ઑસ્ટ્રેલિયામાં ટીનેજર્સ માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ કેમ મુકાયો, જાણો ચાર કારણો

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી વયના લોકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્વામાં આવ્યો છે, જે આજથી લાગુ થયો છે.
તેના કારણે ઑસ્ટ્રેલિયાના ટીનેજર્સ હવેથી ટિકટોક, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ઍક્સ (અગાઉનું ટ્વિટર), યુટ્યૂબ, સ્નેપચૅટ, રેડિટ, કિક, ટ્વિચ અને થ્રેડ જેવી ઍપ્સનો ઉપયોગ નહીં કરી શકે. કરોડો સગીરોના આ બધા એકાઉન્ટ બંધ થઈ જશે.
જે પ્લૅટફૉર્મ ટીનેજર્સના એકાઉન્ટ દૂર નહીં કરે અને હજુ પણ ઍક્સેસ ચાલુ રાખશે, તેમને લગભગ 4.95 કરોડ ઑસ્ટ્રેલિયન ડૉલરનો દંડ ભરવો પડશે.
સરકારનું કહેવું છે કે સગીર વયના લોકો સોશિયલ મીડિયા પર વાંધાજનક સામગ્રી જોતા હતા જેની સામે રક્ષણ આપવા માટે આ પ્રતિબંધ મુકાયો છે, જ્યારે કેટલાક ટીકાકારો કહે છે કે આનાથી ફાયદો થવાના બદલે નુકસાન થશે. તેમને બીક છે કે લોકો ઇન્ટરનેટ પર અનરેગ્યુલેટેડ સામગ્રી તરફ વળશે.
ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બાનીઝે આજના દિવસને પરિવારો માટે એક 'ગૌરવપૂર્ણ દિવસ' ગણાવ્યો છે.
ઑસ્ટ્રેલિયાએ સગીરો માટે સોશિયલ મીડિયા પર જે પ્રતિબંધ લગાવ્યા તેના પર ભારત સહિત અન્ય દેશોની પણ નજર છે અને શક્ય છે કે કેટલાક દેશો પણ તેને અનુસરે.
અહીં એવાં ચાર કારણોની ચર્ચા કરીએ જેના લીધે ઑસ્ટ્રેલિયાએ ટીનેજર્સને સોશિયલ મીડિયા ઍક્સેસ કરતા રોક્યા છે.
સોશિયલ મીડિયાનાં જોખમો

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયાએ આ પ્રતિબંધ માટે સોશિયલ મીડિયાનાં કેટલાંક જોખમોને જવાબદાર માન્યાં છે. જેમ કે ઑનલાઇન ધમકી (સાઇબર બુલિંગ), કોઈનો પીછો કરવો, ગ્રૂમિંગ, નફરતભર્યું કન્ટેન્ટ ફેલાવવું, હિંસા ફેલાવવી વગેરે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑસ્ટ્રેલિયામાં ઑનલાઇન સેફ્ટી માટે કામ કરતા રેગ્યુલેટરના અહેવાલ પ્રમાણે ડિસેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025 દરમિયાન 74 ટકા બાળકોએ તેમને ઑનલાઇન જોખમ પહોંચાડે તેવું કન્ટેન્ટ જોયું હતું. 53 ટકા બાળકો સાઇબર બુલિંગનો શિકાર બન્યાં હતાં અને 25 ટકા બાળકોને ઑનલાઇન નફરતનો પર્સનલ અનુભવ થયો હતો.
સગીરોના આરોગ્યની ચિંતા

ઇમેજ સ્રોત, Getty Images
સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગના કારણે સગીરોના આરોગ્યને અસર થાય છે.
તેઓ સ્ક્રીન પર વધારે સમય ગાળે છે જેના કારણે તંદુરસ્તીને નુકસાન થાય છે. આ એક કારણ પણ સોશિયલ મીડિયા પરના પ્રતિબંધ માટે આપવામાં આવ્યું છે.
સતત મોબાઇલ ફોન પર વ્યસ્ત રહેવાથી સ્થૂળતામાં વધારો થવો, ચીડિયાપણું વગેરે સમસ્યા જોવા મળે છે.
વાંધાજનક સામગ્રીનું જોખમ
સોશિયલ મીડિયાના અનિયંત્રિત ઍક્સેસના કારણે લોકોની પ્રાઇવેટ માહિતી શૅર થાય છે જે આ પ્રતિબંધનું એક કારણ ગણાવાય છે.
સર્વેમાં જાણવા મળ્યું કે 38 ટકા સગીરો માટે લોકોએ ઑનલાઇન વાંધાજનક વાતો કરી હતી, 17 ટકાના પ્રાઇવેટ મૅસેજ અથવા તેમની ગુપ્ત માહિતી શૅર થઈ હતી.
16 ટકા ટીનેજર્સને વાંધાજનક ફોટા અથવા વીડિયો ટૅગ અથવા શૅર કરવામાં આવ્યા હતા. 13 ટકા ટીનેજર્સને પોતાની જાતને નુકસાન પહોંચાડવા અથવા ખતમ કરવા માટે ઑનલાઇન જણાવાયું હતું.
નાની વયથી સોશિયલ મીડિયાનો ઉપયોગ

ઇમેજ સ્રોત, Getty Images
બાળકો બહુ નાની વયથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા લાગે છે જે તેમના માટે નુકસાનકારક છે તેવી દલીલ કરવામાં આવે છે.
2023માં ઑસ્ટ્રેલિયા સરકારે એક રિસર્ચ કરાવ્યું હતું જેમાં જાણવા મળ્યું કે આઠથી 16 વર્ષના દર પાંચમાંથી ચાર બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.
10થી 12 વર્ષનાં બાળકોમાં પણ સોશિયલ મીડિયાનો ભારે વપરાશ જોવા મળે છે. તેના કારણે બાળકો માટે જોખમી સ્થિતિ પેદા થાય છે.
કંપનીઓ માટે પૅનલ્ટી
ઑસ્ટ્રેલિયામાં 2023ના સર્વેના ડેટા પ્રમાણે 14 વર્ષથી વધુ વયનાં બાળકો દર અઠવાડિયે સરેરાશ 6 કલાક ઑનલાઈન વીતાવે છે. તેમાં તેઓ ડિસ્ટ્રેસ પેદા કરે તેવું કન્ટેન્ટ, ધમકી, પ્રતિબંધિત સામગ્રી, સેક્સ્યુઅલ દુર્વ્યવહાર, પૉર્નોગ્રાફી વગેરેના સંપર્કમાં આવે છે, જેથી સોશિયલ મીડિયા એક ગંભીર પ્રશ્ન છે.
જે પ્લૅટફૉર્મ સગીરોનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ નહીં કરે તેમને 4.95 કરોડ ઑસ્ટ્રેલિયન ડૉલર (295 કરોડ રૂપિયા)ની પૅનલ્ટી થશે. જોકે, બાળકો કે તેના વાલીઓને પૅનલ્ટી લાગુ નહીં થાય.
પ્રતિબંધો લાગુ કરવા મુશ્કેલ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઑસ્ટ્રેલિયા આટલા વ્યાપક પ્રમાણમાં સોશિયલ મીડિયા પર બૅન મૂક્નાર પ્રથમ દેશ બની ગયો છે. પરંતુ તે કેટલું સફળ થાય છે તે જોવાનું રહેશે.
નિષ્ણાતો માને છે કે લોકો આમાંથી છટકબારીઓ શોધી કાઢશે. કેટલાક ઍક્સપર્ટ કહે છે કે ટૅક્નૉલૉજી જાણતા ટીનેજર્સ વીપીએન, બનાવટી ફોટા અથવા ફેસ સ્કૅનનો ઉપયોગ કરશે. અથવા તો તેઓ ઓછાં રેગ્યુલેટેડ પ્લૅટફૉર્મ અથવા વીડિયો ગેમ્સ તરફ વળશે. તેના કારણે પ્રતિબંધનો વાસ્તવિક હેતુ માર્યા જવાની શક્યતા છે.
ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બાનીઝે કહ્યું કે "આ પ્રોસેસ કદાચ 100 ટકા પરફેક્ટ નહીં હોય, પરંતુ અમારો મૅસેજ 100 ટકા સ્પષ્ટ છે. દેશમાં શરાબ પીવા માટેની લીગલ ઉંમર 18 વર્ષ છે. ઘણા ટીનેજર્સ શરાબ પીવાની છટકબારી શોધી લે છે, પરંતુ તેના કારણે આપણા નૅશનલ સ્ટાન્ડર્ડનું મૂલ્ય ઘટી જતું નથી."
ઑસ્ટ્રેલિયામાં ટીનેજર્સ માટે સોશિયલ મીડિયાના પ્રતિબંધની કેવી અસર પડે છે તેના પર અન્ય દેશોની પણ નજર રહેશે. આગામી દિવસોમાં મલેશિયા, ન્યૂઝીલૅન્ડ અને ડૅન્માર્ક જેવા દેશો પણ ઑસ્ટ્રેલિયાના મૉડલને અનુસરે તેવી શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન












