ચેતેશ્વર પૂજારા : ઑસ્ટ્રેલિયા સામે લાજ રાખનારા ગુજરાતી ક્રિકેટર વિશે આ પાંચ વાતો જાણો છો?

ચેતેશ્વર પૂજારા

ઇમેજ સ્રોત, Getty Images

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી બૉક્સિંગ ડે ટેસ્ટમાં બૅટ્સમેન ચેતેશ્વર પૂજારા 106 રન ફટાકરી આઉટ થઈ ગયા છે.

આ સદી પૂજારાની કારકિર્દીની 17મી સદી હતી. પૂજારાએ પોતાની આ ઇનિંગમાં 319 બોલ રમી અને 10 બાઉન્ડ્રી મારફતે સદી ફટકારી હતી.

અગાઉ કોહલી 82 રન ફટકારી આઉટ થયા હતા. આ મેચમાં વિરાટ પોતાની 26મી સદીથી ચૂક્યા હતા અને 20મી અડધી સદી પૂર્ણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ત્રીજી ટેસ્ટમાં ભારતે ટોસ જીતી પ્રથમ બૅટિંગ કરવાનું પસંદ કર્યુ હતું. આ અગાઉ આ શ્રેણીમાં એક મેચ ભારત અને એક મેચ ઑસ્ટ્રેલિયા જીતી ચૂક્યું છે.

આ પહેલાં ઍડિલેડ ટેસ્ટમાં ચેતેશ્વર પૂજારાએ ભારતની શાન જાળવી રાખી હતી અને ભારતીય ટીમને ઑસ્ટ્રેલિયા સામે ટકાવી રાખવામાં મજબૂત ભૂમિકા ભજવી છે.

ત્યારે આજના દિવસના હિરો અને ભારતને ઑસ્ટ્રેલિયા સામે સન્માનજનક સ્કૉર સુધી પહોંચાડનારા પૂજારા વિશે આ પાંચ વાતો તમે જાણો છો?

line

પૂજારાનાં માતાને કૅન્સરની બીમારી હતી

ચેતેશ્વરના પિતા

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

ઇમેજ કૅપ્શન, ચેતેશ્વરના પિતા અરવિંદ પૂજારા અને જમણી બાજુ છબીમાં તેમનાં માતા

ભારતીય ક્રિકેટમાં આજે દિવાલનું બિરૂદ મેળવી ચૂકેલા અને ટેસ્ટ મૅચમાં બૅટિંગની આગવી શૈલીથી જાણીતા પૂજારાનાં માતાને કૅન્સર હતું.

પૂજારાનાં માતા રીનાબહેનને યુવાનવસ્થામાં કૅન્સર હોવાની જાણ થઈ હતી.

પૂજારા જ્યારે 17 વર્ષના હતા ત્યારે જ તેમનાં માતાનું અવસાન થયું હતું.

ઈએસપીએનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પૂજારાએ કહ્યું હતું કે તેઓ તેમનાં માતાની ખૂબ નજીક હતા.

લાઇન
લાઇન

તેમણે કહ્યું, "તેમનાં માતાએ હંમેશાં એવું સપનું જોયું હતું કે તેઓ એક દિવસ ભારતીય ટીમમાં રમે."

"મારા માતાએ કહ્યું હતું કે હું ખૂબ સારો માણસ બનીશ. તેઓ ખૂબ ધાર્મિક હતાં. તેમનું 2005માં અવસાન થયું હતું."

જ્યારે તેમનાં માતાનું અવસાન થયું ત્યારે ચેતેશ્વર પૂજારા ભાવનગરમાં એક મૅચ રમી રહ્યા હતા અને આ દુઃખદ સમાચાર તેમને ત્યાં મળ્યા હતા.

હાલ 30 વર્ષના પૂજારાનો 25 જાન્યુઆરી 1988ના રોજ જન્મ થયો હતો.

line

પૂજારાના દાદા, પિતા અને કાકા પણ ક્રિકેટર

અરવિંદ પૂજારા

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

ઇમેજ કૅપ્શન, ચેતેશ્વરને રમતા જોઈ રહેલા તેમના પિતા અરવિંદ પૂજારા

ચેતેશ્વર પૂજારા એક ક્રિકેટનું બેકગ્રાઉન્ડ ધરાવતા પરિવારમાંથી આવે છે. તેમના દાદા, પિતા અને કાકા પણ ક્રિકેટર હતા.

તેમના દાદા શિવલાલ પૂજારા ખૂબ સારા લૅગસ્પિનર હતા અને તેઓ એક જમાનામાં ધાંગ્રધાના રાજ્ય તરફથી રમતા હતા.

તેમના પિતા અરવિંદ પૂજારા અને કાકા બિપિન પૂજારા પણ ક્રિકેટર હતા અને બંને રણજી ટ્રૉફીમાં સૌરાષ્ટ્ર તરફથી રમતા હતા.

તેમના કાકા બિપિન પૂજારાએ રણજી ટ્રૉફીમાં કુલ 36 મૅચ રમ્યા છે.

જેમાં તેમણે 1631 રન કર્યા છે. જેમાં 2 સદી અને 12 અડધી સદીનો સમાવેશ થાય છે.

તેઓ રાઇટ હૅન્ડ બૅટ્સમેન અને વિકેટકિપર હતા.

line

પિતાએ જ માતા અને કૉચનો રોલ અદા કર્યો

બાળપણમાં ક્રિકેટ રમી રહેલા ચેતેશ્વર પૂજારા

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

ઇમેજ કૅપ્શન, બાળપણમાં ક્રિકેટ રમી રહેલા ચેતેશ્વર પૂજારા

ચેતેશ્વર પૂજારાનાં માતાના અવસાન બાદ તેમના પિતાએ તેમની સંભાળ લેવાનું શરૂ કર્યું હતું. પૂજારા તેમનાં માતાપિતાનું એકમાત્ર સંતાન છે.

માતાના અવસાન બાદ તેમના પરિવારમાં ચેતેશ્વર પૂજારા અને તેમના પિતા બંને જ સભ્યો હતા. જેથી તેમના પિતાનો રૉલ ખૂબ મહત્ત્વનો બની ગયો હતો.

તેમના પિતા રેલવેમાં નોકરી કરતા હતા અને તેની સાથે સાથે તેઓ પૂજારાની સંભાળ રાખતા હતા.

તેમના પિતા અરવિંદ પૂજારાએ જ તેમને ક્રિકેટનું કૉચિંગ પૂરું પાડ્યું છે.

પૂજારાએ એક ઇન્ટરવ્યૂમાં તેમના પિતાની કૉચની ભૂમિકા વિશે વાત કરતાં કહ્યું કે તેઓ ઝીણી ઝીણી બાબતો પર ધ્યાન આપનારા, શિસ્તના સખત આગ્રહી અને કડક કૉચ હતા.

તેમણે કહ્યું હતું કે તેઓ જ્યારે જૂનિયર ક્રિકેટર હતા ત્યારે તેમના કૉચિંગ વખતે અન્ય શીખવા આવનારા જૂનિયરની જેમ જ તેમની સાથે વર્તતા હતા.

line

ઑસ્ટ્રેલિયા સામે જ બે બેવડી સદી

ચેતેશ્વર પૂજારા

ઇમેજ સ્રોત, Getty Images

હાલ ભારતીય ટીમના આધાર સ્તંભ ગણાતા ચેતેશ્વર પૂજારાએ 30 વર્ષની ઉંમરમાં 16 સદી ફટકારી છે. જેમાં 3 સદી ઑસ્ટ્રેલિયા સામે ફટકારી છે.

તેમણે કુલ 65 મૅચમાં 108 ઇનિંગ્સમાં 5028 રન કર્યા છે. તેમની ટેસ્ટ એવરેજ 50.28ની છે.

પૂજારાની ટેસ્ટ કૅરિયરમાં કુલ 16 સદીની સાથે સાથે 3 બેવડી સદી અને 19 અડધી સદીનો પણ સમાવેશ થાય છે.

લાઇન
લાઇન

પૂજારાની કૅરિયરમાં 3 બેવડી સદીમાંથી કુલ બે સદી તો તેમણે ઑસ્ટ્રેલિયા સામે જ ફટકારી છે.

અમદાવાદમાં ઇંગ્લૅન્ડ સામે 2012માં રમાયેલા એક ટેસ્ટ મૅચમાં તેમણે પોતાની કૅરિયરના સૌથી વધારે અણનમ 206 રન ફટકાર્યા હતા.

એ ઉપરાંત તેમણે ઑસ્ટ્રેલિયા સામે 2013માં હૈદરાબાદમાં 204 અને રાંચીમાં 2013માં ઑસ્ટ્રેલિયા સામે જ 202 રન ફટકાર્યા હતા.

line

ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટના બાદશાહ

ચેતેશ્વર પૂજારા

ઇમેજ સ્રોત, Getty Images

પૂજારાએ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં કુલ 180 મૅચ રમ્યા છે. જેમાં તેમણે 53.87ની સરેરાશથી 13,953 રન બનાવ્યા છે.

પોતાની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની કૅરિયરમાં તેમણે કુલ 45 સદીઓ અને 48 અડધી સદીઓ ફટકારી છે.

કુલ 294 ઇનિંગ્સમાં રમેલા પૂજારાનો હાઇએસ્ટ સ્કૉર 352 રન છે.

ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દિવાલ તરીકે ઓળખાતા પૂજારા કુલ મળીને પાંચ વખત શૂન્ય રને તથા પાંચ વખત માત્ર એક રન બનાવીને પણ આઉટ થયા છે.

વીડિયો કૅપ્શન, આ છે 2018માં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓ, દરરોજની કમાણી 18 અબજ કરતા વધારે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો