પાકિસ્તાનમાં આ ભારતીય ક્રિકેટર પાછળ લોકો દીવાના, ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયા

ઇમેજ સ્રોત, Getty Images
29 ટી-20 મૅચ, 37.48 રનની ઍવરેજથી 1012 રન અને 189.51નો જોરદાર સ્ટ્રાઇક રેટ.
આ આંકડા એ વિસ્ફોટક બૅટ્સમૅનના છે જેઓ પાકિસ્તાનમાં વર્ષ 2025માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા ક્રિકેટર બન્યા છે.
પોતાની ફટકાબાજીથી માત્ર દોઢ વર્ષની અંદર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અલગ ઓળખ બનાવનારા અભિષેક શર્મા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ પાકિસ્તાનમાં પણ ચાહકોમાં બહુ લોકપ્રિય છે.
બાબર આઝમ, શાહીનશાહ આફ્રિદી અને હારિસ રઉફ જેવા જાણીતા પાકિસ્તાની ક્રિકેટરો પણ ટૉપ 10માં સ્થાન મેળવી શક્યા નથી.
પાકિસ્તાનમાં અભિષેક શર્મા પછી સૌથી વધુ સર્ચ કરાયેલા ખેલાડી હસન નવાઝ છે. ત્યાર પછી ઇરફાન ખાન નિયાઝી, સાહિબઝાદા ફરહાન અને ત્યાર બાદ મોહમ્મદ અબ્બાસનો વારો આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
અભિષેક શર્મા 2025માં ઘણી વિસ્ફોટક ઇનિંગ્સ રમ્યા હતા. તે વર્ષે ઑસ્ટ્રેલિયા સામેની પાંચ મૅચની ટી-20 શ્રેણીમાં તેમણે 40.75ની સરેરાશ અને લગભગ 161ના સ્ટ્રાઇક રેટથી 163 રન બનાવ્યા હતા. ભારતે આ શ્રેણી 2-1થી જીતી હતી.
તે જ વર્ષે એશિયા કપમાં તેમણે પાકિસ્તાન સામે માત્ર 39 બૉલમાં 74 રન ફટકારીને ભારતને વિજય અપાવ્યો. તે સમયે તેમને ટી-20ના ઉભરતા સિતારા ગણવામાં આવતા હતા.
ભારત જ્યારે બેટિંગ માટે ઊતર્યું ત્યારે પાકિસ્તાનના બૉલર હરિસ રૌફે ભારતીય ઓપનિંગ જોડી સાથે ઉગ્ર દલીલ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રઉફ અને અભિષેક શર્મા વચ્ચે બોલાચાલી થઈ. ત્યાર પછી અમ્પાયરે દરમિયાનગીરી કરવી પડી હતી.
ઓપનિંગ બૅટ્સમૅન તરીકે અભિષેક શર્માએ છગ્ગા સાથે ભારતીય ઇનિંગની શરૂઆત કરી અને તોફાની ફટકાબાજી કરીને 39 બૉલમાં 74 રન બનાવ્યા હતા.
આ દરમિયાન તેમણે છ ચોગ્ગા અને પાંચ છગ્ગા લગાવ્યા હતા.
મૅચ પછી ભારતીય બૅટ્સમેન અભિષેક શર્માએ કહ્યું કે, "તેઓ (પાકિસ્તાની ખેલાડીઓ) જે રીતે મારી તરફ આવતા હતા, તે મને બિલકુલ પસંદ ન પડ્યું. તેના કારણે મેં આવી બેટિંગ કરી."
પિતા ભાવુક થયા

ઇમેજ સ્રોત, Matt Roberts - CA/Cricket Australia via Getty Images
એશિયા કપમાં અભિષેક શર્માના શાનદાર દેખાવ પછી બીબીસી સંવાદદાતા ભરત શર્માએ તેમના પિતા રાજકુમાર શર્મા સાથે વાત કરી હતી.
રાજકુમાર શર્માએ કહ્યું હતું, "હું ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમ્યો. હું મારી માતાને કહેતો હતો કે મારા બધા સાથી ખેલાડીઓ ભારત માટે રમે છે, પણ હું રમી શકતો નથી. મને ખબર નથી કે હું કેમ રમી શકતો નથી, કદાચ તે ભગવાનની ઇચ્છા હતી. ત્યારે મારી માતા જવાબ આપતી, 'દીકરા, કોઈ વાંધો નથી, તું રમ્યો નથી રમ્યો, પરંતુ તારો દીકરો ચોક્કસ ભારત માટે રમશે."
રાજ કુમાર શર્મા તે દિવસોની વાત કરતી વખતે ભાવુક થઈ જાય છે.
તેઓ કહે છે, "મારા માટે આ એક અદભુત સમય છે, ગર્વની ક્ષણ છે. દરેક માતાપિતા ઇચ્છે છે કે તેમનો દીકરો કે દીકરી પગભર થાય અને જે ક્ષેત્રની પસંદગી કરે, તેમાં શ્રેષ્ઠ બને."
તેઓ કહે છે, "અમારા દીકરાએ ઘણાં વર્ષો પહેલાં બેટ ઉપાડ્યું હતું, સંઘર્ષ કર્યો હતો અને ખૂબ જ મહેનત કરી હતી. આજે તે માત્ર ભારત માટે રમે છે એટલું જ નહીં, મેચ જીતાડે પણ છે. આ જોઈને મારું હૃદય ખુશ થાય છે."
યુવરાજ અને સેહવાગની સ્ટાઇલ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ક્રિકેટ નિષ્ણાતોને તેમનામાં વીરેન્દ્ર સેહવાગ જેવી આક્રમકતા અને યુવરાજસિંહની શાનદાર સ્ટાઇલ દેખાય છે.
અભિષેક શર્મા ખાસ કરીને યુવરાજસિંહથી વધારે પ્રભાવિત છે. રણજી ટ્રૉફી દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી.
પંજાબ ક્રિકેટ ઍસોસિયેશન ઇચ્છતું હતું કે અભિષેક અને શુભમનને રણજી ટ્રૉફીમાં તક આપવામાં આવે. આ તે સમયની વાત છે જ્યારે યુવરાજસિંહ પોતાની બીમારીમાંથી બહાર નીકળીને ભારતીય ટીમમાં વાપસી કરવાનો પ્રયાસ કરતા હતા અને બીસીસીઆઇના નિર્દેશ પર રણજી ટ્રૉફી રમવા આવ્યા હતા.
યુવરાજસિંહને કહેવામાં આવ્યું કે અંડર-19 ટીમના બે છોકરા આવી રહ્યા છે. તેમને કહેવામાં આવ્યું કે તેમાંથી એક ઓપનિંગ બૅટ્સમૅન છે અને બીજો ડાબોડી સ્પિનર છે.
રાજકુમાર શર્મા યાદ કરે છે, "યુવરાજે કહ્યું હતું કે તેને બૅટ્સમૅનની જરૂર છે, કારણ કે તેમની પાસે પહેલાંથી જ બૉલરો હતા. પસંદગીકારોએ કહ્યું કે તેમણે બંને ખેલાડીઓને તક આપવી પડશે. એક મૅચમાં ત્રણ કે ચાર ખેલાડીઓ વહેલા આઉટ થઈ ગયા હતા. યુવરાજ બેટિંગ કરતા હતા. તેમણે અભિષેકને પૅડ પહેરીને આવવા કહ્યું. પછી તેઓ મેદાન પર આવ્યો અને યુવરાજ જોતા રહ્યા. તેઓ 40 રન પર બેટિંગ કરતા હતા, જ્યારે અભિષેકે મેદાન પર આવીને ફટાફટ 100 રન બનાવ્યા."

ઇમેજ સ્રોત, CA/Cricket Australia via Getty Images
શર્માએ જણાવ્યું કે યુવરાજસિંહે મેદાન પર જ પૂછ્યું કે શું અભિષેકને તેમની સાથે તાલીમ લેશે. અભિષેકે જવાબ આપ્યો કે તેઓ યુવરાજને પોતાના આદર્શ અને ભગવાન માને છે અને તેમને જોઈને જ રમવાનું શીખ્યા છે. ત્યારથી તેઓ અભિષેકને તાલીમ આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર બંનેના ઘણા વીડિયો વાઇરલ થયા છે. આવા જ એક વીડિયોમાં યુવરાજસિંહ અભિષેક શર્માને કહે છે, "તમે ન સુધર્યા. માત્ર છગ્ગા ફટકાર્યા. પણ બૉલ ન રમ્યા." કહેવાનો અર્થ એવો હતો કે તમને માત્ર છગ્ગા મારવા છે, પણ સાથે સાથે ગ્રાઉન્ડ શૉટ પણ રમવા જોઈએ.
તેમના પિતા સમજાવે છે, "યુવરાજ જ તેને તાલીમ આપે છે. તેઓ મારા પુત્રની સંપૂર્ણ કાળજી રાખે છે. તેમણે તેને માનસિક અને શારીરિક રીતે મજબૂત બનાવ્યો છે. પોતાની આખી ટીમ તેની પાછળ લગાવી છે જેથી એક પણ દિવસ ચૂકી ન જાય. કોઈ વર્લ્ડ ક્લાસ ઑલરાઉન્ડર તાલીમ આપતા હોય ત્યારે કલ્પના કરો કે કોઈ ખેલાડી ક્યાં સુધી પહોંચી શકે. આ તો ફક્ત શરૂઆત છે!"
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન












