વ્લાદિમીર પુતિન : એક જાસૂસની રશિયાના લાંબા સમય સુધી રાષ્ટ્રપતિ રહેવા સુધીની સફર

ઇમેજ સ્રોત, GAVRIIL GRIGOROV/Pool/AFP
- લેેખક, પોલ કિર્બી
- પદ, બીબીસી ન્યૂઝ
વ્લાદિમીર પુતિન વર્ષ 2000થી સત્તા પર છે. તેઓ સોવિયેટ સરમુખત્યાર જોસેફ સ્ટાલિન પછી સૌથી વધુ સમય સુધી રશિયાના રાષ્ટ્રપતિપદે બિરાજમાન છે.
રાષ્ટ્રપતિ તરીકેનો તેમનો આ પાંચમો કાર્યકાળ છે અને 71 વર્ષના પુતિનના શાસનનો વિરોધ કરવાની તમામ શક્યતાઓ દૂર થઈ ગઈ છે. તેઓ ઇચ્છે તો તેમને 2036 સુધી સત્તા પર ટકી રહેવાથી કોઈ રોકી શકે તેમ નથી.
રસપ્રદ વાત એ છે કે સોવિયેટ ગુપ્તચર સેવા કેજીબીના આ ભૂતપૂર્વ, ઓછા જાણીતા અધિકારીની ક્રેમલિન માટે લગભગ અકસ્માતે પસંદગી કરવામાં આવી હતી. તેનું કારણ એ હતું કે તેઓ તેમના પુરોગામી બોરિસ યેલ્ત્સિનના આંતરિક વર્તુળમાં યોગ્ય સમયે, યોગ્ય સ્થાને હતા.
વ્લાદિમીર પુતિન શેરી યોદ્ધા હતા. તેમણે જીવનની શરૂઆતનાં વર્ષો સામ્યવાદી લેનિનગ્રાડના એક ફ્લૅટ અથવા કૉમ્યુનાલ્કા (કૉમ્યુનલ ઍપાર્ટમેન્ટ)માં વિતાવ્યા હતા.
તેમને ઉદારમતવાદી, લોકશાહી રશિયા સ્વીકાર્ય હોય તેવું લાગતું હતું, પરંતુ પાછળથી તેમણે સોવિયેટ યુનિયનના પતનને "(વીસમી) સદીની સૌથી મોટી ભૂ-રાજકીય આપત્તિ" તરીકે વર્ણવ્યું હતું.
યુક્રેનને રશિયાની ભ્રમણકક્ષામાંથી નીકળતું અટકાવવા માટે કટિબદ્ધ પુતિને, બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી મોટું યુદ્ધ 2022ની 24 ફેબ્રુઆરીએ જંગી આક્રમણ સાથે શરૂ કર્યું હતું.
ઇતિહાસ પ્રત્યેનો પુતિનનો 'વિકૃત' દૃષ્ટિકોણ

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ ઇતિહાસની વિચિત્ર ધારણા અને નાટો પ્રત્યેના તીવ્ર રોષ સાથે પોતાનાં કાર્યોને ઘણીવાર ન્યાયસંગત ઠેરવે છે.
આક્રમણ પહેલાં અને પછી તેમણે ખોટો દાવો કર્યો હતો કે યુક્રેન નિયો-નાઝીઓ દ્વારા બનાવવામાં આવેલો કૃત્રિમ દેશ છે. તેમણે યુક્રેનને નાટો નજીક જતું અટકાવવાના પ્રયાસ કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પુતિનને સૌથી સારી રીતે જાણતા હોય તેવા પશ્ચિમના નેતા જર્મનીનાં ભૂતપૂર્વ ચાન્સેલર ઍન્જેલા મર્કેલ હતાં. મર્કેલે એક વખત એવું જણાવ્યું હતું કે પુતિન વાસ્તવિકતાથી દૂર અને "બીજી દુનિયામાં" છે.
મર્કેલે પુતિન સાથે વાટાઘાટના પ્રયાસ વારંવાર કર્યાં હતાં, પરંતુ પુતિને કીવ પર આક્રમણ માટે લશ્કરી દળો મોકલ્યાં પછી મર્કેલે એવું તારણ કાઢ્યું હતું કે "પુતિન યુરોપનો નાશ કરવા માંગે છે."
વ્લાદિમીર પુતિનનો જન્મ બીજા વિશ્વ યુદ્ધના અંતનાં સાત વર્ષ પછી થયો હતો. એ પહેલાં લેનિનગ્રાડની ઘેરાબંધી કરવામાં આવી હતી, જેમાં તેમના મોટા ભાઈનું મૃત્યુ થયું હતું અને તેમનાં માતાપિતા જેમ-તેમ બચી ગયાં હતાં.
પુતિનનું બાળપણ મુશ્કેલીભર્યું હતું, જેની અસર તેમના બાકીના જીવન પર જોવા મળવાની હતી.
'તમારે પહેલાં મુક્કો મારવો પડશે'

ઇમેજ સ્રોત, AFP
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 2000માં આપેલી એક મુલાકાતમાં તેમણે તેમના કૉમ્યુનલ ઍપાર્ટમેન્ટની સીડી પર એક મોટા ઉંદરને ઘેરવાનો કિસ્સો યાદ કર્યો હતો.
ઉંદર ક્યાંય ભાગી શકે તેમ નહોતો. ઉંદર તેમના પર ત્રાટકવાનો પ્રયાસ કરતો હોવાનું વર્ણન કરતાં પુતિને કહ્યું હતું, "એ વખતે હું 'cornered' શબ્દનો અર્થ શું થાય તેનો ઝડપી અને કાયમી પાઠ ભણ્યો હતો."
યુવાન પુતિન સ્થાનિક છોકરાઓ સાથે કાયમ ઝઘડા કરતા હતા. એ છોકરાઓ તેમનાથી મોટા અને મજબૂત હતા. બાદમાં એ સમયને યાદ કરતાં તેમણે ખુદને "ગુંડા" તરીકે વર્ણવ્યા હતા. તેમણે જૂડો શીખવાનું શરૂ કર્યું, તેનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો અને રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળમાં તેમણે બ્લૅક બેલ્ટ મેળવ્યો હતો. તેઓ રશિયન માર્શલ આર્ટ સામ્બોના પણ જાણકાર છે. તેઓ તેમના બાળપણના સાથી આર્કાડી અને બોરિસ રોટેનબર્ગની નજીક રહ્યા છે.
આજે જે સેન્ટ પીટર્સબર્ગ તરીકે ઓળખાય છે, એ શહેરની શેરીઓમાં પોતાના પ્રારંભિક અનુભવની વાત કરતાં તેમણે 2015માં કહ્યું હતું, "લેનિનગ્રાડની શેરીઓએ 50 વર્ષ પહેલાં મને એક પાઠ ભણાવ્યો હતો: લડાઈ અનિવાર્ય હોય તો પહેલો મુક્કો તમારે મારવો પડશે."
લેનિનગ્રાડ સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી 1975માં તેઓ સીધા કેજીબીમાં જોડાયા હતા. કાયદાના સ્નાતક માટે તે સ્વાભાવિક પગલું હતું અને એ તેમને સંપૂર્ણપણે અનુકૂળ હતું.
'ધ સ્વોર્ડ ઍન્ડ ધ શીલ્ડ' જેવા સોવિયેટ ટીવી કાર્યક્રમો જોઈને મોટા થયેલા યુવાન માટે નાઝી જર્મનીમાં રશિયન જાસૂસ તરીકે કામ કરવું એ સ્વપ્ન સમાન હતું. એ કાર્યક્રમમાં ગુપ્ત રશિયન જાસૂસનાં બહાદુરીભર્યાં કામ દર્શાવવામાં આવ્યાં હતાં.
તેમણે કહ્યું હતું, "હું સોવિયેટ દેશભક્તિના શિક્ષણની શુદ્ધ અને સંપૂર્ણ સફળ પ્રોડક્ટ હતો."
ત્યાં સુધીમાં પુતિન સારી રીતે જર્મન ભાષા બોલી શકતા હતા અને 1985માં તેમની નિમણૂક પૂર્વ જર્મન શહેર ડ્રેસ્ડનમાં કરવામાં આવી હતી. ડ્રેસ્ડનમાં પુતિને એક સામ્યવાદી દેશનું પતન 1989માં સગી આંખે જોયું હતું.
રસ્તાની પેલે પાર આવેલા કેજીબીના મુખ્યાલયમાંથી તેમણે જોયું હતું કે લોકોનાં ટોળાં ઇસ્ટ જર્મન સિક્રેટ પોલીસના વડામથકમાં ઘૂસી ગયાં હતાં. એક નાનું ટોળું કેજીબીની ઇમારત પાસે પહોંચ્યું ત્યારે તેમણે તેમને ચેતવણી આપી હતી.
રક્ષણ માટે તેમણે રેડ આર્મીના ટૅન્ક યુનિટને બોલાવ્યું ત્યારે તેમને સમજાયું હતું કે રશિયા કોઈ મદદ કરી શકે તેમ નથી. "અમે મૉસ્કોના આદેશ વિના કશું કરી શકીએ નહીં અને મૉસ્કો મૌન છે."
બીજા વર્ષે તેઓ મુક્ત રાજકીય વ્યવસ્થામાં પાછા ફર્યા હતા. તેમને લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો આપવામાં આવ્યો હતો, પરંતુ કેજીબીમાં તેઓ ક્યારેય ઉત્કૃષ્ટ કામગીરી કરી શક્યા નહોતા. તેમના એક ઉપરી અધિકારી નિકોલાઈ લિયોનોવ તેમને "ચીલાચાલુ એજન્ટ" માનતા હતા
વિશ્વાસુ લોકોના નાના વર્તુળમાં અત્યંત ખાનગી જીવન

ઇમેજ સ્રોત, OTHER
લેનિનગ્રાડ કેજીબીના પોતાના સાથીદારોના નાના વર્તુળને તેમણે આજે પણ અત્યંત વિશ્વાસુ તરીકે જાળવી રાખ્યું છે. એ પૈકીના એક, રશિયાની સુરક્ષા પરિષદના સેક્રેટરી નિકોલાઈ પાટ્રુશેવ, તેમના દીર્ઘકાલીન સાથી છે.
તેમના જૂના જૂડો કોચ એનાતોલી રાખલીએ એક વખત કહ્યું હતું, તેઓ લોકોની ભરતી તેમની "સુંદર આંખોને કારણે નહીં, પરંતુ ખુદની પ્રતિભા સાબિત કરી હોય એવા લોકો પર તેમને ભરોસો હોવાને કારણે કરે છે."
તેઓ જેમના પર ભરોસો કરે છે એ લોકો સમૃદ્ધ થાય છે. તેમણે તેમના બાળપણના દોસ્ત આર્કાડી રોટેનબર્ગને રશિયાના કબજા હેઠળના ક્રિમિયા સુધીનો પુલ બનાવવા માટે 3.5 અબજ ડૉલરનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો.
તેઓ તેમનું અંગત જીવન એકદમ ખાનગી રાખે છે અને લગ્નનાં 30 વર્ષ બાદ 2013માં તેમણે તેમનાં પત્ની લ્યુડમિલાને છૂટાછેડા આપી દીધા હતા.
તેમને બે દીકરીઓ છે: એકનું નામ મારિયા વોરોન્ટસોવા છે, જે શિક્ષણશાસ્ત્રી તથા બિઝનેસવુમન છે, જ્યારે બીજી દીકરી કેટેરીના તિખોનોવા એક રિસર્ચ ફાઉન્ડેશનનું વડપણ સંભાળે છે.
1991માં વ્લાદિમીર પુતિન લેનિનગ્રાડના નવા મેયર એનાતોલી સોબચાકના ડેપ્યુટી તથા મૂલ્યવાન સલાહકાર બન્યા હતા. સોબચાક ચૂંટણી હારી ગયા ત્યારે તેમના ડેપ્યુટીને મૉસ્કોમાં રાષ્ટ્રપતિ વહીવટી તંત્રમાં કામ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા.
તે બોરિસ યેલ્ત્સિનના કાર્યકાળનાં અંતિમ વર્ષો હતાં અને પુતિનનો તેમાં બહુ સારી રીતે ઉદય થયો હતો.
તેમણે થોડો સમય ફેડરલ સિક્યૉરિટી સર્વિસના વડા તરીકે કામ કર્યું હતું. ફેડરલ સિક્યૉરિટી સર્વિસે કેજીબીનું સ્થાન લીધું હતું. પછી પુતિનને સુરક્ષા પરિષદના સચિવ તરીકે રાષ્ટ્રપતિને રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિપદ માટેના 'શાનદાર ઉમેદવાર'

ઇમેજ સ્રોત, TIMM SCHAMBERGER/DDP/AFP
1999ની નવમી ઑગસ્ટે બીમાર યેલ્ત્સિને તેમના વડા પ્રધાનને બરતરફ કર્યા હતા અને તેમના સ્થાને તેમના 46 વર્ષના એક ઓછા જાણીતા શિષ્યને નિયુક્ત કર્યા હતા. એ માણસે વર્ષ 2000ની રાષ્ટ્રપતિપદની ચૂંટણી પહેલાં જરૂરી સુધારા કરવાના હતા.
યેલ્ત્સિનને હવે અનુગામીની જરૂર હતી.
વેલેન્ટિન યુમાશેવે કહ્યું, "પુતિન ખુદને ઉદારમતવાદી અને લોકશાહીવાદી ગણાવે છે. તેઓ માર્કેટ રિફોર્મ્સ ચાલુ રાખવા માગે છે. તેઓ શાનદાર ઉમેદવાર બનશે."
રાષ્ટ્રપતિ તરીકેનો યેલ્ત્સિનનો કાર્યકાળ પૂર્ણ થવામાં હતો, ત્યારે મૉસ્કોમાં અકારણ, પરંતુ ઘાતક શ્રેણીબદ્ધ બૉમ્બ ધડાકા થયા હતા. અલગતાવાદી બળવાખોરો પાસેથી મુખ્યત્વે મુસ્લિમ રશિયન પ્રજાસત્તાક ચેચન્યા પાછું મેળવવા માટે વ્લાદિમીર પુતિને મોટા પાયે આક્રમણ કરીને તેનો જવાબ આપ્યો હતો.
પુતિનની લોકપ્રિયતામાં વધારો થયો હતો અને 1999ની 31 ડિસેમ્બરે તેમને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્રણ મહિના પછી રાષ્ટ્રપતિ તરીકેનો તેમનો પ્રથમ કાર્યકાળ શરૂ થયો હતો.
ચેચન્યા આક્રમણમાં હજારો નાગરિકો મૃત્યુ પામ્યા હતા અને વ્લાદિમીર પુતિને બળવાખોરોનો "શૌચાલયમાં પણ" કેવી રીતે નાશ કર્યો હતો, તે વર્ણવવા કઠોર ભાષાનો ઉપયોગ કર્યો હતો.
રાજધાની ગ્રોઝની બરબાદ થઈ ગઈ હતી. રશિયાનો વિજય થયો હતો.
તેમની સામે ઘરઆંગણે પહેલો પડકાર વર્ષ 2000માં સર્જાયો હતો. એ સમયે બેરેન્ટ્સ સમુદ્રમાં એક કુર્સ્ક પરમાણુ સબમરીન અકસ્માતે ડૂબી ગઈ હતી. તેના ચાલક દળના તમામ 118 સભ્યોનાં મોત થયાં હતાં. રાષ્ટ્રપતિ પુતિન રજા માણતા રહ્યા હતા અને તેમણે આંતરરાષ્ટ્રીય મદદની ઑફરનો તેમણે શરૂઆતમાં ઇનકાર પણ કર્યો હતો. ઘણા ક્રૂ સભ્યો બચાવની રાહ જોતાં જોતાં મૃત્યુ પામ્યા હતા.
શોકગ્રસ્ત મહિલાઓ તેમના રાષ્ટ્રપતિ સામે ચીસો પાડી રહી હતી અને દર્શકો ટીવી પર જોતા રહ્યા હતા.
ચાર વર્ષ પછી ચેચેન બળવાખોરોએ ઉત્તર ઓસેશિયાના બેસલાનની એક સ્કૂલમાં 1,000 લોકોને બંધક બનાવ્યા હતા, તેમાં મોટા ભાગનાં બાળકો હતાં. રશિયન સ્પેશિયલ ફૉર્સિસે તે ઇમારત પર હુમલો કર્યો હતો, તેમાં 330 લોકો મૃત્યુ પામ્યા હતા. પાછળથી એવું બહાર આવ્યું હતું કે એ હુમલાની રશિયા પાસે આગોતરી માહિતી હતી, પરંતુ તે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું હતું.
રાષ્ટ્રપતિ તરીકેના પુતિનનાં પ્રારંભિક વર્ષો લોહિયાળ અને તોફાની બંને હતાં, પરંતુ ઑઇલના ઊંચા ભાવને કારણે રશિયન અર્થતંત્ર સારી કામગીરી કરી રહ્યું હતું.
1990ના દાયકામાં રશિયામાં અંધાધૂંધી ફેલાવતા રહેલા અબજોપતિ ઓલિગાર્ક સામે બાથ ભીડવા તેમણે લોકોનું સમર્થન મેળવ્યું હતું. તેમણે ઓલિગાર્કને ક્રેમલિનમાં બોલાવીને જણાવી દીધું હતું કે, તમે રાજકારણથી દૂર રહેશો અને મને ટેકો આપતા રહેશો ત્યાં સુધી જ તમારી પાસે પૈસા રહેશે.
પોતાનું કહ્યું ન માને તેવા લોકો સામે પુતિન ઝડપી કાર્યવાહી કરતા હતા. જેમ કે રશિયાના તત્કાલીન સૌથી ધનિક વ્યક્તિ મિખાઇલ ખોડોરકોવસ્કીની બંદૂકની અણીએ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને સાઇબીરિયાની જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
રશિયાના રાષ્ટ્રપતિનો પશ્ચિમના દેશો સાથે હનીમૂન જેવો સંબંધ પણ રહ્યો હતો. અલ-કાયદાના 9/11ના હુમલા પછી અમેરિકાના તત્કાલીન પ્રમુખ જ્યૉર્જ ડબલ્યુ બુશને ફોન કરનારા વિદેશી નેતાઓ પૈકીના તેઓ એક હતા. તેમણે અફઘાનિસ્તાનમાં લશ્કરી અભિયાન શરૂ કરવામાં અમેરિકાને મદદ પણ કરી હતી.
પ્રમુખ બુશે કહ્યું હતું, "મેં તે માણસની આંખો જોઈ છે. મને તે ખૂબ જ સીધો અને વિશ્વાસપાત્ર લાગ્યો છે."
જોકે, ટૂંક સમયમાં જ વ્લાદિમીર પુતિનનો અમેરિકા તથા તેના સાથીઓથી મોહભંગ થઈ ગયો હતો. કેજીબીની ભૂતપૂર્વ એજન્ટ અને ક્રેમલિનના ટીકાકાર ઍલેકઝાન્ડર લિટવિનેન્કોની રેડિયો ઍક્ટિવ પોલોનિયમ-210ના ઉપયોગ વડે લંડનમાં હત્યા કરવામાં આવી, ત્યારે બ્રિટન સાથેના રશિયાના સંબંધમાં કડવાશ સર્જાઈ હતી. બ્રિટિશ તપાસમાં જાણવા મળ્યું હતું કે, કેજીબીના હુમલાને રશિયન નેતાએ મંજૂરી આપી હોવાની શક્યતા છે.
2007માં મ્યુનિક સિક્યૉરિટી કૉન્ફરન્સ વેળાએ પુતિને અમેરિકા પ્રત્યેની પોતાની લાગણી સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરી હતી.
તેમણે ફરિયાદ કરી હતી કે "એક દેશ અમેરિકા દરેક રીતે તેની રાષ્ટ્રીય સરહદને ઓળંગી ગયો છે."
એ જૂના શીત યુદ્ધની કાતિલ સ્મૃતિ હતી અને અમેરિકા મધ્ય યુરોપમાં મિસાઇલ સંરક્ષણ સિસ્ટમની યોજના બનાવી રહ્યું હોવાના સમાચાર સામેના રશિયાના ગુસ્સાની અભિવ્યક્તિ હતી.
પુતિને કહ્યું હતું, "બર્લિનની દીવાલના પથ્થરો સંભારણા તરીકે વહેંચવામાં આવ્યા તેને લાંબો સમય થઈ ગયો છે અને હવે તેઓ નવી વિભાજન રેખાઓ અને દીવાલો આપણા પર લાદવાના પ્રયાસ કરી રહ્યા છે."
પુતિનનું લશ્કરી તાકાતનું પ્રદર્શન

ઇમેજ સ્રોત, POOL/AFP
ભૂતપૂર્વ સોવિયેટ સંઘના દેશોમાંના પશ્ચિમ તરફી નેતાઓને નબળા પાડવા માટે પોતે લશ્કરી તાકાતનો ઉપયોગ કરવા તૈયાર હોવાનું દર્શાવવામાં પુતિનને વધુ સમય લાગ્યો નહોતો.
2008માં રશિયન દળોએ જ્યૉર્જિયાના સૈન્યને હરાવ્યું હતું અને તેના બે અલગ થયેલા પ્રદેશો અબખાઝિયા તથા દક્ષિણ ઓસેશિયા કબજે કર્યા હતા. એ જ્યૉર્જિયાના તત્કાલીન નાટો તરફી રાષ્ટ્રપતિ મિખાઇલ સાકાશવિલી સાથેની અત્યંત અંગત અથડામણ હતી.
વ્લાદિમીર પુતિન હવે વડા પ્રધાન બન્યા હતા, કારણ કે બંધારણની જોગવાઈ અનુસાર, રાષ્ટ્રપતિ તરીકે સતત ત્રીજી મુદત સેવા આપવા તેમના પર પ્રતિબંધ હતો. જોકે, સત્તાનાં સૂત્રો તેમના હાથમાં હોવાનું સ્પષ્ટ હતું.
આજે એ સમસ્યાનું અસ્તિત્વ નથી. તેમણે 2021માં એક કાયદો બનાવ્યો હતો અને મર્યાદા પર પૂર્ણવિરામ મૂક્યું હતું. તેનો અર્થ એ થાય કે તેઓ સીધા પાંચમા કાર્યકાળમાં અને છઠ્ઠા કાર્યકાળમાં પણ આગળ વધી શકે છે.
2024નું રશિયા, પુતિનના ત્રીજા કાર્યકાળ પહેલાંના અશાંત દેશ કરતાં ખૂબ જ અલગ છે.
રશિયાના વિરોધનો અંત

ઇમેજ સ્રોત, Reuters
સોવિયેટ સંઘના પતન પછીનો સૌથી મોટો સામૂહિક વિરોધ, 2011માં સંસદીય ચૂંટણીમાં છેતરપિંડીના વ્યાપક આરોપો સંદર્ભે રશિયાનાં મુખ્ય શહેરોમાં ફાટી નીકળ્યો હતો.
વિરોધી નેતાઓમાં 1990ના દાયકાના ઉદારમતવાદી, ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન બોરિસ નેમ્ત્સોવનો પણ સમાવેશ થતો હતો. બીજા ઊભરતા નેતા ભ્રષ્ટાચારવિરોધી બ્લૉગર ઍલેક્સી નાવલ્ની હતા. તેમણે પુતિનની યુનાઇટેડ રશિયાને "બદમાશો તથા ચોરટાઓની પાર્ટી" ગણાવી હતી.
હવે વાસ્તવિક વિરોધ સુદ્ધાં લગભગ અદૃશ્ય થઈ ગયો છે.
2015માં નેમ્ત્સોવની ક્રેમલિનમાં એક પુલ પર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નાવલ્ની 2020માં નર્વ એજન્ટના ઝેરી હુમલામાંથી બચી ગયા હતા, પરંતુ જાન્યુઆરી 2021માં તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને ત્રણ વર્ષ પછી તેમનું અવસાન થયું હતું. વ્લાદિમીર પુતિને નાવલ્નીની હત્યા કરી હોવાનો આક્ષેપ તેમનાં પત્નીએ કર્યો હતો.
પુતિને ઓર્થોડોક્સ ચર્ચનો ટેકો પ્રાપ્ત કર્યો છે, રોસ્ગ્વાર્ડિયા અથવા નેશનલ ગાર્ડની રચના કરી છે, જે સીધું તેમની દોરવણી હેઠળ કામ કરે છે.
જાહેર અવજ્ઞાનાં કૃત્યો બહુ ઓછા અને ક્યારેક જ થાય છે. સૈન્યને બદનામ કરનારા અને 'ફેક ન્યૂઝ' ફેલાવતા લોકોને નિશાન બનાવતા નવા કાયદાઓનો ઉપયોગ વિરોધને શાંત કરવા માટે વ્યાપકપણે કરવામાં આવે છે.
રશિયન મીડિયા મોટા ભાગે ક્રેમલિન દ્વારા નિયંત્રિત અને નરમ છે. તે યુક્રેન સામેની આરપારની લડાઈના સમાચારોથી ભરપૂર છે.
પુતિને જૂન 2023માં ટૂંકા ગાળાના એક સશસ્ત્ર બળવાનો સામનો કરવો પડ્યો હતો. એ વખતે ભૂતપૂર્વ વફાદાર ભાડૂતી સૈનિકોના નેતા યેવજેની પ્રિગોઝિને મૉસ્કોના માર્ગો પર પોતાનાં દળો મોકલ્યા હતા, પરંતુ તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા અને બાદમાં એક રહસ્યમય વિમાન દુર્ઘટનામાં પ્રિગોઝિન માર્યા ગયા હતા.
2024માં બજેટ ખર્ચનો લગભગ 40 ટકા હિસ્સો સંરક્ષણ તથા સુરક્ષા માટે ફાળવવામાં આવ્યો હતો, કારણ કે રાષ્ટ્રપતિ પુતિન અર્થતંત્રનો મોટા ભાગનો હિસ્સો યુદ્ધ તરફ વાળે છે.
યુક્રેનમાં યુદ્ધ

ઇમેજ સ્રોત, ALEXEY DRUZHININ/SPUTNIK/AFP
યુક્રેનમાં પુતિનના યુદ્ધનો પ્રારંભ ફેબ્રુઆરી 2022થી નહીં, પરંતુ 2014માં યુક્રેનનો ક્રિમિયન દ્વીપકલ્પ કબજે કરવા સાથે થયો હતો.
જે રાતે યુક્રેનમાંના મૉસ્કો તરફી નેતા કીવના હિંસક વિરોધપ્રદર્શનમાંથી ભાગ્યા અને તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા, એ રાતે રશિયન રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, તેમણે આખી રાત બેઠક યોજી હતી અને તેમના સાથીદારોને કહ્યું હતું કે "ક્રિમિયાને રશિયામાં પાછું લાવવાનો સમય આવી ગયો છે."
એ પછી રશિયા તરફી આંદોલનકારીઓએ યુક્રેનના ડોનબાસ પ્રદેશનો મોટો હિસ્સો કબજે કર્યો હતો અને પોતે યુક્રેનની ચૂંટાયેલી સરકારને હટાવવા તથા કીવ કબજે કરવા ઉત્તર, દક્ષિણ તથા પૂર્વમાંથી હુમલા કરશે, એવું રાષ્ટ્રપતિ પુતિને નક્કી કર્યું અને 2022માં હુમલો કર્યો, ત્યાં સુધી આઠ વર્ષ સુધી યુદ્ધ પૂર્વમાં ચાલતું રહ્યું.
તેમણે યુદ્ધને યોગ્ય ઠેરવવાના પ્રયાસ વારંવાર કર્યા છે. તેઓ લાંબા ઐતિહાસિક લેખો લખે છે, ભાષણો કરે છે અને રશિયા આવતા જૂજ વિદેશી મહેમાનોને લૅક્ચર આપે છે, પરંતુ આ વિકૃત રીતે રજૂ કરવામાં આવતો હેતુસરનો ઇતિહાસ છે, જે કોઈ પણ પ્રકારના અસંમતિને સહન કરતો નથી.
સિવિલ રાઇટ્સ ગ્રુપ મેમોરિયલ જેણે સોવિયેટ દમનનો શિકાર બનેલા લોકોને દાયકાઓ સુધી યાદ કર્યા હતા, આ ગ્રુપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
"તેઓ ફાસીવાદ ઇચ્છતા હતા અને એ તેમને મળી ગયો છે," એવું પુતિનના કાર્યકાળ બાબતે કહેવા બદલ આ ગ્રુપના જૂના સહ-પ્રમુખ ઓલેગ ઓર્લોવને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












