ગુજરાતમાં આ વખતે જીરુંના ભાવ કેમ વધી રહ્યા છે, હજુ કયા સ્તરે પહોંચશે?

બીબીસી ગુજરાતી જીરું ગુજરાત રાજસ્થાન ખેતી ખેડૂત શિયાળુ પાક વાવેતર જીરાના ભાવ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં શિયાળુ પાકોનું વાવેતર હાલમાં છેલ્લા તબક્કામાં છે અને સરકારી આંકડા પ્રમાણે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ વાવેતરમાં ચણા કરતા જીરું પાછળ છે. પરંતુ ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે છેલ્લા બે મહિનામાં જીરાના બજારભાવમાં સુધારો થયો છે.

જો કે બજારના જાણકારો કહે છે કે ગત વર્ષની સરખામણીએ વાવેતરમાં બહુ મોટો ઘટાડો થવાની અપેક્ષા નથી અને ગત વર્ષના જીરાનો વધેલો સ્ટૉક પણ નોંધપાત્ર છે.

તેથી, હવામાનમાં કોઈ મોટી ઊથલપાથલ ન થાય તો જીરાના ભાવ આ સીઝનમાં પણ સ્થિર રહેશે કારણ કે ચીનમાં પાક સારો થવાથી તેણે ભારતના જીરાની આયાત ઘટાડી છે અને વિશ્વના અન્ય દેશોમાં પણ માંગમાં કોઈ ખાસ વધારો નથી.

જીરુંના ભાવ વધવાનું શું કારણ છે?

બીબીસી ગુજરાતી જીરું ગુજરાત રાજસ્થાન ખેતી ખેડૂત શિયાળુ પાક વાવેતર જીરાના ભાવ

ઇમેજ સ્રોત, Gopal Kateshiya/BBC

ઇમેજ કૅપ્શન, ઊંઝા એપીએમસીમાં જીરાની હરાજી (ફાઇલ તસ્વીર)

ભારત દુનિયામાં સૌથી વધારે જીરાનું ઉત્પાદન કરતો અને નિકાસ કરતો દેશ છે. ભારતમાં સૌથી વધારે જીરાનું ઉત્પાદન ગુજરાત રાજ્યમાં થાય છે. તેવી જ રીતે રાજસ્થાનમાં પણ જીરાની મોટા પાયે ખેતી થાય છે. મહેસાણા જિલ્લામાં ઊંઝા માર્કેટ યાર્ડ એ દેશમાં જીરાનું સૌથી મોટું જથ્થાબંધ બજાર છે.

ઊંઝા એપીએમસીના આંકડા અનુસાર ઑક્ટોબર મહિનામાં જીરાના સરેરાશ ભાવ 3300થી 3400 રૂપિયા પ્રતિ મણ (20 કિલો=1 મણ) હતા. તે હવે વધીને સરેરાશ 4000 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

ઊંઝા માર્કેટ યાર્ડ વેપારી ઍસોસિએશનના પ્રમુખ પિયુષ પટેલ કહે છે કે, "ધીમું વાવેતર અને ફેબ્રુઆરી મહિનામાં આવી રહેલા રમઝાન મહિનાને કારણે બજારમાં ખરીદી વધતા ભાવ સુધાર્યા છે."

તેમણે કહ્યું , "ગુજરાતમાં સરકારના આંકડા અનુસાર પહેલી ડિસેમ્બરે જીરાનું વાવેતર સરેરાશ વાવેતરના 50 ટકા જેટલું જ હતું. હવે વાવેતરનું કામ છેલ્લા સ્ટેજમાં છે. એવો અંદાજ છે કે સરેરાશ કરતા વાવેતર ઓછું થશે."

"બીજી તરફ નીચા ભાવે ઘરાકી નીકળતા ભાવ ઊંચકાયા છે. આ વર્ષે રમઝાન મહિનો ફેબ્રુઆરીમાં આવશે. આ મહિના દરમિયાન જીરાની માંગ વધે છે. તેની ખરીદી જાન્યુઆરીમાં થશે. પરંતુ નવું જીરું માર્ચ મહિનામાં જ આવશે. આ કારણે પણ ભાવ ઊંચકાયા છે."

બીબીસી ગુજરાતી જીરું ગુજરાત રાજસ્થાન ખેતી ખેડૂત શિયાળુ પાક વાવેતર જીરાના ભાવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજસ્થાનમાં જીરાની મોસમ લઇ રહેલી મહિલાઓ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફૅડરેશન ઑફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેકહોલ્ડર્સ ( FISS)ના સહઅધ્યક્ષ ઉદયન કાર્તિક કહે છે કે છેલ્લા બે મહિનામાં ભાવમાં થયેલા વધારા પાછળ જીરાના વેપારીઓ દ્વારા થયેલી સટ્ટાખોરી પણ જવાબદાર છે.

તેમણે કહ્યું, "સટ્ટાખોરોને તેમનો સ્ટૉક વેચવો હતો, પરંતુ તેમના મનમાં સ્પષ્ટતા ન હતી. દસેક દિવસ અગાઉ તાપમાન વધુ હતું અને વાવેલું જીરું બરાબર ન ઉગવાના અહેવાલ હતા. વાવેતર વિસ્તાર ઘટશે તેવી ધારણા વચ્ચે વેપારીઓ થોડો સટ્ટો રમતા ભાવ ઊંચકાયા હતા."

"ભાવ 180 પ્રતિ કિલો (3600 રૂપિયા પ્રતિ મણ)થી વધીને 225 પ્રતિ કિલો (4500 પ્રતિ મણ) સુધી પહોંચી ગયા હતા."

જો કે ઉદયન કાર્તિક કહે છે કે ભાવો વધ્યા બાદ છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ઘટાડાનું વલણ છે.

તેઓ કહે છે, "હવે તાપમાન ઘટવાને કારણે જીરું સારું ઊગવાના અહેવાલ છે. ગુજરાતમાં વાવેતર વિસ્તારમાં ઘટાડો 20 ટકા જેટલો જ રહે તેવી ધારણા છે. જો વાતાવરણ આગામી દોઢ મહિના સુધી સારું રહે તો ઉત્પાદન સારું મળશે અને વાવેતર વિસ્તારના ઘટાડાથી થનાર જીરાના કુલ ઉત્પાદનના ઘટાડાની ભરપાઈ થઈ જશે તેવી ધારણ છે. તેથી ભાવ ઘટીને 208-209ની આજુબાજુ થઈ ગયા છે."

જીરાનું વાવેતર કેટલે પહોંચ્યું?

બીબીસી ગુજરાતી જીરું ગુજરાત રાજસ્થાન ખેતી ખેડૂત શિયાળુ પાક વાવેતર જીરાના ભાવ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત સરકારના કૃષિ નિયામકની વેબસાઇટ પર ઉપલબ્ધ આંકડા અનુસાર 1 ડિસેમ્બર સુધી ગુજરાતમાં 194, 775 હેક્ટરમાં ખેડૂતોએ જીરું વાવી દીધું હતું. સવા છ વીઘાએ એક હેક્ટર થાય અને તે હિસાબે ડિસેમ્બરની શરૂઆત સુધી 12 .17 લાખ વીઘામાં જીરું વવાઈ ગયું હતું.

પરંતુ આ આંકડો પાછલાં ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલ સરેરાશ 3.81 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સરખામણીએ માત્ર 51 ટકા થાય. જોકે, ગયા વર્ષે પહેલી ડિસેમ્બર સુધીમાં 2.11 લાખ હેક્ટરમાં જીરાનું વાવેતર નોંધાયું હતું.

આ વર્ષનો આંકડો તેનાથી થોડો નીચો છે. પરંતુ ગત વર્ષે તે આંકડામાં પછીના અઠવાડિયામાં સુધારો થયો હતો અને 4.76 લાખ હેક્ટર સુધી પહોંચી ગયો હતો. જોકે, ચણાનું વાવેતર તેનાથી ડબલ એટલે કે 8.50 લાખ હેક્ટરમાં નોંધાયું હતું.

આ વર્ષે પણ પહેલી ડિસેમ્બર સુધીમાં ચણાનું વાવેતર 4.86 લાખ હેક્ટરમાં નોંધાઈ ચૂક્યું છે, જે જીરાના વાવેતરથી બમણા કરતા પણ વધારે છે અને ગત ત્રણ વર્ષના ચણાના સરેરાશ વાવેતર વિસ્તારના 58 ટકાથી પણ વધારે થાય છે.

ગુજરાતમાં આ વખત જીરુંનું વાવેતર કેમ ઓછું છે?

બીબીસી ગુજરાતી જીરું ગુજરાત રાજસ્થાન ખેતી ખેડૂત શિયાળુ પાક વાવેતર જીરાના ભાવ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં જીરાનું વાવેતર સૌથી વધારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાય છે. આ જિલ્લામાં પણ જીરાનું સૌથી વધારે વાવેતર ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાઓમાં નોંધ્યા છે. કલ્યાણપુર તાલુકાના નાગડીયા ગામના ખેડૂત કેશુભાઈ ઓડેદરા કહે છે કે તેમના ગામમાં આ વર્ષે ખેડૂતોએ જીરાનું વાવેતર ઘટાડ્યું છે.

તેઓ કહે છે, "અમારા વિસ્તારમાં જીરાનું વાવેતર આ વર્ષે ઘટ્યું છે કારણ કે ખરાબ હવામાનને કારણે જીરામાં બગાડ આવી જાય છે અને ભાવ ઓછા મળતા ખેડૂતોને મળતું વળતર ઘટે છે."

"અમારા વિસ્તારમાં જીરાનું વીઘા દીઠ ઉત્પાદન સરેરાશ પાંચ મણ મળે છે. તેની સામે ધાણાનું ઉત્પાદન 15 મણ મળે છે અને ભાવ 2000 મળે છે."

"જીરાના ભાવ 3000 મળે છે. તેથી જીરું વાવવાથી ખેડૂતને પ્રતિ વીઘે રૂપિયા 15000 વળતર મળે છે. પરંતુ ધાણા વાવવાથી 30,000 રૂપિયા જેટલું ઊંચું વળતર મળી શકે છે."

બીબીસી ગુજરાતી જીરું ગુજરાત રાજસ્થાન ખેતી ખેડૂત શિયાળુ પાક વાવેતર જીરાના ભાવ

ઇમેજ સ્રોત, Keshubhai Odedra

ઇમેજ કૅપ્શન, જીરાંની ખેતી કરતા ખેડૂત કેશુભાઈ ઓડેદરા

તો ધાણા કેમ વધારે નથી વાવતા તેવા સવાલના જવાબમાં કેશુભાઈ કહે છે, "જીરુંની જેમ ધાણાનો પાક પણ હવામાન પ્રત્યે ભારે સંવેદનશીલ હોવાથી તેમાં પણ સારા ઉત્પાદનની કોઈ ગૅરંટી હોતી નથી. તેથી, મેં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ 10 વીઘામાં જીરું, 15 વીઘામાં ધાણા અને 20 વીઘામાં ઘઉં વાવ્યા છે. પરંતુ અમારા ગામમાં કેટલાય ખેડૂતોએ જીરાના વાવેતર ઘટાડ્યા છે. "

કેશુભાઈ કહે છે વીઘા દીઠ ઘઉંનું ઉત્પાદન 40 મણ રહે છે અને 400 રૂપિયાના ભાવે વીઘે 16,000 રૂપિયા વળતર મળે. પરંતુ તેઓ કહે છે કે ઘઉંને વધારે સિંચાઈનું પાણી જોઈએ અને તેના ગામમાં સિંચાઈની સગવડ પૂરતી ન હોવાથી ખેડૂતો ઓછું પિયત માંગતા જીરા અને ધાણા વાવે છે.

કેશુભાઈ ઉમેરે છે કે જીરાના પાકમાં ઘઉં અને ધાણાની સરખામણીએ ઉત્પાદન ખર્ચ વધી જાય છે.

તેઓ કહે છે, "જીરાને ઊભું કરવું બહુ અઘરું છે. તેના માટે દવા બહુ છાંટવી પડે અને વીઘે સરેરાશ સાતેક હજાર જેટલું ખર્ચ થાય. ગયા વર્ષે મને વીઘે પાંચ મણનું ઉત્પાદન મળ્યું અને 4200થી 4500 ભાવ મળ્યા. બે-ત્રણ વર્ષ પહેલાં જીરાના ભાવ 12000 રૂપિયા પ્રતિ મણ થયા હતા."

"તેની સરખામણીએ 4200 રૂપિયા બહુ ઓછા કહેવાય. પરંતુ મને ડર રહે છે કે ધાણાના ભાવ પણ ગગડી જઈ શકે છે. તેવી સ્થિતિને પહોંચી વળવા હું જીરું અને ધાણા બંને વાવું છું."

ગુજરાતમાં આ વર્ષે જીરુંના ભાવ કેવા રહેશે?

બીબીસી ગુજરાતી જીરું ગુજરાત રાજસ્થાન ખેતી ખેડૂત શિયાળુ પાક વાવેતર જીરાના ભાવ

ઇમેજ સ્રોત, Keshubhai Odedra

ઇમેજ કૅપ્શન, દ્વારકાના કેશુભાઈ ઓડેદરાની વાડીમાં ગત વર્ષે વાવેલો જીરાનો પાક

ઊંઝા એપીએમસીના ચૅરમૅન દિનેશ પટેલે બીબીસીને કહ્યું કે, આ વર્ષે ઑક્ટોબરમાં થયેલા માવઠાની અસર જીરાના વાવેતર વિસ્તાર પર પડી રહી છે.

તેઓ કહે છે ,"ઑક્ટોબરમાં ભારે વરસાદ થતા જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું. ગુજરાતના કેટલાય વિસ્તારોની જમીનમાં આ ભેજનું પ્રમાણ ઝડપથી ઘટતું નથી અને પરિણામે ખેડૂતો જીરાનું વાવેતર કરી શક્યા નથી."

"અમારો અંદાજ છે કે આ વર્ષે જીરાનું વાવેતર 60 ટકા જ થશે. ખેડૂતો ચણા તરફ વળ્યાં છે કારણ કે ચણાના પાકમાં સારા ઉત્પાદનની લગભગ ગૅરંટી હોય છે. પરિણામે જીરાના ભાવો સારા સ્તરે જળવાઈ રહેશે તેવી ધારણા છે."

ઊંઝામાં જીરાના વેપારી અને નિકાસકાર અલ્પેશ પટેલ કહે છે કે જીરાના ભાવમાં કોઈ મોટી ઊથલપાથલ થાય તેવું હાલના સંજોગોમાં દેખાતું નથી.

તેઓ કહે છે, "ગુજરાતમાં 70 ટકા વાવેતર થશે પરંતુ રાજસ્થાનમાં વાવેતર લગભગ 100 ટકા થશે. હવામાનમાં કોઈ મોટી ઉથલપાથલ નહીં થાય તો જીરાનું ઉત્પાદન 85-90 લાખ ગુણી (એક ગુણીમાં 55 કિલો જીરું ભરેલ હોય તેવી) થવાની ધારણા છે. ગત વર્ષનો વણવપરાયેલો જથ્થો અંદાજે 30 લાખ ગુણી રહેવાનો અંદાજ છે."

"આમ, આ વર્ષે અંદાજે 120 લાખ ગુણી (3.3 કરોડ મણ) જીરું ઉપલબ્ધ થવાનો અંદાજ છે. તેની સામે ભારતમાં જીરાનો વપરાશ 80-90 લાખ ગુણી છે."

"આવા સંજોગોમાં ચીનમાં ગયા વર્ષે જીરાનો પાક સારો થતા તેણે ભારતથી જીરાની અવાક ઘટાડી દીધી છે. તેથી, જો વાતાવરણ માફક રહે તો ભાવ આ લેવલ જળવાઈ રહે તેવી ધારણા છે."

FISSના કાર્તિક ઉદયનનું વિશ્લેષણ પણ અલ્પેશ પટેલના વિશ્લેષણને મળતું આવે છે.

તેઓ કહે છે, "જો વાતાવરણ સારું રહે તો સારું ઉત્પાદન વાવેતર વિસ્તારમાં થયેલી ઘટના પરિણામે કુલ ઉત્પાદનમાં થનારા ઘટાડાને બહુ દેખાવા નહીં દે."

"પરિણામે, આપણે ત્યાં જીરા બાબતે તંગી સર્જાય તેવી શક્યતા ઓછી છે. તેથી હાલના ભાવનું લેવલ જળવાઈ રહેશે અથવા ભાવ પ્રતિ કિલોએ પાંચ-છ રૂપિયા ઘટી શકે છે."

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન