IPL ઇતિહાસના પાંચ સૌથી મોંઘા ખેલાડી કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
મંગળવારે ઇન્ડિયન પ્રીમિયર લીગની 2026ની સિઝન માટે સંયુક્ત આરબ અમીરાતના પાટનગર અબુ ધાબી ખાતે ખેલાડીઓની હરાજીની પ્રક્રિયા યોજાઈ હતી.
આ વખતે નાની હરાજીમાં કુલ 369 ખેલાડીઓ માટે આઇપીએલની ફ્રેન્ચાઇઝીઓએ બોલી લગાવી હતી.
આઇપીએલની વાત આવે ત્યારે રોમાંચક ક્રિકેટ મુકાબલાની સાથોસાથ તેની હરાજીમાં ખેલાડીઓને મળતી મસમોટી રકમ પણ હેડલાઇન બને છે.
અહેવાલો પ્રમાણે નિયમિત હરાજી કરતાં નાની હરાજીમાં ખેલાડીઓ માટે વધુ ઊંચી બોલી લગાવવાનું વલણ જોવા મળ્યું છે.
નોંધનીય છે કે વર્ષ 2026ની આઇપીએલ માટે યોજાયેલા આ મિનિ ઑક્શનમાં ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર કૅમરુન ગ્રીન અને શ્રીલંકાના ફાસ્ટ બૉલર મથીશા પથિરાના અનુક્રમે 25.20 કરોડ રૂ. અને 18 કરોડ રૂ.ની માતબર રકમમાં વેચાયા હતા.
2008માં આઇપીએલની પ્રથમ સિઝન રમાઈ એ પહેલાં ભારતના દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીને હરાજીમાં છ કરોડ રૂપિયામાં ચેન્નાઈ સુપરકિંગ્સે ખરીદ્યા હતા. બસ, ત્યાંથી શરૂ થયેલો માતબર રકમમાં ખેલાડીઓની બોલી લાગવાનો સિલસિલો લગભગ 17 વર્ષ પછી પણ યથાવત્ છે.
એક નજર કરીએ અત્યાર સુધી આઇપીએલની હરાજીમાં વેચાયેલા ટૉપ પાંચ ખેલાડીઓ પર.
ઋષભ પંત

આઇપીએલની હરાજીમાં અત્યાર સુધી દેશી-વિદેશી ખેલાડીઓમાં સૌથી મોંઘી રકમમાં વેચાનાર ખેલાડી ભારતીય ટીમના વિકેટકીપર બૅટ્સમૅન ઋષભ પંત રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2025ની સિઝન માટેની હરાજીમાં ઋષભ પંતને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે 27 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યા હતા.
ભારતીય ટીમના દમદાર બૅટ્સમૅન ઋષભ પંતના આઇપીએલ રેકૉર્ડની વાત કરીએ તો ઇએસપીએન ક્રિકઇન્ફો ડોટ કૉમ પ્રમાણે અત્યાર સુધી તેઓ 125 મૅચોમાં 34.16ની સરેરાશ સાથે કુલ 3,553 રન બનાવી ચૂક્યા છે.
આઇપીએલ કારકિર્દીમાં તેમણે 128 રનના અણનમ એવા હાઇ સ્કોરની સાથે કુલ બે સદી અને 19 અર્ધ સદી નોંધાવી છે.
જોકે, 2025ની સિઝનમાં તેઓ ઝાઝા સફળ રહી શક્યા નહોતા. તેઓ 14 મૅચમાં 24.45ની સરેરાશ અને 133.16ના સ્ટ્રાઇક રેટ સાથે 269 રન જ બનાવી શક્યા હતા.
ગત સિઝનમાં તેઓ લખનઉ સુપર જાયન્ટ્સની ટીમમાં જોડાયા એ પહેલાં તેઓ વર્ષ 2016થી દિલ્હી કૅપિટલ્સની ટીમમાં રમી રહ્યા હતા. વર્ષ 2018માં તેઓ આઇપીએલમાં સર્વાધિક રન મામલે બીજા ક્રમે રહ્યા હતા. એ સિઝનમાં તેમણે 14 મૅચોમાં 52.61ની સરેરાશ સાથે 684 રન બનાવ્યા હતા.
જેમાં એક સદી અને પાંચ અર્ધ સદી સામેલ છે.
શ્રેયસ અય્યર

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે શ્રેયસ અય્યર પણ વર્ષ 2025ની આઇપીએલની હરાજીમાં ખૂબ મોંઘા ખેલાડી તરીકે સામે આવ્યા હતા.
તેમને પંજાબ કિંગ્સની ટીમે આઇપીએલ 2025ની મેગા ઑક્શનમાં 26.75 કરોડ રૂ.ની માતબર રકમ ચૂકવીને ખરીદ્યા હતા.
તેમણે પોતાની આઇપીએલની કારકિર્દીની શરૂઆત દિલ્હી કૅપિટલ્સ ટીમ સાથે વર્ષ 2015ની સિઝનથી કરી હતી.
એ બાદ તેઓ 2022માં કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે જોડાયા. 2024માં ટીમ આઇપીએલની વિજેતા બની ત્યારે તેઓ ટીમના કપ્તાન હતા.
તેમના આઇપીએલ રેકૉર્ડની વાત કરીએ તો અત્યાર સુધી તેઓ કુલ 133 મૅચ રમીને 34.22ની સરેરાશ સાથે 3,731 રન બનાવી ચૂક્યા છે.
આઇપીએલ કારકિર્દીમાં તેઓ હજુ સુધી સદી નોંધાવી નથી શક્યા, પરંતુ 27 અર્ધ સદી નોંધાવી ચૂક્યા છે.
આઇપીએલ 2025ની સિઝનમાં તેમણે 17 મૅચ રમીને કુલ 604 રન બનાવ્યા હતા. આ સિઝનમાં તેઓ સૌથી વધુ રન બનાવવા મામલે છઠ્ઠા ક્રમે રહ્યા હતા.
કૅમરુન ગ્રીન

આઇપીએલ 2026ની નાની હરાજીમાં ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર કૅમરુન ગ્રીનને 25.20 કરોડની માતબર રકમમાં ખરીદવામાં આવ્યા છે.
આ સાથે જ તેઓ આઇપીએલના ઇતિહાસના સૌથી મોંઘા વેચાનાર વિદેશી ખેલાડી બની ગયા છે.
તેમને કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે ખરીદ્યા છે.
2020માં પાકિસ્તાન સામે પોતાની ટી20 કારકિર્દીની શરૂઆત કરનાર આ યુવાન ખેલાડી પ્રથમ વખત 2023ની આઇપીએલ સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમ વતી મેદાન પર ઊતર્યા હતા.
તેઓ પોતાની આઇપીએલ કારકિર્દીમાં કુલ 29 મૅચ રમીને 41.58ની સરેરાશ સાથે 707 રન બનાવી ચૂક્યા છે. વર્ષ 2023ની આઇપીએલમાં તેમણે 16 મૅચમાં 452 રન ફટકાર્યા હતા અને છ વિકેટ ઝડપી હતી. જ્યારે વર્ષ 2024ની આઇપીએલમાં આરસીબી સાથે જોડાયા હતા. આ સિઝનમાં તેમણે 13 મૅચમાં 255 રન બનાવ્યા હતા અને દસ વિકેટ પણ ઝડપી હતી.
આ બંને સિઝનમાં મળીને તેઓ એક સદી અને બે અર્ધ સદી નોંધવી ચૂક્યા છે.
મિચેલ સ્ટાર્ક

વર્ષ 2024 આઇપીએલની હરાજીમાં ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર મિચેલ સ્ટાર્કનેય કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે 24.75 કરોડ રૂ.માં ખરીદ્યા હતા.
અત્યાર સુધી તેઓ આઇપીએલની ત્રણ ટીમોનો ભાગ રહી ચૂક્યા છે. 2014માં રૉયલ ચૅલેન્જ બૅંગ્લોર ફ્રેન્ચાઇઝીથી તેમણે પોતાની આઇપીએલ કારકિર્દીની શરૂઆત કરી.
એ બાદ તેઓ વર્ષ 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સની વિજેતા ટીમનો ભાગ રહ્યા અને એ બાદ વર્ષ 2025માં દિલ્હી કૅપિટલ્સ સાથે જોડાયા.
અત્યાર સુધી તેઓ આઇપીએલની 52 મૅચોમાં કુલ 65 વિકેટ ઝડપી ચૂક્યા છે.
પોતાની આઇપીએલ કારકિર્દીમાં તેઓ બે વખત ચાર અને એક વખત પાંચ વિકેટ ઝડપી ચૂક્યા છે.
વેંકટેશ અય્યર

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2025ની હરાજીમાં ભારતના ઑલરાઉન્ડર વેંકટેશ અય્યરને કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે 23.75 કરોડ રૂપિયાની મસમોટી રકમ ચૂકવીને ખરીદ્યા હતા.
તેમણે વર્ષ 2021માં કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને ત્યારથી આ ટીમ સાથે જ રમતા હતા.
જોકે, ગત સિઝનમાં તેમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું તેથી તેમને કેકેઆરએ રિલીઝ કરી દીધા હતા. તેઓ ફરી ઑક્શનમાં પ્રવેશ્યા હતા.
તેમણે તેમની બેઝ પ્રાઇઝ બે કરોડ રૂપિયા રાખી હતી. છેલ્લે આરસીબીએ તેમને 7 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.
તેમણે આઇપીએલમાં કુલ 62 મૅચ રમીને 29.95ની સરેરાશ સાથે 1,468 રન બનાવ્યા છે તેમજ ત્રણ વિકેટ ખેરવી છે.
પોતાની આઇપીએલ કારકિર્દીમાં તેઓ એક સદી અને 12 અર્ધ સદી નોંધાવી ચૂક્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












