પુતિનની બે દીકરીઓ કોણ છે, શું કરે છે, તેમના પરિવારની વાતો ગુપ્ત કેમ રાખવામાં આવે છે?

પુતિન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alamy/Reuters

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાલમાં ભારતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે પુતિનને લગતા અહેવાલો મીડિયામાં છવાયેલા છે. સોશિયલ મીડિયા પર પુતિન અને તેમના પરિવાર વિશે પણ ચર્ચા ચાલે છે.

યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી અમેરિકાએ રશિયા પર વ્યાપક પ્રતિબંધો લગાવ્યા ત્યારે પુતિનના પરિવારને લગતા સમાચાર ચમક્યા હતા.

અમેરિકાએ વર્ષ 2022માં પુતિનની દીકરીઓ સહિત કેટલાક નજીકના લોકો પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા.

તેમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોફનો પરિવાર અને કેટલીક મોટી રશિયન બૅન્કો પણ સામેલ હતી.

જોકે, પુતિનના પરિવાર વિશે બહુ ઓછી જાણકારી ઉપલબ્ધ છે. પુતિન પણ પોતાના પરિવાર વિશે ઓછી વાત કરે છે.

અમેરિકાએ પરિવાર પર પ્રતિબંધ લગાવ્યા

બીબીસી ગુજરાતી રશિયા વ્લાદિમીર પુતિન પરિવાર પુત્રી કેટરિના મારિયા

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, 2007માં મારિયા પોતાના પિતા પુતિન અને માતા લ્યૂડમિયા સાથે ચૂંટણીમાં મતદાન કરવા પહોંચ્યાં હતાં

વર્ષ 2025માં તેમને પોતાની એક દીકરી વિશે સવાલ કરવામાં આવ્યો હતો, જેને તેમણે ટાળી દીધો હતો.

તેમણે કહ્યું હતું કે, "મારી દીકરીઓ રશિયામાં રહે છે અને રશિયામાં જ ભણી છે. મને તેમના પર ગર્વ છે. તેઓ ત્રણ આંતરરાષ્ટ્રીય ભાષાઓ બોલે છે. હું મારા પરિવાર વિશે ક્યારેય કોઈની સાથે વાત નથી કરતો. દરેક વ્યક્તિને પોતાનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર છે. તેઓ પોતાનું જીવન સન્માનપૂર્વક જીવે છે."

અમેરિકાએ જેમના પર પ્રતિબંધ લગાવ્યા તેમાં પુતિનની દીકરીઓ મારિયા વોરોંતસોવા અને કેટરિના તિખોનોવા પણ સામેલ છે.

એક અમેરિકન અધિકારીએ 2022માં કહ્યું હતું કે, "અમારું માનવું છે કે પુતિનની ઘણી બધી મિલકત પરિવારના સભ્યોના નામે છે અને તેથી અમે તેમના પર નિશાન તાકી રહ્યા છીએ."

બીબીસી ગુજરાતી રશિયા વ્લાદિમીર પુતિન પરિવાર પુત્રી કેટરિના મારિયા

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, વર્ષ 2002ની આ તસવીરમાં પુતિન પોતાના પરિવાર સાથે જોવા મળે છે (ફાઇલ)

બંને દીકરીઓ વિશે બહુ ઓછી સત્તાવાર માહિતી ઉપલબ્ધ છે. છતાં મીડિયામાં આવેલા સમાચાર અને અવારનવાર આવેલાં સાર્વજનિક નિવેદન, એ બંને વિશે પર્યાપ્ત જાણકારી આપે છે.

કેટરિના અને મારિયા, પુતિન અને તેમનાં પૂર્વ પત્ની લ્યૂડમિલાનાં દીકરીઓ છે. લ્યૂડમિલા અને પુતિનનાં લગ્ન 1983માં થયાં હતાં. તેઓ તે સમયે ફ્લાઇટ અટેન્ડેન્ટ હતાં અને પુતિન કેજીબી (સોવિયેત સંઘની ગુપ્ત એજન્સી)ના અધિકારી.

આ લગ્ન 30 વર્ષ ચાલ્યાં. આ દરમિયાન પુતિન ઝડપથી રશિયાની રાજકીય સિસ્ટમના ટોચ પર પહોંચ્યા અને પોતાની પકડ મજબૂત કરતા રહ્યા.

પુતિન અને લ્યૂડમિલા અલગ થયાં

બીબીસી ગુજરાતી રશિયા વ્લાદિમીર પુતિન પરિવાર પુત્રી કેટરિના મારિયા

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, પુતિનનાં મોટી દીકરી મારિયાની ઉંમર 40 વર્ષની આસપાસ છે

વર્ષ 2013માં બંને અલગ થઈ ગયાં. અલગ થવા વિશે પુતિન કહે છે કે, "આ અમારાં બંનેનો નિર્ણય હતો. અમે મુશ્કેલીથી મળી શકતાં. અમારા બંનેનાં અલગ-અલગ જીવન છે."

લ્યૂડમિલાએ કહ્યું કે તેઓ તેમના કામમાં સતત વ્યસ્ત રહે છે.

પુતિન અને લ્યૂડમિલાનાં મોટાં દીકરી મારિયા વર્ષ 1985માં પેદા થયાં હતાં. મારિયે સેન્ટ પીટર્સબર્ગ યુનિવર્સિટીમાં બાયૉલૉજી વિષય ભણ્યાં. તે બાદ તેમણે મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીથી ડૉક્ટરની ડિગ્રી પણ મેળવી છે.

મારિયા હવે અધ્યાપન અને લેખનમાં વ્યસ્ત રહે છે. તેઓ ઍન્ડોક્રાઇન સિસ્ટમ (અંત: સ્ત્રાવી)નાં વિશેષજ્ઞ છે.

મારિયા એક પ્રૉફેશનલ પણ છે. બીબીસીની રશિયન સેવા પ્રમાણે તેઓ એક કંપનીનાં માલકણ પણ છે અને તેઓ એક મોટું મેડિકલ સેન્ટર બનાવવાની યોજના બનાવી રહ્યાં છે.

મારિયા વોરોંટસોવાનાં લગ્ન નેધરલૅન્ડ્સના બિઝનેસમૅન જોર્રિટ જૂસ્ટ ફાસેન સાથે થયાં છે. ફાસેન પહેલાં રશિયન ગૅસ કંપની ગૅઝપ્રૉમમાં કામ કરતા હતા.

પુતિનના તેમની દીકરીઓ સાથે કેવા સંબંધ છે?

બીબીસી ગુજરાતી રશિયા વ્લાદિમીર પુતિન પરિવાર પુત્રી કેટરિના મારિયા

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, પુતિનની નાની દીકરી કેટરિના 2013માં એક ડાન્સ કાર્યક્રમ દરમિયાન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પુતિનની નાની દીકરી કેટરિના તિખોનોવા પોતાની બહેનની તુલનામાં લોકોની નજરમાં વધુ રહે છે. ખાસ કરીને એક રૉક ઍન્ડ રોલર ડાન્સર તરીકે તેઓ જાણીતા છે.

2013માં યોજાયેલી એક આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં તેઓ અને તેમના પાર્ટનર પાંચમા ક્રમે રહ્યાં હતાં.

તે જ વર્ષે કેટરિનાએ પુતિનના એક જૂના મિત્રના પુત્ર કિરિલ શામાલોવ સાથે લગ્ન કર્યા હતા.

રશિયાના ઊર્જા ક્ષેત્રમાં ભૂમિકાના કારણે અમેરિકાએ 2018માં શામલોવ પર પ્રતિબંધ લગાવી દીધા હતા. જોકે, ત્યાર પછી કેટરિના અને શામાલોવ અલગ થઈ ગયા હતા.

કેટરિના શિક્ષણ અને વ્યવસાય બંને સાથે જોડાયેલાં છે. 2018માં તેઓ રશિયન સરકારી મીડિયામાં ન્યુરોટેકનૉલૉજી પર આધારિત વાતચીતમાં સામેલ થયાં હતાં.

વર્ષ 2021માં એક વ્યવસાયિક મંચ પર પણ તેઓ ઉપસ્થિત રહ્યાં. જોકે, બંને વખતે રાષ્ટ્રપતિ પુતિન સાથે તેમના સંબંધોનો ઉલ્લેખ કરાયો ન હતો.

એવું કહેવામાં આવે છે કે બેમાંથી એક પણ દીકરી પુતિનની સાથે સમય ગાળતા નથી.

પુતિનને દોહિત્ર-દોહિત્રીઓ પણ છે. 2017માં તેમણે એક ફોન-ઇન કાર્યક્રમમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ તેમના કેટલા દોહિત્ર-દોહિત્રીઓ છે અને કઈ દીકરીના સંતાનો છે તે જણાવ્યું ન હતું.

તેમણે કહ્યું કે, "મારા દોહિત્ર-દોહિત્રીઓમાંથી એક નર્સરી સ્કૂલમાં છે. પ્લીઝ સમજો. હું નથી ઈચ્છતો કે તેઓ કોઈ રાજકુમારની જેમ ઉછરે. હું ઈચ્છું છું કે સામાન્ય લોકોની જેમ તેમનો ઉછેર થાય."

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન