દિલ્હી : ચાંદની ચોક નામ કેવી રીતે પડ્યું અને આ લોકપ્રિય બજારનો ઇતિહાસ શું છે?

દિલ્હી, ચાંદની ચોક, ઇતિહાસ, મુઘલ, શાંહજહાં, મુમતાઝ, રોશન આરા, જહાં આરા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મિર્ઝા એબી બેગ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતીઓ દિલ્હીની મુલાકાત લે એટલે લાલ કિલ્લા અને ચાંદની ચોકની બજારની મુલાકાત લેવાનું ચોક્કસથી પસંદ કરતા હોય છે. ચાંદની ચોકમાં ઇલેક્ટ્રૉનિક, ખાણીપીણી, મહિલાઓ માટે ખરીદીની, ડ્રાયફ્રૂટની, મેડિકલ ચીજવસ્તુઓની એમ અલગ-અલગ બજારો આવેલી છે.

પરંતુ શું તમને ખબર છે કે ચાંદનીચોકની સ્થાપના કેવી રીતે થઈ હતી? ગુજરાતીઓ માટેનું પ્રિય બજાર કેવી રીતે શરૂ થયું અને તેણે કેવા પરિવર્તનો જોયા છે? આના માટે ઇતિહાસમાં ડોકિયું કરવું રહ્યું.

આગ્રાના કિલ્લામાં તહેવાર જેવો માહોલ હતો. 14મી ફેબ્રુઆરી, 1628ના રોજ નવા બાદશાહ ખુર્રમની તાજપોશી થઈ રહી હતી. અર્જુમંદ આરા તડામાર તૈયારીઓમાં વ્યસ્ત હતાં, પણ રોશન આરા થાકીને નિદ્રાધીન થઈ ગયાં.

એ સિવાય બાકીનાં બાળકો દારા, શુજા અને ઔરંગઝેબ તીરંદાજીનો અભ્યાસ કરવા ગયા હતા. જહાં આરા પાસે કંઈ કામ ન હોવાથી તે સામાન્યતઃ હરમની સ્ત્રીઓ જ જ્યાં જતી હોય છે, એ મહેલના ખૂણે આવેલી મસ્જિદ તરફ ગયાં.

મસ્જિદમાં એક સ્ત્રી નમાજ પઢી રહી હતી. જહાં આરા તેને ઓળખી ગયાં. એ તેમનાં સાવકાં માતા ફતેહપુરી બેગમ હતાં. તેમને નમાજમાં ખલેલ પહોંચાડ્યા વિના જહાં આરા એક બાજુ બેસીને મહેલના વિચારોમાં ખોવાઈ જાય છે.

દિલ્હીનો પ્રવાસ મુસાફરી ખરીદી વિખ્યાત ચાંદની ચોકનો ઇતિહાસ, લાલ કિલ્લો, શીશગંજ ગુરુદ્વારા, દિલ્હીમાં ક્યાં ફરવું, દિલ્હીનો ઇતિહાસ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચાંદની ચોકની રાતની ચહલપહલ

જહાં આરા છ વર્ષ પહેલાં આ મહેલમાં રહેતાં હતાં અને દખ્ખણમાં માંડુ, બુરહાનપુર, ઉદયપુર અને નાસિકમાં જીલાવતની તરીકે છ વર્ષ વીતાવ્યાં બાદ તે અઠવાડિયા પહેલાં જ અહીં પરત ફર્યાં હતાં.

ફતેહપુરી બેગમની નમાજ પૂરી થતાં તેની નજર જહાં આરા પર પડે છે. બપોરના સમયે જહાં આરાને અહીં આવેલી જોઈને તેની આંખોમાં નવાઈનો ભાવ જાગે છે. બંને વાતો કરવા માંડે છે.

બેગમ વેરાન આંગણા તરફ જોઈને કહે છે, "એક દિવસ હું પણ અહીં મસ્જિદ બંધાવીશ. ખુર્રમ બાદશાહ બન્યો છે, તો કદાચ તે મને મસ્જિદ બનાવવા માટે નાણાં આપશે."

જહાં આરા પણ જાણે કશી કલ્પના કરતી હોય, એમ બોલી ઊઠી, "હું પણ એક મસ્જિદ બનાવડાવીશ, જેના ગુંબજ લહેરદાર ભાત ધરાવતા કાળા અને સફેદ સંગેમરમરથી બનેલા હશે."

આ કોઈ સામાન્ય મહિલાઓ નહોતી. એક હતી હિન્દુસ્તાનના નવા મુઘલ બાદશાહ શાહજહાંની પત્ની ફતેહપુરી બેગમ, તો બીજી હતી શાહજહાંની પ્રિય બેગમ મુમતાઝ મહલની કૂખે જન્મેલી તેની સૌથી મોટી પુત્રી અર્જુમંદ બેગમ ઊર્ફે જહાં આરા, જેણે આગ્રામાં જામા મસ્જિદનું નિર્માણ કરાવ્યું અને સાથે જ દિલ્હીમાં ચાંદની ચોક ઊભો કરવાનું સ્વપ્ન પણ સેવ્યું હતું, જેની હકીકત આજે આપણી સામે છે.

ચાંદની ચોક દેશની રાજધાનીમાં આવેલું 'દિલ્હીનું દિલ' છે અને એક જમાનામાં તે બાદશાહ શાહજહાંએ બંધાવેલા શહેર શાહજહાનાબાદનું કેન્દ્ર હતું. ચાંદની ચોક છેલ્લાં લગભગ 370 વર્ષથી ભારતની ઐતિહાસિક ચડતી-પડતીનો સાક્ષી રહ્યો છે.

નવું શહેર, નવી રાજધાની

દિલ્હીનો પ્રવાસ મુસાફરી ખરીદી વિખ્યાત ચાંદની ચોકનો ઇતિહાસ, લાલ કિલ્લો, શીશગંજ ગુરુદ્વારા, દિલ્હીમાં ક્યાં ફરવું, દિલ્હીનો ઇતિહાસ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Waseem Raja

ઇમેજ કૅપ્શન, જહાં આરા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જ્યારે શાહજહાંએ હિંદુસ્તાનના બાદશાહ તરીકે ગાદી સંભાળી, ત્યારે તેમને પોતે સેવેલાં સ્વપ્નો સાકાર કરવા માટે અને પોતાની ભવ્યતાની અભિવ્યક્તિ કરવા માટે નવું નગર વસાવવાની જરૂરિયાત વર્તાઈ.

આ માટે તેમણે ઐતિહાસિક દિલ્હી પાસેના સ્થળ પર પસંદગી ઊતારી અને કિલ્લા ફરતે દીવાલોથી ઘેરાયેલા નગરનો પ્લાન બનાવ્યો. નગરનું બાંધકામ 1639માં શરૂ થયું અને સેંકડો શ્રમિકોની આકરી મજૂરી અને પાણીની જેમ પૈસા વપરાયા બાદ આખરે 1649માં પૂર્ણ થયું.

ચાંદની ચોકનું બજાર એક વર્ષ બાદ, 1650માં તૈયાર થયું હતું. બજારની લટાર માર્યા બાદ બાદશાહે તેમનાં પુત્રી બેગમ જહાં આરાની પસંદગીની પ્રશંસા કરી હતી.

શહેઝાદીએ તેની માતા સાથે આગ્રાનાં બજારો જોયાં હતાં, પણ આગ્રાની સાંકડી ગલીઓ પિતા શાહજહાંની માફક પુત્રીને પણ પસંદ ન આવી. આથી, તેણે બજારનો જે પ્લાન તૈયાર કર્યો હતો, ત્યાં બંને તરફ વૃક્ષોની હારમાળા હતી, રસ્તાની વચ્ચોવચ નહેર પસાર થતી હતી અને બંને તરફ લાંબો, પહોળો માર્ગ શાહી ગૌરવ અને ભવ્યતાનું પ્રતીક જણાતો હતો.

માતા મુમતાઝ બેગમના અવસાન બાદ મુઘલ હરમની જવાબદારી 17 વર્ષની શહેઝાદી જહાં આરા (1614-1681)ના નાજુક ખભા પર આવી પડી, પણ તેણે ભારે કુશળતા અને કાર્યદક્ષતા દાખવીને આ જવાબદારી બખૂબી નિભાવી.

શાહજહાં અને અને જહાં આરાની સ્થાપત્યકળા પ્રત્યેની રુચિ

વીડિયો કૅપ્શન, જહાંગીર બાદશાહ પાસેથી નિઝામ સુધી પહોંચેલો 12 કિલોનો સોનાનો સિક્કો હવે ક્યાં છે?

જહાં આરાએ 12 વર્ષની કુમળી વયથી ડાયરી લખવાનું શરૂ કર્યું હતું. એ ડાયરીમાં જ્યારે શાહજહાં બીમાર પડ્યા અને બુરહાનપુર પરત ફર્યા, એ સમયે સ્થાપત્યનો ઉલ્લેખ આવે છે.

એક વાર સૌ જુમ્માની નમાજ પઢવા માટે જામા મસ્જિદ ગયા હતા, ત્યારે શાહજહાં દરવાજા પર અટકી ગયા. એ પછી નમાજ બાદ તેમણે મસ્જિદનું અવલોકન કર્યું અને ઇમામને સવાલ કર્યો, "મસ્જિદની મરામત છેલ્લે ક્યારે થઈ હતી અને શું તેઓ બાદશાહને સમારકામ કરાવવાની પરવાનગી આપશે?" આ સાંભળી ઇમામ સાહેબ ગદગદિત થઈ ગયા.

જહાં આરા લખે છે: "અબ્બુ સૌથી ખુશ ત્યારે રહેતા, જ્યારે તેઓ કશું નિર્માણ કાર્ય કરાવતા હોય. નિર્માણની યોજનાનાં થોથાં વચ્ચે બેસવા અને સંગેમરમરને કોતરતા, તેમાં રંગોનું ચિત્રણ કરતા અને રંગો અને પૉલિશ નક્કી કરનારા સ્થાપત્યકારો સાથે વાતચીત કરવા જેટલો આનંદ તેમને બીજા કશાયમાં મળતો નહોતો. આગ્રાના મહેલમાં ફરીને તેઓ કેવા પ્રકારનું નિર્માણ કરવું અને શું ફેરફારો કરવા તેનું આયોજન કરતા હતા.

દિલ્હીનો પ્રવાસ મુસાફરી ખરીદી વિખ્યાત ચાંદની ચોકનો ઇતિહાસ, લાલ કિલ્લો, શીશગંજ ગુરુદ્વારા, દિલ્હીમાં ક્યાં ફરવું, દિલ્હીનો ઇતિહાસ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, DELHI.GOV.IN

ઇમેજ કૅપ્શન, ગુજરાતીઓ દિલ્હીની મુલાકાત લે એટલે લાલ કિલ્લા અને ચાંદની ચોકની બજારની મુલાકાત લેવાનું ચોક્કસથી પસંદ કરતા હોય છે.

હાલના દિવસોમાં તેઓ નિષ્ણાત શિલ્પકારો અને સ્થાપત્યકારો સાથે બેસીને ગુંબજ, મીનાર તથા સ્તંભોની ભાત અને સુશોભન વિશે વિચારણા કરે છે. તેઓ મસ્જિદના ગુંબજને સંગેમરમરથી ઢાંકીને મીનારામાં કાળા-સફેદ સંગેમરમરની ભાત ઉપસાવવા ઇચ્છે છે.

તેમને ઇમારતોમાં સંગેમરમરનો ઉપયોગ કરવો ખૂબ ગમે છે. કેટલીક વખત તેઓ જાતે ડિઝાઇન કરે છે. ગઈકાલે સાંજે તેઓ બેસીને લીલીનાં ખીલેલાં ફૂલો અને ઊડી રહેલાં વાદળો દોરી રહ્યા હતા. આવું ચિત્ર તેઓ સ્તંભો પર ઉપસાવવા માગતા હતા. રોશન આરા અને અમે તેમને જોઈ રહ્યાં હતાં.

રોશન આરાએ પૂછ્યું, "અબ્બુ, તમે આ ક્યાંથી શીખ્યા?" ત્યારે અબ્બુએ જવાબ આપ્યો, "અમે નાના હતા, ત્યારે ચિત્રકારો સાથે તેમના ઓરડામાં બેસતા. તેમણે મને ચિત્ર કરતાં શીખવ્યું હતું."

જહાં આરા આગળ લખે છેઃ "મેં કહ્યું કે, એક વખત દારા અને હું દાદા (જહાંગીર) સાથે ત્યાં ગયાં હતાં. તેમને ચિત્રકામ ખૂબ ગમતું હતું, ખરુંને? અબ્બુએ હકારમાં જવાબ આપ્યો અને કહ્યું કે, તેઓ તેમના દાદા અકબર સાથે ત્યાં જતા હતા. તેમને પણ ચિત્રકામ ગમતું હતું, પણ તેમને ઇમારતો બનાવવાનું વધારે ગમતું હતું."

"અને હું તેમના જેવો છું... તેમણે ફતેહપુર સિક્રીમાં સુંદર મહેલોનું નિર્માણ કરાવ્યું હતું. તેમણે નગરની ડિઝાઇન તૈયાર કરતાં, મહેલોનું નિર્માણ કરતાં અને વિશાળ દરવાજાઓનું નિર્માણ કરતાં શીખવ્યું હતું."

ચાંદની ચોકની રચના

દિલ્હીનો પ્રવાસ મુસાફરી ખરીદી વિખ્યાત ચાંદની ચોકનો ઇતિહાસ, લાલ કિલ્લો, શીશગંજ ગુરુદ્વારા, દિલ્હીમાં ક્યાં ફરવું, દિલ્હીનો ઇતિહાસ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, લાલ કિલ્લાથી ફતેહપુરી મસ્જિદ સુધીના વિસ્તારને નો વિહિકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે

જહાં આરાની આ ડાયરી શાહજહાંએ બાદશાહ બન્યા પછી કેવી રીતે 'વિશ્વના માનીતા' શહેર એવા દિલ્હીનો પાયો નાખ્યો, તેમણે કેટલાં સ્થળો બનાવડાવ્યાં અને કેટલા દરવાજા બંધાવ્યા, તેની વિગતો પૂરી પાડે છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ખાતે ઇતિહાસના ઍસોસિયેટ પ્રોફેસર એમ. વસીમ રાજા જહાં આરાએ આગળ જતાં કેવી રીતે શાહજહાંના શહેર દિલ્હીમાં પોતાનું સપનું સાકાર કર્યું, તે વર્ણવે છે.

તેમણે કહ્યું હતું કે, તે સમયે દિલ્હીમાં અર્થાત્ શાહજહાનાબાદમાં લગભગ સોળ-સત્તર જેટલા નિર્માણ પ્રકલ્પો આકાર પામી રહ્યા હતા. આ પ્રોજેક્ટ્સ મહિલાઓની દેખરેખ હેઠળ તૈયાર થઈ રહ્યા હતા. આ પૈકીના અડધો ડઝન પ્રોજેક્ટ્સનું બાંધકામ જહાં આરાની નજર હેઠળ ચાલી રહ્યું હતું અને તેમાં ચાંદની ચોક, મહેલ નજીકનો બાગ અને બેગમ કી સરાઈ મહત્ત્વપૂર્ણ છે.

જામિયા મિલ્લીયા ઇસ્લામિયા દિલ્હીમાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર રોહમા જાવેદ રશીદે બીબીસીને જહાં આરાનાં જ્ઞાન, તેમની ઉદારતા, સૂફીવાદ પ્રત્યેની આસ્થા, દરબારમાં તેની કૂટનીતિ તથા બાગ અને સ્થાપત્ય પ્રત્યેના તેના લગાવ વિશે વાત કરતાં કહ્યું હતું, "જ્યાં-જ્યાં મુઘલ શાસકો તેમની છાપ અંકિત કરી રહ્યા હતા, ત્યાં જહાં આરા પણ પોતાની છાપ છોડી હતી."

વધુમાં તેમણે જણાવ્યું હતું, "આપણે હજુયે જૂની દિલ્હીને શાહજહાંના નામથી ઓળખતા હોવા છતાં ચાંદની ચોક તેનું હૃદય છે, કારણ કે, જે પણ મહત્વની આર્થિક પ્રવૃત્તિઓ કે સાંસ્કૃતિક કે સામાજીક પ્રવૃત્તિઓ થાય, તે તમામનું કેન્દ્ર ચાંદની ચોક રહ્યો છે."

આગળ તેમણે કહ્યું હતું કે, ઇમારતો સંદેશ પહોંચાડતી હોય છે અને સ્થાપત્ય એ જે-તે કાળના સામ્રાજ્ય, સુલતાનો અને પ્રતિભાઓનું પ્રતિબિંબ પાડે છે. મુઘલ સ્થાપત્યકળામાં મહિલાઓને તેમના યોગદાન અને તેમની પ્રતિભા પ્રમાણેની ઓળખ મળતી નહોતી, પરંતુ આગ્રાની જામા મસ્જિદના મુખ્ય દ્વાર પર કોતરેલો લેખ અને તેમાં જહાં આરાનો ઉલ્લેખ તેમનો ઉચ્ચ દરજ્જો દર્શાવે છે.

ડૉક્ટર રોહમા ચાંદની ચોક વિશે વાત કરતાં કહે છે, "તેનું નામ ચાંદની ચોક કેવી રીતે પડ્યું, એ સર્વવિદિત છે. તેની વચ્ચોવચ એક તળાવ હતું, જેમાં યમુનામાંથી નિકળતી 'સ્વર્ગ નહેર'નું પાણી પહોંચાડવામાં આવતું હતું. રાતના સમયે જ્યારે ચંદ્રનો પ્રકાશ તળાવના પાણી પર પડતો હતો, ત્યારે સર્વત્ર રોશની રેલાતી હતી.

અન્ય ઇતિહાસકારનું કહેવું છે કે, અન્ય નહેરનું પાણી ચાંદની ચોકમાં વહેતું હતું અને એ નહેર પણ મહેલ તથા ચાંદની ચોકમાંથી પસાર થઈને ફતેહપુરી મસ્જિદના માર્ગે વહેતી હતી.

ચાંદની ચોકના નિર્માણ વિશે ડૉક્ટર રોહમા જણાવે છે, "જહાં આરાને શાહજહાનાબાદમાં એક બજારની જરૂરિયાત વર્તાઈ અને બજાર બનાવવા તેણે તેનાં પોતાનાં નાણાં ખર્ચ્યાં હતાં. બજારમાં માર્ગની બંને બાજુએ દુકાનો ઊભી કરાઈ હતી. 18મી સદીના પર્શિયાના સ્રોતમાં ચાંદની ચોકમાં અને તેની આસપાસ તમામ આર્થિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ આકાર પામતી જોવા મળે છે.

ઐતિહાસિક પુસ્તકોમાં ચાંદની ચોકનો ઉલ્લેખ

દિલ્હીનો પ્રવાસ મુસાફરી ખરીદી વિખ્યાત ચાંદની ચોકનો ઇતિહાસ, લાલ કિલ્લો, શીશગંજ ગુરુદ્વારા, દિલ્હીમાં ક્યાં ફરવું, દિલ્હીનો ઇતિહાસ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, NOAH SEELAM/AFP/GETTY IMAGES

દખ્ખણના પ્રવાસી દરગાહ કુલી ખાન સાલાર જંગે તેમના પુસ્તક 'મારકા દિલ્હી'માં ચાંદની ચોકનો ઉલ્લેખ કર્યો છે. તેઓ અવાર-નવાર દિલ્હી આવતા હતા. તેમના ફારસી લેખન કાર્યનો અનુવાદ ઉર્દૂમાં દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર નૂરુલ હસન અન્સારીએ કર્યો હતો અને યુનિવર્સિટી દ્વારા જ તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

દરગાહ કુલી ખાને ચાંદની ચોકનું વર્ણન કરતાં લખ્યું છે, "ચાંદની ચોક અન્ય ચોક કરતાં વધુ રંગીન છે અને અન્ય બજારો કરતાં ક્યાંયે વધારે સુશોભિત છે. હરવું-ફરવું ગમતું હોય, એવા લોકો અહીં લટાર મારે છે અને મનોરંજનના રસિકો અહીંના દૃશ્યનો આનંદ માણે છે.''

"રસ્તા પર તમામ પ્રકારનાં સુંદર વસ્ત્રો મળી રહે છે અને દુનિયાભરની ઘણી ચીજો અહીં વેચાય છે. દરેક ખૂણે કોઈ દુર્લભ વસ્તુ જોવા મળે છે. ઠેકઠેકાણે સુંદર વસ્તુ મન મોહી લે છે. આ બજારનો માર્ગ ભાગ્યશાળી વ્યક્તિના કપાળની માફક પહોળો છે.''

આગળ તેઓ વર્ણન કરે છે, "નહેરમાં સ્વર્ગનો ફુવારો અવિરત ચાલુ રહે છે. દરેક દુકાન લાલ અને મોતીઓથી છલકાય છે અને દરેક કારખાનામાં મોતીનો ઢગલો જોવા મળે છે... ચોક પર દુકાનો આવેલી છે. ત્યાં રોજ શાયરોની મહેફિલ જામે છે."

"પ્રતિષ્ઠિત હોદ્દો ધરાવતી મોટી હસ્તીઓ ચાંદની ચોક જોવા આવે છે. અહીં રોજ એટલી બધી પ્રાચીન અને ચિત્ર-વિચિત્ર વસ્તુઓ જોવા મળે છે કે, કારૂનનો ખજાનો મળે, તો એ પણ ઓછો પડે."

દિલ્હીનો પ્રવાસ મુસાફરી ખરીદી વિખ્યાત ચાંદની ચોકનો ઇતિહાસ, લાલ કિલ્લો, શીશગંજ ગુરુદ્વારા, દિલ્હીમાં ક્યાં ફરવું, દિલ્હીનો ઇતિહાસ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ડૉક્ટર રોહમા કહે છે કે, જો તમારી પાસે એક લાખ રૂપિયા હોય, ગણતરીના કલાકોમાં જ ચાંદની ચોકમાં તે વપરાઈ જાય. વિશ્વનો શ્રેષ્ઠ સામાન ત્યાં વેચાતો હતો.

દરગાહ કુલી ખાન લખે છે, "એક નવયુવાન રાજવીને ચાંદની ચોક જોવાની ઇચ્છા થઈ. તેની માતાએ એક લાખ રૂપિયા આપીને લાચારી વ્યક્ત કરતાં કહ્યું કે, ચાંદની ચોકની સૌથી સુંદર અને અલભ્ય ચીજ ખરીદવા માટે આ રકમ પૂરતી નથી, તેમ છતાં તને ત્યાં જવાની ઇચ્છા છે, તો આ નાની રકમથી તને ગમતી કોઈ જરૂરી ચીજવસ્તુ ખરીદી લેજે."

ડૉક્ટર રોહમાએ જણાવ્યું હતું કે, જહાં આરાએ મોટા વેપારીઓને ઊતારો આપવા માટે સરાઈ બનાવડાવી હતી. વળી, ઇસ્લામિક દૃષ્ટિકોણથી તે યાત્રીઓને રોકાવા માટેનું સ્થળ પણ હતું.

એ જ રીતે, વર્તમાન સમયના પ્રખ્યાત નવલકથાકાર અલી અકબર નતીકે 'મારકા દિલ્હી'માં કિલ્લાનો અને સ્વર્ગ નહેરનો ઉલ્લેખ કર્યો છે ને સાથે જ ચાંદની ચોકનો સ્કૅચ પણ દોર્યો છે. ચાંદની ચોકનો ઐતિહાસિક દરજ્જો જે પણ રહ્યો હોય, પણ તેનું દૃશ્ય મનમોહક છે.

અલી અકબર નતીક લખે છે, "જ્યારે લાલ કિલ્લો બન્યો, ત્યારે નહેરને આગળ ચાંદની ચોક બજાર સુધી લંબાવવામાં આવી હતી. આ નહેર યમુનામાંથી લાવીને કિલ્લાની બહારની દીવાલ પાસે ઉત્તર તરફથી નગરમાં દાખલ કરાઈ હતી. નહેરનો પટ અને કિનારીઓ લાલ પથ્થર વડે બનાવાઈ હતી."

"વાસ્તવમાં શાહજહાનાબાદનું અસ્તિત્વ આ નહેરને આવરી લઈને તૈયાર કરવામાં આવ્યું હતું... આ એ જ ચાંદની ચોકનું બજાર છે, જે શાહજહાંની પુત્રી જહાં આરાએ બનાવડાવ્યું હતું. આ બજારની સ્થિતિ એ પ્રકારની છે કે, કિલ્લાની સામેના 480 ગજના મેદાનને છોડીને શહેરની હદ શરૂ થતાં પહેલાં આ જ મેદાન જેટલો એક ચોક છે."

"ત્યાં શેતૂરનાં અસંખ્ય વૃક્ષો લીલો છાંયડો પ્રસરાવતાં ઊભાં છે, પીપળાનાં ઝાડનાં સેંકડો સમૂહ આવેલાં છે, જેના છાંયડામાં શહેરના પ્રતિષ્ઠિત લોકોની સવારીની આવન-જાવન થાય છે, ઉમરાવોની પાલખી ઊઠે છે, સામાન્ય લોકોનાં ઊંટ ગાડાં આવે-જાય છે અને વટેમાર્ગુઓની ચહલ-પહલ રહે છે."

એ જ રીતે, નવી રાજધાનીમાં કિલ્લા અને રાણીના બગીચાની વચ્ચે જહાં આરાએ એક વિશાળ સરાઈનું નિર્માણ કરાવ્યું હતું. હવે તો તેનાં ચિહ્નો જોવા મળતાં નથી, પણ તેના વર્ણન પરથી જાણી શકાય છે કે, તે કોઈ ફાઇવ સ્ટાર હોટેલથી કમ નહીં હોય અને ચાંદની ચોકની નજીક હતી.

દિલ્હીનો પ્રવાસ મુસાફરી ખરીદી વિખ્યાત ચાંદની ચોકનો ઇતિહાસ, લાલ કિલ્લો, શીશગંજ ગુરુદ્વારા, દિલ્હીમાં ક્યાં ફરવું, દિલ્હીનો ઇતિહાસ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુમતાઝ અને શાહજહાં

ઝીયા-ઉદ-દીન બરાની ઇટાલીના પ્રવાસી મનુચીનો સંદર્ભ ટાંકીને લખે છે, "શહેઝાદી (જહાં આરા)એ તેની સ્મૃતિ અંકિત કરવા માટે શહેર અને કિલ્લાની વચ્ચે આવેલા મેદાનમાં એક સરાઈ બનાવવાનો આદેશ આપ્યો હતો. તે સમગ્ર ભારતની સૌથી સુંદર સરાઈ છે. ઉપરના ખંડો આકર્ષક કારીગરીથી સજાવવામાં આવ્યા છે અને તેમાં ફુવારા ધરાવતો રમણીય બાગ પણ આવેલો છે. મોટા-મોટા મુઘલ અને ઈરાનના વેપારીઓ સિવાય કોઈ આ સરાઈમાં રોકાતું નહોતું. પોતાની વહાલી બેગમ માટે તૈયાર થઈ રહેલી ઇમારતની ચકાસણી કરવા માટે આલા હઝરત આવ્યા હતા અને તેમણે શહેઝાદીની ઉદારતા અને ધાર્મિકતાની ઘણી પ્રશંસા કરી હતી."

ડૉક્ટર એમ વસીમ રાજાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "આ સરાઈ ચાંદની ચોકના રસ્તાની પૂર્વ તરફ આવેલી હતી. તેમણે હર્બર્ટ ચાર્લ્સ ફિશાવેને એમ કહેતા ટાંક્યા હતા કે, તેમણે 1909માં આ સરાઈનો ઉલ્લેખ કર્યો હતો અને લખ્યું હતું કે, ચાંદની ચોક તરફ જતી વખતે ઘણી દુકાનો પાસેથી પસાર થયા બાદ શહેઝાદી જહાં આરા બેગમની સરાઈ આવે છે.

આ ઉપરાંત તેમણે પ્રસિદ્ધ ઇતિહાસકાર બર્નિયરનું નિવેદન ટાંક્યું હતું. બર્નિયરે તે સરાઈને દિલ્હીની શ્રેષ્ઠ ઇમારત ગણાવી હતી અને તેની તુલના ફ્રાન્સના પૅલેસ રૉયલ સાથે કરી હતી, જેનું નિર્માણ સમાન કાળખંડમાં થયું હતું અને અત્યારે પણ તે ફ્રાન્સની શ્રેષ્ઠ ઇમારત ગણાય છે.

ડૉક્ટર એમ વસીમ રાજાએ જણાવ્યું હતું, "પછીથી તે સરાઈને ટાઉન હૉલમાં ફેરવી દેવાઈ હતી અને તેના ચોકને ક્લૉક ટાવરમાં રૂપાંતરિત કરી દેવાયો હતો."

દિલ્હીનો પ્રવાસ મુસાફરી ખરીદી વિખ્યાત ચાંદની ચોકનો ઇતિહાસ, લાલ કિલ્લો, શીશગંજ ગુરુદ્વારા, દિલ્હીમાં ક્યાં ફરવું, દિલ્હીનો ઇતિહાસ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

એ પહેલાં ચાંદની ચોક નાદિર શાહના આક્રમણનો પણ સાક્ષી રહી ચૂક્યો હતો. શાહજહાનાબાદનો પાયો નંખાયાના બરાબર 100 વર્ષ પછી, અર્થાત્ 1739માં મુહમ્મદ શાહ રંગીલાના શાસનકાળમાં નાદિર શાહે વિજેતાના અંદાજમાં દિલ્હીમાં પ્રવેશ કર્યો અને ચાંદની ચોક નજીકના માર્ગ પર બેસીને સામૂહિક કત્લેઆમનો આદેશ જારી કર્યો હતો. આ કત્લેઆમ દિવસો સુધી ચાલી હતી.

ચાંદની ચોક પરથી બાદશાહોની સવારી નીકળતી હતી. ડૉક્ટર રોહમાએ કહ્યું હતું કે, શાહજહાનાબાદ ઊભું કરવું એ વાસ્તવમાં શાહજહાંનું સ્વપ્ન હતું, જે આગ્રાની સાંકડી ગલીઓમાં પૂરું થઈ શકે તેમ નહોતું. બાદશાહને ભવ્ય જુલૂસ નિકાળવાની ખેવના હતી અને ચાંદની ચોકથી દિલ્હીના લાલ કિલ્લા સુધી લાંબા સમય સુધી આવા જુલૂસનું આયોજન થતું રહ્યું. જોકે, બળવો થતાં ચાંદની ચોક નષ્ટ થઈ ગયો.

આથી જ ઉર્દૂના પ્રસિદ્ધ શાયર અને 1857ના વિપ્લવના સાક્ષી બનનારા મિર્ઝા અસદુલ્લાહ ખાન ગાલિબ દિલ્હીના વિનાશનું વર્ણન કરતાં લખે છે, "ભાઈ, શું પૂછો છો? મારે શું લખવું? દિલ્હીનું અસ્તિત્વ ઘણી ચહલ-પહલથી ધબકતું હતું. લાલ કિલ્લો, ચાંદની ચોક, રોજ જામા મસ્જિદમાં થતો જમાવડો, દર અઠવાડિયે જુમનાના પુલની સહેલગાહ, દર વર્ષે યોજાતો ફૂલોનો મેળો. આ પાંચેય ચીજો હવે રહી નથી, તો કહો, દિલ્હી ક્યાં?'

વિપ્લવના થોડા સમય પહેલાં સર સૈયદ અહેમદ ખાને 'અસારુસ્સનાદીદ'માં ચાંદની ચોકનું વર્ણન આ રીતે કર્યું છે, "લાલ કિલ્લાના લાહોરી ગેટથી આગળ જે ખુલ્લું અને લાંબું-પહોળું બજાર હતું અને એક જમાનામાં જેનું નામ લાહોરી બજાર હતું, તેનું નિર્માણ જહાં આરાએ કરાવ્યું હતું. કિલ્લાના લાહોરી દરવાજાથી 480 ગજના અંતરે એક ચોક આવેલો છે, 80 ચોરસ ગજનો."

"આ ચોકમાં કોટવાલી ચબૂતરો આવેલો છે. આ ચોકથી 400 ગજ આગળ બીજો એક ચોક આવે છે, જે ચાંદની ચોક કહેવાય છે. તેના પછી 460 ગજનું બીજું એક બજાર આવે છે અને તેની વચ્ચેથી એક નહેર પસાર થાય છે. આ બજારના છેડે એક સુવર્ણ મસ્જિદ આવેલી છે."

વિપ્લવ પછી દિલ્હીની પુનઃ સ્થાપના

દિલ્હીનો પ્રવાસ મુસાફરી ખરીદી વિખ્યાત ચાંદની ચોકનો ઇતિહાસ, લાલ કિલ્લો, શીશગંજ ગુરુદ્વારા, દિલ્હીમાં ક્યાં ફરવું, દિલ્હીનો ઇતિહાસ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, WASEEM RAJA

ઇમેજ કૅપ્શન, વસીમ રાજાના કહેવા પ્રમાણે બજારનું નિર્માણ કરાવવા માટે એ સમયના પ્રસિદ્ધ વાસ્તુકારો સાથે જહાં આરાએ પરામર્શ કર્યો હતો

વિપ્લવમાં વેરવિખેર થઈ ગયા પછી દિલ્હી ધીમે-ધીમે બેઠું થયું. આ શહેર અવાર-નવાર ઉજડ્યા પછી ફરી પાછું વસ્યું. 1911માં જ્યારે અંગ્રેજોએ કલકત્તાને બદલે દિલ્હીને તેમની રાજધાની બનાવી, ત્યારે દિલ્હીમાં નવી દિલ્હી બનવાની શરૂઆત થઈ, કોટ વિસ્તારથી ઘેરાયેલું દિલ્હી તમામ પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું.

એ પહેલાં, 1908માં જ ચાંદની ચોકમાં નહેર હતી, તે જગ્યાએ ટ્રામ દોડવા માંડી હતી. 1921માં 15 કિલોમીટરના અંતર પર ખુલ્લી ટ્રામ દોડતી હતી. તે જામા મસ્જિદ, ચાંદની ચોક, ચાવડી બજાર, કટરા, લાલ કુંઆ અને ફતેહપુરીને સબ્જી મંડી, સદર બજાર, પહાડ ગંજ અને અજમેરી ગેટ સાથે જોડતી હતી.

1963માં દિલ્હીમાંથી ટ્રામ પણ હટાવી દેવાઈ, પણ ચાંદની ચોક હજુયે દિલ્હીના કેન્દ્ર તરીકે યથાવત્ રહ્યો. ચાંદની ચોકનો જે રોડ લાહોરી ગેટથી ફતેહપુરી જતો હતો, તેની વચમાંથી ઘણાં રસ્તા અને બજારો પસાર થતાં હતાં. જેમકે, આજે જ્યાં ગુરુદ્વારા શીશ ગંજ સાહિબ છે, ત્યાં એક સમયે ઉર્દૂ બઝાર ધમધમતું હતું.

કોટવાલી ચોક અને ચાંદની ચોકની વચ્ચે જોહરી બજાર પથરાયેલું હતું. હવે ત્યાં ટાઉન હૉલ પણ નથી કે ઘંટા ઘર પણ નથી. એ જ રીતે, ફતેહપુરી બજાર ચાંદની ચોકથી ફતેહપુરી મસ્જિદ સુધી વિસ્તરેલું હતું.

એ ઉપરાંત તેની ફરતે દુકાનો, માર્ગો અને હવેલીઓ આવેલી હતી અને આ પૈકીનાં કેટલાંક બાંધકામો તો હજુયે ત્યાં જર્જરિત અવસ્થામાં પોતાનો ભૂતકાળ સાચવીને ઊભાં છે. ચાંદની ચોકથી એક રસ્તો ગાલિબની હવેલી તરફ પણ જતો હતો. અન્ય એક રસ્તો હક્સરની હવેલી તરફ વળતો હતો, જ્યાં દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને કમલા નેહરુનાં 8મી ફેબ્રુઆરી, 1916ના રોજ લગ્ન થયાં હતાં.

ચાંદની ચોક આજે પણ દિલ્હીનું અતિ વ્યસ્ત બજાર છે અને લોકો હજુયે લગ્નસરાની ખરીદી ત્યાંથી જ કરવાનું પસંદ કરે છે, કારણ કે, ત્યાં ચીજવસ્તુઓનું જે વૈવિધ્ય જોવા મળે છે, એ બીજે ક્યાંય નથી મળતું.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગનાં સહાયક પુરાતત્વવિદ સલમા કહે છે કે, સમય વીતવા છતાં ચાંદની ચોકની ચમક અકબંધ રહી છે. જે રીતે એક સમયે ત્યાં થોડી જ વારમાં એક લાખ રૂપિયા સહેલાઈથી ખર્ચાઈ જતા હતા, એ જ રીતે આજે પણ એ માર્ગ પરથી પસાર થનારા લોકોને ત્યાંની ચીજવસ્તુઓ પોતાના તરફ આકર્ષે છે.

ચાંદની ચોકની આજ

દિલ્હીનો પ્રવાસ મુસાફરી ખરીદી વિખ્યાત ચાંદની ચોકનો ઇતિહાસ, લાલ કિલ્લો, શીશગંજ ગુરુદ્વારા, દિલ્હીમાં ક્યાં ફરવું, દિલ્હીનો ઇતિહાસ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, INDIA PICTURES

ઇમેજ કૅપ્શન, ચાંદની ચોક વિસ્તારમાં આવેલો ક્લૉક ટાવર હવે અસ્તિત્વમાં નથી

દિલ્હી સરકારે તાજેતરમાં ચાંદની ચોકની જૂની ઝાકઝમાળ પરત લાવવા માટે ફતેહપુરી મસ્જિદથી લાલ કિલ્લાના મેદાનની આશરે 1.25 કિલોમીટરની જગ્યામાં ફેલાયેલા આ બજારમાં સુશોભનનું કામ કર્યું છે.

આ વિસ્તારને 'વિહિકલ ફ્રી' ઝોન બનાવાયો છે. ત્યાં માત્ર સાયકલ રીક્ષા ચાલે છે.

વાસ્તવમાં ચાંદની ચોકની કાયાપલટ કરવાનો સૌપ્રથમ વિચાર 2004માં આવ્યો હતો. એ પછી 2008માં દિલ્હીનાં તત્કાલીન મુખ્ય મંત્રી શીલા દીક્ષિતે શાહજહાનાબાદ રિડેવલપમેન્ટ કૉર્પોરેશનની સ્થાપના કરી, પરંતુ 2018 સુધી તેનો અમલ નહોતો થઈ શક્યો.

ચાંદની ચોકની કાયાપલટની સાથે દિલ્હી સરકારે એક વખત ત્યાં ટ્રામ દોડાવવાની યોજના પણ બનાવી હતી, પણ પછી તે સાકાર નહોતી થઈ.

દિલ્હી સરકારે ચાંદની ચોકની જૂની ભવ્યતાને પુનઃ સ્થાપિત કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે ખર્ચે યોજના તૈયાર કરી. જે 2020માં તૈયાર થવાની હતી, પણ તે પાછી ઠેલાતી ગઈ. એ પછી કોરોના મહામારીને કારણે તેમાં વધુ વિલંબ થયો હતો.

એક તબક્કે સહાયક પુરાતત્વવિદ સલમાને સવાલ પૂછવામાં આવ્યો કે, 'શું જૂનો ચાંદની ચોક પાછો લાવી શકાશે?' ત્યારે તેમણે જવાબ આપ્યો કે, એ તો શક્ય નથી, પણ સરકારના પ્રયાસો પ્રશંસનીય છે.

તેમણે કહ્યું હતું, "મુઘલ બાંધકામોની અગાઉ મરામત કરવામાં આવી છે, પણ જો મરામત જ યોગ્ય રીતે થઈ શકતી ન હોય, તો ઇતિહાસના પાનાંઓમાં ધરબાઈ ચૂકેલી કોઈ ચીજને ફરીથી જીવંત કરવી એ કલ્પનાતીત છે."

એક દૃષ્ટાંત ટાંકતાં તેમણે કહ્યું હતું, "તાજ મહાલ એક એવી ઇમારત છે, જેની ખૂબ કાળજી લેવામાં આવે છે. તેની ભોંય પર બદલવામાં આવેલા આરસપહાણ પણ જૂના આરસપહાણનું સ્થાન લઈ શકે એમ નથી, કારણ કે, જો તમે ઉનાળામાં પણ જૂના સંગેમરમર પર ચાલશો, તો પગ દાઝશે નહીં, પણ નવા લગાવાયેલા તમામ સંગેમરમરમાં તમને આવો અનુભવ નહીં થાય."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.