સૂકાભટ રણમાં જ્યાં અનાજનો દાણોય નહોતો ઊગતો ત્યાં વાડીએ મોંઘાં ફળો કઈ રીતે ઝૂલવાં લાગ્યાં?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પેરુ, ફળની ખેતી, રણવિસ્તારમાં ખેતી

ઇમેજ સ્રોત, Klebher Vásquez / Getty

ઇમેજ કૅપ્શન, માત્ર થોડાં વર્ષોમાં જ પેરુ વિશ્વનો બ્લુબેરીનો સૌથી મોટો નિકાસકાર દેશ બની ગયો છે
    • લેેખક, ગ્યુલેર્મો ડી. ઓલ્મો
    • પદ, બીબીસી ન્યૂઝ મુંડો

પેરુના આઇકા ક્ષેત્રના વિશાળ રણવિસ્તારમાં પાછલા અમુક દાયકામાં બ્લુબેરી અને અન્ય ફળોની સંખ્યાબંધ વાડીઓ છવાયેલી જોવા મળી રહી છે.

એક સમયે અપાર દરિયો અને ધૂળ કરતાં ભાગ્યે જ જ્યાં કંઈ વધુ જોવા મળતું એવા પેરુના કાંઠા વિસ્તારનો આ રણક્ષેત્ર ખેતપેદાશનું એક મોટું કેન્દ્ર બની જશે એવો વિચાર ભાગ્યે જ કોઈને 1990ના દાયકા પહેલાં આવ્યો હશે.

આ કલ્પના જેવું ભલે લાગે, પણ માત્ર અહીં જ નહીં, પરંતુ પેરુના કાંઠા વિસ્તારના મોટા ભાગના રણક્ષેત્રમાં આવું જ બન્યું છે. આ વિસ્તારોમાં ઍસ્પેરેગસ, કેરી, બ્લુબેરી અને એવોકાડો જેવાં મોંઘાંદાટ અને બિનપરંપરાગત ફળોની વાડીઓ છવાઈ ચૂકી છે.

પ્રશાંત મહાસાગર અને ઍન્ડીઝ પર્વતમાળાની ટેકરીઓની સમાંતરે આવેલો આ વિકરાળ પટ્ટો દેશના ઘણા મોટા વિસ્તારમાં છવાયેલો છે. એક સમયનો આ શુષ્ક પટ્ટો જાણે કે હવે એક વિશાળ બાગમાં તબદીલ થઈ ચૂક્યો છે અને ખેતપેદાશ આધારિત નિકાસ ઉદ્યોગનું સમૃદ્ધ કેન્દ્ર બની ગયો છે.

પેરુના ખેતીલક્ષી વિકાસ અને સિંચાઈ મંત્રાલયના આંકડા પ્રમાણે, પેરુની ખેતપેદાશોની નિકાસમાં વર્ષ 2010થી 2024 સુધીના સમયગાળામાં સરેરાશ 11 ટકાની વાર્ષિક વૃદ્ધિ જોવા મળી છે. 2024માં આ આંકડો 9.185 બિલિયન અમેરિકન ડૉલરને આંબી ગયો હતો.

તાજેતરનાં વર્ષોમાં પેરુ દ્રાક્ષ અને બ્લુબેરીનો વિશ્વનો સૌથી મોટો નિકાસકાર દેશ બની ચૂક્યો છે. નોંધનીય છે કે વર્ષ 2008 પહેલાં દેશમાં આ ફળો માંડ જોવા મળતાં હતાં.

ઉત્તર ગોળાર્ધની કપરી પરિસ્થિતિઓ છતાં મોટા પાયે ઉત્પાદન કરવાની આ પોતાની ક્ષમતાને કારણે જ એ વિશ્વમાં જંગી પ્રમાણમાં ખેતપેદાશોની નિકાસ કરતાં દેશો પૈકી એક બની ગયું. હાલ પેરુ અમેરિકા, યુરોપ, ચીન અને અન્ય દેશો માટે ખેતપેદાશોનો ચાવીરૂપ સપ્લાયર દેશ બની ગયો છે.

પણ આનાં પરિણામો શું છે? આનાથી કોને લાભ થાય છે? શું પેરુની ખેતપેદાશ સંબંધી નિકાસની આ વૃદ્ધિ ટકાવી રાખી શકાય એવી છે ખરી?

શરૂઆત કેવી રીતે થઈ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પેરુ, ફળની ખેતી, રણવિસ્તારમાં ખેતી

ઇમેજ સ્રોત, Ernesto Benavides / Getty

ઇમેજ કૅપ્શન, ખેતી સંબંધી નિકાસની વૃદ્ધિને કારણે નાના ખેડૂતો માટે પાણી અને મજૂરીદર મોંઘાં બન્યાં છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પેરુની ખેતપેદાશ સંબંધી નિકાસમાં આગળ પડતું નામ બનવાની સફર 1990ના દાયકામાં શરૂ થઈ હતી.

એ સમયે દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફુજિમોરીની સરકાર વર્ષોથી આર્થિક સંકટ અને ભારે ફુગાવાથી ગ્રસ્ત આ દેશના અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે ઉદારીકરણના કેટલાક મહત્ત્વપૂર્ણ સુધારાને વેગ આપી રહી હતી.

પેરુવિયન યુનિવર્સિટી ઑફ ઍપ્લાઇડ સાયન્સિઝના અર્થશાસ્ત્રી સેઝાર હુઆરોટોએ બીબીસીને જણાવ્યું કે, "ટેરિફમાં ઘટાડો, દેશમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન, કંપનીઓ માટે વહીવટી ખર્ચામાં કાપ જેવાં પગલાંથી આનો (પરિવર્તનનો) પાયો નખાયો. આનો હેતુ નિકાસલક્ષી ક્ષેત્રોને વધુ પ્રોત્સાહન આપવાનો હતો."

"પ્રારંભે તો ખાણકામ ઉદ્યોગ પર જ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું, પરંતુ સદીના અંતમાં ઉદ્યોગ ક્ષેત્રના કેટલાક માંધાતાઓ સામે આવ્યા. અને તેમને ખેતપેદાશના નિકાસક્ષેત્રે સંભાવના દેખાઈ."

પરંતુ પ્રોત્સાહક કાયદા અને સારા ઇરાદા જ આ કામ માટે પૂરતા નહોતા.

મોટા પાયે થતી ખેતીને પેરુમાં પરંપરાગત રીતે એમૅઝોન વર્ષાવનમાં માટીની નબળી ફળદ્રુપતા અને એન્ડીઝના ઊંચા પ્રદેશોનો ઊબડખાબડ વિસ્તાર જેવા અવરોધો નડતા આવ્યા છે.

પોન્ટિફિકલ કૅથલિક યુનિવર્સિટી ઑફ પેરુ ખાતે પર્યાવરણમાં પરિસ્થિતિવિજ્ઞાન અને નૃવંશશાસ્ત્રીય ( ઇકૉલૉજી ઍન્ડ ઍન્થ્રૉપોજેનિક) ફેરફારોનાં નિષ્ણાત એના સબોગલે બીબીસીને જણાવ્યું કે, "મોટા ખેડૂતો દ્વારા ખાનગી રોકાણ, નાના ખેડૂતોની સરખામણીએ જોખમ ખેડવાની વધુ ક્ષમતાને કારણે આ ક્ષેત્રમાં ટપક સિંચાઈ પદ્ધતિ અને સિંચાઈ યોજનાઓના વિકાસ જેવાં ટૅક્નિકલ ઇનૉવેશન્સને વેગ મળ્યું."

રણમાં પાણીની અછતના પ્રશ્નનું નિરાકરણ કરાતાં પરંપરાગત રીતે જે ક્ષેત્રમાં ખેતી કરવાનું નહોતું વિચારાતું ત્યાં પણ ખેતીની શરૂઆત થઈ અને આના માટે કેટલીક ચોક્કસ હવામાન સંબંધી સ્થિતિઓનો લાભ લેવાનીય શરૂઆત થઈ. આ બધું આ ક્ષેત્રને નિષ્ણાતોએ આપેલા તેના નામ મુજબ 'કુદરતી ગ્રીનહાઉસ' બનાવે છે.

હુઆરોટો કહે છે, "આ વિસ્તારમાં પાણી બિલકુલ નહોતું, પરંતુ પાણી આવતાં આ ક્ષેત્ર ઘણું ફળદ્રુપ બની ગયું."

સબોગલના અંદાજ પ્રમાણે આ બધાં કારકો અને દેશમાં ઉગાડી શકાય એવી બ્લુબેરી જેવાં જનીન સંબંધી ઇનૉવેશનને કારણે પેરુને તેના કાંઠા વિસ્તારના મોટા ભાગના રણને એક ખેડી શકાય એવી જમીનમાં ફેરવવામાં સફળતા મળી. નોંધનીય છે કે આ પગલાંથી દેશની ખેડવાલાયક જમીનમાં આશરે 30 ટકા જેટલો વધારો થયો.

સબોગલ જણાવે છે કે, "આ ખૂબ જ આશ્ચર્યચકિત કરનારું અને ખેતીલક્ષી વેપાર માટે એક જબરદસ્ત વધારો હતો."

આજે આઇકા અને ઉત્તર પિઉરા જેવાં ક્ષેત્રો ખેતપેદાશના ઉત્પાદન માટેનાં મોટાં કેન્દ્રો બની ગયાં છે અને પેરુના અર્થતંત્ર માટે ખેતપેદાશ સંબંધી નિકાસ એ ચાલકબળ બની ગયું છે.

તેનાં પરિણામો કેવાં આવ્યાં?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પેરુ, ફળની ખેતી, રણવિસ્તારમાં ખેતી

ઇમેજ સ્રોત, Sebastian Castaeda / Getty

ઇમેજ કૅપ્શન, આઇકા જેવા સૂકા વિસ્તારો ખેતીપેદાશ માટેનાં મોટાં કેન્દ્રો બની ગયાં છે

ઍસોસિયેશન ઑફ ઍક્સપૉર્ટર્સ ADEX પ્રમાણે, વર્ષ 2024માં પેરુની ગ્રૉસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં ખેતપેદાશ સંબંધી નિકાસનો ભાગ 4.6 ટકા જેટલો હતો. વર્ષ 2020માં આ ટકાવારી 1.3 ટકા હતી.

જોકે, આ બદલાવની આર્થિક અને પર્યવારણીય અસરો અસ્પષ્ટ છે.

આના સમર્થકો ભારપૂર્ક આનાથી આર્થિક લાભ થયો હોવાની વાત કરે છે, જ્યારે ટીકાકારો તેની પર્યાવરણીય અસરો, જેમ કે, જ્યાં એક તરફ પાણીની ખાતરીપૂર્વકનો પુરવઠો નથી એવા પાણીની તંગીવાળા વિસ્તારોમાં પાણીનો વધુ વપરાશ.

પેરુના કાંઠા વિસ્તારોમાં આવેલી ખેતપેદાશ સંબંધી નિકાસના વધારાની અસરોના મૂલ્યાંકન માટેના એક અભ્યાસનું અર્થશાસ્ત્રી સેઝાર હુઆરોટોએ નેતૃત્વ કર્યું હતું.

તેમણે કહ્યું, "અમને જોવા મળેલી વસ્તુઓ પૈકી એક એ હતી કે ખેતપેદાશ આધારિત ઉદ્યોગ સ્થાનિક અર્થતંત્ર માટે ચાલકબળ સાબિત થયું છે. આના કારણે ઘણા મોટા વિસ્તારમાં કે જ્યાં અસંગઠિત ક્ષેત્રનું વર્ચસ્વ હતું, ત્યાં લોકોની નોકરીઓની ગુણવત્તામાં વધારો થયો છે. આ સિવાય લોકોની સરેરાશ આવકમાં પણ વધારો થયો."

જોકે, આ પરિવર્તન બધાને સમાનપણે લાભ કરાવતું નથી.

"હવે મજૂરીદર વધુ હોવાને કારણે નાના ખેડૂતોને કામદારો મુશ્કેલીથી મળે છે અને તેમને પોતાનાં ખેતરો માટે પાણી મેળવવામાં વધુ મુશ્કેલી પડે છે."

ખેતપેદાશ સંબંધી નિકાસથી ખેતરમાં કામ કરવાની પરંપરાગત રીતો બાજુએ ખસેડાતી જઈ રહી છે અને એ પેરુના મોટા વિસ્તારમાં સામાજિક અને સંપત્તિનું માળખું બદલી રહી છે.

હુઆરોટો કહે છે કે, "ઘણા નાના જમીનમાલિકોને લાગવા માંડ્યું છે કે તેમની જમીન હવે નફો નથી રળી રહી, તેથી તેઓ પોતાની જમીનો મોટી કંપનીઓને વેચી રહ્યા છે."

જોકે, તેઓ આગળ જણાવે છે કે, "ઘણા નાના ખેડૂતો આનાથી ખુશ પણ હતા, કારણ કે ખેતપેદાશને લગતા વેપારે તેમના કુટુંબના લોકોનેય નોકરીઓ આપી છે."

પાણીની સમસ્યા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પેરુ, ફળની ખેતી, રણવિસ્તારમાં ખેતી

ઇમેજ સ્રોત, Martín Bernetti / Getty

ઇમેજ કૅપ્શન, ટીકાકારો કહે છે કે ખેતપેદાશ સંબંધી નિકાસનો ઉદ્યોગ દેશના એવા વિસ્તારમાં કે જ્યાં લોકો પાસે પાણીનો પૂરતો પુરવઠો નથી ત્યાં ઘણા પ્રમાણમાં પાણીનો વપરાશ કરે છે

હાલનાં વર્ષોમાં દેશ માટે ખેતપેદાની નિકાસના વેપારના લાભો સામે ઘણા સવાલ ઊઠ્યા છે.

પરંતુ તેની ટીકાનું મુખ્ય કારણ પાણી છે.

હુઆરોટો જણાવે છે, "પાણીની તંગીના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો એક તરફ જ્યાં પેરુના ઘણા મોટા વિસ્તારમાં રહેતા લોકો પાસે જ્યાર ઘરમાં પાણી નથી, ત્યારે ખેતપેદાશ સંબંધી નિકાસ અંગેની ચર્ચા વધુ થવા લાગી છે."

બીબીસીને સ્થાનિક કાર્યકર રોસારિયો હુઆયાન્કાએ જણાવ્યું કે, "આઇકામાં પાણીનો વિવાદ છે, કારણ કે બધા માટે પૂરતું પાણી ઉપલબ્ધ નથી."

આ સૂકા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન એ ઘણા સમયથી વિવાદાસ્પદ રહ્યો છે.

આઇકામાં જવલ્લે જ વરસાદ પડતો હોવાને કારણે મોટા ભાગનું પાણી ભૂગર્ભમાંથી જ મેળવવામાં આવે છે.

ઘણા વિસ્તારો એવા છે જ્યાં લોકોએ ટૅન્કરોથી આવતા પાણી પર નભવું પડે છે અને પોતાની જરૂરિયાતનું પાણી સંઘરીને રાખવું પડે છે. જ્યારે ખેતપેદાશ સંબંધી નિકાસ માટે જે વિસ્તારમાં ખેતી થાય છે તેમને તેમનાં ખેતરોમાંથી પાણીનો ખાતરીપૂર્વકનો પુરવઠો મળી રહે છે અને નિકટના હુઆન્કાવેલિકા વિસ્તારમાંથી વાળીને લવાયેલું સિંચાઈનું પાણી પણ ઉપલબ્ધ કરાવાય છે.

હુઆયાન્કા નિંદા કરતા કહે છે કે, "નવા કૂવા ખોદવાનું કામ એ બંધ થઈ જવું જોઈએ, પરંતુ જ્યારે નૅશનલ વૉટર ઑથૉરિટી (ANA)ના અધિકારીઓ જ્યારે મોટા નિકાસકારોની તપાસ માટે આવે છે ત્યારે તેમને અંદર જવાની મંજૂરી નથી અપાતી. એવો દાવો કરાય છે કે એ ખાનગી સંપત્તિ છે."

"ક્ષેત્રમાં ભૂગર્ભજળની સપાટીને સતત ગગડવા માટે કારણભૂત એવી ભૂગર્ભજળના વધુ પડતા ઉપયોગની મુશ્કેલીઓ "ને કારણે વર્ષ 2011માં નૅશનલ વૉટર ઑથૉરિટીએ જેને તે આઇકાને પાણીનો પુરવઠો પૂરો પાડતા ભૂગર્ભજળની પ્રણાલીની "વ્યાપક મૉનિટરિંગ અને દેખરેખ પ્રક્રિયા" તરીકે વર્ણવે છે એ શરૂ કરી હતી.

પરંતુ દેખીતી રીતે જ, સમસ્યા ત્યાંને ત્યાં જ છે અને આ ભૂગર્ભજળની પ્રણાલીમાં પાણીનો પુરવઠો ખૂટતો જઈ રહ્યો હોય એવા સંકેતો અવાનરવાર નાના ખેડૂતોને નજરે પડે છે.

હુઆયાન્કા કહે છે કે, "નાના ખેડૂતોની ફરિયાદ છે કે તેમણે પાણી માટે મસમોટી રકમ ચૂકવવી પડે છે, જ્યારે મોટાં ફાર્મ્સ પાસે જળાશયો અને ટાંકા છે, જે તેઓ ભરી લે છે અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ પ્રક્રિયા માટે કરે છે."

બીબીસીએ આ મામલે ANA અને પેરુના ખેતીલક્ષી વિકાસ અને સિંચાઈ મંત્રાલયની આ અંગે પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો હતો, જે નિષ્ફળ નીવડ્યો હતો.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પેરુ, ફળની ખેતી, રણવિસ્તારમાં ખેતી

ઇમેજ સ્રોત, Sebastian Castaeda / Getty

ઇમેજ કૅપ્શન, આઇકા કે ઉત્તર પિઉરા જેવાં ક્ષેત્રો ખેતપેદાશનાં મોટાં કેન્દ્રો બની ગયાં છે

જાણીતી પિસ્કો બ્રાન્ડી (એક પ્રકારનું માદક પીણું)ની ખ્યાતિ પેરુના લોકો માટે રાષ્ટ્રીય ગૌરવનું સ્થાન હાંસલ કરી ચૂકી છે. આ બ્રાન્ડી બનાવવા માટે ઉપયોગમાં લેવાતી દ્રાક્ષ પણ પેરુના આ ક્ષેત્રમાં ઉગાડાય છે. જોકે, હવે તેની સામે પણ પ્રશ્નો ઊઠી રહ્યા છે.

સબોગલ ધ્યાન દોરતાં કહે છે, "કેટલાક લોકો ટીકા કરતા કહે છે કે દ્રાક્ષ એ માત્ર ખાંડમિશ્રિત પાણી જ છે, જો તમે ખાંડ અને તેનાથી નિષ્પન્ન પદાર્થની નિકાસ કરો છો, તો તેનો અર્થ છે કે તમે પાણીની નિકાસ કરી રહ્યા છો."

આઇકામાં ખેતપેદાશ સંબંધી વેપારને પર્યાવરણ અને લોકોની જરૂરિયાત સાથે સંતુલન સાધી શકે એવો ટકાઉ બનાવવો એ એક પડકાર છે.

હુઆયાન્કા કહે છે કે, "દરેક ચૂંટણી વખતે આ મુદ્દો ઊઠે છે, પરંતુ કોઈ નિરાકરણ થતું નથી. આપણે આઇકાનું અર્થતંત્ર લાંબા ગાળે કેવી રીતે ટકાઉ બને એ માટેનો રસ્તો શોધવાનો છે, કારણ કે પાણી વિના તો અર્થતંત્ર પડી ભાંગશે."

જોકે, ખરેખર તો પેરુની સમગ્ર ખેતપેદાશ સંબંધી નિકાસ માટે એક જ પડકાર છે.

સબોગલ અંતે કહે છે કે, "હાલની સ્થિતિ લાંબા ગાળા સુધી ટકી શકે એવી નથી. આવક અને વિદેશ હૂંડિયામણ આકર્ષતો ખેતપેદાશ સંબંધી નિકાસનો વેપાર હોવો એ ખૂબ સારી બાબત છે, પરંતુ આ ત્યારે જ સત્ય છે જ્યારે વસતિ અને પર્યાવરણ માટે જરૂરી પાણીનો પુરવઠો ઉપલબ્ધ હોય."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન