ચેન્નાઈ સુપરકિંગ્સે પોતાની રણનીતિ કેમ બદલી, નવા ખેલાડીઓના સહારે ટુર્નામેન્ટ જીતી શકાશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રદીપ કૃષ્ણા
- પદ, બીબીસી સંવાદદાતા
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) – 2026 માટે ખેલાડીઓની હરાજી 16 ડિસેમ્બરે અબુધાબીમાં પૂર્ણ થઈ. વ્યાપક અપેક્ષા વચ્ચે તમામ પ્રતિસ્પર્ધીઓએ આગામી સિઝન માટેની પોતાની ટીમને અંતિમ સ્વરૂપ આપી દીધું છે.
ચેન્નાઈ સુપરકિંગ્સે (સીએસકે) આ હરાજીમાં નવ ખેલાડીઓ ખરીદ્યા છે, પરંતુ હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન કેવું રહ્યું? ટીમે ગયા વર્ષની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરી લીધું છે?
સીએસકેએ કાર્તિક શર્મા, પ્રશાંત વીર, રાહુલ સહર, અકીલ હુસૈન, મેટ હેનરી, મેથ્યુ શોર્ટ, ઝેક ફોક્સ, સરફરાઝ ખાન અને અમન ખાન એમ નવ ખેલાડીઓ ખરીદ્યા છે.
સીએસકેએ વિકેટકીપર-બૅટ્સમૅન કાર્તિક શર્મા અને ડાબોડી બૅટ્સમૅન તથા સ્પિનર પ્રશાંતવીર પ્રત્યેક માટે રૂ. 14.2 કરોડ ચૂકવ્યા છે.
કાર્તિક શર્મા માત્ર 19 વર્ષનો છે અને સ્થાનિક ટી20 મૅચોમાં તેમનો સ્ટ્રાઇક રેટ ઘણો સારો છે. પ્રશાંત વીરે 2025માં ઉત્તર પ્રદેશ ટી20 લીગમાં બેટિંગ તેમજ બૉલિંગ બન્નેમાં સારું પ્રદર્શન કર્યું છે.
રવીન્દ્ર જાડેજા અને આર. અશ્વિન જેવા સ્પિનરો ટીમ છોડી ગયા હોવાથી સીએસકેએ રાહુલ ચહર અને અકીલ હુસૈન બન્નેને ખરીદ્યા છે.
ફાસ્ટ બૉલિંગ આક્રમણને મજબૂત કરવા માટે ટીમમાં હેનરી મેટ અને જેક ફોક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઑલરાઉન્ડર અમન ખાન અને મેથ્યુ શોર્ટ બેકઅપ ખેલાડી તરીકે કામ કરી શકે તેમ છે.
એ ઉપરાંત ભારતીય મિડલ ઑર્ડર બૅટ્સમૅન સરફરાઝ ખાનનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટીમનો બદલાયેલો અભિગમ

ઇમેજ સ્રોત, Getty Images
સીએસકે એક એવી ટીમ તરીકે જાણીતા રહી છે, જે અનુભવને અગ્રતા આપે છે. ભલે મોટી ઉંમરના હોય, પરંતુ સીએસકે કાયમ અનુભવી ખેલાડીઓ ખરીદે છે. આ માટે ટીમની ઘણી વાર ટીકા થઈ છે. 2025ની સિઝન દરમિયાન ટીમે ખરાબ પ્રદર્શન કર્યું હતું ત્યારે તેની ભારે ટીકા થઈ હતી.
એ સંદર્ભે વાત કરતાં ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું હતું, "ખેલાડીની ઉંમર શું છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી. અનુભવે ભૂતકાળમા અમને કાયમ મદદ કરી છે."
અલબત્ત, તાજેતરમાં પૂર્ણ થયેલી હરાજી દર્શાવે છે કે સીએસકે આ અભિગમથી છોડીને હવે એક નવા માર્ગે આગળ વધી રહી છે.
મોટા ખેલાડીઓ માટે જંગી નાણાં ખર્ચવાને બદલે સીએસકેએ બે યુવા ભારતીય ખેલાડીઓ કાર્તિક શર્મા અને પ્રશાંત વીરમાં મોટું રોકાણ કર્યું છે.
આ સમાચાર ચાહકો અને ટીકાકારો બન્ને માટે આશ્ચર્યજનક છે, પરંતુ તે દર્શાવે છે કે સીએસકે આઇપીએલના બદલાતા વાતાવરણમાં યુવા ખેલાડીઓમાં રોકાણ કરવાનું મહત્ત્વ સમજી છે.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ક્રિકેટ નિષ્ણાત અને કૉમેન્ટેટર નાનીએ બીબીસીને કહ્યું હતું, "ગયા વર્ષે સિનિયર ટીમના પ્રદર્શનમાં થયેલા ઘટાડા તેમજ મેડ્રે, બ્રેવિસ અને ઉર્વિલ જેવા યુવા ખેલાડીઓના પ્રભાવશાળી પ્રદર્શનને ધ્યાનમાં લઈને સીએસકેએ તેના અભિગમમાં પરિવર્તનની જરૂરિયાત સમજવી જોઈતી હતી."
આયુષ માથરે, વૈભવ સૂર્યવંશી, અનિકેત વર્મા અને પ્રિયાંશ આર્ય જેવા યુવા ખેલાડીઓ ગયા વર્ષે તેમની ટીમોના મુખ્ય ખેલાડીઓ સાબિત થયા હતા. એ હકીકતને કારણે બધી ટીમોને યુવા ખેલાડીઓમાં રોકાણ કરવાની જરૂર સમજાઈ છે.
અભિગમમાં પરિવર્તન એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે મુંબઈ ઇન્ડિયન્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રૉયલ્સ સહિતની ઘણી ટીમોએ કાર્તિક તથા પ્રશાંત બંનેને સાઇન કરવા સ્પર્ધા કરી હતી.
અલબત્ત, અગાઉ અનેક ટીમોએ આવું કર્યું છે, પરંતુ સીએસકે ગયા વર્ષ સુધી અનુભવી ખેલાડીઓ પર નિર્ભર રહી હતી. હવે તેમણે તે અભિગમ બદલી નાખ્યો છે.
સીએસકેના કોચ સ્ટીફન ફ્લેમિંગે આ વર્ષની હરાજી બાબતે વાત કરતાં કહ્યું હતું, "રમત બદલાઈ રહી છે, પરંતુ તેની સાથે તાલ મેળવવામાં અમે કદાચ મોડા પડ્યા છીએ. સફળતા અપાવી હોય એ સિદ્ધાંતો અને વિચારધારાને આપણે ક્યારેક વળગી રહેતા હોઈએ છીએ, પરંતુ અમને હવે ખબર પડી છે કે પરિવર્તન તરફ આગળ ધપવું પડશે. કેટલુંક પરિવર્તન અમે ગઈ સિઝનની મધ્યમાં જ કરી લીધું હતું. તેનાથી અમને આ માર્ગે આગળ વધવામાં મદદ મળી છે."
કોઈ કટોકટી સર્જાશે?

ઇમેજ સ્રોત, Getty Images
સીએસકેમાં બે યુવા ખેલાડીઓ ઉમેરવાના પગલાનું કેટલાક લોકોએ સ્વાગત કર્યું છે, જ્યારે ઘણાએ સવાલ કર્યો છે કે આ નિર્ણયથી સમસ્યાના નિરાકરણમાં કેટલી મદદ મળશે?
સીએસકેના ભૂતપૂર્વ ખેલાડી અનિરુદ્ધ શ્રીકાંતે તેમની યૂટ્યૂબ ચૅનલ પર કહ્યું હતું, "પ્રશાંત અને કાર્તિકને આટલી મોટી રકમ મળી તેનાથી હું ખુશ છું, પરંતુ આટલી મોટી કિંમતથી તેમના પર ઘણું દબાણ રહેશે. એ ઉપરાંત બંનેને એકસાથે ટીમમાં સમાવી શકાશે નહીં. એવું કરીશું તો ટીમનું સંતુલન બગડી જશે."
સીએસકેના એક અન્ય ભૂતપૂર્વ ખેલાડી રવિચંદ્રન અશ્વિને પણ તેમની યૂટ્યૂબ ચૅનલ પર આવી જ લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું, "બંને અત્યંત પ્રતિભાશાળી ખેલાડી છે તેમાં કોઈ શંકા નથી, પરંતુ તેમની પાસેથી શું અપેક્ષા છે? લોકોને આશા છે કે કાર્તિક શર્મા મહેન્દ્રસિંહ ધોનીનું સ્થાન લેશે અને પ્રશાંત વીર રવીન્દ્ર જાડેજાનું સ્થાન લેશે. આ કારણે તેમના પર ઘણું પ્રેશર આવશે."
અશ્વિને એમ પણ કહ્યું હતું કે બંને પ્લેઇંગ ઇલેવનમાં રમી શકશે નહીં અને પ્રશાંત વીરના ટીમમાં સમાવેશની શક્યતા વધારે છે.
દરમિયાન, નાની માને છે કે તેઓ સીએસકેમાં સામેલ થઈને આ વખતે ટીમને કટોકટીમાંથી ઉગારી શકશે અને સારું પ્રદર્શન કરી શકશે.
બીબીસી સાથે વાત કરતાં તેમણ કહ્યું હતું, "બંને માટે સીએસકેથી બહેતર ટીમ બીજી કોઈ નથી. ધોની વિના તેઓ આટલી મોટી કિંમત સાથે ટીમમાં આવ્યા હોત તો તેમના પર પ્રેશર જરૂર હોત, પરંતુ ધોની છે ત્યારે એવું નહીં હોય. તેઓ ધોની પાસેથી મેદાનમાં અને ડ્રેસિંગ રૂમમાં ઘણું શીખી શકશે. તેમણે સામનો ન કર્યો હોય એવી કોઈ પરિસ્થિતિ કે પ્રેશર નથી. ધોની બંનેને નિશ્ચિત રીતે બહુ સારી રીતે સંભાળી લેશે અને તૈયાર કરશે."
બૉલિંગની વણઉકેલી સમસ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ડેથ ઓવર્સમાં બૉલિંગ સીએસકેની સૌથી મોટી સમસ્યા માનવામાં આવે છે. પાછલી સિઝન્સમાં પથિરાના એ જવાબદારી બહુ સારી રીતે પાર પાડતા હતા. તેમની ગેરહાજરી જરૂર અનુભવાશે.
નાનીએ બીબીસીને કહ્યું હતું, "આ વખતની હરાજીમાં સીએસકેએ ડેથ ઓવર્સમાં બૉલિંગની સમસ્યાનું નિરાકરણ કર્યું નથી. હેનરીનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ થયો છે, પરંતુ તેઓ નવા બૉલના સ્પેશ્યલિસ્ટ છે. કદાચ અકીલ હુસૈનનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવે અને તેમની પાસે પાવર પ્લેમાં બૉલિંગ કરાવવામાં આવે તો ડેથ ઓવર્સમાં ત્રણ ઓવર માટે એલિસનો ઉપયોગ કરી શકાય."
તેમણે ઉમેર્યું હતું, "ગુરજબનીતસિંહને ફિલ્ડિંગની જવાબદારી સોંપવામાં આવે તો કદાચ તેઓ એ જગ્યા ભરી શકે. તેઓ સ્લો બૉલ અને યૉર્કર સારી રીતે ફેંકી શકે છે. તેઓ ઘણા ઊંચા પણ છે. તેઓ નટરાજનની જેમ બૉલિંગ કરી શકે છે."
તેમણે એમ પણ જણાવ્યું હતું કે સીએસકેએ મુસ્તફિઝુર રહેમાનને ખરીદ્યા હોત તો ટીમની ડેથ ઓવર્સની સમસ્યા ઉકેલાઈ ગઈ હોત.
તેમના કહેવા મુજબ, "મુસ્તફિઝુરને ખરીદ્યા હોત તો ડેથ ઓવર્સની સમસ્યાનું નિરાકરણ થઈ ગયું હોત. હરાજીમાં એવું થયું હોત તો બહુ સારું થાત."
અનિરુદ્ધ શ્રીકાંતે તેમની યૂટ્યૂબ ચૅનલ પર આવી જ લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું, "સીએસકેએ મુસ્તફિઝુરને ખરીદ્યા હોત તો એક મોટી સમસ્યા હલ થઈ ગઈ હોત. તેઓ ફાસ્ટ બૉલરને ખરીદવા ઇચ્છતા હતા, પરંતુ તેમની પાસે પૂરતા પૈસા ન હતા. તેઓ બે યુવા ખેલાડીને બદલે મોટી રકમમાં ફક્ત એક ખેલાડી ખરીદી શક્યા હોત. તેમણે અહીં ભૂલ કરી."
એકંદરે નિષ્ણાતો માને છે કે કેટલાક આશાસ્પદ ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા છતાં સીએસકે તેની સમસ્યાઓનું સંપૂર્ણ નિરાકરણ કરી શકી છે કે કેમ તે જોવાનું બાકી રહે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












