બંગાળના ધારાસભ્યનો 'બાબરી મસ્જિદ'નો પાયો નાખવાનો દાવો, શું છે સમગ્ર ઘટના?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, પશ્ચિમ બંગાળ, બાબરી મસ્જિદ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નિષ્કાસિત ધારાસભ્ય હુમાયુ કબીરે નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે મુર્શિદાબાદના બેલડાંગા ખાતે 'બાબરી મસ્જિદ'ના બાંધકામ માટે પાયો નાખ્યો હતો

સમાચાર એજન્સી એએનઆઇના એક અહેવાલ પ્રમાણે તૃણમૂલ કૉંગ્રેસથી (ટીએમસી) નિષ્કાષિત ધારાસભ્ય હુમાયુ કબીર શનિવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ ખાતે 'બાબરી મસ્જિદ' બનાવડાવવા માટે બાંધકામનો પાયો નાખ્યો હતો.

મુર્શિદાબાદ જિલ્લાની ભરતપુર બેઠકના ધારાસભ્ય હુમાયુ કબીર પાછલા ઘણા દિવસોથી 6 ડિસેમ્બરના રોજ ભરતપુરના બેલડાંગા ખાતે 'બાબરી મસ્જિદ' બનાવવાના કામ માટે પાયો નાખવાનો દાવો કરી રહ્યા હતા.

જે બાદ તેમને ગત 4 ડિસેમ્બરના રોજ પાર્ટીથી નિષ્કાસિત કરી દેવાયા હતા.

જોકે, તેમ છતાં હુમાયુ કબીરે નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે જ આગળ વધવાની તૈયારી બતાવી હતી.

નોંધનીય છે કે 33 વર્ષ પહેલાં 6 ડિસેમ્બરના રોજ જ અયોધ્યા ખાતે બાબરી મસ્જિદ તોડી પડાઈ હતી.

'બાબરી મસ્જિદ'ના કામનો પાયો નાખતાં તેમણે કહ્યું હતું કે, "કોઈ એક ઈંટ પણ ખસેડી નહીં શકે, કારણ કે બંગાળની 37 ટકા મુસ્લિમ વસતી ગમે એ ભોગે તેનું નિર્માણ કરશે."

હુમાયુ કબીરે શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, પશ્ચિમ બંગાળ, બાબરી મસ્જિદ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, હુમાયુ કબીર

આ દરમિયાન તેમણે ઇબાદત કે પ્રાર્થના માટેનું સ્થળ બાંધવા માટેના પોતાના બંધારણીય અધિકારનોય હવાલો આપ્યો.

સમાચાર એજન્સી એએનઆઇના એક રિપોર્ટ અનુસાર તેમણે કહ્યું - કોઈ પણ વ્યક્તિ મંદિર, ચર્ચ કે મસ્જિદનું નિર્માણ કરી શકે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"એવું કહેવાઈ રહ્યું છે કે અમે બાબરી મસ્જિદ ન બનાવી શકીએ. આવું ક્યાંય નથી લખાયેલું. સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં એ વાતનો ઉલ્લેખ છે કે હિંદુઓએ બાબરી મસ્જિદ તોડી પાડી હતી. હિંદુઓની ભાવનાઓને જોતાં ત્યાં મંદિર બનાવવાનો નિર્ણય થયો હતો. હવે સાગરડિઘીમાં કોઈ વ્યક્તિ રામમંદિરનો શિલાન્યાસ કરી રહી છે. બંધારણ અમને મસ્જિદ બનાવવાનો અધિકાર આપે છે."

કબીરે કહ્યું કે કાયદાકીય પડકારો મસ્જિદના કામને નહીં રોકી શકે.

તેમણે કહ્યું, "મારી સામે પાંચ કેસો કરાયા છે, પરંતુ અલ્લાહ જેની સાથે છે એને કોઈ ન રોકી શકે. કોર્ટે પણ કહ્યું છે કે બંધારણમાં લખાયું છે કે કોઈ પણ વ્યક્તિ મસ્જિદનું નિર્માણ કરી શકે છે. એ યોગ્ય છે."

તેમણે અયોધ્યામાં તોડી પડાયેલી બાબરી મસ્જિદનો ઉલ્લેખ કરતાં અને તેને ઐતિહાસિક દૃષ્ટિએ વિવાદાસ્પદ સ્થળ ગણાવતાં કહ્યું, "બંગાળમાં ચાર કરોડ મુસ્લિમો છે. શું તેમને બાબરી મસ્જિદ બનાવવાનો અધિકાર નથી? મને ધમકીઓ અપાઈ રહી છે, જેમાં મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી પણ સામેલ છે. જો કોઈનામાં હિંમત હોય તો મુર્શીદાબાદ આવીને હિંમત દેખાડો."

કબીરે કહ્યું મસ્જિદના નિર્માણ માટે 300 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે. જેમાં હૉસ્પિટલ, ગેસ્ટહાઉસ અને મિટિંગ હૉલ સામેલ હશે.

તેમણે આ પ્રોજેક્ટ માટે પોતાનો નિર્ધાર વ્યક્ત કરતાં કહ્યું, "આ મુસ્લિમોનું વચન છે. બાબરી મસ્જિદ બનશે અને જરૂર બનશે."

દિલ્હીથી સતત આ ઘટના અંગે માહિતી મેળવી રહેલાં બીબીસીનાં સંવાદદાતા ઇલ્મા હસને બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં હુમાયુ કબીર દ્વારા બાબરી મસ્જિદના નિર્માણ માટે પાયો નાખતી વખતે સ્થળ પર કેવી સ્થિતિ સર્જાઈ હતી એ અંગે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, "મારી જાણકારી મુજબ આ સમગ્ર પ્રસંગે ઘણા લોકો હાજર રહ્યા હતા. સુરક્ષા બંદોબસ્ત પણ નોંધપાત્ર હતો. જોકે, આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન થોડા સમય માટે થોડી હલચલ અને અફરાતફરી જરૂર જોવા મળી હતી, પરંતુ હજુ સુધી આ ઘટનાક્રમ દરમિયાન કોઈ અપ્રિય ઘટના ઘટી નથી."

ટીએમસીએ ભાજપ પર આરોપ કર્યો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, પશ્ચિમ બંગાળ, બાબરી મસ્જિદ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી

નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. ચૂંટણી પહેલાં આ મામલા અંગે રાજકીય આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે.

પશ્ચિમ બંગાળ (ટીએમસી)ના મંત્રી અને કોલકાતાના મેયર ફિરદાહ હકીમે હુમાયુ કબીરના સસ્પેન્શન અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે તેમને અગાઉ પણ ચેતવણી અપાઈ હતી, તેમ છતાં હુમાયુ કબીર આ દાવો કરતા રહ્યા.

તેમણે ભાજપ પર આરોપ કરતાં કહ્યું, "ભાજપ પશ્ચિમ બંગાળમાં પગપેસારો નથી કરી શકી. આ ભાજપના પૈસા બોલી રહ્યા છે, જેથી સમાજ તૂટી જાય. તૃણમૂલ કૉંગ્રેસ આવું નહીં થવા દે."

તૃણમૂલ કૉંગ્રેસમાંથી નિષ્કાસિત થયા બાદ હુમાયુ કબીરે આગામી 22 ડિસેમ્બરના રોજ નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે.

ભાજપે શું કહ્યું?

ભાજપે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી પર તૃણમૂલ કૉંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીરને હાથો બનાવી રાજ્યમાં જાણીજોઈને ધાર્મિક ધ્રુવીકરણને વેગ આપવાનો આરોપ મૂક્યો છે.

ભાજપે કબીરના સસ્પેન્શન પર પણ સવાલ ઉઠાવ્યો. એએનઆઇના એક અહેવાલ મુજબ ભાજપે કહ્યું છે કે મુર્શિદાબાદ જિલ્લામાં મુસ્લિમોની સંખ્યા 70 ટકા છે જ્યારે હિંદુઓની સંખ્યા 30 ટકા. ભાજપે આરોપ કર્યો છે કે આ સંપૂર્ણ કાર્યક્રમ કોઈ ધાર્મિક પહેલ ન હોઈ રાજકીય રીતે પ્રોત્સાહિત યુક્તિ છે. ભાજપે ચેતવતા કહ્યું છે કે 'મમતા બેનરજીની નિષ્ક્રયતા' રાજ્યની સ્થિરતાને જોખમમાં મૂકી શકે છે.

ભાજપે બીજેપી વેસ્ટ બેંગાલ નામના પોતાના હૅન્ડલ પરથી એક્સ પર વીડિયો પોસ્ટ કર્યો હતો અને દાવો કર્યો હતો કે આ વીડિયો મુર્શિદાબાદ બેલડાંગા ખાતે 'બાબરી મસ્જિદ'ના બાંધકામ માટે પાયો નાખતી વખત યોજાયેલ સમારોહનો છે.

આ વીડિયોમાં ઘણા બધા લોકો માથે અને હાથમાં ઈંટો લઈ જતા અને નારા પોકારતા ધાર્મિક નારા પોકારતા જોવા જોવા મળી રહ્યા હતા.

ટ્વીટમાં મમતા બેનરજી પર હુમાયુ કબીરના સસ્પેન્શમાં કથિત વિલંબનો આરોપ કરાયો હતો. મમતા બેનરજી પર આરોપ કરતાં ટ્વીટમાં લખાયું હતું કે, "જો મમતાને ધાર્મિક સંવાદિતાની આટલી ચિંતા હતી તો તેમને પહેલાં જ સસ્પેન્ડ કેમ ન કરી દીધા."

કોણ છે હુમાયુ કબીર?

62 વર્ષના હુમાયુ કબીરે રાજકારણની શરૂઆત કૉંગ્રેસ પાર્ટી સાથે કરી હતી, વર્ષ 2012માં તૃણમૂલ કૉંગ્રેસે વિધાનસભા ચૂંટણી જીતી, તેના એક વર્ષ બાદ તેઓ કૉંગ્રેસ પાર્ટી છોડીને ટીએમસી સાથે જોડાઈ ગયા, પરંતુ વર્ષ 2015માં કબીરને પાર્ટી વિરુદ્ધ બોલવાને કારણે ટીએમસીમાંથી બહાર કાઢી મુકાયા.

તેમણે કહ્યું હતું કે મુખ્ય મંત્રી મમતા બેનરજી પોતાના અભિષેક બેનરજીને 'રાજા' બનાવવા માગે છે. તેમણે મમતા બેનરજીની ભવિષ્યમાં મુખ્ય મંત્રી રહેવાની કાબેલિયત સામે પ્રશ્ન ઉઠાવ્યા હતા.

વર્ષ 2018માં હુમાયુ કબીર ભાજપમાં સામેલ થઈ ગયા હતા અને મુર્શિદાબાદથી લોકસભાની ચૂંટણી પણ લડ્યા, જેમાં તેમને હાર મળી. વર્ષ 2021માં તેઓ ફરી એક વાર તૃણમૂલ કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા.

પોતાનાં નિવેદનોથી તેઓ અગાઉ પણ ઘણી વખત વિવાદોમાં રહી ચૂક્યા છે.

મે 2024માં તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન કહ્યું હતું કે, "મુર્શિદાબાદમાં મુસ્લિમોની વસતિ 70 ટકા છે... ભાજપના સમર્થકોને ભાગીરથી નદીમાં ફેંકી દેશું."

નવેમ્બર 2024માં હુમાયુ કબીરને કારણદર્શક નોટિસ પણ મળી હતી, કારણ કે તેમણે મમતા બેનરજીને સ્થાને અભિષેક બેનરજીને ગૃહ મંત્રાલયની જવાબદારી સોંપાય એવી માગ કરી હતી.

તેમણે રાજ્યમાં વિરોધ પક્ષના નેતા સુવેંદુ અધિકારીને ધમકી આપી હતી. સુવેંદુ અધિકારીએ રાજ્યમાં ભાજપની જીત થાય તો મુસ્લિમ ધારાસભ્યો સામે પગલાં લેવાની વાત કરી હતી, જેના જવાબમાં હુમાયુ કબીરે પણ આપત્તિજનક નિવેદન આપ્યું હતું.

હવે આ લેટેસ્ટ વિવાદ બાદ હુમાયુ કબીરે તૃણમૂલ કૉંગ્રેસ પર મુસ્લિમ સમુદાયને સમર્થન ન કરવાનો આરોપ કર્યો છે અને કહ્યું છે કે વર્ષ 2026ની ચૂંટણી બાદ મમતા બેનરજી મુખ્ય મંત્રી નહીં રહે.

તેમનું કહેવું છે કે, "વર્ષ 2011 બાદ જ્યારે મમતા બેનરજી મુખ્ય મંત્રી બન્યાં હતાં, એ સમયે રાજ્યમાં આરએસએસની લગભગ 400 શાખા હતી. આજે તેની સંખ્યા વધીને 12,000 થઈ ગઈ છે. આનાથી સાબિત થાય છે કે મુખ્ય મંત્રી કોના આદેશ પર કામ કરી રહ્યાં છે. જગન્નાથ મંદિર બનાવવા માટે રાજ્યના ખજાનામાંથી પૈસા ખર્ચાયા હતા? તો પછી મસ્જિદ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરતાં મારી સામે આટલો ગુસ્સો કેમ?"

હુમાયુ કબીરને ભલે ટીએમસીમાંથી નિષ્કાસિત કરી દેવાયા હોય, પરંતુ તેમને પાર્ટીના સભ્યપદેથી કાઢી નથી મુકાયા. તેઓ હજુ પણ ભરતપુરના ધારાસભ્ય તરીકે ચાલુ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન