ભારતનો સૌથી ભારે સેટેલાઇટ લૉન્ચ, આમ વધશે ઇન્ટરનેટની સ્પીડ

ઇમેજ સ્રોત, EPA
ભારતનો સૌથી ભારે સેટેલાઇટ જીસેટ-11 બુધવારે સવારે ફ્રેન્ચ ગયાના ખાતે યુરોપિયન સ્પેસ એજન્સીની રૉકેટ દ્વારા લૉન્ચ થયો.
ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ઇંડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન, ઈસરો) મુજબ જીસેટ-11નું વજન 5,854 કિલોગ્રામ છે, જે સંગઠને બનાવેલો અત્યારસુધીનો સૌથી ભારે સેટેલાઇટ છે.
આ જિયોસ્ટેશનરી સેટેલાઇટ પૃથ્વની સપાટીથી 36 કિલોમીટર ઉપર ભ્રમણકક્ષામાં સ્થાપિત રહેશે.
આ સેટેલાઇટ એટલો મોટો છે કે તેની દરેક સોલર પૅનલ ચાર મીટરથી વધુ લાંબી છે. આ લંબાઈ એક સિડૅન કાર જેટલી છે.
જીસેટ-11માં કેયૂ-બૅન્ડ અને કેએ-બૅન્ડ ફ્રિકવન્સી ધરાવતા 40 ટ્રાન્સપોન્ડર છે, જે 14 ગીગાબાઇટ/સેકંડ સુધી ડેટા ટ્રાન્સફરની સ્પીડની સાથે હાઈ બૅન્ડવિથ કનેક્ટિવિટી આપી શકે છે.

જીસેટ-11ની ખાસિયત

ઇમેજ સ્રોત, ISRO
જાણીતા વિજ્ઞાન ક્ષેત્રના પત્રકાર પલ્લવ બાગલાએ બીબીસીને જણાવ્યું, "જીસેટ-11 ઘણો ખાસ છે. ભારતમાં બનેલો આ અત્યાર સુધીનો ભારે સેટેલાઇટ છે."
પરંતુ વજનદાર સેટેલાઇટનો અર્થ શું છે તે અંગે બાગલાએ કહ્યું, "ભારેનો મતલબ એવું નથી કે તે ઓછું કામ કરશે. કૉમ્યુનિકેશન સેટેલાઇટના ક્ષેત્રે ભારેનો મતલબ છે કે તે વધુ તાકતવર છે અને લાંબા સમય સુધી કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે."
બાગલાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી બનેલા સેટેલાઇટમાંથી આ સૌથી વધુ બૅન્ડવિથ લઈ જવા સક્ષમ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સેટેલાઇટની મદદથી સમગ્ર ભારતમાં ઇન્ટરનેટની સુવિધા મળી શકશે. ઉલ્લેખનીય છે કે આને પહેલાં દક્ષિણ અમેરિકા મોકલવામાં આવ્યો હતો, પરંતુ ટેસ્ટિંગ માટે પરત મોકલી દેવામાં આવ્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

ઇન્ટરનેટ માટે ઉપયોગ

ઇમેજ સ્રોત, ISRO
પલ્લવ બાગલાએ જણાવ્યું કે ઈસરો પાસે ચાર ટન ક્ષમતા ધરાવતા સેટેલાઇટ મોકલવાની ક્ષમતા છે, પરંતુ જીસેટ-11નું વજન લગભગ 6 ટન છે.
ભારત ક્યારે આવા ભારે સેટેલાઇટ મોકલી શકશે એ અંગે બાગલાએ જણાવ્યું, "તમે દરેક વસ્તુ બહાર નહીં મોકલવા માગતા હો છો, પરંતુ જ્યારે કોઈ વસ્તુ ખરેખર મોટી હોય ત્યારે આવું કરવું પડે છે."
"આપણે બસમાં મુસાફરી કરીએ છીએ, પરંતુ બસને આપણા ઘરમાં નથી રાખતા. તેવી રીતે જ્યારે તેની જરૂરિયાત હોય ત્યારે તેને ભાડે લઈએ છીએ. અત્યારે ઈસરો ભારે સેટેલાઇટ મોકલવા અંગે વિચાર નથી કરી રહ્યું, પરંતુ થોડાં વર્ષ બાદ જ્યારે સેમિ-ક્રાયજોનિક એન્જિન તૈયાર થશે, ત્યારે આવું થઈ શકે છે."
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સેટેલાઇટથી ઇન્ટરનેટ સ્પીડમાં વધારો થશે. બાગલા કહે છે, "સેટેલાઇટથી ઇન્ટરનેટની સ્પીડ નથી વધતી, પરંતુ તે ઑપ્ટિકલ ફાઇબરથી મળે છે."
"પરંતુ આ સેટેલાઇટથી કવરેજના મામલે ફાયદો થશે. અંતરિયાળ વિસ્તારોમાં ઇન્ટરનેટ પહોંચાડવામાં ફાયદો થશે. ઘણી એવી જગ્યાઓ છે જ્યાં ફાઇબર પહોંચાડવા મુશ્કેલ છે, ત્યાં આ સેટેલાઇટની મદદથી ઇન્ટરનેટ પહોંચાડી શકાશે."


સેટેલાઇટ કેવી રીતે કામ કરશે?

ઇમેજ સ્રોત, ISRO
આ સેટેલાઇટનો એક ફાયદો એવો પણ છે કે જ્યારે પણ ફાઇબર કેબલને નુકસાન થશે, તો ઇન્ટરનેટ સંપૂર્ણ રીતે બંધ નહીં થાય. આ સેટેલાઇટની મદદથી તે ચાલતું રહેશે.
ઈસરો પોતાના જીએસએલવી-3 લૉન્ચરની વજન ઉઠાવવાની ક્ષમતા ઉપર પણ કામ કરી રહ્યું છે.
જીસેટ-11 હાઇ-થ્રુપૂટ કૉમ્યુનિકેશન સેટેલાઇટ છે જેનો હેતુ ભારતના મુખ્ય ક્ષેત્ર અને આસપાસના વિસ્તારોમાં મલ્ટી-સ્પૉટ બીમ કવરેજ ઉપલબ્ધ કરાવવાનો છે.
આ સેટેલાઇટ એટલા માટે ખાસ છે કારણ કે આ ઘણાં સ્પોટ બીમ ઉપયોગ કરે છે, જેનાથી ઇન્ટરનેટ સ્પીડ અને કનેક્ટિવિટી વધી જાય છે.
સ્પૉટ બીમનો સંબંધ સેટેલાઇટ સિગ્નલથી છે જે એક ખાસ ભૌગૌલિક ક્ષેત્રને કેન્દ્રિત કરે છે. બીમ જેટલા પાતળા હશે, સિગ્નલ વધુ પાવરફૂલ હશે.
આ સેટેલાઇટ સમગ્ર દેશને કવર કરવા માટે બીમ અથવા સિગ્નલને બીજીવાર ઉપયોગ કરે છે.
ઈનસેટ જેવા પારંપરિક સેટેલાઇટ બ્રૉડ સિગ્નલ બીમનો ઉપયોગ કરે છે, જે સમગ્ર વિસ્તારને કવર કરવા માટે સક્ષમ નથી.

અગાઉ લૉન્ચિંગ કેમ ટળ્યું હતું?

ઇમેજ સ્રોત, ISRO
સૌપ્રથમ જીસેટ-11 આ વર્ષે માર્ચ-એપ્રિલમાં લૉન્ચ થવાનો હતો, પરંતુ જીસેટ-6એ મિશન અસફળ થવાને કારણે તેને રદ કરી દેવામાં આવ્યું.
29 માર્ચના રોજ લૉન્ચ થનાર જીસેટ-6એના સિગ્નલ ખરાબીનું કારણ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં ગડબડી હતું.
એવી આશંકા હતી કે જીસેટ-11માં આવી જ મુશ્કેલી સામે આવી શકે છે, એટલા માટે તેનું લૉન્ચિંગ અટકાવી દેવામાં આવ્યું હતું.
ત્યારબાદ ઘણાં પરીક્ષણો કરવામાં આવ્યા અને જાણવા મળ્યું કે દરેક સિસ્ટમ સારી રીતે કાર્ય કરે છે.
ખાસ વાત એ છે કે ઈસરોનું ભારે વજન ઉઠાવનાર રૉકેટ જીએસએલવી-3 મહત્તમ ચાર ટન વજન ઉપાડી શકે છે.
ચાર ટનથી વધુ વજન ધરવતા ઇસરોના પેલોડ ફ્રેન્ચ ગયાનામાં યુરોપિયન સ્પેસપોર્ટથી મોકલવામાં આવે છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













