ભારતની વર્લ્ડ ચૅમ્પિયન બ્લાઇન્ડ મહિલા ક્રિકેટરોની કહાણી, જેમણે સીમાડા તોડીને ઇતિહાસ રચ્યો

ઇમેજ સ્રોત, Getty Images
"સારું થયું કે હું જોઈ નથી શકતી, કારણ કે આના કારણે જ હું વર્લ્ડકપ રમી રહી છું. જો દેખાતું હોત તો હું તેમની માફક સાત-આઠ ધોરણ સુધી ભણત અને લગ્ન થઈ ગયાં હોત."
હાલમાં જ વીમેન્સ બ્લાઇન્ડ ટી20 વર્લ્ડકપ 2025માં ચૅમ્પિયન બનેલી ભારતીય ટીમનાં સભ્ય રહેલાં ગંગા એસ. કદમ પોતાની ખુશી કંઈક આવી રીતે વ્યક્ત કરે છે.
ભારતીય ટીમે ગત અઠવાડિયે વીમેન્સ બ્લાઇન્ડ ટી20 વર્લ્ડકપ 2025નો ખિતાબ પોતાના નામે કર્યો. આ ટુર્નામેન્ટ પ્રથમ વખત આયોજિત કરાઈ હતી.
ભારતની ટીમે આ ટુર્નામેન્ટમાં જીત હાંસલ કરી એટલું જ નહીં, પરંતુ આખી ટુર્નામેન્ટમાં ટીમ અજેય પણ રહી.
ટીમનાં ખેલાડીઓ સાથેની વાતચીતમાં એ વાત સામે આવી કે આ મુકામ સુધી પહોંચવા માટે તેમણે કેટલા પડકારોનો સામનો કરવો પડ્યો. તેમણે એ પણ જણાવ્યું કે નાનાં-નાનાં ગામડાંમાંથી આવીને આ મુકામ સુધી પહોંચવાની તેમની આ સફર ખૂબ કપરી રહી.
બીબીસીના સાપ્તાહિક કાર્યક્રમ 'ધ લેન્સ'માં કલેક્ટિવ ન્યૂઝરૂમના ડાયરેક્ટર ઑફ જર્નાલિઝ્મ મુકેશ શર્માએ ભારતીય ટીમનાં ખેલાડીઓ સાથે વાત કરી.
આ વાતચીતમાં ભારતીય ટીમનાં ખેલાડી સુષમા પટેલ, ગંગા એસ. કદમ, દીપિકા ટીસી, સીમુ દાસ, ફૂલા સોરેન અને ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમનાં મૅનેજર શિખા શેટ્ટી સામેલ થયાં.
બ્લાઇન્ડ ક્રિકેટ કેવી રીતે રમાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
બ્લાઇન્ડ ક્રિકેટ સામાન્ય ક્રિકેટ કરતાં ઘણી ખરી રીતે અલગ હોય છે. તેના નિયમોમાં ખેલાડીઓની દૃષ્ટિ ક્ષમતા અનુસાર વિશેષ બદલાવ કરાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમનાં મૅનેજેર શિખા શેટ્ટીએ આ અંગે વિસ્તારપૂર્વક વાત કરી.
શિખા શેટ્ટી જણાવે છે કે બ્લાઇન્ડ ક્રિકેટમાં વપરાતો બૉલ સામાન્ય ક્રિકેટમાં વપરાતા બૉલથી બિલકુલ અલગ હોય છે. આ રમતમાં પ્લાસ્ટિકના બૉલનો ઉપયોગ કરાય છે.
બૉલની અંદર ધાતુની એક ખૂબ નાની બેરિંગ હોય છે. જ્યારે બૉલ હલે ત્યારે તેમાં ઝણઝણાટી થાય છે. ખેલાડીઓ આ અવાજના આધારે બૉલની દિશા અને ગતિનો અંદાજ માંડતા હોય છે.
બ્લાઇન્ડ ક્રિકેટમાં ખેલાડીઓને તેમની દૃષ્ટિ ક્ષમતાના આધારે ત્રણ કૅટેગરીમાં વિભાજિત કરાય છે. આ કૅટેગરીને બી1, બી2 અને બી3 કહેવાય છે.

ઇમેજ સ્રોત, Getty Images/BBC
આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે, એક ટીમમાં સામાન્યપણે બી1 કૅટેગરીના ચાર ખેલાડી, બી2 કૅટેગરીના ત્રણ ખેલાડી અને બી3 કૅટેગરીના ચાર ખેલાડી સામેલ હોય છે.
શિખા કહે છે કે આ કૅટેગરી સિવાય પણ બ્લાઇન્ડ ક્રિકેટ ઘણી બધી બાબતોમાં સામાન્ય ક્રિકેટ કરતાં અલગ હોય છે. અહીં ખેલ સંપૂર્ણપણે સંવાદ પર આધારિત હોય છે.
તેઓ કહે છે કે બૉલર પહેલા વિકેટકીપર અને ફીલ્ડરોને પૂછે છે કે શું તેઓ તૈયાર છે. બાદમાં બૅટ્સમૅનને પૂછે છે કે 'શું તમે તૈયાર છો?', બૅટ્સમૅન 'હા' કહે એ બાદ તરફ 'પ્લે' કહીને બૉલ નાખે છે.
આ રમતમાં વિકેટકીપર બૉલરને કઈ લાઇન પર બૉલ નાખવો એનું માર્ગદર્શન આપે છે.
બ્લાઇન્ડ ક્રિકેટમાં જે સ્ટમ્પ્સનો ઉપયોગ થાય છે, એ ધાતુની હોય છે, આવી સ્થિતિમાં જ્યારે બૉલર સ્ટમ્પ સાથે અથડાય છે, તો જોરથી અવાજ થાય છે, જેનાથી ખેલાડીઓને ખબર પડે છે કે વિકેટ પડી ગઈ છે.
શિખા શેટ્ટી જણાવે છે કે બી1 કૅટેગરીના ખેલાડી જ્યારે દોડીને રન બનાવે છે, તો તેમના દરેક રનને બમણા ગણવામાં આવે છે.
'હું મારાં માતાપિતાની ઓળખ બની'

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમનાં કૅપ્ટન દીપિકા ટીસી કહે છે કે આ પળ તેમના માટે અત્યંત ગર્વની પળ છે. તેઓ કહે છે કે આ તેમનો પ્રથમ ટી20 વર્લ્ડકપ હતો અને પ્રથમ પ્રયાસમાં જ ટીમ વિજેતા બની.
દીપિકા કહે છે કે, "અમારી ખેલાડીઓએ ઘણી મહેનત કરી. હું આ વર્લ્ડકપ આપણા સૈન્યને સમર્પિત કરું છું."
જીત બાદ ટીમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ મુલાકાતને યાદ કરતાં દીપિકા કહે છે કે, "તેમણે અમારી સાથે જેવી રીતે અમારા પિતા વાત કરે છે એવી રીતે વાત કરી."
આ ટીમનાં અન્ય એક ખેલાડી ફૂલા સોરેન પોતાની કહાણી સંભળાવતા એ મુશ્કેલીઓનો ઉલ્લેખ કરે છે, જેમાંથી પસાર થઈને તેઓ અહીં સુધી પહોંચ્યાં છે.
તેઓ કહે છે કે, "બધા કહેતા કે આ આંધળી છે, શું કરશે, ક્યાં જશે. આ સાંભળીને ખૂબ ખરાબ લાગતું, પરંતુ હવે એ જ લોકો લોકો કહે છે કે જ્યાં અમે ન પહોંચી શક્યા, ત્યાં તમે ગયાં. તમને લોકો ઓળખે છે."
ફૂલાનું કહેવું છે કે લોકોને સામાન્ય રીતે માબાપનાં નામથી ઓળખવામાં આવે છે, પરંતુ 'મેં મારાં માતાપિતાને ઓળખ આપી છે.'
તેઓ કહે છે કે, "જો મારા પિતા ક્યાંક બહાર જાય તો લોકો કહે છે કે, 'અરે, આ તો ફૂલાના પિતા છે." આ સાંભળીને મને ખૂબ ગર્વનો અનુભવ થાય છે."
શરૂઆતમાં મુશ્કેલી પડી

ભારતીય ટીમનાં ખેલાડી સીમુ દાસે પોતાના પ્રારંભિક સંઘર્ષને યાદ કરતાં કહ્યું કે જ્યારે તેમણે પ્રથમ વખત ક્રિકેટ રમવાનો નિર્ણય લીધો, તો ગામમાં લોકોએ ઘણા પ્રકારની વાતો કરી. તેઓ કહે છે કે, "ગામના લોકો કહેતા કે તું દિલ્હી જઈને શું કરીશ."
સીમુ અનુસાર, ગામના લોકો સામાન્ય રીતે એવું વિચારતા કે દિલ્હી છોકરીઓ માટે સુરક્ષિત સ્થળ નથી. તેઓ કહે છે કે, "જ્યારે હું ભણવા માટે દિલ્હી આવી, ત્યારે પણ તેમણે ઘણું બધું કહ્યું, પરંતુ મેં કોઈની વાત ન માની."
તેઓ કહે છે કે, "પરંતુ મેં રમવાનું શરૂ કરતાંની સાથે જ મારી રાષ્ટ્રીયસ્તરે રમવા માટે પસંદગી થઈ. બાદમાં ઇન્ટરનૅશનલ માટે પસંદગી થઈ. મારી પ્રથમ આંતરરાષ્ટ્રીય મૅચ નેપાળની સામે હતી. જ્યારે હું ત્યાં રમવા ગઈ, તો લોકો કહેવા લાગ્યા, 'અમે નેપાળનો ચહેરોય નથી જોયો, અને તું નેપાળ ફરી આવી.'"
સીમુ કહે છે કે તેમના પ્રત્યે લોકોનો દૃષ્ટિકોણ ધીરે ધીરે બદલાયો. "પહેલાં જ્યારે હું હૉસ્ટેલથી ઘરે જતી, તો કોઈ પૂછતુંય નહીં, પરંતુ હવે લોકો કહે છે, 'અરે, તમારી દીકરી આવી ગઈ છે.'"
તેમણે કહ્યું, "મને લાગે છે કે હું બ્લાઇન્ડ છું, એટલે જ વિશ્વપ્રવાસ કરી રહી છું. કેટલાય લોકોને મહેનત અને નોકરી કરવા છતાં ક્યાંય જવાની તક નથી મળતી."
ખેલાડીઓની શું માગ છે?

ખેલાડીઓનું કહેવું છે કે જેવી રીતે નૉર્મલ ક્રિકેટને સપોર્ટ કરાય છે, એવી જ રીતે તેમના પર પણ ધ્યાન અપાય. તેઓ કહે છે કે હજુ પણ આવા ખેલાડીઓ માટે મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી.
કૅપ્ટન દીપિકા કહે છે કે, "હું એક જ આગ્રહ કરું છું કે સરકાર અમારા માટે પણ થોડી મદદ કરે. આવું કરવાથી અમારા જુનિયર પણ આગળ વધશે."
"જેવી રીતે તમે લોકો નૉર્મલ ક્રિકેટને સપોર્ટ કરો છો, અમારી ઇચ્છા છે કે લોકો બ્લાઇન્ડ ક્રિકેટને પણ એટલો જ સપોર્ટ કરે."
સીમુ દાસે કહ્યું, "અમને દેખાતું નથી, તેથી અમે નૉર્મલ ક્રિકેટ નથી રમી શકતા. જો અમને રમવા માટે સારું મેદાન મળી જાય અને થોડું ભંડોળ વગેરે મળી જાય તો અમે પણ સારું પ્રદર્શન કરીશું."
શિખા શેટ્ટીનું કહેવું છે કે એવું ન કહી શકીએ કે બ્લાઇન્ડ ક્રિકેટ માટે સપોર્ટ નથી.
તેમણે કહ્યું, "કેટલીક સરકારો અમને ઘણો સપોર્ટ કરી રહી છે, પરંતુ જ્યારે રમતની વાત આવે છે તો મૂળભૂત સુવિધાઓ અહીં નથી. નૉર્મલ સ્ટેડિયમની માફક બ્લાઇન્ડ્સ માટે આવું કોઈ મેદાન નથી."
શિખાએ કહ્યું, "સ્કૂલ, જિલ્લામાં જે મૂળભૂત સુવિધાઓ આ લોકોને મળવી જોઈએ એ આ લોકોને નથી મળતી. જો તેમને સપોર્ટ મળ્યો તો આ લોકોનુંય લેવલ બદલાઈ જશે, જેવી રીતે આપણે નૉર્મલ ક્રિકેટમાં જોઈએ છીએ, તેઓ એ લેવલે પહોંચી જશે."
તેમજ સીમુએ કહ્યું, "અમને લોકોને ફંડ્સ વગેરે વધુ નથી મળતું, ગ્રાઉન્ડ નથી મળતું. જો અમને ગ્રાઉન્ડ વગેરે મળે તો જ અમે વધુ સારું કરી શકીએ."
સમાજના પડકારો

તમામ ખેલાડીઓએ એ પડકારો અંગે જણાવ્યું જેનો સામનો તેઓ સામાન્યપણે ગામ કે શેરીઓમાં કરે છે. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે તેમણે એ વાતોને અવગણીને પોતાના લક્ષ્ય તરફ આગેકૂચ ચાલુ રાખી.
ગંગા પોતાની કહાણી બતાવે છે, "અમારા ઘરે આઠ બહેનો છે. તમામનાં સાત-આઠ ધોરણ સુધીમાં જ લગ્ન થઈ ગયાં, તેથી કોઈ રમતમાં નહોતી. હું એકલી બ્લાઇન્ડ હતી. મારી બધી બહેનોને દેખાતું હતું અને મને નહીં. તેથી મને ઘણું ખરાબ લાગતું."
તેમણે કહ્યું કે, "પરંતુ મને નથી દેખાતું એ જ સારું થયું, કારણ કે જો નથી દેખાતું એટલે જ વર્લ્ડકપ રમી રહી છું. જો દેખાતું હોત, તો હું પણ સાત-આઠ ધોરણ ભણી હોત, પછી મારા પણ લગ્ન થઈ ગયાં હોત."
બીજી તરફ સુષમા પટેલ કહે છે કે, "પિતાનું સ્વપ્ન હતું કે મારું કોઈ બાળક તો ક્રિકેટ રમે. મોટા ભાગે તેઓ દીકરાને સપોર્ટ કરતાં, પરંતુ તેમણે અમારા માટે પણ કર્યું."
"બધાના જીવનમાં પડકારો હોય છે. મારા માટે પણ એવું જ હતું. પિતાનું સ્વપ્ન તો હતું, પરંતુ ગામથી બહાર નીકળવું મુશ્કેલ હતું. મારા ગામમાં 12-14 વર્ષની ઉંમરમાં તો દીકરીનાં લગ્ન કરી દેવાય છે. મારા પિતાના વિચાર અલગ હતા. તેમના કારણે જ હું આગળ નીકળી શકી."
તેમણે કહ્યું, "ગામલોકો મારા પિતાના કહેતા કે છોકરીનાં તો લગ્ન થઈ જશે, તેમની પાસેથી શું મળશે. છોકરાને જુઓ, તેઓ ઘર ચલાવશે. તેઓ જ ઘરના દીપક છે."

સુષમાએ કહ્યું, "ગામના લોકો પહેલાં કહેતા કે આ કઈ ક્રિકેટ છે. આવી તો ગલીનાં બાળકો ક્રિકેટ રમતાં અને આ લોકો ઇન્ટરનૅશનલમાં રમી રહ્યા છે, પરંતુ હવે બધા સારું બોલે છે."
"અમારાં જેવાં ઘણાં બાળકો છે, જે કંઈ નથી કરી શકતાં. તેથી અમે ઇચ્છીએ છીએ કે જે બાળકો પોતાનાં ભવિષ્ય જુએ છે, તેમને પણ અમારા કારણે આ તક મળે."
ફૂલા કહે છે કે, "અમે વારંવાર બહાર જઈએ છીએ, તો લોકો કહે છે કે આ છોકરીઓ બહાર જાય છે. શું કરે છે. લોકો ખૂબ ખરાબ વાતો કરે છે. તેઓ કહે છે કે છોકરી છે, તેથી ઘરે રહેશે તો સુરક્ષિત રહેશે. જો હું ક્રિકેટ ન રમતી રહેતી તો કદાચ એ જ નાનકડા ગામમાં રહી ગઈ હોત અને મારાંય લગ્ન થઈ ગયાં હોત."
"હવે હું સારાં કપડાં પહેરી રહી છું અને મોદીજીને મળી છું. આ માત્ર ક્રિકેટના કારણે જ શક્ય બન્યું છે."
સીમુ કહે છે કે, "જો બ્લાઇન્ડ ક્રિકેટની વાત કરીએ તો પડકારો ઘણા છે. જ્યારે અમે પહેલી વાર ઘરમાંથી બહાર નીકળીએ છીએ તો લોકો નથી ઇચ્છતા કે છોકરીઓ કંઈ કરે. જો અમે કહીએ કે અમારે ઘરમાંથી બહાર નીકળવું છે તો બધી બાબતોને ખોટી રીતે જોવામાં આવે છે. કહેવાય છે કે ખબર નહીં ક્યાં જશે, શું કરીને આવશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












