ભારત ખરેખર અમેરિકામાં દર વર્ષે કેટલા ચોખા મોકલે છે, ત્યાંના ખેડૂતોને શેનો ડર છે?

બીબીસી ગુજરાતી ભારત અમેરિકા બાસમતી ચોખા ડોનાલ્ડ ટ્રમ્પ નિકાસ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય માલસામાન પર 50 ટકા જેટલો ઊંચો ટેરિફ નાખ્યા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આરોપ છે કે ભારત અમેરિકામાં જંગી પ્રમાણમાં ચોખા ડમ્પ કરે છે.

સોમવારે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં એક બેઠક દરમિયાન પોતાના નાણા મંત્રી સ્કૉટ બેસેન્ટને પૂછ્યું કે "ભારત અમેરિકામાં પોતાના ચોખા સતત ઠાલવે છે. તેને કેમ આવું કરવા દેવાય છે? તેમણે (ભારતે) આના માટે ટેરિફ આપવો પડશે. શું તેમને ટેરિફના મામલે છૂટ મળી છે?"

સ્કૉટ બેસેન્ટે જવાબમાં કહ્યું કે, "નહીં સર, તેમની સાથે આપણી ટ્રેડ ડીલની વાતચીત હજુ ચાલુ છે."

જ્યારે ટ્રમ્પે કહ્યું કે "હા, પણ તેઓ આ રીતે પોતાના ચોખા અહીં ન ઠાલવી શકે. તેમને આની મંજૂરી ન મળી શકે."

આ ઘટના પછી એવો અંદાજ લગાવાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે ચોખાના બહાને ભારત પર વધુ ટેરિફ નાખશે.

અગાઉ રશિયા પાસેથી ઑઇલ ખરીદવાના કારણે તેમણે ભારત પર 25 ટકા વધારાના ટેરિફ ઝીંક્યા છે. તેના કારણે કુલ ટેરિફનું પ્રમાણ 50 ટકા થઈ ગયું છે.

ભારત પર ચોખા ડમ્પિંગ કરવાનો આરોપ

બીબીસી ગુજરાતી ભારત અમેરિકા બાસમતી ચોખા ડોનાલ્ડ ટ્રમ્પ નિકાસ

ઇમેજ સ્રોત, ANDREW CABALLERO-REYNOLDS / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે ભારતીય ચોખાની આયાત પર ટેરિફ નાખવાના સંકેત આપ્યા છે

ભારત અત્યારે ચોખાના ઉત્પાદન અને નિકાસ બંનેમાં નંબર વન દેશ છે.

ઇન્ડિયા રાઇસ ઍક્સપોર્ટર્સ ફૅડરેશન મુજબ ભારત દર વર્ષે 15 કરોડ ટન ચોખાનું ઉત્પાદન કરે છે, જે દુનિયામાં ચોખાના કુલ ઉત્પાદનના 28 ટકા થાય છે. 2024-25માં ભારત દુનિયામાં ચોખાનો સૌથી મોટો નિકાસકાર દેશ રહ્યો હતો. આ દરમિયાન દુનિયામાં ચોખાની જે નિકાસ થઈ તેમાં 30.3 ટકા હિસ્સો ભારતનો હતો.

ભારત પોતાને ત્યાં અમેરિકાથી આવતા માલ પર ભારે ડ્યૂટી લગાવે છે તે હકીકત છે. જેમ કે ભારતમાં અમેરિકન કૃષિ ઉત્પાદનો પર 37.7 ટકા ટેરિફ લાગે છે, જ્યારે અમેરિકામાં ભારતીય કૃષિ પેદાશો પર 5.3 ટકા ટેરિફ લાગતો હતો. હવે આ દર વધીને 25 ટકા થઈ ગયો છે.

ચોખાના ઉત્પાદનમાં ભારત પછી ચીન બીજા ક્રમે છે. ચીન દર વર્ષે લગભગ 14 કરોડ ટન ચોખાનું ઉત્પાદન કરે છે.

ત્યાર પછી બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, વિયેતનામ, થાઇલૅન્ડ અને પાકિસ્તાન એ ચોખાના ઉત્પાદનમાં અગ્રણી દેશો છે.

ભારતમાં બાસમતી એ સૌથી વધારે નિકાસ કરવામાં આવતા ચોખાની જાત છે.

2024-25 દરમિયાન ભારતે 59.44 લાખ ટન ચોખાની નિકાસ કરી હતી, જ્યારે ચીને 33.23 લાખ ટન નૉન-બાસમતી ચોખા નિકાસ કર્યા હતા.

સૌથી વધારે 90.44 લાખ ટન પારબૉઇલ્ડ ચોખા (આંશિક રીતે ઉકાળેલા ચોખા) નિકાસ કરવામાં આવ્યા હતા.

ટ્રમ્પના ટેરિફથી ચોખાના નિકાસને કેટલી અસર?

બીબીસી ગુજરાતી ભારત અમેરિકા બાસમતી ચોખા ડોનાલ્ડ ટ્રમ્પ નિકાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચોખાના ઉત્પાદન અને નિકાસ બંનેમાં ભારત અગ્રણી દેશ છે

અમેરિકાએ પહેલી ઑગસ્ટથી ભારતીય ચોખાની આયાત પર 25 ટકા ટેરિફ લગાવ્યા હતા. તે સમયે ચોખા નિકાસકારોના સંઘે કહ્યું હતું કે આ એક કામચલાઉ અવરોધ છે. 25 ટકા ટેરિફ પછી પણ વિયેતનામ અને પાકિસ્તાન જેવા દેશોની તુલનામાં ભારતના ચોખા નિકાસકારો વધુ સારી સ્થિતિમાં રહેશે.

પરંતુ ત્યાર બાદ 27 ઑગસ્ટથી ભારતીય ચોખા પર અમેરિકન ટેરિફનું પ્રમાણ 50 ટકા થઈ ગયું હતું.

જ્યારે પાકિસ્તાનના ચોખા પર માત્ર 19 ટકા ટેરિફ છે. ટેરિફ લાગુ થયા તે અગાઉથી એપ્રિલ જુલાઈમાં અમેરિકામાં ભારતીય બાસમતી ચોખાની નિકાસ 90 હજાર ટનથી ઘટીને 78 હજાર ટન થઈ ગઈ હતી.

કયા દેશો સૌથી વધુ ભારતીય ચોખા ખરીદે છે?

ઇકોનૉમિક ટાઇમ્સે ભારતીય ચોખા નિકાસકાર સંઘ (IREF)ના પ્રમુખ પ્રેમ ગર્ગને ટાંકીને જણાવ્યું હતું કે અમેરિકાએ ભારતીય બાસમતી ચોખાનું સૌથી મોટું બજાર નથી.

2023-24માં ભારતે આખી દુનિયામાં 52.4 લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરી હતી તેમાંથી અમેરિકામાં માત્ર 2.34 લાખ ટન ચોખા નિકાસ કરવામાં આવ્યા હતા. પશ્ચિમ એશિયાના દેશો ભારતીય બાસમતી ચોખા માટે સૌથી મોટું બજાર છે.

ભારતના બાસમતી ચોખા ખરીદવામાં મિડલ ઈસ્ટના દેશો સાઉદી અરેબિયા, ઈરાન, ઇરાક, યુએઈ અને યમન સૌથી આગળ છે.

ત્યાર પછી અમેરિકા સૌથી વધુ ભારતીય બાસમતી ચોખા આયાત કરે છે.

યુએસ પછી યુકે, કુવૈત, કતાર અને ઓમાન એ ભારતીય બાસમતીના સૌથી મોટા આયાતકાર દેશો છે.

કોલકાતા સ્થિત ડાયરેક્ટરેટ જનરલ ઑફ કૉમર્શિયલ ઇન્ટેલિજન્સ ઍન્ડ સ્ટેટિસ્ટિક્સ (ડીજીસીઆઈએસ)ના ડેટા પ્રમાણે 2024-25માં ભારતે 50300 કરોડથી વધારે મૂલ્યના બાસમતી ચોખાની નિકાસ કરી હતી. તેમાં સાઉદી અરેબિયાએ સૌથી વધુ 11.73 લાખ ટન બાસમતી ચોખા આયાત કર્યા હતા જ્યારે અમેરિકાની આયાત 2.74 લાખ ટનની હતી.

ભારતમાં કયા રાજ્યોમાં સૌથી વધુ ચોખા ઉગે છે?

બીબીસી ગુજરાતી ભારત અમેરિકા બાસમતી ચોખા ડોનાલ્ડ ટ્રમ્પ નિકાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતના ચોખાની સૌથી વધારે ડિમાન્ડ મધ્ય પૂર્વના દેશોમાં જોવા મળે છે.

ભારતમાં બાસમતી ચોખાની વાત કરવામાં આવે તો હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશ સૌથી આગળ પડતાં રાજ્યો છે. ત્યાર પછી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં પણ બાસમતી ચોખાનું ઉત્પાદન થાય છે.

પરંતુ માત્ર ચોખાની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ ઉત્પાદનમાં સૌથી આગળ છે જ્યાં વર્ષે લગભગ 1.5 કરોડ ટન ચોખાનું ઉત્પાદન થાય છે. ત્યાર પછી યુપી, પંજાબ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, બિહાર અને તમિલનાડુનો વારો આવે છે.