'અભેદ્ય કિલ્લા જેવી કાર' તથા વિશેષ કમાન્ડો, પુતિનની સુરક્ષા કેટલી કડક હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
"ફિદલ કાસ્ત્રોએ મને કહ્યું હતું, 'તમને ખબર છે, હું હજુ સુધી શા માટે જીવતો છું?' મેં પૂછ્યું, 'કેમ?' તેમણે કહ્યું કે 'કારણ કે હું મારી સુરક્ષાનું ધ્યાન હંમેશા જાતે જ રાખું છું.'"
અમેરિકન ડાયરેક્ટર ઑલિવર સ્ટૉનની ડૉક્યુમેન્ટ્રી 'પુતિન ઇન્ટરવ્યૂઝ'માં રશિયાના રાષ્ટ્રપતિએ ક્યૂબાના નેતા સાથેની મુલાકાતને વાગોળતી વેળાએ ઉપરોક્ત વાત કહી છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની ભારતયાત્રા પર નવી દિલ્હી પહોંચ્યા છે, ત્યારે અન્ય કોઈ આંતરરાષ્ટ્રીય રાજનેતાની સરખામણીમાં પુતિનની સુરક્ષાવ્યવસ્થા અંગે સોશિયલ મીડિયા અને મીડિયામાં ભારે ચર્ચા અને કૌતુક જોવા મળી રહ્યાં છે.
બીબીસી સંવાદદાતાએ છ વર્ષ પહેલાં 32 સેકન્ડનો એક વીડિયો લીધો હતો, જેના કારણે પુતિનની પૂપ (ટૉઇલેટ) સ્યૂટકેસ અંગે અવારનવાર ચર્ચા જોવા મળે છે. ટૉઇલેટ જેવી બાબત પણ સુરક્ષા સાથે જોડાયેલી હોવાનું નિષ્ણાતોનું માનવું છે.
ઑગસ્ટ-2025માં વડા પ્રધાન મોદીને કારણે પણ મીડિયામાં 'કિલ્લા જેવી' કાર ચર્ચામાં આવી હતી.
દિલ્હી ખાતે પુતિનની યાત્રા દરમિયાન સુરક્ષા માટે દિલ્હી પોલીસ, નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ્સ, આંતરિક સુરક્ષા વર્તુળમાં ભારતના વડા પ્રધાનની સુરક્ષા માટે જવાબદાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપના (એસપીજી) જવાનો તથા પુતિનના એસબીપીના જવાન રહેશે.
પૂપ સ્યૂટકેસની પૃષ્ઠભૂમિ

ઇમેજ સ્રોત, X/JonahFisherBBC
ડિસેમ્બર-2019માં પેરિસ ખાતે ક્રિમિયા મુદ્દે રશિયા-યુક્રેન સંઘર્ષ વિશે ચર્ચા કરવા માટે શિખરમંત્રણા થઈ હતી.
જેમાં વ્લાદિમીર પુતિન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી, જર્મનીનાં તત્કાલીન ચાન્સેલર ઍંજેલા મર્કલ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પેરિસના એલિસી પૅલેસ ખાતે મળ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સંવાદદાતા જોનાહ ફિશર પણ ત્યાં જ હતા. તેમણે 32 સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેમની સાથે વૉશરૂમમાંથી છ લોકોને બહાર નીકળતા જોઈ શકાય છે. તેમાંથી એક શખ્સના હાથમાં સ્યૂટકેસ હતી. જ્યારે અન્ય એક ગાર્ડને પુતિને ફેંકેલું કંઈક વીણતા જોઈ શકાય છે.
એ સમયે મીડિયામાં આ વીડિયો ખૂબ જ ચર્ચિત બન્યો હતો અને આજે પણ સોશિયલ મીડિયા ઉપર તેની વ્યાપક ચર્ચા થઈ હતી. એ પછી પણ અવારનવાર તે વીડિયો ચર્ચામાં રહ્યો છે.
એવું માનવામાં આવે છે કે તે પૂપ સ્યૂટકેસ છે અને વિદેશયાત્રા સમયે રશિયાના રાષ્ટ્રપતિ તેનો જ ઉપયોગ કરે છે. જેમાં તેમના મળને મૉસ્કો લઈ જવામાં આવે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસીની રશિયન સર્વિસનાં પૂર્વ સંવાદદાતા અને હવે સ્વતંત્ર પત્રકાર ફરિદા રૂસ્તોમોવાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આના વિશે ચર્ચા કરી હતી.
ફરિદાના કહેવા પ્રમાણે, પુતિન જ્યારે રશિયામાં હોય, ત્યારે તેમના ગાર્ડ્સ રશિયાના રાષ્ટ્રપતિએ વાપરેલાં સ્થાન તથા અન્ય બાબતોને સાફ કરી શકે છે, પરંતુ વિદેશમાં આવું શક્ય નથી હોતું, એટલે સિક્યૉરિટી ટીમ પોતાની સાથે ટૉઇલેટ લઈ જાય છે.
પુતિનના એક સમયેના સહયોગીને ટાંકતા ફરિદા જણાવે છે, "પુતિને પદભાર સંભાળ્યો, ત્યારે શરૂઆતનાં વર્ષોથી જ તેઓ પોતાની સાથે ટૉઇલેટ લઈ જાય છે."
"પુતિને જે કંઈ સ્પર્શ્યું હોય તો ત્યાંથી ફિંગરપ્રિન્ટ્સને હઠાવી દેવામાં આવે છે. સ્થાનને બરાબર રીતે સાફ કરવામાં આવે છે અને કોઈ અવશેષ રહેવા દેવામાં નથી આવતા."
સ્રોતને ટાંકતા ફરિદા ઉમેરે છે, "રાષ્ટ્રપતિના બાયૉ મટીરિયલને ટૉપ સિક્રેટની જેમ જોવામાં આવે છે. માત્ર પુતિન જ નહીં, વિશ્વના અનેક નેતા આવું કરે છે અને તે સામાન્ય બાબત છે. બાયૉ મટીરિયલમાંથી ઘણી નોંધપાત્ર માહિતી મળી શકે છે, જેનો ઉપયોગ થઈ શકે છે."
"નેતાના ડીએનએ મેળવી શકાય છે, નેતાને પાર્કિન્સન્સ કે અલ્ઝાઇમર જેવી કોઈ બીમારી છે કે કેમ, તેના વિશે જાણી શકાય છે. આ સિવાય નેતા જો કોઈ ચોક્કસ પ્રકારની દવા લઈ રહ્યા હોય, તો તે પણ જાણી શકાય છે. નેતાના દૂરના સંબંધીઓ કે અનૌરસ સંતાનો વિશે પણ ડીએનએ દ્વારા જાણી શકાય છે."
પુતિનની 'કિલ્લા જેવી કાર'

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદી એસસીઓ સમિટમાં ભાગ લેવા માટે ઑગસ્ટ-2025માં ચીન ગયા હતા. ત્યારે પુતિન તથા મોદી બંનેએ કારમાં ખાસ્સો સમય સુધી ઓરુસમાં બેસી રહ્યા હતા.
એ પછી પુતિને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 'મારી ગાડી ત્યાં હતી, તો મેં મોદીને તેમાં આવી જવા કહ્યું હતું, તેમાં કશું પૂર્વાયોજિત ન હતું અને અમે વાતો કરી હતી.'
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેના વિશે ઍક્સ પર લખ્યું હતું, "અમારા દ્વિપક્ષીય મંત્રણાસ્થળ સુધીનો પ્રવાસ મેં તથા રાષ્ટ્રપતિ પુતિને સાથે ખેડ્યો. તેમની સાથેની વાતચીત હંમેશાં ગહન હોય છે."
રશિયાની સરકારી મીડિયા ઓરુસ સૅનટને 'કિલ્લા જેવી કાર' કહે છે. રશિયાની કારનિર્માતા કંપની ઓરુસ, રશિયાની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ NAMI તથા તાવઝુન હૉલ્ડિંગ કંપની મળીને આ લિમૉઝિન શ્રેણીની કારનું નિર્માણ કરે છે.
પુતિનને લાગતું હતું કે રાષ્ટ્રપતિ માટે રશિયામાં નિર્મિત કારનો ઉપયોગ થવો જોઈએ, એટલે ઓરુસ સૅનટ અસ્તિત્વમાં આવી. વર્ષ 2018થી તેઓ આ ગાડીનો ઉપયોગ કરે છે. જે બખ્તરબંધ છે. તેના કાચ અને ગાડી ગોળી તથા નાના ધડાકાનો માર ખમી શકે છે.
પુતિન જ્યારે વિદેશમાં જાય છે, ત્યારે આ કાર ઍડ્વાન્સમાં ત્યાં મોકલવામાં આવે છે અને વિશેષ તાલીમ પામેલા ડ્રાઇવર જ તેને ચલાવે છે.
વર્ષ 2021માં આ કાર લોકોના વેચાણ માટે લૉન્ચ કરવામાં આવી હતી. દર વર્ષે તેના મહત્તમ 120 યુનિટ બનાવવામાં આવે છે. તેની કિંમત રૂ. બે કરોડ (બે લાખ 23 હજાર ડૉલર) આસપાસ છે.
આ કારની ડિઝાઇન સોવિયેત સમયની ZIS-110 લિમૉઝિનથી પ્રેરિત છે. વર્ષ 2024માં પુતિન પહેલી વખત ઉત્તર કોરિયા ગયા હતા. ત્યારે ત્યાંના નેતા કિમ જોંગ-ઉનને ઓરુસ કાર ભેટમાં આપી હતી તથા બંનેએ કારમાં ચક્કર પણ માર્યું હતું.
તેના ટાયર પંચર થાય તો પણ કાર દોડતી રહી શકે તેવા હોવાના અહેવાલ છે. આ સિવાય કોઈ સામાન્ય વીવીઆઇપી કારમાં હોય તેવી તમામ સવલત તેમાં હોય છે.
વિશેષ મગ અને ખાસ રસોઈયા

ઇમેજ સ્રોત, Reuters
મિખાઇલ ખોદોરોવસ્કીની ગણતરી એક સમયે રશિયાના સૌથી ધનવાન લોકોમાં થતી. તેઓ રશિયાના સત્તાનાં વર્તુળોમાં 'અંદરના માણસ' માનવામાં આવતા.
જોકે, પુતિનના સત્તા પરના શરૂઆતનાં વર્ષોમાં તેમને ટૅક્સચોરીના આરોપ સબબ જેલમાં ધકેલી દેવામાં આવ્યા, એ પછી વર્ષ 2014માં પુતિને તેમને માફ કરી દીધા.
હવે, મિખાઇલ રશિયાની બહાર રહે છે અને યુકેમાં આશરો લીધો છે. રશિયામાં કાયદા દ્વારા ચાલતી સરકારનું સ્થાપન થાય, તે માટે તેઓ અનેક પ્રકલ્પ ચલાવે છે.
જેમાંથી એક ડૉઝિયર સેન્ટર છે. જે રશિયાના ધનવાનો અને સત્તાધીશોની આંતરિક વાતોને ઇન્ટરનેટ ઉપર મૂકીને સાર્વજનિક કરે છે. રશિયામાં સત્તાવિરોધી વલણ ધરાવતા વકીલો, પત્રકારો અને બૌદ્ધિકોને વાચા આપવાનું કામ કરે છે.
ડોઝિયર સેન્ટરના એક અહેવાલ પ્રમાણે, પુતિનની સુરક્ષાની જવાબદારી ફેડર પ્રૉટેક્ટિવ સર્વિસની (એફએસઓ) વિશેષ પાંખ પ્રેસિડેન્શિયલ સિક્યૉરિટી સર્વિસ (એસબીપી) પર છે.
પુતિનની સુરક્ષા ઉપરાંત તેમના રહેણાક ખાતે જે કોઈ લોકો કામ કરે છે કે ખાવાનું બનાવે છે તે તમામ રશિયન સેનાના જવાનો કે અધિકારીઓ છે. તેમને ઓરિયલ ખાતે અકાદમીમાં તાલીમ આપવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
શારીરિક રીતે સક્ષમ ઉમેદવારોને શૉર્ટ લિસ્ટ કરતાં પહેલાં તેમના અલગ-અલગ રાઉન્ડના ઇન્ટરવ્યૂ થાય છે અને તેમના પૉલિગ્રાફ ટેસ્ટ પણ થાય છે. મનોવિજ્ઞાની પણ તમામ ઉમેદવારો સાથે સંવાદ કરે છે અને તેમનું આકલન કરે છે.
પુતિન જે કંઈ ખાય છે તેની વિશેષ તપાસ કરવામાં આવે છે. પુતિને જે માછલી પકડી હોય કે શિકાર કર્યો હોય, તેને પણ તપાસીને જ પછી તેમને પીરસવામાં આવે છે.
પુતિન પોતે પણ યુએસએસઆરની પૂર્વ ગુપ્તચર સંસ્થા કેજીબીમાં લેફ્ટનન્ટ કર્નલપદ પર કામ કરી ચૂક્યા છે, એટલે પોતાની સુરક્ષાને ખૂબ જ ગંભીરતાથી લે છે.
પુતિનના વિદેશપ્રવાસ દરમિયાન તેમની સિક્યૉરિટી ટીમ અગાઉથી જ જે-તે સ્થળે પહોંચીને સુરક્ષા-વ્યવસ્થાનું નિરીક્ષણ કરે છે.
પુતિનની સાથે જે બૉડીગાર્ડ્સ વિદેશમાં જાય છે, તેમાંથી 36 જેટલા વારંવાર પુતિનની સાથે જોવા મળ્યા હતા. તેમનો ડૉઝિયર સેન્ટરે ફેશિયલ રેક્ગ્નાઇઝેશન ટેકનિકથી અભ્યાસ કર્યો હતો.
જે મુજબ, કોઈની સોશિયલ મીડિયા પ્રોફાઇલ ન હતી. તેઓ મૂંછ, દાઢી, ટેટૂ કે વીંધણાં નથી ધરાવતા અથવા તે દેખાતા નથી. તેઓ રશિયાના અલગ-અલગ ભાગમાંથી હતા.
તેમાંથી કેટલાક કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ ઉપરાંત ગુપ્તચર એજન્સીના (એફએસઓ) સભ્ય પણ હતા.

ઇમેજ સ્રોત, BRENDAN SMIALOWSKI/AFP via Getty Images
ન્યૂઝ એજન્સી એએફપીના રિપોર્ટ પ્રમાણે, જૂન-2019માં જી-20ની બેઠકમાં ભાગ લેવા માટે પુતિન જાપાનના ઑસાકા પહોંચ્યા હતા. ત્યારે તેમના ટેબલ ઉપર પડેલો સફેદ રંગનો થર્મૉસ મગ ચર્ચાનો વિષય બન્યો હતો.
જ્યારે અન્ય નેતાઓએ સાદા ગ્લાસમાંથી વાઇન પીધો હતો. ટ્રમ્પે જામ ઉઠાવ્યો, ત્યારે પુતિને પણ સફેદ કલરનો થર્મૉસ મગ ઉઠાવ્યો હતો.
પુતિનના પ્રવક્તાના કહેવા પ્રમાણે, 'તેમાં ચા હતી, જેને પુતિન વારંવાર પી રહ્યા હતા.'
જોકે, આ આવા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી અને કેટલાકનું કહેવું હતું કે પુતિન કોઈની ઉપર વિશ્વાસ ન કરનારા નેતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












