ભદ્રકાળી માતાની નગરયાત્રા 614 વર્ષ પછી યોજાવાનો દાવો, પણ ખરેખર ભદ્રકાળીનું મંદિર ક્યારે બન્યું હતું?

ઇમેજ સ્રોત, bhadrakalimaa.com/
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી સંવાદદાતા
જેમના માટે એવું કહેવાય છે કે 'એ દેવી અમદાવાદ નગરની રક્ષા કરે છે...' એ ભદ્રકાળી દેવીની નગરયાત્રા અમદાવાદમાં શરૂ થવા જઈ રહી છે.
આજે અમદાવાદના સ્થાપનાદિવસે જ દેવી ભદ્રકાળીની નગરયાત્રાની શરૂઆત થઈ રહી છે. અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે યોજાતી રથયાત્રાની સમાનાંતરે હવે ભદ્રકાળીની નગરયાત્રાની પણ પરંપરા ફરીથી શરૂ થશે એવું આયોજકોનું કહેવું છે.
આ નગરયાત્રાનો સંકલ્પ 'રામબલી પ્રાગ તિવારી ટ્રસ્ટ' દ્વારા કરવામાં આવ્યો છે અને 'ધર્મરક્ષા ફાઉન્ડેશન' અને 'મૅવિન્સ મારકોમ કંપની' દ્વારા તેનું આયોજન થયું છે.
ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મોટી હસ્તીઓ આ નગરયાત્રામાં આજે સામેલ થશે તેવી શક્યતા છે.
અમદાવાદના મેયર પ્રતિભા જૈને આ નગરયાત્રા વિશેની પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે, "વિશ્વવિખ્યાત ભદ્રકાળી નગરદેવીની આ ભવ્ય યાત્રા 26 ફેબ્રુઆરીએ નીકળશે. આ સાથે જ અમદાવાદનો જન્મદિવસ છે અને મહાશિવરાત્રી પણ છે. આ આપણું સૌભાગ્ય છે કે અમદાવાદમાં 614 વર્ષ પછી આ નગરયાત્રા યોજાઈ રહી છે. આ યાત્રા અમદાવાદ શહેરની ભવ્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક ભાવના સાથે સંકળાયેલી છે. રથમાં ભદ્રકાળી માતાની 'પાદુકા' મૂકવામાં આવશે અને હજારો લોકો તેમાં જોડાશે."
આયોજકોના દાવા પ્રમાણે અમદાવાદની સ્થાપનાનાં 614 વર્ષ પછી પહેલી વખત આમ થઈ રહ્યું છે.
આ સાથે લોકોમાં ભદ્રકાળી માતાનું મંદિર ક્યારે અસ્તિત્વમાં આવ્યું એ અંગે ઘણા સવાલો છે જેનાથી આ દાવા સામે સવાલો ઉત્પન્ન થાય છે.
ઇતિહાસમાં ભદ્રકાળીના મંદિર વિશે શું લખાયું છે? શું અમદાવાદની સ્થાપના થઈ એ સમયે આવું કોઈ મંદિર હતું? આ બધા સવાલોનો જવાબ મેળવવા માટે અમે ઇતિહાસકારો સાથે વાત કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દંતકથાઓમાં 'નગરદેવી'નું સ્થાન

ઇમેજ સ્રોત, ahmedabadcity.gov.in
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે ભદ્રકાળી માતાનું મંદિર એ અમદાવાદનું સૌથી જૂનાં મંદિરો પૈકીનું એક ગણાય છે. જેમાં ભદ્રકાળી માતાને 'નગરની રક્ષા કરનારા' દેવી તરીકે માનવામાં આવે છે.
ભદ્રકાળી માતા ગુજરાતના સોલંકી વંશના રાજાઓનાં કુળદેવી માનવામાં આવે છે.
અમદાવાદના નગરજનો કાયમથી એવું માનતા રહ્યા છે કે આ નગરમાં લક્ષ્મીનો નિવાસ છે. તેની પાછળ પણ એક પ્રચલિત દંતકથા રહેલી છે.
"મધ્યરાત્રિએ એક અતિ સ્વરૂપવાન સ્ત્રી નગરના દરવાજા પાસે આવી અને ચોકીદારને કહેવા લાગી કે દરવાજો ખોલી આપો. ચોકીદારે તેમની ઓળખ વિશે પૂછ્યું તો એ સ્ત્રીએ કહ્યું કે હું આ નગરની લક્ષ્મીદેવી છું અને આ શહેરને છોડીને જવા માગું છું. ચોકીદારે વિચાર્યું કે જો લક્ષ્મીદેવી આ શહેર છોડીને જતાં રહેશે તો આ નગરની જાહોજલાલી અને સમૃદ્ધિ પણ સાથે જતી રહેશે. ચોકીદારે તેમને કહ્યું કે જ્યાં સુધી હું સુલતાનની પરવાનગી લઈને પાછો ન આવું ત્યાં સુધી આપ અહીં જ રોકાઈને મારી પ્રતિક્ષા કરશો."
"એવું કહેવાય છે કે સુલતાનની ઊંઘ બગાડવી કે નહીં એ મથામણ અને લક્ષ્મીદેવીને જવાબ શું આપવો એ વાત વચ્ચે ચોકીદારે પોતે જ તલવારથી પોતાનો શિરચ્છેદ કરી દીધો. લક્ષ્મીદેવી ચોકીદારની રાહ જોતાં રહ્યાં અને અહીં કાયમ માટે રોકાઈ ગયાં."

ઇમેજ સ્રોત, heritage.ahmedabadcity.gov.in
આ જ લક્ષ્મીદેવીની દંતકથાનો ઘણી જગ્યાએ નગરદેવીની દંતકથા તરીકે પણ ઉલ્લેખ જોવા મળે છે, કારણ કે હિન્દુ ધર્મમાં ભદ્રકાળી માતાને 'અષ્ટ લક્ષ્મીનો અવતાર' પણ ગણવામાં આવે છે.
"તેઓ ચોકીદારની રાહ જોતાં દીવાલે હાથ દઈને ઊભા રહ્યાં."
આજે પણ કિલ્લાની દીવાલે રહેલા 'હાથના પંજાના નિશાન'ને આ કથા સાથે જોડવામાં આવે છે. જ્યારે શહેર માટે બલિદાન આપનાર આ ચોકીદાર સીદી બશીરની દરગાહ અહેમદશાહના કિલ્લા પાસે આવેલી છે.
અમદાવાદ ગેઝેટીયર, 1984માં આ ભદ્રકાળી માતાના મંદિરનો ઉલ્લેખ આવો કંઈક છે. "નાના ઓરડામાં આવેલું છે છતાં નવરાત્રીમાં કે કાળીચૌદશે ત્યાં નાગરિકોની જબ્બર મેદની જામે છે. તેઓ શહેરની રક્ષિતા દેવી છે. વારેતહેવારે અહીં માતાજીને આભૂષણો ચઢે છે. ઘણા સુધરેલા નાગરિકો પણ ભદ્રકાળીમાં ભારે શ્રદ્ઘાવાળા છે અંતે સાથે સાથે એમ પણ કહેવું જોઈએ કે માણેકચોકનાં દાતણવાળાં ને શાકવાળાં વારેવારે ભદ્રકાળીના સમ પણ ખાય છે."
614 વર્ષ પહેલાં ખરેખર ભદ્રકાળી મંદિર હતું કે નહીં?

ઇમેજ સ્રોત, Dr. Manek Patel
ભદ્રકાળી મંદિર અને ભદ્રના કિલ્લાનો ઇતિહાસ એકબીજાથી અલગ છે.
ભદ્રના કિલ્લાની સ્થાપના અહમદશાહે અમદાવાદની સ્થાપના સમયે જ ઇ.સ.1411માં કરી હતી. નગરયાત્રાના આયોજકો એ સમયનો ઉલ્લેખ કરી રહ્યા છે.
વ્યવસાયે ડેન્ટિસ્ટ પણ અમદાવાદના ઇતિહાસ વિશે લખવામાં આયખું ખપાવી દેનાર ડૉ. માણેક પટેલ 'સેતુ' સાથે આ મુદ્દે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.
તેઓ કહે છે, "ભદ્રકાળીની નગરયાત્રા નીકળે છે એ સ્વાગતને યોગ્ય છે પરંતુ તેનો અર્થ એ નથી કે આયોજકોનો દાવો સાચો છે. 614 વર્ષ પહેલાં તો ભદ્રકાળી માતાના મંદિરનું અસ્તિત્ત્વ જ નહોતું. આ મંદિર આઝમખાંના મહેલમાં બનેલું છે અને એ મહેલ ઇ.સ. 1637માં બન્યો છે. ભદ્રકાળી માતાનું મંદિર એ મરાઠાકાળમાં બનેલું છે. આ મંદિર બંધાયાનો સમયગાળો 1738-1782નો માનવામાં આવે છે. આધારભૂત ઇતિહાસનાં પુસ્તકો પરથી એવું સ્પષ્ટ થાય છે કે આ મંદિર અમદાવાદની સ્થાપનાના ઓછામાં ઓછાં 325 વર્ષ પછી બંધાયું હશે."
ડૉ. માણેક પટેલની આ દલીલનો ઉલ્લેખ અનેક આધારભૂત ગ્રંથોમાં જોવા મળે છે.
'ગુજરાતનો ઇતિહાસ- ભાગ 5: સલ્તનતકાળ'માં લખવામાં આવ્યું છે એ પ્રમાણે, "ભદ્રનો કિલ્લો પશ્ચિમે નદીના તટ સુધી હતો."
"હાલનાં ભદ્રકાળીના મંદિરની દક્ષિણે આવેલો આઝમખાંનો મહેલ ગુજરાતના સૂબા આઝમખાંએ 1637માં ભદ્રના દરવાજાની દક્ષિણ બાજુની દીવાલ તોડીને બાંધ્યો હતો. ભદ્રકાળીનું મંદિર આ મહેલની ઉત્તર પાંખમાં મરાઠા કાળમાં બનાવાયેલું છે."
અમદાવાદ સર્વ સંગ્રહ(અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ગેઝેટીયર)માં તો સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ભદ્રકાળીનું મંદિર એ મરાઠી હકૂમતમાં બનેલું છે અને એ પહેલાં ત્યાં કશું હતું જ નહીં.
તેમાં લખવામાં આવ્યું છે કે, "ઇમારતો બંધાવી નામ અમર કરનાર મોગલાઈના ચાર સૂબાઓમાં આઝમખાં એક છે. આઝમખાં ઇ.સ. 1675માં ગુજરાતનો સૂબો હતો. ઇ.સ.1637માં ભદ્રના મુખ્ય દરવાજાની દક્ષિણ તરફની ભીંત તોડીને આઝમખાંનો મહેલ બાંધવામાં આવ્યો હતો. ભદ્રકાળીનું મંદિર મહેલની ઉત્તર પાંખની એક ઓરડીમાં આવેલું છે."
"આ મંદિર ભદ્રના કિલ્લાની સાથે નહોતું બન્યું, પરંતુ પાછળથી મરાઠાકાળમાં બન્યું છે. આ મંદિર શહેરનું ખૂબ જ પ્રતિષ્ઠિત અને જાહોજલાલીવાળું મંદિર કહેવાય છે અને ભદ્રના કિલ્લોનું નામ મંદિરને કારણે પડ્યું નથી."

ઇમેજ સ્રોત, heritage.ahmedabadcity.gov.in
ડૉ. પટેલ કહે છે કે, "માત્ર આ મંદિર જ નહીં પરંતુ ભદ્રના પરિસરમાં આવેલાં પાંચથી છ મંદિર મરાઠાકાળમાં બનેલાં છે. ગુજરાતમાં હિન્દુ મંદિરોનો વિકાસ મરાઠાકાળમાં જ થયો છે."
તેઓ કહે છે, "મગનલાલ વખતલાલે લખેલો ઇતિહાસ હોય, કે રત્નમણિરાવ ભીમરાવે લખેલું ગુજરાતનું પાટનગર, કે પછી મિરાત-એ-અહમદી, ક્યાંય પણ આ મંદિરનો 1411 આસપાસ હોવાનો ઉલ્લેખ નથી. આ ત્રણ ગ્રંથો અમદાવાદના ઇતિહાસનાં સૌથી આધારભૂત ગ્રંથો ગણાય છે."
ડૉ. માણેક પટેલ કહે છે, "તમે ઇતિહાસ તરફ નજર દોડાવો તો પણ અહેમદશાહે કોઈ હિન્દુ મંદિરો બંધાવ્યા હોય તેવું જોવા મળતું નથી. માણેક બુરજ પણ દંતકથાઓને માનીએ તો મજબૂરીમાં બંધાવ્યો છે એવું કહેવાય."
એમ.એસ. કમિસેરિયેટ લિખિત 'હિસ્ટ્રી ઑફ ગુજરાત'માં આ બાબતે વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે.
પુસ્તકમાં લખાયું છે કે, "હાલનું ભદ્રકાળી મંદિર એ મરાઠાકાળમાં અથવા તો એના પછી બનેલું છે. એવું શક્ય નથી કે ધર્મ પ્રત્યે કટ્ટર વલણ ધરાવતા અમદાવાદના સુલ્તાનોએ તેમના કિલ્લામાં શસ્ત્ર-સરંજામથી ભરપૂર મિલિટરી ટાવર પાસે હિન્દુ મંદિર બાંધ્યું હોય. જે ભાગમાં મંદિર આવેલું છે એ ભાગ મુઘલ વાઇસરોય આઝમખાંએ 1637માં બંધાવ્યો હતો, એટલે એ પહેલાં ત્યાં કોઈ મંદિર હોય તેવી શક્યતા નથી."
યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ દ્વારા પ્રકાશિત 'ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ (ઇ.સ.1304 થી 1818)' માં ગુજરાતમાં મરાઠા સલ્તનત દરમિયાન જે દેવાલયો બંધાયાં તેની યાદી છે.
તેમાં પણ લખવામાં આવ્યું છે કે, "અમદાવાદમાં ભદ્રના દરવાજા પાસેના ભદ્રકાલીના મંદિરનો ઉલ્લેખ 'મિરાતે અહમદી'માં નથી, તેથી એમ લાગે છે કે તે મંદિર ઈ.સ. 1761 પછી મરાઠાશાસન દરમિયાન બંધાયું હશે."
ભૂતકાળમાં નગરયાત્રા નીકળતી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
ભદ્રકાળી મંદિર અતિશય પુરાણું હોવાનો ઉલ્લેખ ગેઝેટિયર બૉમ્બે પ્રેસિડન્સી, 1879માં જોવા મળે છે. પરંતુ તેમાં પણ આ મંદિરનો ઉલ્લેખ 'આઝમખાંના પૅલેસની નજીક' એવી રીતે સંબોધીને કરવામાં આવ્યો છે, જે પૅલેસ 1637માં બન્યો હતો. આમ, ગેઝેટિયર બૉમ્બે પ્રેસિડન્સી, 1879 પરથી પણ એ સ્પષ્ટ થતું નથી કે આ મંદિરની સ્થાપના ક્યારે થઈ હતી.
રામબલી પ્રાગ તિવારી ટ્રસ્ટ એટલે કે આ મંદિરના ટ્રસ્ટની વેબસાઇટ પર લખવામાં આવ્યું છે કે, "પાટણના રાજા અને ગુજરાતની સ્થાપના કરનાર રાજા કર્ણદેવે આશાવલના ભીલ રાજાને હરાવી કર્ણાવતી નગરીની સ્થાપના સાબરમતી નદીના કિનારે કરી હતી. નગરની સ્થાપનાના ભાગરૂપે તેમણે સૌપ્રથમ મા ભદ્રકાળીની સ્થાપના કરી. આગળ જતા અહમદશાહે ઇ.સ. 1411માં કિલ્લો બંધાવ્યો એ ભદ્રના કિલ્લા તરીકે ઓળખાયો."
હાલની નગરયાત્રાના આયોજકો આ દાવા(કર્ણાવતી નગરીની સ્થાપના સમયે ભદ્રકાળીની સ્થાપના)નું સમર્થન કરી રહ્યા હોય તેવું બને.
જોકે, એક વાત સ્પષ્ટ છે કે મુખ્ય આધારભૂત ગ્રંથોમાં ક્યાંય મરાઠાકાળમાં પણ મંદિર ક્યા વર્ષમાં સ્થપાયું તેનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. તેમાં પણ અંદાજિત સમયગાળો જ છે.
ડૉ. માણેક પટેલ કહે છે, "પ્રાચીનકાળથી જ આપણે ત્યાં દરેક ગામ કે શહેરમાં નગરમાં નગરદેવી કે નગરદેવની પરંપરા રહી છે. એ પરંપરા તો પહેલેથી છે, અમદાવાદથી શરૂ થઈ હોય તેવું નથી."
તેઓ કહે છે, "ભૂતકાળમાં 614 વર્ષ પહેલાં ભદ્રકાળી માતાની નગરયાત્રા નીકળતી હોય તેવો ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી. પરંતુ સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા કરતાં પહેલાં તેની શોભાયાત્રા નીકળતી હોય છે. કદાચ એ પ્રકારે શોભાયાત્રા નીકળી હોય તેવું બને."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












