'હિંદુ રેટ ઑફ ગ્રોથ' શું છે, જેનો પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો?

હિન્દુ રેટ ઓફ ગ્રોથ એટલે શું, 'હિન્દુ રેટ ઑફ ગ્રોથ' શબ્દ કોણે આપ્યો, 'હિન્દુ રેટ ઑફ ગ્રોથ' ગુલામીની માનસિકતાનું પ્રતીક – મોદી, ભારતીય અર્થવ્યવસ્થા અર્થતંત્રના અલગ-અલગ તબક્કા, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના વિકાસદરને 'હિંદુ રેટ ઑફ ગ્રોથ' કહેવાની આદતને ગુલામ માનસિકતાનું પ્રતીક ગણાવી હતી.
    • લેેખક, સંદીપ રાય
    • પદ, બીબીસી સંવાદદાતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના વિકાસદરને 'હિંદુ રેટ ઑફ ગ્રોથ' કહેવાની આદતને ગુલામ માનસિકતાનું પ્રતીક ગણાવી હતી.

શનિવારે નવી દિલ્હીમાં 'હિંદુસ્તાન ટાઇમ્સ લીડરશિપ સમિટ' દરમિયાન વડા પ્રધાન મોદીએ કહ્યું, "આજે ભારત વિશ્વમાં સૌથી ઝડપભેર આગળ વધતી મોટી અર્થવ્યવસ્થા છે...પરંતુ શું આજે કોઈ એને 'હિંદુ રેટ ઑફ ગ્રોથ' કહે છે?"

વડા પ્રધાન મોદીએ કહ્યું, "જ્યારે ભારત બે-ત્રણ ટકાના વિકાસદર માટે તરસી ગયું હતું, ત્યારે તેને 'હિંદુ રેટ ઑફ ગ્રોથ' કહેવામાં આવ્યો હતો. કોઈપણ દેશના અર્થતંત્રને એ દેશમાં રહેલા લોકોની આસ્થા અને ઓળખ સાથે જોડવું એ ગુલામીની માનસિકતાનું પ્રતિબિંબ હતું."

"એક આખા સમાજ અને સમગ્ર પરંપરાને ગરીબીનો પર્યાય બનાવી દેવામાં આવ્યા. આપણી હિંદુ સભ્યતા તથા હિન્દુ સંસ્કૃતિને કારણે ભારતનો વિકાસ દર ધીમો છે, એવું સાબિત કરવાનો પ્રયાસ થયો હતો. આજે જે બુદ્ધિજીવીઓ દરેક વાતે કોમવાદ શોધે છે, તેમને 'હિંદુ રેટ ઑફ ગ્રોથ'માં આ કેમ ન દેખાયું?"

વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતનો આર્થિક વિકાસદર 8.2 ટકા રહ્યો હતો. જેનો પણ પીએમ મોદીએ તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો.

ત્યારે 'હિંદુ રેટ ઑફ ગ્રોથ' શું છે અને તેની શરૂઆત કોણે કરી અને ક્યારથી થઈ, તે સમજવાનો પ્રયાસ કરીએ.

ગ્રોથ રેટ એટલે શું તથા તેની ગણતરી કેવી રીતે થાય?

હિન્દુ રેટ ઓફ ગ્રોથ એટલે શું, 'હિન્દુ રેટ ઑફ ગ્રોથ' શબ્દ કોણે આપ્યો, 'હિન્દુ રેટ ઑફ ગ્રોથ' ગુલામીની માનસિકતાનું પ્રતીક – મોદી, ભારતીય અર્થવ્યવસ્થા અર્થતંત્રના અલગ-અલગ તબક્કા, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતનો આર્થિક વિકાસદર અલગ-અલગ તબક્કે ભિન્ન-ભિન્ન રહ્યો છે

'હિંદુ રેટ ઑફ ગ્રોથ' સમજતા પહેલાં વિકાસદર એટલે કે ગ્રોથ રેટ શું હોય તથા તેની ગણના કેવી રીતે થાય, તે સમજી લઈએ.

કોઈપણ દેશનું અર્થતંત્ર કઈ ઝડપથી વિકસી રહ્યું છે, તેને વિકાસદર કહેવામાં આવે છે.

અર્થશાસ્ત્રી પ્રો. અરૂણકુમાર કહે છે, "દાખલા તરીકે, આજે આપણું કુલ ઘરેલુ ઉત્પાદન (ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ, જીડીપી) 100 છે તથા આવતા વર્ષે તે 105 થાય, તો તેનો મતલબ છે કે ગ્રોથ રેટ પાંચ ટકા છે."

ગ્રોથ રેટનું આકલન અનેક રીતે કરવામાં આવે છે. જેમ કે, આર્થિક વિકાસદરમાં દેશની તમામ આર્થિકપ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. જેને સામાન્યતઃ જીડીપી ગ્રોથ રેટ કહેવામાં આવે છે.

જોકે, બૃહદ રીતે જોઈએ તો આર્થિકવિકાસ માટે બે પરિમાણ હોય છે. એક છે નૉમિનલ તથા બીજું છે રિયલ.

નૉમિનલ ગ્રોથ રેટમાં મોંઘવારીનો પણ સમાવેશ કરવામાં આવે છે, એટલે કે કુલ જીડીપીમાં મોંઘવારી પણ સામેલ હોય છે. આના માટે એમ પણ કહી શકાય કે જો ભાવો વધશે, તો જીડીપી પણ વધશે.

રિયલ ગ્રોથ રેટ કે વાસ્તવિક વિકાસદરમાં મોંઘવારીને હઠાવીને જીડીપીની ગણના કરવામાં આવે છે. એટલે કે વર્ષ દરમિયાન જેટલી વસ્તુઓ કે સેવાઓ ઉત્પાદિત થઈ, તેની ગણતરી કરવામાં આવે છે. જેમ કે, કાર, મશીનરી, અનાજ, કપડાં, વગેરે.

સ્વતંત્રતા બાદ અર્થતંત્રનો ઝડપભેર વિકાસ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અલગ-અલગ કાલખંડમાં ભારતના અર્થતંત્રને અલગ-અલગ તબક્કામાં વિભાજિત કરી શકાય છે.

પ્રો. અરૂણકુમાર કહે છે કે વર્ષ 1900થી 1950 દરમિયાન ભારત દેશ બ્રિટનનું સંસ્થાન હતું, ત્યારે વિકાસદર લગભગ 0.75 ટકા જેટલો હતો, પરંતુ દેશ આઝાદ થયો એટલે વિકાસદર ઝડપભેર વધ્યો.

પ્રો. અરૂણકુમાર આના વિશેનું કારણ સમજાવતા કહે છે, "ત્યારે અંગ્રેજો અહીંથી લૂંટીને લઈ જતા હતા, જેના કારણે અહીં રોકાણ તથા બચત ખૂબ જ ઓછાં થતાં."

પ્રો. અરૂણકુમાર કહે છે કે વર્ષ 1950થી 1965 દરમિયાન ભારતનો વિકાસદર ખૂબ જ ઝડપથી વધ્યો. તેમાં છથી સાત ગણો ઉછાળો આવ્યો અને તે લગભગ ચાર ટકા થઈ ગયો. જેને એ સમયે ખૂબ સારો વિકાસદર માનવામાં આવતો.

જોકે, વર્ષ 1965થી 1975 દરમિયાન આ વિકાદર ખૂબ જ ગગડી ગયો. જેના માટે અનેક કારણ જવાબદાર હતાં – વર્ષ 1965-'66 દરમિયાન પૂર્વ ભારતમાં દુષ્કાળ, વર્ષ 1965 તથા વર્ષ 1971ની લડાઈ તથા વર્ષ 1974-'75 દરમિયાનની કટોકટી.

દરમિયાન પશ્ચિમ એશિયામાં યૌમ કુપર યુદ્ધને કારણે ક્રૂડઑઇલના ભાવોમાં અસામાન્ય ઊછાળો આવ્યો હતો, જેના કારણે મોંઘવારી ભારે વધી ગઈ હતી. વર્ષ 1971ના યુદ્ધ સમયે લગભગ સવા કરોડ શરણાર્થી બાંગ્લાદેશથી ભારત આવ્યા હતા, જેના કારણે ભારતનો વિકાસદર ખૂબ જ ઘટી ગયો અને બેથી અઢી ટકા આસપાસ પહોંચી ગયો.

'હિંદુ રેટ ઑફ ગ્રોથ' એટલે શું?

હિન્દુ રેટ ઓફ ગ્રોથ એટલે શું, 'હિન્દુ રેટ ઑફ ગ્રોથ' શબ્દ કોણે આપ્યો, 'હિન્દુ રેટ ઑફ ગ્રોથ' ગુલામીની માનસિકતાનું પ્રતીક – મોદી, ભારતીય અર્થવ્યવસ્થા અર્થતંત્રના અલગ-અલગ તબક્કા, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, 1970ના દાયકામાં ભારતીય અર્થતંત્રે અનેક સમસ્યાઓમાંથી પસાર થવું પડ્યું હતું

પ્રો. અરૂણકુમાર કહે છે કે વર્ષ 1965થી 1975 દરમિયાન ભારતનો વિકાસદર ખૂબ જ ઓછો થયો હતો. જેને દિલ્હી સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સના અર્થશાસ્ત્રી પ્રોફેસર રાજકૃષ્ણાએ 'હિંદુ રેટ ઑફ ગ્રોથ' નામ આપ્યું હતું.

પ્રો. અરૂણકુમારના કહેવા પ્રમાણે, "તેમનો (પ્રો. રાજકૃષ્ણા) કહેવાનો આશય હતો કે હવે ગ્રોથ રેટ ખાસ નથી વધી રહ્યો અને જે રીતે ભારતીય સમાજ ખૂબ જ ધીમી ગતિએ પરિવર્તનમાંથી પસાર થાય છે, અર્થતંત્ર પણ એ સ્થિતિનો ભોગ બન્યું છે."

પ્રો. અરૂણકુમાર કહે છે, "જોકે, અમે વારંવાર કહ્યું છે કે સ્વતંત્રતા પછી ભારતીય અર્થતંત્રમાં અનેકવાર ચઢાવ-ઉતાર આવ્યા છે અને તેનાં દેખીતાં સ્પષ્ટ કારણો છે. એટલે 'હિંદુ રેટ ઑફ ગ્રોથ' પોતે જ પૂર્ણ યોગ્ય પરિભાષા નથી."

પ્રો. અરૂણકુમાર કહે છે કે વર્ષ 1975 પછી ભારતીય અર્થતંત્રમાં સુધાર જોવા મળ્યો હતો અને એંસીના દાયકામાં આર્થિક વિકાસદર પાંચ ટકા કરતાં પણ વધુ થઈ ગયો હતો.

પ્રો. અરૂણકુમાર કહે છે, "વર્ષ 1990 પછી જ્યારે નવી આર્થિકનીતિઓ અમલમાં આવી, એ પછી લગભગ એક દાયકા સુધી વિકાસદર લગભગ એટલો જ રહ્યો. તેમાં વર્ષ 2003 તથા વર્ષ 2008ના સબપ્રાઇમ સંકટ બાદ તેમાં ઉછાળ આવ્યો."

"વર્ષ 2011થી 2013 દરમિયાન ભારતનું અર્થતંત્ર ડગમગ્યું, પરંતુ એ પછી સ્થિતિ સુધરી છે. ભારતનું અર્થતંત્ર ઝડપભેર વિકસતા ગણતરીના અર્થતંત્રમાં સામેલ થવા લાગ્યું છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરોક્ત કાર્યક્રમમાં તાજેતરના આંકડાને (8.2 ટકાનો વિકાસદર) 'ભારતની પ્રગતિનું નવું પ્રતિબિંબ' ગણાવ્યા હતા.

પીએમ મોદીએ કહ્યું, "વૈશ્વિક વિકાસદર માત્ર ત્રણ ટકા છે, એમાં પણ જી-સાત અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર લગભગ દોઢ ટકા આસપાસ છે."

ભારતની જીડીપી ગણતરી ઉપર સવાલ કેમ?

હિન્દુ રેટ ઓફ ગ્રોથ એટલે શું, 'હિન્દુ રેટ ઑફ ગ્રોથ' શબ્દ કોણે આપ્યો, 'હિન્દુ રેટ ઑફ ગ્રોથ' ગુલામીની માનસિકતાનું પ્રતીક – મોદી, ભારતીય અર્થવ્યવસ્થા અર્થતંત્રના અલગ-અલગ તબક્કા, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Samuel Corum/Bloomberg via Getty Images

ઇમેજ કૅપ્શન, આઈએમએફનાં મૅનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલિના જૉર્જિવા

આઈએમએફે તાજેતરમાં ભારત અંગે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે સમીક્ષા કરવા માટે પૂરતો ડેટા ન હોવાને કારણે ભારતને 'સી ગ્રેડ' આપવામાં આવ્યો છે.

આઈએમએફને જે ડેટા મળે છે, તેને તે ચાર શ્રેણી એટલે કે ગ્રેડમાં વર્ગીકૃત કરે છે.

સમીક્ષા કરવા માટે પૂરેપૂરો ડેટા હોય તો 'એ' ગ્રેડ, ડેટામાં જો કોઈ ખામી હોય,પરંતુ સર્વાંગી સમીક્ષા માટે પૂરતો ડેટા હોય તો 'બી' ગ્રેડ, ડેટામાં કેટલીક ત્રુટિ હોય કે જે સમીક્ષા પ્રક્રિયાને આંશિક રીતે પ્રભાવિત કરે તેમ હોય તો તેને 'સી' ગ્રેડ તથા ડેટામાં ગંભીર પ્રકારની ખામી હોય, જેના કારણે સમીક્ષાપ્રક્રિયાને ભારે અસર પડે તેમ હોય તો તેને ચોથી શ્રેણીમાં મૂકવામાં આવે છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, નૅશનલ એકાઉન્ટ્સના આંકડાની ફ્રિક્વન્સી બરાબર છે તથા પૂરતી બારિક માહિતી ઉપલબ્ધ છે, પરંતુ તેમાં પદ્ધતિલક્ષી ખામીઓ છે, જે સમીક્ષા કરવામાં અવરોધ ઊભા કરે છે.

આઈએમએફનું કહેવું છે કે ભારત સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2011-'12ને આધારવર્ષ તરીકે લેવામાં આવે છે, જે હવે પ્રાસંગિક નથી.

સાથે જ ભારત પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સના બદલે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સનો ઉપયોગ કરે છે, જેના કારણે ડેટામાં ત્રુટિ આવે છે.

આઈએમએફના રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે એનબીએફસી (નૉન બૅન્કિંગ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ), પરિવારો તથા સમગ્ર સિસ્ટમની ફાઇનાન્શિયલ ઇન્ટરકનેક્ટેડનેસ અંગે ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં ડેટા ઉપલબ્ધ છે.

સાથે જ અમિત માલવીયએ લખ્યું કે સરકારે ફેબ્રુઆરી-2026થી નાણાકીય વર્ષ 2022-23ની સિરીઝ ધ્યાને લેવાની છે. માલવીયે કહ્યું કે ભારતીય ડેટાની ફ્રિક્વન્સી તથા સમયબદ્ધતા માટે 'એ' ગ્રેડ આપવામાં આવ્યો છે, એ વાતને વિપક્ષ દ્વારા અવગણવામાં આવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન