ચેતેશ્વર પૂજારા : 8 વર્ષની ઉંમરે ઘરે બનાવેલા પૅડ અને નાનકડા બૅટથી ક્રિકેટની શરૂઆત કરી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/getty
ભારતની ટેસ્ટ ક્રિકેટ ટીમના શાનદાર બૅટ્સમૅન ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર સંદેશ લખીને નિવૃત્તિની જાહેરાત કરી હતી.
પૂજારાએ ભાવનાત્મક સંદેશમાં લખ્યું હતું કે, "રાજકોટના નાના ટાઉનમાંથી આવતા એક નાનકડા છોકરાએ તેનાં માતાપિતા સાથે મોટાં સ્વપ્નો જોયાં હતાં અને ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ બનવાની આશા સેવી હતી. ત્યારે મને ખ્યાલ નહોતો કે આ રમત મને આટલું બધું આપશે. મૂલ્યવાન તક, અનુભવો, હેતુ, પ્રેમ અને એ સૌની ઉપર મારા રાજ્ય અને દેશને રિપ્રેઝન્ટ કરવાનો મોકો."
પૂજારાએ લખ્યું હતું કે , "ભારતીય જર્સી પહેરીને, રાષ્ટ્રગીત ગાતા અને મેદાનમાં ઊતરતી વખતે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપવું - આ ભાવનાને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે."
"પરંતુ જેમ કહેવામાં આવે છે કે બધી સારી વસ્તુઓનો નિશ્ચિતપણે અંત આવે છે એમ મેં ભારતીય ક્રિકેટનાં તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે."
તેમણે તેમના મૅન્ટોર્સ, કોચ, આધ્યાત્મિક ગુરુ, બીસીસીઆઈ, સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશન, સાથી ખેલાડીઓ, ગ્રાઉન્ડ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
ચેતેશ્વર પૂજારાની ક્રિકેટની સફરની શરૂઆત કેવી રીતે થઈ અને અહીં સુધી કેવી રીતે પહોંચ્યા, એક નજર...
આઠ વર્ષના 'ચિન્ટુ'ની ક્રિકેટ રમવાની શરૂઆત

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
ટેસ્ટ ક્રિકેટ અને ચેતેશ્વર પૂજારાનું આકર્ષણ ખૂબ જૂનું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લગભગ ત્રણેક દાયકા અગાઉ આ આકર્ષણની શરૂઆત રાજકોટમાંથી થઈ ગઈ હતી. રાજકોટનું કોઠી કમ્પાઉન્ડ એટલે કે રેલવેના કર્મચારીઓનાં ક્વાર્ટર્સ અને તેનું બાઉન્ડરી વિનાનું મેદાન.
રેલવે ગ્રાઉન્ડ આમ તો દેખાવમાં સાવ સામાન્ય લાગે, પણ આ મેદાન પર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મૅચો પણ રમાઈ છે અને હજી પણ રમાતી રહે છે.
1990ના અંત ભાગમાં એક પિતા (પોતે પણ ભૂતપૂર્વ ક્રિકેટર) અરવિંદ પૂજારા પોતાના માંડ આઠ વર્ષના પુત્ર 'ચિંટુ'ને રેલવે ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરવા માટે લઈને આવતા.
સૌને આશ્ચર્ય થતું હતું અને કેટલાક તો પૂજારાભાઈ (સૌરાષ્ટ્રમાં અટક સાથે ભાઈ જોડી દેવાનો રિવાજ છે)ને અતિઉત્સાહી ગણતા હતા, કેમ કે આઠ વર્ષનો પૂજારાભાઈનો છોકરો એવું તો શું ઉકાળશે કે તેને અત્યારથી બૅટ-પૅડ પકડાવી દીધાં.
અને, એ નાની સાઇઝના બૅટ કરતાં પણ અચરજ તો તેના ઘરમાં જ બનાવેલાં પૅડ હતાં, જે માંડ માંડ તેના પગ સાથે ફિટ થતાં હતાં.
આમ છતાં પૂજારાભાઈ જમીન પર રગડાવીને બૉલ ફેંકે અને તેમનો દીકરો એ બૉલને પરત તેના કોચ-કમ-પિતા પાસે પરત ફટકારે. બસ, અહીંથી સ્ટ્રેઇટ શોટની શરૂઆત થઈ જે આગળ જતાં ગ્લેન મેકગ્રા, શેન વોર્ન કે ટ્રેન્ટ બોલ્ટના બૉલને પણ બાઉન્ડરી તરફ મોકલી આપવામાં કામ લાગી.
દરરોજ સાંજે અચરજ સાથે કોઠી કમ્પાઉન્ડના છોકરાઓ પૂજારાની બેટિંગ નિહાળતા અને તેના બે દાયકા બાદ વિશ્વભરના સ્ટેડિયમમાં પરિપક્વ બની ગયેલા ક્રિકેટપ્રેમીઓ તેમના હજારો રન અને સદીઓ નિહાળી ચૂક્યા છે.
7195 રન તો ચેતેશ્વર પૂજારાએ માત્ર ટેસ્ટ ક્રિકેટમાં ફટકાર્યા છે ,જેમાં 19 સદી અને 35 અડધી સદી સામેલ છે.
રાજકોટમાં જન્મેલા પૂજારાએ સદગુરુ બાલમંદિર, લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળા, વિરાણી હાઇસ્કૂલ અને રમેશભાઈ છાયા બૉયઝ સ્કૂલમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું, જ્યાં કોઈ ક્રિકેટ મેદાન ન હતાં.
આમ છતાં પૂજારાને એક લાભ થયો હતો અને તે એ કે દરેક શાળામાં હાજરી ફરજિયાત હોવા છતાં ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓને સત્રને અંતે હાજરીની સમસ્યા થાય ત્યારે સ્કૂલના પ્રિન્સિપાલ અને પીટી શિક્ષક ગમે તેમ કરીને તેમની હાજરીની સંખ્યાનો આંક જરૂર પ્રમાણે વધારી દેતા હતા, જેથી ભવિષ્યના સુપરસ્ટાર ક્રિકેટર અભ્યાસમાં પાછળ રહી જાય નહીં.
પિતાનું 'પરફેક્ટ કોચિંગ'

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
અરવિંદ પૂજારાનું માનવું હતું કે આઠ વર્ષની નાનકડી વયે છોકરાઓ ક્રૉસ બૅટથી રમતા હોય છે અને અંતે સમગ્ર કારકિર્દીમાં તેમનું બૅટ સીધું થતું જ નથી.
તેઓ કહે છે કે, "પણ ચિંટુ પાસેથી મને આવી બેટિંગની ક્યારેય અપેક્ષા ન હતી અને તેથી જ મેં તેને સીધા બૅટથી જ રમતા શીખવ્યું હતું."
પરિણામ એ આવ્યું છે કે આજે ભારતીય ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ટેકનિકલી પરફેક્ટ બૅટ્સમૅનમાં ચેતેશ્વર પૂજારા ટોપ-10માં આવે છે, જેનો પ્રારંભ તમે સુનીલ ગાવસ્કર કે સચીન તેંડુલકર કે રાહુલ દ્રવિડથી કરી શકો.
અરવિંદ પૂજારાએ રેલવે ગ્રાઉન્ડ પર હજારો રગડતા બૉલ ફેંક્યા જે ક્યારેય અટક્યા નહીં અને પછી ઇંગ્લૅન્ડમાં સસેક્સ હોય કે ડર્બીશાયર કે વુરસ્ટરશાયરનાં મેદાનો, આ બૉલે હજારો વાર બાઉન્ડરી પાર કરી છે.
તો અમદાવાદ (ટેસ્ટમાં પ્રથમ બેવડી સદી), રાજકોટ, ચેન્નાઈ, સિડની કે મેલબર્ન, લૉર્ડ્ઝ કે માન્ચેસ્ટરનાં મેદાન પર જંગી સ્કોરના સાક્ષી બની ચૂક્યા છે.
પૂજારાએ રાજકોટના યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર રણજી મૅચમાં 352 રન ખડક્યા હતા જે યાદગાર મનાય છે.
ચેતેશ્વર પૂજારાના ક્રિકેટમાં રેકૉર્ડ્સ

ઇમેજ સ્રોત, Getty Images
ચેતેશ્વર પૂજારાનો સ્વભાવ શાંત અને સૌમ્ય રહ્યો છે. શરૂઆતથી જ તેઓ તેમની લાંબી ઇનિંગ્સ અને ધીરજ માટે જાણીતા છે.
પૂજારાએ અંડર-14 શ્રેણીમાં ઇંગ્લૅન્ડ સામે ત્રેવડી સદી અને અંડર-19 શ્રેણીમાં બેવડી સદી ફટકારી હતી.
ઑસ્ટ્રેલિયા સામેની પોતાની પહેલી ટેસ્ટમાં પૂજારાએ પાંચમા નંબરે બેટિંગ કરી અને ફક્ત ચાર રન બનાવ્યા.
બીજી ઇનિંગમાં કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ તેમને ત્રીજા નંબરે બેટિંગ કરવા મોકલ્યા. બૅંગ્લોરની મુશ્કેલ પીચ પર, યુવા પૂજારાએ 72 રન બનાવ્યા અને ભારતને શ્રેણી જીતવામાં મદદ કરી.
જોકે, બીજા જ વર્ષે તેમને ઘૂંટણની સર્જરી કરાવવી પડી. પૂજારાએ 2012માં ન્યૂઝીલૅન્ડ સામે સદી ફટકારીને જોરદાર પુનરાગમન કર્યું હતું.
તે જ વર્ષે, જ્યારે ભારતીય બૅટ્સમૅનો ઇંગ્લિશ બૉલરો સામે પાછા પડી રહ્યા હતા, ત્યારે પૂજારાએ તે જ શ્રેણીમાં એક સદી અને એક બેવડી સદી ફટકારી હતી.
દ્રવિડના વારસાને આગળ ધપાવ્યો

ઇમેજ સ્રોત, Getty Images
2013 આવતા સુધીમાં, પૂજારાએ નંબર-૩ સ્થાન મેળવી લીધું હતું. ઑસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણાની શ્રેણીમાં તેમણે સાત ઇનિંગ્સમાં 84ની સરેરાશથી 419 રન બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન, જોહાનિસબર્ગની મુશ્કેલ પીચ અને પરિસ્થિતિઓ પર તેમની 153 રનની ઇનિંગ્સ અદ્ભુત કહી શકાય.
તેમની સામે ડેલ સ્ટેન, વેરન ફિલેન્ડર, મૉર્ને મોર્કેલ અને જેક્સ કાલિસ જેવા બોલરો હતા.
ચેતેશ્વર પૂજારાની કારકિર્દી ટોચ પર હતી. પરંતુ 2014માં તેમને બીજા ઘૂંટણની સર્જરી કરાવવી પડી. બીજા ઘૂંટણના ઑપરેશન પછી, 2014માં જ તેમની વનડે ક્રિકેટ કારકિર્દીનો અંત આવ્યો.
પૂજારા ટેસ્ટ ખેલાડી જ રહ્યા. જોકે, ચેતેશ્વર પૂજારાએ રાહુલ દ્રવિડ પાસેથી મળેલો નંબર-3નો વારસો ખૂબ જ સારી રીતે આગળ વધાર્યો.
103 ટેસ્ટમાં 43.60ની સરેરાશથી 7195 રન બનાવ્યા જેમાં 19 સદી અને 35 અડધી સદીનો સમાવેશ થાય છે, જે તેમની અદ્ભુત સફરની કહાણી છે.
રસપ્રદ વાત એ છે કે પૂજારાનું શ્રેષ્ઠ પ્રદર્શન વિરાટ કોહલીના સમયમાં આવ્યું હતું. કોહલી આક્રમક ક્રિકેટ રમી રહ્યા હતા અને ટીમ પાસેથી વિસ્ફોટક બેટિંગની પણ અપેક્ષા રાખતા હતા. એવું લાગતું હતું કે ટીમમાં પૂજારાનું સ્થાન બાકી રહેશે નહીં, પરંતુ 2016 થી 2019 વચ્ચેનો સમયગાળો પૂજારાના કારકિર્દીનો સુવર્ણ સમય હતો. આ સમય દરમિયાન તેમણે 11 સદી ફટકારી.
2018-19માં, ભારતે ઑસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટ મૅચની શ્રેણી જીતી હતી. આ ઐતિહાસિક જીતમાં પૂજારાએ 1258 બૉલ રમ્યા અને ત્રણ સદી ફટકારી હતી. તેઓ 'મૅન ઑફ ધ સિરીઝ' પણ રહ્યા.
ચેતેશ્વર પૂજારાનું ખરાબ ફૉર્મ વર્ષ 2020 પછી શરૂ થયું અને તેઓ 2020થી 2023 વચ્ચે માત્ર એક જ સદી ફટકારી શક્યા. આ સમયગાળા દરમિયાન તેમની સરેરાશ 30થી ઓછી હતી.
પૂજારાએ જૂન 2023માં ઑસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પોતાની છેલ્લી ટેસ્ટ મૅચ રમી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












