સિંધ : ગુજરાત સુધી જેની સભ્યતા ફેલાયેલી હતી એ પ્રદેશમાં ઇસ્લામ ક્યારે આવ્યો અને કયા આધારે પાકિસ્તાનમાં ભેળવી દેવાયો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વકાર મુસ્તફા
- પદ, પત્રકાર અને સંશોધક
ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે તાજેતરમાં જ એક નિવેદનમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતને 'સાંસ્કૃતિક રીતે હંમેશાંથી ભારતનો હિસ્સો' ગણાવ્યો હતો.
તેના વળતા જવાબરૂપે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સિંહના નિવેદનને 'ઉશ્કેરણીજનક, અવાસ્તવિક અને ઇતિહાસને તોડી-મરોડીને રજૂ કરનારું' ગણાવ્યું. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, અડવાણીએ તેમના એક પુસ્તકમાં લખ્યું છે કે, સિંધી હિંદુ, તેમાંયે ખાસ કરીને તેમની પેઢીના લોકો આજ દિન સુધી સિંધને ભારતથી જુદું પાડી દેવામાં આવ્યું, તે ઘટનાને સ્વીકારી શક્યા નથી.
રાજનાથસિંહે એમ પણ કહ્યું, "આજે ભલે સિંધની ધરતી ભારતનું અંગ ન હોય, પણ સાંસ્કૃતિક રીતે સિંધ હંમેશાં ભારતનું અંગ રહેશે અને જમીનની વાત કરીએ તો, સરહદો બદલાઈ શકે છે. બની શકે કે, કાલે સિંધ ફરી પાછું ભારતમાં ભળી જાય."
ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં નવેસરથી વ્યાપેલી આ કડવાશને ધ્યાનમાં રાખીને આપણે ઇતિહાસની ઝાંખી કરીએ અને ઇતિહાસ તથા રાજકારણના નિષ્ણાતો આ અંગે શું અભિપ્રાય ધરાવે છે, તે જાણીએ.
સિંધના ઇતિહાસની ઝાંખી : મોહેં-જો-દડોથી બૉમ્બે પ્રેસિડેન્સી સુધી
ઍન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા પ્રમાણે, હાલના સિંધ પ્રાંતનો જે ભાગ સિંધુ નદીના ડેલ્ટાનો હિસ્સો છે, તે એક સમયે સિંધુ ખીણની પ્રાચીન સંસ્કૃતિનું કેન્દ્ર હતું.
મોહેં-જો-દડો અને કોટ દીજી જેવી જગ્યાઓ આ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રારંભિક સંસ્કૃતિ આશરે ઈ.સ. પૂર્વે 2300 થી ઈ.સ. પૂર્વે 1750 સુધી અસ્તિત્વ ધરાવતી હતી.
ઍન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા અનુસાર, વિશ્વની સૌથી પ્રાચીન ત્રણ મહાન સંસ્કૃતિઓ (મેસોપોટેમિયા, મિસર અને સિંધુ ખીણ) પૈકી સિંધુ ખીણની સંસ્કૃતિ ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી વધુ પ્રસાર ધરાવતી હતી. આ સંસ્કૃતિ સૌપ્રથમ 1921માં હડપ્પા (પંજાબ)માં મળી આવી અને એ પછી 1922માં મોહેં-જો-દડો (હાલના સિંધ પ્રાંતમાં સિંધુ નદીના કિનારે)માં મળી આવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
સોહૈલ ઝહીર લારી તેમના પુસ્તક 'અ હિસ્ટ્રી ઑફ સિંધ'માં નોંધે છે કે, આ સંસ્કૃતિ હાલના પાકિસ્તાનમાં પથરાયેલી હતી. આ સંસ્કૃતિ દક્ષિણ અને પૂર્વમાં હાલનાં ભારતીય રાજ્યો ગુજરાત, રાજસ્થાન તથા હરિયાણા સુધી અને પશ્ચિમમાં અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આગળ તેઓ જણાવે છે કે, ગરમીમાં સિંધુ નદીનું જળ સ્તર શિયાળાની સરખામણીમાં સોળ ગણું વધી શકે અને આ પરિવર્તનને કારણે ખેતી અને સિંચાઈની તકો ઘટી જવા પામી હતી. સિંચાઈ, ખેતી તથા ખેડૂતોના વસવાટ માટે યોગ્ય હોય, એ વિસ્તારો મુખ્યત્ત્વે નાની નદીઓની આસપાસ હતા અને તેના કારણે જ હડપ્પા સંસ્કૃતિના મોટાભાગના વસવાટો સિંધુ નદીના મુખ્ય પ્રવાહથી દૂર હતા.

ઇમેજ સ્રોત, Getty Images
'આ સ્થિતિ ઈ.સ. પૂર્વે 2500 સુધી યથાવત્ રહી. એ સમયની આસપાસ હડપ્પાની પ્રજાએ હડપ્પા તથા મોહેં-જો-દડોને અગાઉથી નક્કી કરેલા નકશા પ્રમાણે કેન્દ્રીય શહેરી કેન્દ્રો તરીકે વિકસાવવાનો ક્રાન્તિકારી નિર્ણય લીધો, જેથી પ્રવાસ અને વેપારના હેતુસર સિંધુ નદીનો ઉપયોગ કરી શકાય.'
"વહીવટી દૃષ્ટિએ આ નિર્ણય જળપરિવહનના નેટવર્ક થકી સિંધુ નદીના બંને કાંઠા પર વસેલી હડપ્પાની વસ્તીને જોડતો હતો. વરસાદ તથા પૂરની સ્થિતિમાં જળમગ્ન થઈ જતા આ પ્રદેશમાં પરિવહનનું આ સૌથી કાર્યક્ષમ સાધન હતું."
"વળી, તેના લીધે હડપ્પાની સંસ્કૃતિને સમુદ્રના તટની સાથે-સાથે એક તરફ પર્શિયાની ખાડી અને બીજી તરફ દખ્ખણ (દક્ષિણ ભારત) સુધી પ્રસાર કરવાની તક સાંપડી."
સિંધના સામ્રાજ્યો અને બૌદ્ધથી ઇસ્લામ સુધીનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઍન્સાયક્લોપીડિયા બ્રિટાનિકાના જણાવ્યા પ્રમાણે, તે પછીના ઐતિહાસિક રેકોર્ડમાં એક હજાર કરતાં વધુ વર્ષોનો અંતરાલ જોવા મળે છે. તે પછી ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં દારા પ્રથમે સિંધ જીતી લીધું, એ પછી આ પ્રાંતને (ઈરાનિયન) અકેમેનિડ સામ્રાજ્યમાં સમાવવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ જોવા મળે છે.
આશરે બે સૈકા પછી સિકંદરે ઈ.સ. પૂર્વે 326 અને 325ની વચ્ચેના ગાળામાં આ પ્રદેશ જીતી લીધો. તેના મૃત્યુ બાદ સિંધ પર સલ્યુકસ પ્રથમ નિકેટર, ચન્દ્રગુપ્ત મૌર્ય (આશરે ઈ.સ. પૂર્વે 305), પછી ઈ.સ. પૂર્વે ત્રીજીથી બીજી સદીમાં ઇન્ડો-ગ્રીક અને પાર્થિયન શાસકો તથા તે પછી ઈ.સ. પૂર્વે પ્રથમથી ઈ.સ. બીજી સદી સુધી શક અને કુષાણ શાસકોનું વર્ચસ્વ રહ્યું.
ઈ.સ. પ્રથમ સદીમાં કુષાણ કાળ દરમિયાન સિંધની મોટા ભાગની વસ્તીએ બૌદ્ધ ધર્મ અપનાવી લીધો. ત્રીજીથી સાતમી સદી દરમિયાન આ વિસ્તાર ઈરાનિયન સાસાની સામ્રાજ્યના તાબામાં રહ્યો.
"ઍન્સાયક્લોપીડિયા બ્રિટાનિકાના સંશોધન અનુસાર, દક્ષિણ એશિયામાં ઇસ્લામનો પાયો ઈ.સ. 711માં અરબોના સિંધમાં આગમન સાથે નંખાયો. ઈ.સ. 712થી લગભગ ઈ.સ. 900 સુધી, સિંધ ઉમૈયદ અને અબ્બાસી સુલ્તાનતોના અલ-સિંદ (અલ-સિંધ) પ્રાંતનો ભાગ રહ્યું, જેની રાજધાની અલ-મન્શૂરા હતી, જે આજના (પાકિસ્તાનસ્થિત) હૈદરાબાદથી 72 કિલોમીટર ઉત્તર તરફ આવેલી હતી."
"ખલીફાતની કેન્દ્રીય સત્તા ક્ષીણ થયા પછી, અલ-સિંદના અરબ રાજ્યપાલોએ દસમીથી લઈને સોળમી સદી સુધી આ પ્રદેશમાં પોતાનું સ્થાનિક અને રાજવંશીય શાસન સ્થાપ્યું."
સોળમી અને સત્તરમી સદી (1591-1700)માં સિંધ મોઘલોના તાબા હેઠળ રહ્યું. તે પછી ઘણાં સ્વતંત્ર સિંધી રજવાડાંએ તેનો કારભાર સંભાળ્યો. 1843માં બ્રિટિશ ફોજે છેલ્લી સિંધુ હકૂમતને હરાવી દીધી. તે સમયે સિંધના મોટાભાગના પ્રદેશોને બૉમ્બે પ્રેસિડન્સીમાં ભેળવી દેવાયા."
સિંધે પાકિસ્તાનમાં ભળી જવાનો નિર્ણય શા માટે લીધો?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના સ્થાપક મહમદઅલી ઝીણાએ તેમના 14 પૉઇન્ટ્સમાં સિંધને બૉમ્બેથી અલગ કરવાની માગણી કરી હતી. મુસલમાનોની માગણીને પગલે બ્રિટિશ સરકારે 1936માં સિંધને બૉમ્બેથી અલગ કરીને તેને સિંધ પ્રાંતનો દરજ્જો આપ્યો. 1947માં પાકિસ્તાનની રચના સમયે સિંધને મુસ્લિમ-બહુમતીને કારણે પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યું.
સંશોધક અને લેખક ડૉ. મહમદઅલી શેખે તેમના એક લેખમાં કહ્યું હતું કે, બૌદ્ધ રાજા સિહાસી દ્વિતીયના 28 વર્ષના શાસનકાળ દરમિયાન રાજ્યના મોટાભાગના મામલા તેમના વફાદાર બ્રાહ્મણ મંત્રી ચચ સંભાળતા હતા.
આશરે ઈ.સ. 642ની આસપાસ ચીનના પ્રવાસી શુઆનઝેંગે સિંધની મુલાકાત લીધી હતી અને લખ્યું હતું કે, અહીં અગણિત સ્તૂપો અને સેંકડો વિહાર આવેલા હતા, જેમાં આશરે દસ હજાર બૌદ્ધ ભિક્ષુઓ વસવાટ કરતા હતા.
બ્રિટિશ ઇતિહાસવિદ જૉન કીએ તેમના પુસ્તક 'ઇન્ડિયાઃ અ હિસ્ટ્રી'માં લખ્યું છે કે, બૌદ્ધ ધર્મ સિંધ પ્રદેશનો સૌથી મજબૂત ધર્મ હતો, પરંતુ હિંદુ ધર્મનું પણ અસ્તિત્વ હતું અને ત્યાં આશરે ત્રીસેક હિંદુ મંદિરો આવેલાં હતાં.
સાતમી સદીમાં સિંધ સામ્રાજ્યમાં ઉત્તર તરફના ભાગને બાદ કરતાં લગભગ સમગ્ર સિંધુ ખીણ સમાવિષ્ટ હતી. શાસન સંભાળ્યા બાદ જ્યારે ચચે વિજયઅભિયાન આદર્યું, તે સમયે તેણે તેના રાજ્યની સીમાઓ નક્કી કરવા માટે અનોખી રીત અપનાવી: અલગ-અલગ પ્રદેશોની ઓળખ પ્રમાણે વૃક્ષો વાવવાની.
આ સંદર્ભમાં કીએ નોંધે છે કે, જો ઉત્તર-પશ્ચિમમાં ફક્ત પ્રાચીન ગાંધાર પ્રદેશ પણ સામેલ થઈ ગયો હોત, તો ચચનું રાજ્ય એક પ્રકારનું પ્રોટો-પાકિસ્તાન બની ગયું હોત.
સિંધ કોઈ પ્રાંત નથી?

ઇમેજ સ્રોત, Getty Images
ઇતિહાસવિદ ડૉ. તાહિર કામરાનના જણાવ્યા અનુસાર, સિંધુ ખીણનું કેન્દ્ર એ જ પ્રદેશ છે, જે હાલ પાકિસ્તાન છે. તેમણે બીબીસીને જણાવ્યું હતું, "ટેક્સિલા(તક્ષશિલા) ની સંસ્કૃતિના સંદર્ભમાં તેમાં સિંધ અને મોહેં-જો-દડો, વગેરે સહિત પંજાબ, બલોચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વાનો સમાવેશ થાય છે. તે કેન્દ્ર છે, તે સ્રોત છે અને ત્યાંથી જ સિંધુ ખીણની સંસ્કૃતિનાં મંડાણ થયાં અને તેનો પ્રસાર થયો, જેનો પ્રભાવ ગુજરાત સુધી પડ્યો."
"સાંસ્કૃતિક રીતે આ પ્રદેશ એકજૂટ હોવો સ્વાભાવિક છે. સિંધ છૂટું પડીને ભારત પાસે જતું રહે, તે અસ્વાભાવિક છે. ઐતિહાસિક રીતે જો સંસ્કૃતિના દૃષ્ટિકોણથી જોવામાં આવે, તો આ સ્થિતિ નિરર્થક બની રહે છે."
"સિંધ એટલે કોઈ એક પ્રદેશ કે પ્રાંત સિંધ નથી, બલ્કિ તે એક આખો એવો પ્રદેશ છે, જે સિંધુ નદીની આસપાસ વિકસેલી સંસ્કૃતિનું કેન્દ્ર અને તેની ધરી હતો, જેમાં પંજાબ, બલૂચિસ્તાન અને સિંધનો પણ સમાવેશ થાય છે. તેનું સામૂહિક સાંસ્કૃતિક એકમ એ જ છે, જ્યાં આજે પાકિસ્તાન આવેલું છે. આ કેન્દ્રમાંથી જે સાંસ્કૃતિક ઝરણાં ફૂટ્યાં, તેમણે આગળ જઈને અન્ય સ્થળોએ પોતાની છાપ છોડી."
તેમના અભિપ્રાય અનુસાર, ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એક તણખો વેર્યો છે, જેની પાછળ કોઈ જ્ઞાનનું ઊંડાણ કે વિષય પરની સમજૂતી જોવા મળતી નથી.
સિંધ ભારતનો ભાગ ક્યારેય નહોતું?

ઇમેજ સ્રોત, Getty Images
સિંધના રાજનીતિ શાસ્ત્રી ડૉ. આમીર અલી ચાંડિયો જણાવે છે કે, ભારતના સંરક્ષણમંત્રીનું આ નિવેદન સરેઆમ સામ્રાજ્યવાદી માનસિકતા છતી કરે છે અને તેમાંથી કબજો જમાવવાની મનસા વ્યક્ત થાય છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, ઇતિહાસ પર ઊડતી નજર નાખીએ તો એ હકીકત સામે આવે છે કે, સિંધ કદીયે ભારત અથવા તો હિંદુસ્તાનનો ભાગ રહ્યું નથી.
"ઘણા ઓછા સમય સુધી મોઘલ સામ્રાજ્યે સિંધ પર કબજો જમાવ્યો, તો પણ સિંધી પ્રજાએ તેની સામે પ્રબળ વિરોધ નોંધાવ્યો. શાહ ઇનાયત શહીદને ઇતિહાસના પ્રથમ સૉશ્યલિસ્ટ સૂફી માનવામાં આવે છે. તેમણે જાગીરદારી વ્યવસ્થા અને મોઘલ વર્ચસ્વ સામે વિરોધ નોંધાવ્યો હતો."
ચાંડિયોના જણાવ્યા પ્રમાણે, ઈ.સ. 1843માં જ્યારે બ્રિટિશ સામ્રાજ્ય અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સિંધ પર વર્ચસ્વ મેળવી લીધું, તે સમયે પણ સિંધ એક આઝાદ રાજ્ય અને અલગ ક્ષેત્ર હતું, તે ભારતનો ભાગ ન હતું.
"ઈ.સ. 1847માં સિંધને જનતાની મરજી વિરુદ્ધ કાવતરાં હેઠળ બળજબરીપૂર્વક બૉમ્બે પ્રેસિડેન્સીમાં સામેલ કરી દેવામાં આવ્યું. આ નિર્ણય વિરુદ્ધ સિંધના લોકોએ લાંબી લડત આપી અને તે પછી સિંધની અલગ ઓળખને મંજૂરી મળી."
"ત્યાર બાદ પણ સિંધે અંગ્રેજો વિરુદ્ધ સંસદીય અને લોકતાંત્રિક સંઘર્ષ કર્યો. એ સિવાય હૂરોં (સૂફી સમુદાય, શાબ્દિક અર્થઃ આઝાદ)નું સશસ્ત્ર આંદોલન પણ સિંધના પ્રતિકારક ઇતિહાસનું સુવર્ણ પ્રકરણ છે. ત્યાં સુધી કે અંગ્રેજોએ સિંધમાં માર્શલ લૉ લાગુ કરવો પડ્યો હતો, પણ સિંધની પ્રજાએ ગુલામી સ્વીકારી નહીં."
ચાંડિયો જણાવે છે કે, 1940ના લાહોર પ્રસ્તાવ (પાકિસ્તાન પ્રસ્તાવ)નો સૌપ્રથમ સ્વીકાર કરનારા લોકોમાં સિંધનાં પ્રજાજનો સામેલ હતાં. એ પહેલાં 1938માં પણ સિંધ ઍસેમ્બ્લી જાહેર કરી ચૂકી હતી કે, "અમે ભારત સાથે નહીં રહીએ."
"પાકિસ્તાનના સ્થાપકનો સંબંધ પણ સિંધ સાથે હતો અને 3 માર્ચ, 1943ના રોજ પાકિસ્તાનના પક્ષમાં સૌથી પહેલો પ્રસ્તાવ સિંધ ઍસેમ્બ્લીએ પસાર કર્યો, જેમાં જીએમ સૈયદે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી."
પાકિસ્તાનનું નિર્માણ અને સિંધની ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
ચુગતાઈ મિર્ઝા એજાઝુદ્દીનના સંશોધન પ્રમાણે, અખંડ ભારતમાં સૌ પહેલાં સિંધ પ્રાંતે જ સ્વતંત્ર મુસ્લિમ રાજ્યના નિર્માણ માટેનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ પ્રસ્તાવ શેખ અબ્દુલ મજીદ સિંધીએ રજૂ કર્યો હતો.
"પાકિસ્તાનના સ્થાપકનું માનવું હતું કે, હિન્દુસ્તાન કદીયે એક એકલું (સંયુક્ત) રાષ્ટ્ર રહ્યું નથી અને મુસ્લિમ હિન્દુસ્તાન હંમેશાં એક અલગ એકમ રહ્યું છે - તેનો પડઘો જીએમ સૈયદના નિવેદનમાં પણ પડ્યો, જેઓ તે સમયે મુસ્લિમ લીગની વર્કિંગ કમિટિના સભ્ય અને પ્રસિદ્ધ સિંધી નેતા હતા."
"જીએમ સૈયદે કહ્યું કે, મોહેં-જો-દડો ખાતે મળી આવેલી સિંધુ ખીણની સંસ્કૃતિ પરથી સાબિત થાય છે કે, પાકિસ્તાનના વિસ્તારો કદીયે હિન્દુસ્તાનનો હિસ્સો રહ્યા નથી અને સિંધ, પંજાબ, અફઘાનિસ્તાન અને સીમા ફાર ઇસ્ટનો નહીં, બલ્કિ મધ્ય પૂર્વનો ભાગ હતા."
"દક્ષિણ એશિયાના તમામ પ્રાંતોમાંથી કેવળ સિંધ ઍસેમ્બલીએ જ 3 માર્ચ, 1943ના રોજ જીએમ સૈયદ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ થકી લાહોર પ્રસ્તાવને પગલે પાકિસ્તાન બનાવવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો."
"આગળ જતાં 26 જૂન, 1947ના રોજ સિંધ ઍસેમ્બ્લીએ વિશેષ સત્રમાં નિર્ણય લીધો કે તે નવી પાકિસ્તાન બંધારણ સભાનો ભાગ બનશે. આ રીતે સિંધ પાકિસ્તાન સાથે જોડાનારો પ્રથમ પ્રાંત બન્યો."
જીએમ સૈયદના મતે, પાકિસ્તાનના નિર્માણની તરફેણમાં મત આપનારા સિંધના સભ્યો પાકિસ્તાની રાષ્ટ્રના નિર્માણકર્તા છે. તેમાં ગુલામ હુસૈન હિદાયતુલ્લાહ, મુહમ્મદ અય્યૂબ ખોડો, મીર બંદાઅલી ખાન તાલપુર, પીરઝાદા અબ્દુસત્તાર, મહમદ હાશીમ ગઝદર, પીર ઇલાહી બક્શ, મીરાન મહમદ શાહ, મહમૂદ હારૂન, કાઝી મહમદ અકબર, ખાન સાહબ ગુલામ રસૂલ જતોઈ, સરદાર કૈસર ખાન ગઝદર, મીર જાફર ખાન જમાલી, સરદાર નબી બખ્શ સૂમરો, ગુલામ મુહમ્મદ વસ્સાન, સરદાર નૂર મહમદ બિજારાની, ગુલામ નબી ઢેરાઝ અને સત્રની અધ્યક્ષતા સંભાળી હતી તેવા સ્પીકર આગા બદરૂદ્દીન સામેલ હતા.
ચાંડિયો જણાવે છે કે, "આજે પણ સિંધના લોકો એમ જ કહે છે કે, અમે પાકિસ્તાનનો ભાગ છીએ. બસ, અમને 1940ના પ્રસ્તાવ હેઠળ અમારા બંધારણીય તથા રાજનૈતિક હક્કો મળવા જોઈએ."
"આ રીતે એક આઝાદ વતન અને અંગ્રેજોના તાબા હેઠળ રહેલું સિંધ તેની મરજીથી પાકિસ્તાનનું અંગ બન્યું. પાકિસ્તાનના આંદોલનમાં બંગાળની સાથે-સાથે સિંધની ભૂમિકા પણ અતિ મહત્વની અને ઐતિહાસિક છે."
"સિંધના લોકોએ કદીયે હિન્દુસ્તાનનું વર્ચસ્વ સ્વીકાર્યું નથી. ભારતની સામ્રાજ્યવાદી આકાંક્ષા આજે પણ તેમને મંજૂર નથી. આ સ્થિતિમાં ભારતનો હિસ્સો બનવાનો કે તેના કોઈ વર્ચસ્વને સ્વીકારવાનો પ્રશ્ન જ રહેતો નથી."
ચાંડિયોના જણાવ્યા પ્રમાણે, સિંધ ઐતિહાસિક રીતે એક સ્વતંત્ર ક્ષેત્ર રહ્યું છે અને તે સ્વેચ્છાએ પાકિસ્તાનમાં સામેલ થયું હતું.
બન્ને દેશોને સલાહ

ઇમેજ સ્રોત, Getty Images
બુદ્ધિજીવી વજાહત મસૂદ જણાવે છે કે, જો ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહના તર્કને સાચો માનવામાં આવે, તો ભવિષ્યમાં દિલ્હી, અવધ અને હૈદરાબાદ ડેક્કન પાકિસ્તાનનો ભાગ બની શકે છે.
તેમણે બીબીસીને જણાવ્યું કે, ઇતિહાસની યાત્રા પ્રાચીન હસ્તપ્રતોના પ્રકાશમાં આગળ નથી વધતી. "પંચોતેર વર્ષ પહેલાં ભારતના ભાગલા પડ્યા અને બે દેશોની રચના થઈ. તે સમયના નેતૃત્ત્વએ આ નિર્ણય સ્વીકારી લીધો હતો."
"ગત સાત દાયકાઓમાં બંને દેશોની રાજનીતિ, અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિમાં વિભિન્ન બાબતો ઊભરી આવી છે. હવે રાજનાથસિંહ જેવાં નિવેદનોથી બિનજરૂરી કડવાશ સિવાય કશું હાંસલ થઈ શકશે નહીં."
વજાહત મસૂદની સલાહ છે કે, બંને દેશો સારા પાડોશીની માફક રહેવાનું શીખી લે અને પોતાના નાગરિકોનું જીવન સ્તર બહેતર બનાવવાની કોશિશ કરે, એ જ ઉચિત છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












