાસીઓને ઉડાન કરાવી હતી અને તેની પાસે 29 વિમાનોનો કાફલો હતો. તે દરરોજ 226 ફ્લાઇટ્સનું સંચાલન કરતી હતી અને તેનું નેટવર્ક 52 ઍરપૉર્ટ સુધી ફેલાયેલું હતું.

સેન્ટર ફૉર એશિયા પેસિફિક ઍવિએશન મુજબ ફેબ્રુઆરી 2006માં તેનો બજાર હિસ્સો લગભગ 14 ટકા હતો અને 2,410 કર્મચારીઓ સાથે ઍર ડેક્કન ભારતની બીજી સૌથી મોટી ખાનગી ઍરલાઇન બની ગઈ હતી.

ઍરલાઇનનું મિશન નાનાં અને ઓછી વસ્તીવાળાં શહેરોને મોટાં શહેરો સાથે જોડવાનું હતું. ડીજીસીએ અનુસાર તે સમયે દેશમાં લગભગ 450 ઍરપૉર્ટ હતાં, પરંતુ બહુ ઍરપૉર્ટ મોટાં જેટ વિમાનોને સંભાળી શકતાં હતાં.

આવી સ્થિતિમાં ડેક્કન ઍરલાઇન્સે હવાઈ મુસાફરી માટે ATR જેવા નાનાં ટર્બોપ્રોપ વિમાનનો ઉપયોગ કર્યો અને પોતાનું નેટવર્ક વિસ્તાર્યું હતું.

સેન્ટર ફૉર ઍવિએશન પ્રમાણે 2007માં કિંગફિશર ઍરલાઇન્સે ઍર ડેક્કનમાં 26 ટકા હિસ્સો ખરીદ્યો અને તેનું બ્રાન્ડ નેમ બદલીને સિમ્પ્લીફાઇ ડેક્કન કરવામાં આવ્યું હતું.

2008માં તેનું ફરીથી નામકરણ કરવામાં આવ્યું. આ વખતે સિમ્પ્લીફાય ડેક્કનનું કિંગફિશર રેડ સાથે મર્જર કરવામાં આવ્યું, પરંતુ ઍરલાઇનની મુશ્કેલીઓમાં કોઈ ઘટાડો ન થયો.

લાંબા વિરામ પછી ઍર ડેક્કને 22 ડિસેમ્બર, 2017ના રોજ સરકારની રિજનલ કનેક્ટિવિટીની ઉડાન યોજના હેઠળ કામગીરી ફરી શરૂ કરી, જેનો હેતુ નાનાં શહેરોને મોટાં શહેરો સાથે જોડવાનો હતો.

એપ્રિલ 2020માં કંપનીના સીઈઓ અરુણકુમાર સિંહે જાહેરાત કરી કે કોવિડને કારણે ઍરલાઇનને અનિશ્ચિત સમય માટે બંધ કરવી પડશે.

5. પેરામાઉન્ટ ઍરવેઝ

બીબીસી ગુજરાતી ભારત ઍરલાઇન્સ જેટ ઍરવેઝ કિંગફિશર ડેક્કન ગો ઍર

ઇમેજ સ્રોત, paramountairways

ઇમેજ કૅપ્શન, પેરામાઉન્ટ ઍરવેઝે નીચા દરે બિઝનેસ ક્લાસ સર્વિસ આપવાનો હેતુ દર્શાવ્યો હતો

મુસાફરોને સસ્તા દરે બિઝનેસ ક્લાસની સર્વિસ આપવાના હેતુથી આ ઍરલાઇન શરૂ થઈ હતી. પેરામાઉન્ટ એ ભારતની પ્રથમ ઍરલાઇન હતી જેણે આધુનિક "ન્યૂ જનરેશન એમ્બ્રેર 170/190 સિરીઝ" વિમાનનો ઉપયોગ કર્યો હતો.

સેન્ટર ફૉર ઍવિએશન મુજબ કંપનીએ ઑક્ટોબર 2005થી ફ્લાઇટ શરૂ કરી હતી.

ઍરલાઇને દાવો કર્યો હતો કે તે એક અનોખા વિચાર પર આધારિત છે જે ભારતીય ઉડ્ડયન ઇતિહાસમાં પહેલાં ક્યારેય રજૂ કરવામાં આવ્યો ન હતો.

કંપનીએ લીઝ પર લક્ઝરી વિમાનો લીધાં હતાં. પરંતુ ડિફોલ્ટ અને લીઝ ચુકવણી અંગેના વિવાદોને કારણે ઍરલાઇન અને લીઝિંગ કંપનીઓ વચ્ચે કાનૂની વિવાદ થયો હતો.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર કંપની પર બૅન્કોના એક કૉન્સોર્ટિયમનું 400 કરોડ રૂપિયાથી વધુનું દેવું હતું.

આ કાનૂની સમસ્યાઓને કારણે લીઝિંગ કંપનીઓએ તેનાં વિમાનોને જપ્ત કર્યાં. તેના કારણે સમગ્ર કાફલાને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યો અને કંપનીએ 2010 દરમિયાન બધી ફ્લાઇટ્સ બંધ કરી દીધી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન