ગુજરાત : 'આટલા પૈસા તો વીઘા દીઠ બિયારણમાં જાય', માવઠાથી થયેલા નુકસાનનું ખેડૂતોને કેટલું વળતર મળ્યું?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
આ વર્ષે કમોસમી વરસાદને પગલે ખેતીમાં થયેલા વ્યાપક નુક્સાનનું વળતર રાજ્ય સરકારે ચૂકવવાનું ચાલુ કરી દીધું છે.
3 ડિસેમ્બરે રાજ્ય સરકારે માહિતી આપી હતી કે 3.39 લાખ ખેડૂતોને લગભગ 1098 કરોડ રૂપિયાથી વધારે રકમ સહાયપેટે ચૂકવાઈ પણ ગઈ છે.
બીબીસી સાથે વાત કરતા ખેડૂતોએ કહ્યું કે 'સહાયની રકમ માત્ર બિયારણના ખર્ચ ઉપાડે તેટલી છે અને તેનાથી નુકસાનીનું વળતર નથી મળતું."
માવઠાથી ખેતીના પાકોમાં થયેલ નુકસાનનું વળતર મેળવવા માટે રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી 14 નવેમ્બરથી અરજીઓ સ્વીકારવાનું ચાલુ કર્યું હતું. 5 ડિસેમ્બર એટલે કે શુક્રવાર સુધી આવી અરજી કરવા માટેનો છેલ્લો દિવસ હતો.
રાજ્ય સરકારે જણાવ્યું હતું કે બુધવાર સુધી 29 લાખ 80હજાર ખેડૂતોએ અરજીઓ કરી દીધી હતી અને તેમાંથી 4 લાખ 91 હજરથી વધુ ખેડૂતોને 1497 કરોડ જેટલી સહાય ચૂકવવા માટેનાં બીલ તૈયાર થઈ ગયાં હતાં.
ખેડૂતોને કેટલી સહાય મળે છે?

ઇમેજ સ્રોત, Government of Gujarat
રાજ્ય સરકારે ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવા માટે રૂપિયા 10,000 કરોડનું રાહત પૅકેજ 7 નવેમ્બરે જાહેર કર્યું હતું. સરકારે જાહેરાત કરી હતી કે ખેડૂતોને રૂપિયા 22,000 પ્રતિ હેક્ટરના હિસાબે વળતર ચૂકવાશે અને ખેડૂત દીઠ મહત્તમ બે હેક્ટર સુધીની જમીન માટે વળતર ચૂકવવામાં આવશે.
સવા છ વીઘાએ એક હેક્ટર થાય. તે હિસાબે ખેડૂતોને પ્રતિ વીઘા 3520 રૂપિયા વળતર મળશે તેવી જાહેરાત સરકારે કરી હતી.
માવઠા દરમિયાન રાજ્યમાં ભાવનગર અને અમરેલી જિલ્લામાં ખેતીના પાકોને સૌથી વધારે વ્યાપક નુકસાનની ફરિયાદો ખેડૂતોએ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંદરડી ગામના ખેડૂત અને ખેડૂત આગેવાન રમેશ વસોયાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "મારા મોટા ભાઈ મનસુખભાઇ વસોયાના નામે માંદરડીમાં આઠ વીઘા જમીન છે. અને ત્રણેક દિવસ પહેલા તેમના ખાતામાં 30,000 રૂપિયા સરકારે બે હપ્તામાં જમા કર્યા. પહેલા 22,000 જમા થયા અને પછી 8,000 જમા થયા. આ વળતર વીઘે 3500 રૂપિયા જેવું થાય છે."
રમેશભાઈ ખેડૂત ઉપરાંત રાજુલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડાઇરેક્ટર પણ છે.
રાજુલા તાલુકાના જ મોટા આગરિયા ગામના ખેડૂત પ્રકાશ ખુમાણે પણ કહ્યું કે તેમના ગામમાં પણ ખેડૂતોને સરકારે જાહેરાત કરી હતી તે મુજબ વળતર મળવાનું ચાલુ થઈ ગયું છે.
તેમણે બીબીસીને જણાવ્યું, "પંદરેક દિવસ અગાઉ મારા ખાતામાં બે હપ્તે 44,000 રૂપિયા વળતર પેટે સરકારે જમા કરાવ્યા. પ્રથમ હપ્તામાં 34,000 જમા થયા અને પછી 10,000 જમા થયા. આજે શનિવારે (6 ડિસેમ્બર) મારા મોટા ભાઈ હાથીભાઈના ખાતામાં 6871 રૂપિયા જમા થયા છે. તેમના નામે 10 વીઘા જમીન છે. તેથી, અમને આશા છે કે અંદાજે 28,000 રૂપિયાનો બીજો હપ્તો પણ જમા થશે."
વળતર પૂરતું છે? ખેડૂતો શું કહે છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના સરેરા ગામના ખેડૂત ગભરૂભાઈ કામલિયા મહુવા એપીએમસીના પ્રમુખ છે. ગભરૂભાઈ અને તેમના બે ભાઈઓ એમ ત્રણ પરિવાર અંદાજે 100 વીઘા જમીન ધરાવે છે. તેઓ કહે છે કે આ જમીન નવ સભ્યોના નામે વહેંચાયેલ છે અને તેમાંથી છ સભ્યોને નુકસાનીનું વળતર મળી ગયું છે.
જોકે, ગભરૂભાઈનું કહેવું છે કે આ વળતર ખેડૂતોને થયેલ કૂલ નુકસાન કરતા અડધું છે.
તેમણે જણાવ્યું, "સરકારે વીઘે 3500 રૂપિયા વળતર આપ્યું. એટલો ખર્ચ તો મારે વીઘા દીઠ મગફળીના બિયારણ માટે થયેલ. સરકારે જાહેરાત મુજબ વળતર આપ્યું છે બાકી ખેડૂતોને તો ભગવાન આપે તે જ સાચું."
"હું માનું છું કે આ વર્ષે વીઘે પચ્ચીસથી ત્રીસ મણ મગફળી થવાની હતી. તેમાંથી માવઠું મોકલી ભગવાને પાંચ મણ પાછી લઈ લીધી. પાંચ મણ મગફળીના 7260 રૂપિયા મળે. તેથી, સરકારે ચૂકવેલ વળતર અમને થયેલ નુકસાનનું અડધું છે.

ઇમેજ સ્રોત, Gabhrubhai Kamalia
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે, ગભરુભાઈ ઉમેરે છે કે આ મામલે ખેડૂતો સરકારને ફરિયાદ કરી શકે તેમ નથી. કેમ કે "સરકાર ટેકાના ભાવે મગફળી પણ ખરીદી રહી છે અને તેથી ખેડૂતોને 1,452 રૂપિયા જેટલા ઊંચા ભાવ પણ મળી રહ્યા છે. તેથી, વધારે ફરિયાદ કરી શકાય તેમ નથી."
બીજી બાજુ, પ્રકાશ ખુમાણનું માનવું છે કે માવઠાથી થયેલ નુકસાન ઘણું વધારે છે.
તેઓ જણાવે છે, "ખેડૂતોને માવઠાથી થયેલ નુકસાનની ભરપાઈ તો થઈ શકે તેમ નથી. સરકારે મહત્તમ બે હેક્ટર જેટલી જ જમીનું વળતર આપવાનું નક્કી કર્યું હોવાથી મોટા ખાતેદાર ખેડૂતોને થયેલ ખરેખર નુકસાન સામે વળતર ઓછું મળી રહ્યું છે."
આ ઉપરાંત રમેશ વસોયા વળતર ચૂકવવામાં અરજદાર ખેડૂતોમાંથી કોને અગ્રતા અપાય છે એ અંગે સ્પષ્ટતા ના હોવાની ફરિયાદ કરે છે.
તેમણે કહ્યું, "અમારા ગામમાં જે ખેડૂતોએ ફોર્મ પહેલાં ભર્યાં હતાં તેમને હજુ વળતર નથી ચૂકવાયું અને તેમના પછી જેમનાં ફોર્મ ભરાયાં હતાં તેમનાં ખાતાંમાં વળતરની રકમ આવી ગઈ છે. "
આ બાબતે બીબીસીના સવાલના જવાબ આપતાં અમરેલીના જિલ્લા ખેતીવાડી અધિકારી જીજ્ઞેશ કાનાણી જણાવે છે, "અધિકારીઓ દ્વારા ફોર્મની ચકાસણી થઈ ગયા બાદ ખેડૂતોને ચૂકવણાની કામગીરી પબ્લિક ફાઇનાન્સ મૅનેજમૅન્ટ સિસ્ટમ દ્વારા થાય છે. આ સિસ્ટમ આધાર નંબરથી થતા ઑથેન્ટિકેશનથી લાભાર્થીની માહિતી અને તેના આધાર કાર્ડ સાથે લિંક થયેલ બૅન્ક ખાતાની ચકાસણી કરે છે. " અને એ રીતે ખેડૂતોનાં ખાતાંમાં વળતર જમા કરાવાય છે.
તેમના મતે સરકારી બૅન્કોમાં ઑથેન્ટિકેશન ઝડપી થતું હોવાથી આવી બૅન્કોમાં ખાતાં ધરાવતા ખેડૂતોને વળતર વહેલું મળી જતું હોય છે, જ્યારે સહકારી બૅન્કોના ખાતાધારકોને થોડી રાહ જોવી પડતી હોય છે.
વળતર કેટલું વાજબી?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ખેડૂતોને મળી રહેલું વળતર પૂરતું ના હોવાની ફરિયાદો અંગે અગાઉ રાજકીય પક્ષો આ મામલે વિરોધ કરી ચૂક્યા છે અને તેમણે દેવામાફીની માગણી પણ કરી હતી. વળતરની રકમથી નારાજ થતાં આ પહેલાં અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ભારતીય જનતા પાર્ટીના મંત્રી અને હાલ એપીએમસીના ડાયરેક્ટર ચેતનભાઈ મસાણીએ ભાજપના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું હતું.
આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ અગાઉ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે "ખેડૂતને ખાતર-બિયારણ, જંતુનાશક દવાઓ તેમજ મજૂરીનો ખર્ચ વીઘા દીઠ 18થી 20 હજાર થાય છે. જ્યારે સરકારે વીઘા દીઠ 3520 રૂપિયા જાહેર કર્યા છે, જે ખેડૂતોના ખર્ચ જેટલા પણ નથી."
આપના નેતા અને વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ 10,000 કરોડના પૅકેજને 'કૃષિ મજાક' ગણાવ્યું હતું અને હેકટર દીઠ 50,000ની માગ કરી હતી. તો કૉંગ્રેસના નેતા પાલ આંબલિયાએ ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવા માગ કરી હતી.
સંબંધિત ફરિયાદો અંગે બીબીસીએ ગુજરાતના કૃષિ નિયામકનો સંપર્ક સાધવાની કોશિશ કરી હતી પરંતુ તેમાં સફળતા મળી ન હતી. આ મામલે કૃષિમંત્રીનો સપણ સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો, જે શક્ય નહોતો બની શક્યો.
અગાઉ એક પત્રકારપરિષદમાં આ મામલે પુછાયેલા પ્રશ્નના જવાબમાં કૃષિમંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું હતું, "હેક્ટરની ચોક્કસ મર્યાદા છે, પરંતુ સરકારે તમામ પાક,તમામ પ્રકારનું નુકસાન, પિયત-બિનપિયત સાર્વજનિક રીતે ઉદારતાથી સહાય જાહેર કરવામાં આવી છે. ખેડૂતોને બેઠા કરવા માટે સરકાર ટેકાના ભાવે મગફળી, મગ, અડદ, સોયાબીનની 15 હજાર કરોડની ખરીદી કરશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન












