મોરબીમાં એક બાદ એક 25 વિદેશી પક્ષીઓનાં મૃત્યુ કેમ થયાં?

મોરબી, કરકરા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કરકરાના એક ઝૂંડનો નવેમ્બર 27, 2018ના રોજ રાજસ્થાનમાં લેવાયેલ ફોટો
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

મોરબી જિલ્લાના ચાચાપર ગામે બુધવારે સાંજે એક તળાવ નજીક એક પછી એક એમ લગભગ પચીસ જેટલાં કરકરા પક્ષીઓ ટપોટપ મરી જતાં વનવિભાગે દોડવું પડ્યું અને વિદેશથી શિયાળો ગાળવા ગુજરાત આવેલં આ પક્ષીઓનાં મોતનું કારણ જાણવા તપાસ શરુ કરવી પડી.

આ યાયાવર પક્ષીઓનાં મોતના સમાચાર મળતાં વનવિભાગના અધિકારીઓ ચાચાપર ગામે દોડી ગયા હતા અને કેટલાંક પક્ષીઓના પોસ્ટમૉર્ટમ કર્યાં હતાં. પોસ્ટમૉર્ટમ દરમિયાન મૃત કુંજના પેટમાં પીળાશ પડતા ઘઉં મળી આવ્યા હતા તેથી અધિકારીઓ માને છે કે દવાનો પટ આપી વાવેલ ઘઉં આ પક્ષીઓ ખાઈ જતાં તેમને ઝેરની અસર થઈ હશે.

ઉત્તર અને મધ્ય એશિયામાંથી કુંજ (common crane – કોમન ક્રેઈન) અને કરકરા (demoiselle crane – ડેમોઝીલ ક્રેઈન) શિયાળો ગાળવા ગુજરાતમાં આવે છે. ઘણા બધા લોકો કુંજ અને કરકરા વચ્ચેનો ભેદ પારખી ન શકતા હોવાથી કરકરાને પણ કુંજ કહે છે, કારણ કે આ બંને પ્રજાતિના પક્ષી એક જ કુળના હોવાથી તેમના દેખાવ અને વર્તનમાં કેટલીક સામ્યતા હોય છે.

આ બંને પ્રજાતિના પક્ષીઓના શિકારના છૂટાછવાયા બનાવો ગુજરાતમાં નોંધાતા રહે છે, પરંતુ વનવિભાગના અધિકારીઓ કહે છે કે આ બનાવ શિકારનો હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ લાગતું નથી.

કઈ રીતે ઘટના પ્રકાશમાં આવી?

મોરબી, કરકરા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Forest Department, Gujarat

ઇમેજ કૅપ્શન, મોરબીના ચાચાપર ગામે મૃત્યુ પામેલ કરકરા પક્ષી

ચાચાપર ગામ મોરબીથી 20 કિલોમીટર દૂર આવેલું છે અને ગામમાંથી એક નદી પસાર થાય છે તેમજ એક તળાવ પણ છે.

બીબીસી સાથે વાત કરતાં ચાચાપર ગામના આગેવાન રમેશભાઈ ભીમાણીએ કહ્યું કે ગામના એક ખેડૂતને બુધવારની ઢળતી સાંજે કેટલાંક કરકરા મૃત અવસ્થામાં ધ્યાને ચડ્યાં.

રમેશભાઈએ કહ્યું, "અમારા ગામના ખેડૂત દિનેશભાઈ કોળીએ રસ્તામાં પાંચ-છ કુંજ મરેલાં જોયાં. તેથી, તેમણે મને ફોન કર્યો અને જાણ કરી કે પક્ષીઓ મરેલાં પડ્યાં છે. તેથી હું પણ સ્થળ પર ગયો અને જોયું તો આજુબાજુ બીજાં કેટલાય કુંજ મરેલાં પડ્યાં હતાં. તેથી, મેં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી."

રમેશભાઈ ચાચાપર ગામનાં સરપંચ સંગીતાબહેનના પતિ છે.

ઘટનાની માહિતી મળતાં મોરબી ટેરિટોરિયલ ફોરેસ્ટ ડિવિઝનની મોરબી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (આર.એફ.ઓ.) જયદીપસિંહ જાડેજા અને અન્ય કર્મચારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. જયદીપસિંહે બીબીસીને જણાવ્યું, "મોટી સંખ્યામાં પક્ષીઓ મૃત મળી આવતાં અમે પક્ષીઓના મોતની અમારા રેકૉર્ડમાં નોંધ કરી, મૃત પક્ષીઓનો કબજો લીધો અને મોતનું કારણ જાણવા તપાસ ચાલુ કરી છે."

કરકરાના સામુહિક મોતનું કારણ શું?

મોરબી, કરકરા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ramesh Bhimani

ઇમેજ કૅપ્શન, ચાચાપર ગામે કરકરાનો મૃતદેહ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આર.એફ.ઓ. કહે છે કે પ્રાથમિક દૃષ્ટિએ આ ઘટના શિકારની ન હોવાનું જણાય છે. તેમણે કહ્યું, "પક્ષીઓના મૃતદેહોનો કબજો લીધા બાદ અમે એક પશુ-ડૉક્ટરને બોલાવી તેના પોસ્ટમૉર્ટમ કરાવ્યાં. પોસ્ટમૉર્ટમમાં દેખાયું કે મૃત પક્ષીઓના પેટમાં પીળા કલરના ઘઉં, અન્ય વનસ્પતિના અવશેષો, કાંકરા, વગેરે હતાં. હાલ આ વિસ્તારમાં શિયાળુ પાક તરીકે ઘઉંનું વાવેતર ચાલુ છે. અમને શંકા છે કે ઘઉં વાવતા પહેલાં કોઈ ખેડૂતે તેને દવાનો પટ આપ્યો હશે અને આવા દવાવાળા ઘઉં આ પક્ષીઓએ ખાતાં તેમને ઝેર ચડતાં મૃત્યુ પામ્યાં હશે. મોત ઝેરથી થયું હોય તેવું લાગે છે, પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ કોઈ શિકારીએ આ ઝેર આપ્યું હોય તેવું લાગતું નથી."

રમેશભાઈએ પણ જણાવ્યું કે ચાચાપર તેમજ આજુબાજુનાં ગામોમાં ખેતીના પાકોની વાવણી ચાલી રહી છે.

તેમણે કહ્યું, "ખેડૂતો હાલ ઘઉં, ચણા અને જીરાની વાવણી કરી રહ્યા છે. વાવેતર પહેલાં ખેડૂતો ઘઉં અને ચણાને પટ આપે છે, જેથી રોગ દૂર રહે અને પાક સારો ઊગે. આ પક્ષીઓ સવારે આજુબાજુનાં ગામોમાં ચણવા જતાં રહે છે અને સાંજે પડ્યે અમારા ગામ નજીક ભેગાં થાય છે. અમને પણ શંકા છે કે કોઈની વાડીમાં પટ આપેલ ઘઉં આ પક્ષીઓ ખાઈ જતાં તેમને ઝેર ચડ્યું અને તેમના મોત થયાં. અમારા ગામમાં પક્ષીઓના શિકારની કોઈ ઘટના ભૂતકાળમાં નોંધાઈ નથી અને આ બનાવ પણ શિકારનો હોય તેમ અમને લાગતું નથી."

મૃતદેહોનું શું થયું?

પોસ્ટમૉર્ટમ બાદ કરકરાના મૃતદેહોનો નિકાલ કરી દેવાયો છે તેમ આર.એફ.ઓ.એ બીબીસીને જણાવ્યું.

જયદીપસિંહે કહ્યું, "પશુ-ડૉક્ટરે પોસ્ટમૉર્ટમ કરી લીધા બાદ અમે મૃત પક્ષીઓને અગ્નિદાહ આપી તેનો નિકાલ કરી દીધો છે."

કેવા પ્રકારના ઝેરની અસરથી આ પક્ષીઓના મોત થયાં અને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃત કરકરાના કોઈ સૅમ્પલ કોઈ લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે કે કેમ તેવા સવાલનો જવાબ આર.એફ.ઓ.એ નકારમાં આપ્યો હતો.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન