એ ગામ જ્યાં ડૉલરની શોધ થઈ, પણ અહીં ચલણમાં નથી

અમેરિકન ડોલર વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ચલણ છે.

ઇમેજ સ્રોત, Eliot Stein

    • લેેખક, એલિયટ સ્ટેઈન
    • પદ, બીબીસી ટ્રાવેલ

અમેરિકાએ 230થી વધુ વર્ષો પછી પેની (એક ચલણી સિક્કો) બનાવવાનું બંધ કરી દીધું છે, પરંતુ તેના ઘણા સમય પહેલાં પહેલો ડૉલર બનાવાયો હતો અને તે પણ અમેરિકાથી દૂરના એક ગામમાં.

અમેરિકન ડૉલર વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ચલણ છે. તે પ્રાયમરી વાસ્તવિક વૈશ્વિક ચલણ અને વિશ્વનું બિનસત્તાવાર ગોલ્ડ સ્ટાન્ડર્ડ બંને છે.

ફેડરલ રિઝર્વના જણાવ્યા અનુસાર, પૃથ્વીની 58 ટકા નાણાકીય અનામત ડૉલરમાં રાખવામાં આવે છે, જે યુરો, યેન અને રેનમિન્બીના કુલ વિદેશી હોલ્ડિંગના બમણાથી વધુ છે.

31 રાષ્ટ્રોએ ડૉલરને કાં તો સત્તાવાર ચલણ તરીકે અપનાવ્યું છે અથવા તો પોતાનાં નાણાંને તેનું નામ આપ્યું છે. 65 દેશો તેમના ચલણનું મૂલ્ય ડૉલરમાં કરે છે અને ડૉલરને હવે ઉત્તર કોરિયા, સાઇબીરિયા તથા ઉત્તર ધ્રુવ પરનાં રિસર્ચ સ્ટેશનો જેવાં દૂરનાં સ્થળોએ પણ સ્વીકારવામાં આવે છે.

તેમ છતાં વિશ્વમાં એક એવી જગ્યા છે, જ્યાં ડૉલર સ્વીકારવામાં આવતો નથી. એ સ્થળ ચેક રાષ્ટ્રનું જાચીમોવ ગામ છે. તે વિચિત્ર છે.

અહીંના બોહેમિયા ક્રુસ્ને હોરી પર્વતોના જંગલમાં લગભગ 500 વર્ષ પહેલાં, 1520માં ડૉલરનો ઉદભવ થયો હતો, પરંતુ જાચીમોવના સોળમી સદીના રૉયલ મિન્ટ હાઉસ મ્યુઝિયમમાં મારા પાકીટમાંથી જ્યૉર્જ વૉશિંગ્ટનની છબીવાળી એક ડૉલરની નોટ કાઢી ત્યારે શિષ્ટાચારી જાન ફ્રાન્કોવિચે હસીને મને અટકાવ્યો હતો. ડૉલરના પ્રારંભિક પૂર્વજોને રૉયલ મિન્ટ હાઉસે બનાવ્યા હતા.

તેમણે તેમના બે સાથીદારોને ફોન કરીને કહ્યું હતું, "મેં ઘણા લાંબા સમયથી ડૉલર જોયો નથી. જાચીમોવમાં અમે ફક્ત કોરુના, યુરો અથવા ક્યારેક રશિયન રૂબલ્સ સ્વીકારીએ છીએ. તમે ત્રણ વર્ષથી વધુ સમયમાં અહીં આવેલા પ્રથમ અમેરિકન છો."

ડૉલરનું જન્મસ્થાન જ્યાં ડૉલર સ્વીકૃત નથી

અમેરિકન ડોલર વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ચલણ છે.

ઇમેજ સ્રોત, Eliot Stein

જાચીમોવમાં તમારું સ્વાગત છે. તે ચેક-જર્મન સરહદ નજીક આવેલું 2,300 લોકોની વસ્તી ધરાવતું એક શાંત ગામ છે, એ ડૉલરનું જન્મસ્થાન છે, પણ અહીં ડોલર સ્વીકૃત નથી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તમે આ સ્થળ વિશે ક્યારેય ન સાંભળ્યું હોય તે શક્ય છે. આ ગામ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો હિસ્સો છે તેની તમને કદાચ ખબર નહીં હોય. તમને કદાચ એ ખ્યાલ પણ નહીં હોય કે મુક્ત વિશ્વને શક્તિ આપતું ચલણ આ એક રોડવાળા ગામમાં ઉદભવ્યું હતું. એ ગામ, જે આજે પણ સામ્યવાદના પતનથી પીડાઈ રહ્યું છે અને જ્યાં બૅન્કો કરતાં વધુ વેશ્યાલયો છે.

તમે જાચીમોવના મુખ્ય આકર્ષણો, તેની ત્યજી દેવાયેલી ગોથિક શૈલીની અને રેનેસાં ઇમારતોમાંથી પસાર થઈને ખીણની નીચે આવેલા ડે સ્પાના સમૂહની આસપાસ તેમજ સોળમી સદીના કિલ્લા સુધી આખો દિવસ વિહાર કરો તો પણ તમને ખ્યાલ નહીં આવે કે આ ડૉલરનું જન્મસ્થળ છે.

એર્ઝગેબિર્જના ડિરેક્ટર મિશેલ અર્બને મને કહ્યું, "ખ્યાલ ક્યાંથી હોય? તેની જાહેરાત કરતું કોઈ પાટિયું અહીં નથી. અહીં રહેતા મોટા ભાગના લોકો પણ એ બાબતે કશું જાણતા નથી."

મિશેલ અર્બન મને અંધારી સીડી નીચે અને ટંકશાળની તિજોરીના એ ભોંયરામાં લઈ ગયા હતા, જ્યાં સિક્કાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

તેઓ કહે છે, "દુનિયાના બીજા કોઈ માઇનિંગ ટાઉનનો પ્રભાવ જાચીમોચ જેટલો મોટો નથી, પરંતુ આપણે ઇતિહાસ ભૂલી ગયા છીએ."

જાચીમોવ અસ્તિત્વમાં આવ્યું તેના ઘણા સમય પહેલાં આધુનિક બોહેમિયા અને સેક્સોનીને અલગ કરતા પર્વતો પર વરુ તથા રીંછનું શાસન હતું. અહીંના અબોટ જંગલમાં પ્રાણીઓ વિહરતાં હતાં. અહીં 1516માં ચાંદીનો મોટો જથ્થો મળી આવ્યો ત્યારે સ્થાનિક ઉમરાવ કાઉન્ટ હિરોનિમસ સ્કિલ્કે આ વિસ્તારનું નામ જોઆચિમસ્થલ (જોઆચિમની ખીણ), ઈસુ ખ્રિસ્તના દાદાના અને ખાણિયાઓના સ્થાનિક આશ્રયદાતા સંતના નામ પરથી રાખ્યું હતું.

ચાંદીની 1,000 ખાણોનું 18,000 લોકોથી ધમધમતું કેન્દ્ર

ડૉલરનું જન્મસ્થાન

ઇમેજ સ્રોત, Eliot Stein

સ્થાનિક ઇતિહાસકાર જારોસ્લાવ ઓચેક સમજાવે છે, "એ સમયે યુરોપ સિટી-સ્ટેટ્સનો ખંડ હતું, જેમાં સ્થાનિક શાસકો સત્તા માટે ઝઝૂમતા હતા. તેમની વચ્ચે કોઈ પ્રમાણભૂત નાણાકીય ચલણ ન હોવાથી શાસકો પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવાની અસરકારક રીત શોધતા હતા અને તે રીત હતી પોતાના ચલણનું નિર્માણ. સ્કિલકે એ જ કર્યું હતું."

શાસન બોહેમિયન ડાયેટે 1520ની નવમી જાન્યુઆરીએ શ્લિકને તેના ચાંદીના સિક્કા બનાવવાની સત્તાવાર મંજૂરી આપી હતી. તેના આગળના ભાગમાં જોઆચિમની છબી અને પાછળના ભાગમાં બોહેમિયન સિંહની છબી છાપવામાં આવી હતી.

નવા ચલણને "જોઆચિમસ્થેલર્સ" નામ આપવામાં આવ્યુ હતું. એ ટૂંક સમયમાં "થેલર્સ" થઈ ગયું હતું.

સિક્કાઓમાં ધાતુની સામગ્રી મૂલ્યની એકમાત્ર નિર્ણાયક હતી એ યુગમાં શ્લિકે થેલર્સના ફેલાવા તથા અસ્તિત્વને સુનિશ્ચિત કરવા બે સ્માર્ટ કામ કર્યાં હતાં. પ્રથમ તો તેમણે થેલર્સને મધ્ય યુરોપના મોટા ભાગના પ્રદેશમાં ઉપયોગમાં લેવાતા 29.2 ગ્રામ ગુલડેંગ્રોશેલ સિક્કા જેટલા વજન તથા વ્યાસનું બનાવ્યું હતું.

એ કારણે પાડોશી રાજ્યોમાં તેનો સ્વીકાર સરળ બન્યો હતો. વધુ મહત્ત્વની વાત એ છે કે શ્લિકે દુનિયાએ ક્યારેય જોયા ન હોય એટલા સિક્કા બનાવ્યા હતા.

અમેરિકન ડૉલર

ઇમેજ સ્રોત, Eliot Stein

માત્ર દસ વર્ષમાં જોઆચિમસ્થલ 1,050 લોકોની વસ્તીવાળા ગામડામાંથી યુરોપના સૌથી મોટા ખાણકામ કેન્દ્રમાં પરિવર્તિત થઈ ગયું હતું. તે ચાંદીની 1,000 ખાણોનું 18,000 લોકોથી ધમધમતું કેન્દ્ર બની ગયું હતું.

એ 8,000 ખાણિયાઓને રોજગારી આપતું હતું. 1533 સુધીમાં જોઆચિમસ્થલ, પ્રાગ પછીનું બોહેમિયાનું બીજું સૌથી મોટું કેન્દ્ર હતું અને અર્બનના અંદાજ મુજબ, સોળમી સદીની મધ્ય સુધીમાં આ પર્વતોમાં બનેલા લગભગ 1.2 કરોડ થેલર્સ યુરોપમાં ફેલાયેલા હતા, જે સમગ્ર યુરોપ ખંડમાંના અન્ય કોઈ પણ ચલણ કરતાં ઘણા વધારે હતા.

જોઆચિમસ્થલના ચાંદીના ભંડાર ટૂંક સમયમાં જ સુકાઈ ગયા હતા, પરંતુ 1566 સુધીમાં થેલર સમગ્ર યુરોપમાં એટલું જાણીતું થઈ ગયું હતું કે પવિત્ર રોમન સામ્રાજ્યે પોતાના પ્રદેશમાં સ્થાનિક ચલણો માટે પ્રમાણભૂત કદ અને ચાંદીની સામગ્રી સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે થેલર પસંદ કર્યું હતું.

ચાંદીના તમામ સ્વીકાર્ય સિક્કાઓને "રીકસ્થલર્સ" (સામ્રાજ્યના થેલર) એવું નામ આપ્યું હતું.

જાચિમોવની ધાતુની કટાયેલી છતની પાર યુરોપની સૌથી જૂની સતત ચાલતી ખાણના વિશાળ સફેદ શાફ્ટ તથા શ્લિકના મહેલ પર નજર કરતાં અર્બને કહ્યું હતું, "એ પછીનાં 300 વર્ષમાં વિશ્વભરના ઘણા દેશોએ થેલરના આધારે પોતાના ચલણ બનાવ્યાં હતાં. ટૂંક સમયમાં થેલર અહીંથી દૂર પોતાનું જીવન જીવવા લાગ્યો હતો."

યુરોપના શાસકોએ તેમના સિક્કાઓનું થેલરના આધારે રિમોડેલિંગ શરૂ કર્યું અને તેનું નામ પણ તેમની પોતાની ભાષામાં બદલી નાખ્યું.

ડેનમાર્ક, નૉર્વે અને સ્વીડનમાં થેલર "ડેલર" નામે જાણીતું થયું. આઇસલૅન્ડમાં તે "ડાલુર" હતું. ઇટાલીમાં "ટેલાર", પોલૅન્ડમાં "ટેલારો", ગ્રીસમાં "ટાલિરો" અને હંગેરીમાં "ટાલર" બન્યું. ફ્રાન્સમાં તેનું નામ "જોન્કાડેલ" હતું અને "પવિત્ર રોમન સામ્રાજ્યમાં નાના, ચુસ્ત રીતે પેક કરવામાં આવેલા સ્ટેટલેટ્સમાં તેની 1,500 નકલો ટૂંક સમયમાં ફરતી થઈ ગઈ હતી," એવું જેસન ગુડવિને તેમના પુસ્તક 'ગ્રીનબેકઃ ધ ઑલમાઇટી ડૉલર ઍન્ડ ધ ઇન્વેન્શન ઑફ અમેરિકા'માં લખ્યું છે.

રહસ્યમય કાળો પદાર્થ

અમેરિકન ડૉલર

ઇમેજ સ્રોત, Eliot Stein

થેલર ટૂંક સમયમાં આફ્રિકામાં ફેલાયું હતું, જ્યાં 1940ના દાયકામાં તેનો ઉપયોગ ઇથોપિયા, કેન્યા, મોઝામ્બિક અને તાંઝાનિયામાં થતો હતો. મોટા ભાગના આરબ દ્વિપકલ્પ અને ભારતમાં વીસમી સદી સુધી તે ચલણમાં હતું.

2007 સુધી સ્લોવેનિયાનું સત્તાવાર ચલણ "ટોલર" હતું. સમોઆમાં નાણાંને હજુ પણ "તાલા" કહેવામાં આવે છે અને રોમાનિયા (લ્યુ), બલ્ગેરિયા (લેવ) અને મોલ્ડોવિયા(લ્યુ)નાં ચલણોના નામ આજે પણ 500 વર્ષ પહેલાંના પ્રથમ થેલર પર અંકિત સિંહના નામ પરથી લેવામાં આવ્યાં છે.

અલબત્ત, ડચ લીયુવેન્ડેલરે (લાયન ડૉલર અથવા ડેલર – ટૂંકમાં અંગ્રેજી ડૉલર જેવો ઉચ્ચાર) અમેરિકન ડૉલરને તેનું નામ આપ્યું હતું. સતરમી સદીમાં ડચ વસાહતીઓ સાથે સૌપ્રથમ વાર ન્યૂએમસ્ટરડેમમાં આવ્યા પછી ડેલર્સ ઝડપથી તેર વસાહતોમાં ફેલાઈ ગયો હતો અને અંગ્રેજીભાષી વસાહતીઓ તેને ડૉલર કહેવા લાગ્યા હતા.

વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા સ્પેનિશ રીઅલ ડીએ ઓચો (પીસ ઑફ એઇટ)ના સિક્કા સહિતના બધા સમાન વજનવાળા ચાંદીના સિક્કાઓનો તેમાં સમાવેશ થતો હતો. 1792માં ડૉલર અમેરિકાનું સત્તાવાર ચલણ બન્યો હતો. (એ જ વર્ષે અમેરિકાએ તેની પહેલી પેની બનાવી હતી) ત્યારથી થેલર-પ્રેરિત ડૉલરે ઑસ્ટ્રેલિયા, નામિબિયા, સિંગાપોર અને ફીજી જેવાં સ્થળો સાથે વિશ્વભરમાં તેની કૂચ ચાલુ રાખી છે.

તેમ છતાં, અર્બન તથા ઓચેક મને ટંકશાળની બહાર લઈ ગયા અને અમે નજીકની ટેકરી પરની લશ્કરી ચોકીની કાંટાળી વાડ પાર કરી ત્યારે મને ખબર પડી હતી કે જેચીમોવની ખાણોની પ્રખ્યાતિનું એક અન્ય કારણ પણ છે.

શહેરનો ચળકતી ચાંદીનો ભંડાર ઓછો થવા લાગ્યો ત્યારે ખાણિયાઓને એક રહસ્યમય કાળો પદાર્થ મળતો થયો હતો. તેના કારણે ફેફસાના જીવલેણ રોગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું હતું.

તેમણે યુરેનાઇટ ખનિજને "પેચબ્લેન્ડ" નામ આપ્યું હતું. (જર્મનીમાં પેચ શબ્દનો અર્થ દુર્ભાગ્ય થાય છે) 1898માં શહેરની ખાણોમાં તપાસ કરતી વખતે ભૌતિકશાસ્ત્રી મેરી ક્યુરી તે ઓરને ઓળખી કાઢ્યું હતું, જેમાંથી પ્રથમ ડૉલર ઉત્પન્ન થયા હતા. તેમાં બે નવા કિરણોત્સર્ગી તત્ત્વો – રેડિયમ અને પોલોનિયમ હતા.

આ શોધથી મેરી ક્યુરીના હાથ વિકૃત થઈ ગયા હતા. તેઓ નોબલ પુરસ્કાર જીતનારાં પહેલાં મહિલા બન્યાં હતાં અને આખરે મૃત્યુ પામ્યાં હતાં. આ શોધે શહેર માટે બીજી ભૂમિકા નક્કી કરી હતી. જે ખાણોએ વિશ્વનું ચલણ બનાવ્યું હતું એ જ ખાણો પરમાણુ શસ્ત્રોની સ્પર્ધાનું શક્તિ કેન્દ્ર બની હતી.

એ પછીના દાયકાઓ સુધી શહેરની ફરીથી ખોલવામાં આવેલી ચાંદીની ખાણો વિશ્વ માટે રેડિયમનો મુખ્ય સ્રોત બની હતી. નાઝીઓએ અહીં પરમાણુ રિએક્ટરનો પ્રયોગ કર્યો હતો. "અણુબૉમ્બના જનક" જે રૉબર્ટ ઓપનહાઇમરે જોઆચિમસ્થલના યુરેનિયમ સમૃદ્ધ શાફ્ટ વિશે પોતાનો થિસીસ લખ્યો હતો.

બીજા વિશ્વયુદ્ધ પછી ચેકોસ્લોવાકિયાએ જોઆચિમસ્થલ જર્મની પાસેથી પાછું મેળવું હતું. તેનું નામ બદલીને જાચીમોવ રાખ્યુ હતું અને સદીઓથી ચેક વસાહતીઓ સાથે અહીં રહેતા જર્મન ભાષીઓને હાંકી કાઢ્યા પછી સરકારે સ્ટાલિન સાથે એક ગુપ્ત સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા, જેણે શહેરને રશિયન ગુલાગમાં ફેરવી નાખ્યું હતું.

અમેરિકન ડૉલર

ઇમેજ સ્રોત, Eliot Stein

"એ સાથે આપણા ઇતિહાસનો ખૂબ જ વિનાશકારી સમયગાળો શરૂ થયો હતો," એવું અર્બને કહ્યું ત્યારે અમે 8.5 કિલોમીટર લાંબી જાચીમોવ હેલ ટ્રેઈલ પરના જંગલોમાં ફરતા હતા.

એ ચાંદીના ખાણકામ કેન્દ્રથી માંડીને સોવિયેત કૉન્સન્ટ્રેશન કૅમ્પ સુધીના ખીણના વિસ્તારના દર્શાવે છે.

અર્બને ઉમેર્યું હતું, "યુદ્ધ પહેલાં અહીં રહેતા લોકો ડૉલર બનાવવા બાબતે ખૂબ ગર્વ અનુભવતા હતા, પરંતુ વસ્તી બદલાઈ ત્યારે એ સ્મૃતિ ખોવાઈ ગઈ અને રશિયાને પરમાણુ બૉમ્બ બનાવવામાં મદદ માટે ખાણોનો ઉપયોગ થવા લાગ્યો હતો."

ઓપનહાઇમર અણુબૉમ્બ વડે બીજા વિશ્વયુદ્ધનો અસરકારક રીતે અંત લાવ્યા પછી 1949 અને 1964 દરમિયાન સોવિયેત સંઘના અણુ શસ્ત્રાકારને બળતણ આપવા માટે યુરેનિયમ ખોદવા અને લૉડ કરવા માટે લગભગ 50,000 સોવિયેત રાજકીય કેદીઓને જાચીમોવ મોકલવામાં આવ્યા હતા.

હકીકતમાં આધુનિક વિશ્વમાં સત્તાનાં બે સૌથી શક્તિશાળી પ્રતીકો ડૉલર અને પરમાણુ શસ્ત્રો બોહેમિયન ટેકરીઓમાં સ્થિત આ વિચિત્ર માઇનિંગ ટાઉનમાંથી આવે છે.

જાચીમોવ આજે પણ તેના ઝંઝાવાતી ભૂતકાળ સાથે ઝઝૂમી રહ્યું છે. એક સમયે ખીણને ડરામણી બનાવતા કાદવના વિશાળ ઢગલાઓ હવે સદાબહાર વૃક્ષોથી ઘેરાઈ રહ્યા છે.

યુરેનિયમના અવશેષોના ઝેરી પ્રમાણથી બનેલા 19 સદીના ઘરોની હરોળ ધીમે ધીમે નાશ પામી રહી છે અને જાચીમોવની છેલ્લી કાર્યરત્ ખાણ સ્વોર્નોસ્ટ, જેણે પહેલા ડૉલરો માટે ચાંદી પૂરી પાડી હતી, હવે "રેડોન-વોટર થૅરપી"ની જાહેરાત કરતા વિચિત્ર, ભવ્ય રિસોર્ટ્સમાં કિરણોત્સર્ગી પાણી પમ્પ કરી રહી છે.

જાચીમોવમાં, તેને ડૉલરના જન્મસ્થળ તરીકેના વાજબી દાવાને દર્શાવતા કોઈ ચિહ્નો નથી, પરંતુ તમે શહેરના રૉયલ મિન્ટ હાઉસ મ્યુઝિયમની મુલાકાત લેશો અને માર્ગદર્શકોને પૂછશો તો તેઓ ગર્વથી ડેસ્ક પાછળ આંગળી ચીંધીને એક નાની ફ્રેમ દેખાડશે, જેમાં કડકડતા નવા જ્યૉર્જ વૉશિંગ્ટન હશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન