ઇન્ડિગો વિવાદ વચ્ચે સરકારે વિમાનભાડાં નક્કી કર્યાં, ટિકિટનો ભાવ કેટલા હજાર રહેશે?

બીબીસી ગુજરાતી ઇન્ડિગો ઍરલાઇન ઍરપોર્ટ પ્રવાસી ભાડાં ડીજીસીએ વિમાન ટિકિટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇન્ડિગોની કામગીરી સામાન્ય થવામાં હજુ થોડા દિવસ લાગી શકે છે

ઇન્ડિગો ઍરલાઇનના વિવાદ વચ્ચે વિમાનનાં ભાડાંમાં ભારે ઉછાળો આવતાં સરકારે હસ્તક્ષેપ કર્યો છે.

ઇન્ડિગો ઍરલાઇનની સેંકડો ઉડાનો રદ થયા પછી અફરાતફરી મચી ગઈ છે. આ દરમિયાન સરકારે ડૉમેસ્ટિક ઉડાનનાં ભાડાં નક્કી કર્યાં છે.

કેન્દ્ર સરકારની પ્રાઇસ કેપ મુજબ ડૉમેસ્ટિક રૂટ પર 500 કિલોમીટરના પ્રવાસ સુધી વધુમાં વધુ 7,500 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. 500થી 1,000 કિલોમીટર માટે 12,000 રૂપિયા, 1,000થી 1,500 કિલોમીટર સુધી 15,000 રૂપિયા અને 1,500 કિલોમીટરથી વધારે લાંબી ઉડાન માટે 18,000 રૂપિયા મહત્તમ ભાડું નક્કી કરવામાં આવ્યું છે.

જોકે, તેમાં યુડીએફ (UDF), પીએસએફ (PSF) અને બીજા ટૅક્સ (Tax) સામેલ નથી. બિઝનેસ ક્લાસ અને આરસીએસ (RCS) ફ્લાઈટ્સને પણ આ ભાડાં લાગુ નહીં પડે.

આ નવા દર તાત્કાલિક અસરથી લાગુ થયા છે. ડીજીસીએ (DGCA) ને જણાવાયું છે કે તે લિસ્ટેડ રૂટ પર ભાડાં પર નજર અને નિયંત્રણ રાખે.

નાગરિક વિમાન મંત્રાલયે કહ્યું છે કે તેમણે જનહિતમાં આ પગલું લીધું છે. પરિસ્થિતિ સામાન્ય થાય અથવા આગામી સમીક્ષા સુધી આ ભાડાં લાગુ રહેશે.

ઍરલાઇનની વેબસાઇટ અને ટ્રાવેલ પૉર્ટલ બંને પર ઑનલાઇન બૂકિંગ પર આ નવાં ભાડાં લાગુ થશે.

મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું કે, "પ્રવાસીઓને તકવાદી ભાવથી બચાવવા મંત્રાલયે પોતાની રેગ્યુલેટરી સત્તાનો ઉપયોગ કર્યો છે." નિવેદન મુજબ તમામ અસરગ્રસ્ત રૂટ પર ભાડું વાજબી રહે તે સુનિશ્ચિત કરવા આ પગલું લેવાયું છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, "સરકાર દ્વારા તમામ ઍરલાઇન્સને નિર્દેશ અપાયો છે કે તેઓ નિર્ધારિત ભાડાની મર્યાદાનો ચુસ્ત રીતે અમલ કરે. પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી ભાડાની મર્યાદા લાગુ રહેશે."

મંત્રાલયનું કહેવું છે કે "આનો હેતુ બજારમૂલ્યમાં શિસ્ત જાળવવાનો, પરેશાનીમાં ફસાયેલા પ્રવાસીઓના શોષણને રોકવાનો અને તાત્કાલિક વિમાન પ્રવાસ કરવો પડે તેવા વૃદ્ધો, વિદ્યાર્થીઓ અને દર્દીઓને રાહત આપવાનો છે."

મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે ઍરલાઇન્સ અને ઑનલાઇન ટ્રાવેલ પૉર્ટલ સાથે મળીને રિયલ ટાઇમ ડેટા દ્વારા ભાડાં પર નજર રાખશે. નક્કી કરાયેલા માપદંડ સામે કોઈ પણ ગરબડ જોવા મળશે તો તરત કાર્યવાહી કરવામાં આવશે.

ઇન્ડિગો ઍરલાઇને શું કહ્યું છે?

બીબીસી ગુજરાતી ઇન્ડિગો ઍરલાઇન ઍરપોર્ટ પ્રવાસી ભાડાં ડીજીસીએ વિમાન ટિકિટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સેંકડો ફ્લાઈટ રદ અથવા ડિલે થવાથી પ્રવાસીઓની યોજનાઓ ખોરવાઈ ગઈ છે

ઇન્ડિગો ઍરલાઇને હાલમાં રિફંડ, બૂકિંગ કેન્સલેશન અને રીશિડ્યુલિંગ વિશે એક પૉસ્ટ કરી છે.

ઇન્ડિગોએ 'એક્સ' પર લખ્યું છે કે, "હાલની ઘટનાઓને જોતાં તમારાં કેન્સલેશનનાં તમામ રિફંડ આપોઆપ તમારા મૂળ પેમેન્ટ મોડમાં પ્રોસેસ થઈ જશે."

"અમે 5 ડિસેમ્બર 2025 અને 15 ડિસેમ્બર 2025 વચ્ચે પ્રવાસ માટે તમારી બૂકિંગનાં તમામ કેન્સલેશન/રીશિડ્યુલ પર સંપૂર્ણ છૂટ આપીશું."

આ અગાઉ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોના પ્રવાસીઓને કોઈ પણ વિલંબ વગર રિફંડ આપવાનો નિર્દેશ આપ્યો હતો. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે તમામ કેન્સલ્ડ અથવા અસરગ્રસ્ત ઉડાનો માટે રિફંડ પ્રક્રિયા રવિવાર, 7 ડિસેમ્બર 2025ની રાતે આઠ વાગ્યા સુધીમાં પૂરી થવી જોઈએ.

બીજી તરફ ઇન્ડિગોની કામગીરીમાં સળંગ પાંચમા દિવસે શનિવારે પણ સુધારો જોવા મળ્યો ન હતો. સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ દેશના ચાર મોટા ઍરપૉર્ટ - દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને બેંગલુરુ સહિત ઘણાં શહેરોમાંથી ઇન્ડિગોની 800થી વધારે ફ્લાઈટ્સ રદ થઈ ચૂકી છે. છેલ્લા ચાર દિવસમાં બે હજારથી વધારે ફ્લાઈટ્સ રદ થઈ છે. રોજની સરેરાશ 500 ફ્લાઇટ લેટ થાય છે.

કેવી રીતે પરિસ્થિતિ કથળી?

બીબીસી ગુજરાતી ઇન્ડિગો ઍરલાઇન ઍરપોર્ટ પ્રવાસી ભાડાં ડીજીસીએ વિમાન ટિકિટ

ઇમેજ સ્રોત, Anushree Fadnavis/Reuters

ઇમેજ કૅપ્શન, ઇન્ડિગોની કટોકટીના કારણે દેશભરના ઍરપોર્ટ્સ પર હજારો પ્રવાસીઓ અટવાયેલાં છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇન્ડિગો ઍરલાઇનને લગતો વિવાદ આ અઠવાડિયાના પ્રારંભથી શરૂ થયો હતો. બુધવારે ઇન્ડિગો ઍરલાઇનની ઢગલાબંધ ઉડાનો રદ થઈ અને હજારો પ્રવાસીઓ ઍરપૉર્ટ પર કલાકો સુધી ફસાયેલા રહ્યા. ત્યાર પછી આ મામલો ચર્ચામાં આવ્યો.

સમાચાર એજન્સી રૉયટર્સ મુજબ ઇન્ડિગોની 150 ઉડાનો રદ થઈ અને કેટલીય ડઝન ઉડાનોને વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે.

એજન્સીનાં સૂત્રો અને ઇન્ડિગોના એક પાઇલટ મુજબ 'થાક દૂર કરવા અને પાઇલટ માટે આરામનો સમય વધારવા પહેલી જુલાઈ અને પહેલી નવેમ્બરથી નવા સરકારી નિયમો લાગુ થયા છે. તેના કારણે ઍરલાઇનો પાઇલટની તંગીનો સામનો કરે છે, જેના કારણે રોસ્ટર મૅનેજમૅન્ટ જટિલ બની ગયું છે." અનેક ફ્લાઇટ 12 કલાક સુધી વિલંબિત થઈ હતી.

પહેલી નવેમ્બરથી પાઇલટ્સના ડ્યૂટી માપદંડ પૂર્ણ રીતે લાગુ થવાના કારણે આ મામલો શરૂ થયો હતો. સરકારે આનો અમલ એક વર્ષ માટે ટાળ્યો હતો જેથી ઍરલાઇન પોતાના ચાલકદળની યોજના બનાવી શકે.

ઍરલાઇન્સે તે લાગુ થવા પર મોટી સંખ્યામાં ઉડાનો રદ થવાની ચેતવણી આપી હતી. પરંતુ પાઇલટ્સનાં સંગઠનો દિલ્હી હાઇકોર્ટમાં ગયાં અને એપ્રિલ 2025માં તેને લાગુ કરવાનો આદેશ મળ્યો હતો.

દિલ્હી હાઇકોર્ટના એપ્રિલ 2025ના આદેશ પ્રમાણે નવી વ્યવસ્થા બે તબક્કામાં લાગુ કરવાની હતી. તેમાં સાપ્તાહિક આરામના કલાકો 36થી વધારીને 48 કરવા સહિત અનેક જોગવાઈઓ પહેલી જુલાઈથી લાગુ કરવામાં આવી હતી. રાતના સમયે પાઇલટોના ઉપયોગની મનાઈ ફરમાવતી બાકીની જોગવાઈઓ પહેલી નવેમ્બરથી લાગુ થવાની હતી.

પાઇલટો ઍરલાઇનથી કેમ નારાજ છે?

બીબીસી ગુજરાતી ઇન્ડિગો ઍરલાઇન ઍરપોર્ટ પ્રવાસી ભાડાં ડીજીસીએ વિમાન ટિકિટ

ઇમેજ સ્રોત, ani

ઇમેજ કૅપ્શન, સરકારે અંતરના હિસાબે વિમાનના મહત્તમ ભાડાં નક્કી કર્યા છે

ધ હિંદુના અહેવાલ પ્રમાણે "અંતિમ જોગવાઈઓ લાગુ થયા પછી ઍરલાઇન્સ પાઇલટોની તંગીનો સામનો કરી રહી હતી. ઍરલાઇન્સ પાઇલટોને તેમની રજાઓ રદ કરવા વિનંતી કરી રહી છે. પરંતુ છેલ્લાં કેટલાંય વર્ષોથી ચાલતા અસંતોષના કારણે પાઇલટો સહકાર આપવાના મૂડમાં નથી."

"ડીજીસીએના ધોરણો મુજબ 13 કલાકની ડ્યૂટી કરતાં વધારે કામ કરવું, સાત હજાર કરોડ રૂપિયાના નફા છતાં વેતનમાં વધારો ન કરવો અને ઍરલાઇન દ્વારા નવા પાઇલટ ડ્યૂટી ધોરણોની વ્યાખ્યા પોતાનાં હિતમાં કરવાના કારણે પાઇલટ્સ નારાજ છે."

સરકાર દ્વારા વિમાન-ભાડાની મર્યાદા નક્કી કરાયા પછી ઇન્ડિગોએ શનિવારે જણાવ્યું હતું કે તે કામગીરી સામાન્ય બનાવવા માટે કામ કરી રહી છે. ઍરલાઇન્સે કહ્યું છે કે કેન્સલેશન હવે 850થી નીચે આવી ગયું છે. ઍરલાઇન્સે પ્રવાસીઓને કહ્યું છે કે તેઓ લેટેસ્ટ ફ્લાઇટ્સ સ્ટેટસ ચેક કરે અને જરૂર પડે તો રિફંડ લઈ લે.

ઇન્ડિગો વિવાદના કારણે દેશના ઍરપૉર્ટ્સ પર હજારો પ્રવાસીઓ ફસાયેલા છે. પ્રવાસીઓએ ઍરલાઇન્સને કહ્યું છે કે તેઓ સમયસર અપડેટ આપીને તેમની મુશ્કેલીઓ ઘટાડવા પ્રયાસ કરે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન