જૂનાગઢના ખેડૂત પરિવારનો પુત્ર IPL સુધી પહોંચ્યો, ક્રેન્સ ફુલેત્રાએ પિતાનું ક્રિકેટનું સપનું કેવી રીતે પૂરું કર્યું?

અમિત શુક્લાની ઍકેડૅમીમાં પ્રેક્ટિસ કરી રહેલ ક્રેન્સ ફુલેત્રા

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, અમિત શુક્લાની ઍકેડૅમીમાં પ્રેક્ટિસ કરી રહેલ ક્રેન્સ ફુલેત્રા
    • લેેખક,
    • પદ, બીબીસી સંવાદદાતા
    • દ્વારા રિપોર્ટિંગ, રાજકોટથી

16 ડિસેમ્બરે જ્યારે આઈ.પી.એલ. એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે ક્રિકેટરોની હરાજી ચાલુ થઈ એટલે જૂનાગઢના માળિયા નામના ટચુકડા શહેરમાં બસ સ્ટેન્ડ નજીક એક પાનની દુકાનમાં 75 વર્ષના વલ્લભભાઈ ફુલેત્રા અને તેમના નાના દીકરા અતુલે લોકોને પાન અને માવા વેચતા વેચતા ટીવી પર નજર રાખવાનું શરૂ કર્યું.

માળિયાથી 160 કિલોમીટર દૂર રાજકોટ શહેરમાં વલ્લભભાઈના મોટા દીકરા ભાવેશભાઈ, ભાવેશભાઈનાં પત્ની જ્યોતિબહેન અને અતુલભાઈની દીકરીઓ ગ્રેસી અને બાર્બી તેમના ઘરે ટીવી સામે ગોઠવાઈ ગયાં.

પરિવાર એક ટસે હરાજી જોઈ રહ્યો હતો ત્યારે હરાજીકાર મલ્લિકા સાગરે ભાવેશભાઈના પુત્ર ક્રેન્સ ફુલેત્રાના નામની જાહેરાત કરી અને કહ્યું કે આ ઑલરાઉન્ડર 30 લાખ રૂપિયે આઈપીએલની કોઈ પણ ટીમમાં જોડાવા તૈયાર છે.

મલ્લિકા સાગરે લેફ્ટ આર્મ ચાઇનામૅન બૉલિંગ અને જમણેરી બેટિંગ કરતા ક્રેન્સ માટે બોલી લગાવવા આમંત્રણ આપ્યું. થોડીક સેકન્ડો માટે દસમાંથી એકેય ટીમે બોલી લગાવી નહીં. બંને જગ્યાએ પરિવારના હૃદયના ધબકારા વધી ગયા. પરંતુ થોડીક ક્ષણો બાદ સનરાઇઝર્સ હૈદરાબાદે કાર્ડ ઊંચું કરી ક્રેન્સને 30 લાખ રૂપિયે ખરીદવાની તૈયારી બતાવી. કોઈ અન્ય ટીમે બોલી ન બોલતાં મલ્લિકા સાગરે હથોડી મારી જાહેરાત કરી કે ક્રેન્સ હૈદરાબાદને વેચાય છે.

રાજકોટના ઘરમાં આનંદની લહેર દોડી ગઈ ત્યારે જ દરરોજની જેમ પ્રેક્ટિસ કરીને ઘરે પહોંચેલા ક્રેન્સે બારણું ખોલ્યું.

ભાવેશભાઈની આંખમાં આસું આવી ગયાં. હજારો દર્શકોથી ખીચોખીચ ભરેલાં મેદાનોમાં આઇપીએલની મૅચો રમતા ક્રિકેટરોમાં હવે પોતાનો 21 વર્ષનો દીકરો પણ હશે તેવી કલ્પના કરતા 53 વર્ષના ભાવેશભાઈ ભાવુક થઈ ગયા.

જ્યારે ક્રિકેટમાં 'ટાઇમ બગાડતા' ભાવેશભાઈને અમદાવાદથી પાછા મોકલાયા

વલ્લભભાઈ

ઇમેજ સ્રોત, Laxman Dayatar

ઇમેજ કૅપ્શન, માળિયામાં પોતાના પાનની દુકાને ક્રેન્સ ફુલેત્રાના દાદા વલ્લભભાઈ

ભાવેશ ફુલેત્રાના પિતા વલ્લભભાઈ માળિયાના એક ખેડૂત છે અને પાન-માવાની દુકાન પણ ચલાવે છેે.

ક્રેન્સના દાદા વલ્લભભાઈના નાનાભાઈ રમેશભાઈ અમદાવાદમાં એક કાપડની મિલમાં નોકરી કરતા હતા.

વલ્લભભાઈએ પોતાના પુત્ર ભાવેશભાઈને સાતમા ધોરણથી શિક્ષણ માટે 1985-86માં કાકા પાસે અમદાવાદ મોકલ્યા. પરંતુ ભાવેશભાઈ કહે છે એક જ વર્ષની અંદર પરિવારે તેમને માળિયા પાછા બોલાવી લીધા.

બીબીસી સાથે વાત કરતા ભાવેશભાઈ કહે છે, "મને નાનપણથી જ ક્રિકેટ રમવાનો બહુ શોખ હતો. તેથી અમદાવાદમાં હું ભણવા કરતા ક્રિકેટ રમવામાં વધારે ટાઇમ કાઢતો. પરિણામે મને એક જ વર્ષમાં માળિયા પાછો બોલાવી લીધો."

"હું 11મા ધોરણમાં આવ્યો ત્યારથી પપ્પાએ મને દુકાને બેસાડવાનું ચાલુ કરી દીધું. 1989-90માં હું 12 સાયન્સની પરીક્ષામાં ફેઇલ થયો એટલે પપ્પાએ મને ખેતી અને દુકાનમાં જોતર્યો. પરંતુ ક્રિકેટનો શોખ તો જેમનો તેમ જ રહ્યો. કોઈ પણ દેશ રમતા હોય, જો ટીવી પર મૅચ લાઇવ આવતી હોય તો અમારી દુકાનમાં ટીવી ચાલુ જ હોય."

2004માં તેમના ઘરે દીકરાનો જન્મ થયો. પરિવારે ન્યૂઝીલૅન્ડના ઑલરાઉન્‍ડર ક્રિસ કેઇર્ન્સ નામ પરથી દીકરાનું નામ ક્રેન્સ રાખ્યું. દીકરો છ વર્ષનો થયો એટલે પિતા અને કાકાએ માળિયામાં ઘરના ફળિયામાં જ તેની સાથે ક્રિકેટની રમત રમવાનું ચાલુ કરી દીધું.

પિતાએ દીકરાને આઇપીએલ સુધી કઈ રીતે પહોંચાડ્યો?

ક્રેન્સના પિતા ભવેશભાઈ અને માતા જ્યોતિબહેન

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, ક્રેન્સના પિતા ભવેશભાઈ અને માતા જ્યોતિબહેન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભાવેશભાઈ કહે છે કે ક્રેન્સ પણ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ ક્રિકેટમાં તેની રુચિ વધતી ગઈ.

પિતા ભાવેશ ફુલેત્રા કહે છે, "ક્રેન્સ પાંચમા ધોરણમાં ભણતો હતો ત્યારે અમને લાગ્યું કે તેને ક્રિકેટમાં આગળ વધવાની તક અમારે આપવી જોઈએ. તેથી, અમે જૂનાગઢમાં એક ક્રિકેટ એકૅડેમીનો સંપર્ક કર્યો. અમે બાપ-દીકરો સાડા પાંચ વાગ્યે માળિયાથી ટ્રેઇનમાં બેસી સાડા છ વાગ્યે જૂનાગઢ પહોંચતા."

"ચાર કલાકની ટ્રેઇનિંગ બાદ વળતી ટ્રેઈન પકડી બપોરે ઘરે પહોંચતા. આ સિલસિલો પાંચ-છ મહિના ચાલ્યો. ત્યાર બાદ મને લાગ્યું કે ક્રેન્સના ભવિષ્ય માટે રાજકોટમાં ક્રિકેટની તાલીમ લેવી જોઈએ. તેથી 2015માં હું અને જ્યોતિ બાળકો લઈને રાજકોટ આવી ગયાં."

ભાવેશભાઈ કહે છે કે એક મધ્યમ વર્ગના માણસ તરીકે શહેરમાં રહેવા આવ્યા બાદ તેમને આર્થિક સંકડામણ પણ અનુભવવા માંડી.

તેઓ કહે છે, "ક્રેન્સને અમે એક ઇંગલિશ મીડિયમ સ્કૂલમાં મૂક્યો. આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણતર ઉપરાંત ક્રિકેટ પણ શીખડાવવામાં આવતું હતું. પરંતુ સમસ્યા એ હતી કે સ્કૂલની ફી વર્ષે એકાદ લાખ રૂપિયા હતી જે મારા મધ્યમ વર્ગના પરિવાર માટે ઘણી વધારે લાગતી. ઉપરાંત, હું રાજકોટમાં નવો હતો અને ઘર ચલાવવા શું કામ કરીશ તેની પણ ચિંતા હતી. તેથી મેં રાજકોટમાં રહેતા મારા પિતરાઈ ભાઈઓની મદદ લીધી."

"વધતી ઉંમર છતાં મારા પપ્પાએ બાળકોના ભવિષ્ય માટે ફરી વાર દુકાન સાંભળી. અમને ભરોસો હતો કે ક્રેન્સ ક્રિકેટ સારું રમશે. તેથી અમે આર્થિક સંકડામણ વચ્ચે પણ ત્રણ વર્ષ સુધી તેને તે જ સ્કૂલમાં ભણાવ્યો."

વળી, ક્રેન્સના ભણતર ઉપરાંત સંયુક્ત પરિવારમાં રહેતા ભાવેશભાઈને ક્રેન્સની મોટી બહેન યેશા અને અતુલભાઈની દીકરીઓ ગ્રેસી એને બાર્બીને પણ ભણાવવાની હતી.

ભાવેશભાઈ ઉમેરે છે કે પરિવારે હિંમત રાખી ત્રણેય બહેનોને રુચિ મુજબ ભણતરમાં અને ક્રેન્સને ક્રિકેટમાં આગળ વધવાની છૂટ આપી.

કોચે ફાસ્ટ બૉલરને ચાઇનામૅન બૉલર કેમ બનાવ્યો?

ક્રેન્સ ફુલેત્રા

ઇમેજ સ્રોત, Krains Fuletra

ઇમેજ કૅપ્શન, ક્રેન્સ ફુલેત્રા
ક્રેન્સ ફુલેત્રાનાં માતા અને બહેનો

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, (ડાબેથી જમણી તરફ) ગ્રેસી, બાર્બી અને જ્યોતિબહેન

ક્રેન્સને શરૂઆતમાં જૂનાગઢમાં પ્રશાંત દેસાઈએ અને ત્યારબાદ રાજકોટમાં અમિત શુક્લા અને કમલ ચાવડાએ ક્રિકેટના પાઠ ભણાવ્યા. ક્રેન્સ એક ફાસ્ટ બૉલર બનવાની પ્રેક્ટિસ કરતા હતા પરંતુ અમિત શુક્લાની સલાહ માની 2016થી સ્પિન બૉલિંગ કરવાનું ચાલુ કર્યું.

બીબીસી સાથે વાત કરતા અમિત શુક્લાએ કહ્યું, "સ્કૂલમાં નવા આવેલા ક્રેન્સનું નિરીક્ષણ કરતા મને લાગ્યું કે છોકરો એક ઍથ્લીટ (રમતવીર) જેવો તો લાગે છે પરંતુ એક સફળ ફાસ્ટ બૉલર બનવા માટે તેની ઓછી શારીરિક ઊંચાઈ ભવિષ્યમાં તેને નડે તેમ છે. તેથી, મેં તેને સ્પિન બૉલિંગ કરવાનું સૂચન કર્યું."

"તેણે લેફ્ટ આર્મ ઑર્થોડૉક્સ બૉલિંગ કરવાનું ચાલુ કર્યું અને તેમાં ગુગલી (સ્પિન થઈ ઊંધી દિશામાં ફંટાઈ જતો દડો)નું મિશ્રણ કરવા લાગ્યો."

ડાબોડી બૉલર દડાને આંગળીઓ દ્વારા ફેરવી ટપ્પો પડ્યા બાદ લેગ સ્ટમ્પથી ઑફ સ્ટમ્પ તરફ લઈ જાય તેને લેફ્ટ આર્મ ઑર્થોડૉક્સ બૉલિંગ કહેવાય.

કોચ ઉમેરે છે, "પરંતુ મને લાગ્યું કે તે લેફ્ટ આર્મ ઑર્થોડૉક્સ બૉલિંગ કરતા તે ગુગલી વધારે સારી રીતે નાખી શકે છે. તેથી, મેં તેને ફરી વાર સૂચન કર્યું કે તે લેફ્ટ આર્મ ઑર્થોડૉક્સને ગુગલી તરીકે વાપરે અને તેની જે ગુગલી હતી તેને સ્ટૉક બૉલ (સ્પિનર દ્વારા નાખતા મહત્તમ બૉલ ટપ્પો પડ્યા બાદ જે દિશામાં ફંટાય તેને સ્ટૉક બૉલ કહેવાય) તરીકે વાપરે."

"ટૂંકમાં, મેં તેને કહ્યું કે તે લેફ્ટ આર્મ ઑર્થોડૉક્સ કરતા એક સારો લેફ્ટ આર્મ ચાઇનામૅન બૉલર બની શકે છે . ક્રેન્સ એક શિસ્તબદ્ધ છોકરો છે અને મારી સલાહ સ્વીકારી 2016થી જ ચાઇનામૅનની પ્રેક્ટિસ ચાલુ કરી દીધી."

ડાબોડી બૉલર દડાને તેની આંગળીઓના બદલે કાંડાથી ફેરવી ટપ્પો પડ્યા બાદ દડાને ઑફ સ્ટમ્પથી લેગ સ્ટેમ્પ તરફ લઈ જાય તેને લેફ્ટ આર્મ ચાઇનામૅન બૉલર કહેવાય

અમિત શુક્લા કહે છે, "એકાદ દાયકાની પ્રેક્ટિસ બાદ હવે તે એક સારો લેફ્ટ આર્મ ચાઇનામૅન બૉલર બની ગયો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોશિએશન, જયદેવ શાહ, નિરંજન સર (શાહ) –આ બધાએ તેને જોયો, એસપીએલ (સૌરાષ્ટ્ર પ્રો લીગ) જેવું તેને સરસ પ્લૅટફૉર્મ મળ્યું, જયદેવભાઈ ઉનડકટે તેને સપોર્ટ કર્યો. ઘણા બધા કોચોએ મહેનત કરી આ રીતે તેને આગળ વધાર્યો છે અને હવે આઇપીએલ રમવા તૈયાર છે."

ઉલ્લેખનીય છે કે જયદેવ ઉનડકટ સૌરાષ્ટ્રની રણજી ટીમના વર્તમાન કૅપ્ટન છે અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમમાં એક ફાસ્ટ બૉલર તરીકે પણ રમે છે.

છ વર્ષ સુધી સૌરાષ્ટ્રની ટીમમાંય સ્થાન નહીં

અમિત શુક્લા

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, અમિત શુક્લા

ક્રેન્સ રાજકોટ આવ્યાના થોડા સમય બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોશિએશનની અંડર-14 ટીમમાં પસંદગી પામ્યા. પરંતુ તે એક સીઝન પછી તેમને સૌરાષ્ટ્રની અંડર-16 કે અંડર-19 ટીમમાં સ્થાન ન મળ્યું અને પરિણામે 2018-19થી સળંગ છ વર્ષ સુધી જિલ્લા લેવલની ટીમોમાં રમતા રહ્યા. ક્રેન્સ અને તેમના પરિવારને થોડી ચિંતા થવા લાગી.

બીબીસી સાથે વાત કરતા ક્રેન્સે કહ્યું, "મારે એવા છ-સાત વર્ષ ગયા કે હું ક્યાંય રમ્યો નહીં. ખાલી ડિસ્ટ્રિક્ટ લેવલનું ક્રિકેટ રમતો હતો. ક્યારેક તો તેમાંય બહાર બેસાડતા મને. પછી મને વિચાર આવતા કે હું શું કરું અને શું નહીં? હું કેમ સારું ક્રિકેટ નથી રમી શકતો? હું કેમ સ્ટેટ-બોર્ડ લેવલનું ક્રિકેટ નથી રમી શકતો. પરંતુ તે છ-સાત વર્ષ સુધી મહેનત અને રૂટિન તે જ રાખ્યા. તે મહેનત જ રંગ લાવી અને તે હવે એક આઇપીએલ પ્લયેર તરીકે દેખાય છે."

છેવટે ક્રેન્સને 2024-25ની સીઝનમાં સૌરાષ્ટ્રની અંડર-23 ટીમમાં સ્થાન મળ્યું. તે જ સીઝનમાં ક્રેન્સને સૌરાષ્ટ્રની રણજી ટીમમાં સ્થાન મળતા જાન્યુઆરી 2025માં રણજી ટ્રૉફી ટુર્નામેન્ટમાં તેણે પદાર્પણ કર્યું.

તેને સૌરાષ્ટ્રની વન-ડે અને T-20 ટીમોમાં પણ સ્થાન મળ્યું. સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિએશન દ્વારા આ વર્ષે રમાડાયેલ એસપીએલ T-20 ટુર્નામેન્ટમાં તેના પર્ફૉર્મન્સ અને પ્રૉમિસ (ભવિષ્યમાં સારું રમી શકે તેવી આશા બંધાવનાર) બદલ ઇમર્જિંગ ઉદય પામી રહેલ ખેલાડીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

અમિત શુક્લા જણાવે છે કે ક્રેન્સે ભલે વિકેટોના ઢગલા કે રનના ખડકલા ન કર્યા હોય પણ તેની બૉલિંગમાં રહેલી નાવીન્યતાને કારણે ટીમમાં બહુ ઉપયોગી ખેલાડી સાબિત થઈ શકે છે.

તેઓ કહે છે, "ક્રેન્સની બૉલિંગ ઍક્શનમાં રહેલી નવીનતા તેની ખાસિયત છે. એક રીતે તો જમણેરી બૅટ્સમૅન માટે ક્રેન્સના દડા ઑફસ્પિન ગણાય. એ પ્રકારના દડા કોઈ પરંપરાગત જમણેરી ઑફસ્પિનર ફેંકી શકે. પરંતુ ક્રેન્સની ચાઇનામૅન બૉલિંગના દડા પરંપરાગત ઑફસ્પિનરના દડા કરતા અલગ ઍંગલથી આવે અને તેથી બૅટ્સમૅનો માટે ઑફસ્પિનની સરખામણીએ તેને રમવા વધારે અઘરા પડે. વળી, ભારતમાં હાલ વધારે ચાઇનામૅન બૉલરો નથી."

નેટ બૉલરમાંથી ટીમ બૉલર

ક્રેન્સ ફુલેત્રા

ઇમેજ સ્રોત, Krains Fuletra

ઇમેજ કૅપ્શન, ક્રેન્સ ફુલેત્રા

અમિત શુક્લા કહે છે કે ક્રેન્સની બૉલિંગથી જયદેવ ઉનડકટ તેમ જ સનરાઇઝર્સ હૈદરાબાદના સ્કાઉટ્સ (ટીમ માટે નવા ખેલાડી શોધનારા અધિકારીઓ) પ્રભાવિત થયા. તેથી, હૈદરાબાદની ટીમે 2025ની આઇપીએલમાં ક્રેન્સને નેટ બૉલર તરીકે રાખ્યો. નેટ બૉલર તરીકે ક્રેન્સ બે મહિના કરતા પણ વધારે સમય સુધી હૈદરાબાદની ટીમ સાથે રહ્યો અને ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઍનરિક ક્લાસ્સન વગેરે જેવા ધુરંધર બૅટ્સમૅનોને બૉલિંગ કરવાની તક મળી તેમ જ ઑસ્ટ્રેલિયાના એડમ ઝામ્પા જેવા સ્પિનરો સાથે પ્રેક્ટિસ દરમિયાન બૉલિંગ કરી.

ક્રેન્સ કહે છે, "આઇપીએલ દરમિયાન જ એડમ ઝાંપાને ઈજા થતા હૈદરાબાદની ટીમ મને રમાડવા ઇચ્છતી હતી. પરંતુ મેં અગાઉની હરાજીમાં મારું નામ નોંધાવેલ ન હોવાથી આઈપીએલના નિયમ પ્રમાણે હૈદરાબાદની ટીમ મને મૅચો રમાડી ન શકી. આ વર્ષે છ આઇપીએલ ટીમોએ મને ટ્રાયલ માટે બોલાવ્યો. તેમાંથી હૈદરાબાદે મને લઈ લેતા હું હવે આઇપીએલ રમવા માટે ખૂબ ઉત્સાહિત છું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન