કાન્ત : એ કવિ જેમનું રેલવે સ્ટેશન પર મૃત્યુ થયું અને એ જ દિવસે એકમાત્ર કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ થયો

કવિ કાન્ત, લાહોર રેલવે સ્ટેશન, કાન્તના પત્રો, પંડિત યુગ, બીબીસી ગુજરાતી, ગુજરાત, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, મણિશંકર રત્નજી ભટ્ટ, અમરેલી, ચાવંડ ગામ, સ્વીડનબૉર્ગ, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ

ઇમેજ સ્રોત, Kantmala book

ઇમેજ કૅપ્શન, કવિ કાન્ત (મણિશંકર રત્નજી ભટ્ટ)નો જન્મ 20 નવેમ્બર, 1867માં થયો હતો અને અવસાન 16 જૂન, 1923માં થયું હતું
    • લેેખક, સુરેશ ગવાણિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

'ચિ. પ્રાણલાલની હયાતી અને સુખ સિવાય મારી બીજી કશી સ્પૃહા નથી, કશું જીવિત પ્રયોજન નથી. દુનિયાના સુખથી હું બેદરકાર છું.'

નાની વયે પત્નીના અવસાન બાદ પોતાના પુત્રના પાલનપોષણની ઇચ્છા રાખતા કવિ 'કાન્ત' એક પત્રમાં આવું લખે છે.

પંડિત યુગના કવિઓમાં કવિ કાન્ત મોખરાનું સ્થાન ધરાવે છે. તેમણે રચેલાં ખંડકાવ્યો આજે પણ ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સર્જનોમાં સ્થાન પામે છે. 'વસંતવિજય', 'ચક્રવાકમિથુન' અને 'દેવયાની' એ એમનાં જાણીતાં ખંડકાવ્યો છે.

સાહિત્યકારોનું માનવું છે કે કાન્તનું જીવન જોવું અને જાણવું હોય તો એમના પત્રોમાંથી પસાર થવું પડે.

2009માં દર્શના ધોળકિયાએ કાન્તના પત્રોનું સંપાદન કર્યું અને તેમાં અંદાજે 700 પત્રનો સમાવેશ કર્યા છે. આ પત્રોમાં કાન્તના જીવનની ઘટનાઓ, વેદના, આઘાત વગેરે જોઈ શકાય છે.

ગુજરાતી ભાષાનાં પ્રોફેસર નિવ્યા પટેલે કાન્ત, મેઘાણી અને કલાપિના પત્રોનું સંપાદન કર્યું છે.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "આ એક એવા સર્જક છે, જેમણે પોતાની આત્મકથા નથી આપી, એમનું કોઈએ જીવનચરિત્ર પણ લખ્યું નથી. નથી કોઈ ઇન્ટરવ્યૂ આપ્યાં. એમનું જીવન એમના પત્રોમાં છે."

તેઓ કહે છે, "કેટલાક પત્રોમાં થોડુંક કટ,પેસ્ટ થયું હોય એવું લાગે છે. ક્યાંક ખાલી જગ્યા હોય, ઘણી વાર આપણને એવા પ્રશ્નો થાય કે આ પત્રો તેમણે કોને લખ્યા હશે. આથી કેટલાકમાં ચોક્કસ માહિતી મળતી નથી."

નાટક બાદ ફિલ્મી પડદે કાન્ત

કવિ કાન્ત, લાહોર રેલવે સ્ટેશન, કાન્તના પત્રો, પંડિત યુગ, બીબીસી ગુજરાતી, ગુજરાત, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, મણિશંકર રત્નજી ભટ્ટ, અમરેલી, ચાવંડ ગામ, સ્વીડનબૉર્ગ, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ

ઇમેજ સ્રોત, gujaratisahityaparishad.com

ઇમેજ કૅપ્શન, પંડિત યુગના કવિઓમાં કવિ કાન્ત મોખરાનું સ્થાન ધરાવે છે. તેમણે રચેલાં ખંડકાવ્યો આજે પણ ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સર્જનોમાં સ્થાન પામે છે

કાન્ત ગુજરાતમાં એટલા માટે પણ ચર્ચામાં છે કે સુરતના યુવાન જય ખોલિયાએ કવિ કાન્તના જીવન પર એક ફિલ્મ બનાવી છે.

'પૂર્વાલાપ ફાઉન્ડેશન' પરિવારે ફૅલોશિપ આપવાની શરૂઆત કરી અને પ્રથમ લાભ તેમને મળ્યો છે.

જય ખોલિયા કાન્તના જીવનને નવા સ્વરૂપે લોકો સમક્ષ મૂકી રહ્યા છે. ફિલ્મમાં કાન્તના જીવન અને તેમની કવિતાને સાથે મૂકીને રજૂ કરી છે.

જય ખોલિયા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "એમનું (કાન્ત) જીવન જોતાં તમને બે અલગ-અલગ વિચારો મળશે. એક તો રામનારાયણ વિશ્વનાથ પાઠકે જ્યારે 'પૂર્વાલાપ'નું સંપાદન કર્યું ત્યારે તેઓ લખે છે કે 'કવિ કાન્તનું જીવન એમની કવિતાઓમાં છે'. પણ જ્યારે 1924 કાન્તમાળા પુસ્તક બહાર આવ્યું ત્યારે બળવંતરાય ઠાકોરે કહ્યું કે 'કવિ કાન્તનું જીવન એમના પત્રોમાં છે.'"

ઉલ્લેખનીય છે કે કવિ કાન્તના જીવન પર ગુજરાતના જાણીતા વિવેચક નાટ્યકાર સતીશ વ્યાસે 'જળને પડદે' નાટક રચ્યું છે, જેના અત્યાર સુધીમાં 84 શો થયા છે.

એક બાદ એક સ્વજનોનાં મૃત્યુ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કવિ કાન્તના જીવનમાં એક પછી એક કરુણ ઘટનાઓ બનતી રહી અને તેમને જીવનમાં આઘાત આપતી રહી. ચોવીસમા વર્ષે પ્રથમ પત્નીનું મૃત્યુ, એકત્રીસમા વર્ષે પુત્રનું મૃત્યુ, ત્યાર બાદ બીજી પત્નીનું, પુત્રીનું મૃત્યુ.

કવિ કાન્ત (મણિશંકર રત્નજી ભટ્ટ)નો જન્મ 20 નવેમ્બર, 1867માં થયો હતો અને અવસાન 16 જૂન, 1923માં થયું હતું.

અમરેલી જિલ્લાનું ચાવંડ એમનું જન્મસ્થાન. તેઓ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ હતા. કાન્ત અગિયાર વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું.

કાન્તનું પ્રથમ લગ્ન (1883) સોળ વરસની નાની વયે નર્મદાબહેન સાથે થયું હતું, જેમને તેઓ 'નદી' કહેતા. જોકે થોડા સમયમાં નર્મદાબહેનનું મોત (1891) થયું હતું. ત્યાર બાદ એમના પુત્ર પ્રાણલાલ (દસેક વર્ષની વયે)નું પણ અવસાન (1899) થયું હતું.

પ્રથમ પત્નીના અવસાનથી તેઓ શોકગ્રસ્ત રહેતા અને તેમની 'ધાર્મિક સાંત્વન' મેળવવાની જિજ્ઞાસા વધતી ગઈ.

1892માં તેમનું બીજું લગ્ન થયું હતું અને એમનાં પત્નીનું નામ પણ નર્મદા હતું, જેમને તેઓ 'ન્હાની' કહેતા.

કવિ કાન્તે થોડો સમય સુરતમાં શિક્ષક તરીકે કામ કર્યા પછી વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક અને ટ્રેનિગ કૉલેજના આચાર્ય તરીકે કામ કર્યું હતું.

કાન્તનું સર્જન અને સાહિત્યિક દીર્ઘદૃષ્ટિ

કવિ કાન્ત, લાહોર રેલવે સ્ટેશન, કાન્તના પત્રો, પંડિત યુગ, બીબીસી ગુજરાતી, ગુજરાત, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, મણિશંકર રત્નજી ભટ્ટ, અમરેલી, ચાવંડ ગામ, સ્વીડનબૉર્ગ, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ

ઇમેજ સ્રોત, Purvalap book

ઇમેજ કૅપ્શન, કવિતા અંગે કાન્તનો અભિપ્રાય

કવિ કાન્તની કવિતા પશ્ચિમી કવિતાસમૃદ્ધિથી પ્રભાવિત હતી એ તેમના પત્રોમાં જોવા મળે છે.

એક પત્રમાં તેઓ કહે છે, 'કવિતામાં તો ઇંગ્લિશ ભાષાના જેટલી બીજી કોઈ સમૃદ્ધિવાન હશે, એ મારી કલ્પનામાં નથી આવી શકતું. માથું હલાવે એવી કવિતા સંસ્કૃતમાં છે, પણ વાંચતાં હૃદયમાં (Vibrations-આંદોલનો) થઈ જાય, એવી તો મેં ઇંગ્લિશમાં અને તે હમણાં જ જોઈ.'

1891ના એક અંગ્રેજી પત્રમાં તેઓ લખે છે, 'આ આપણી હજુ બાલ્યાવસ્થા ચાલે છે, તેમાં કવિતા લખવી કેટલી તો મુશ્કેલ છે તે હું જાણું છું. હું પોતે છેક આશાહીન છું. મારું યત્કિંચિત્ લખાણ કશી આશા આપે એવું નથી. પણ અંગ્રેજી કવિતાનો અભ્યાસ જે આટઆટલો અવિશ્વાસ ઉપજાવે છે, તે કવિતાપરીક્ષણના કેટલાક અતિ કડક નિયમો પણ શીખવે છે, અને એ કસોટીએ તપાસી જોતાં ગુજરાતી કવિતાઓમાંથી બહુ જ થોડી મને સારી લાગે છે. ખરેખર, સંસ્કૃત કવિતાના પણ મોટા ભાગને કચરો જ ગણતો થયો છું, અને હું ધારું છું કે પ્રેમાનન્દ કંઈ કવિ નહીં, માત્ર પદ્ય જોડનારો હતો એમ બહુ સહેલાઈથી સાબિત થઈ શકે.'

જોકે ગુજરાતી વિવેચકો કાન્તના આ નિવેદનને તેમનું અંગત ગણે છે અને ઘણા તેના પર અસહમતિ દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે મધ્યકાળના કવિ પ્રેમાનંદને ગુજરાતી સાહિત્યમાં 'મોટા કવિ' ગણવામાં આવે છે.

'અર્વાચીન કવિતા'માં સુંદરમ લખે છે, 'પંદર વરસે દલપતશાહી રીતે પ્રારંભાયેલી કાન્તની કવિતા પાંચ જ વરસમાં પોતાની કાયાપલટ કરી લે છે, અને 21-22 વરસની નાની ઉંમરે તો તેઓ કળાની પૂર્ણ હથોટી મેળવી લે છે. પણ તે એટલું જ બતાવે છે કે કાન્તની શક્તિએ પોતાનો અનોખો માર્ગ બહુ જોતજોતામાં શોધી લીધો. 1887થી 1890 સુધીનાં ચાર વરસ કાન્તની કવિતાનાં સમૃદ્ધ વરસો છે. એ વરસોમાં એમનાં ઉત્તમ ખંડકાવ્યો લખાયાં. તે પછી ધર્મમંથનની અંદર તેમનું કાવ્ય મંદ થઈ જાય છે. તોપણ તેણે પોતાની ઉત્કૃષ્ટતા કદી ગુમાવી નથી.'

રામનારાયણ વિ. પાઠક નોંધે છે- 'સર્વ જોતાં પૂર્વાલાપ વિપુલ ગ્રન્થ નથી છતાં તેનું સ્થાન આપણા સાહિત્યમાં અપૂર્વ છે અને ગુજરાતી સાહિત્ય જ્યાં સુધી વંચાશે ત્યાં સુધી તે ટકી રહેશે તેમાં સંશય નથી.'

સ્વીડનબૉર્ગની વિચારાધારાથી પ્રભાવિત કાન્ત

કવિ કાન્ત, લાહોર રેલવે સ્ટેશન, કાન્તના પત્રો, પંડિત યુગ, બીબીસી ગુજરાતી, ગુજરાત, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, મણિશંકર રત્નજી ભટ્ટ, અમરેલી, ચાવંડ ગામ, સ્વીડનબૉર્ગ, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ

રાજકોટની રાજકુમાર કૉલેજના તત્કાલીન વાઇસ પ્રિન્સિપાલ તરખડેએ હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો. કાન્ત તેનાથી વાકેફ હતા. તરખડેના પરિવારના દાદોબા પાંડુરંગની પત્રિકા વાંચ્યા પછી, અંગ્રેજોના આચાર-વિચારનો પ્રભાવ ત્યારે કાન્ત પર પડ્યો હતો.

વડોદરામાં નિવાસ દરમિયાન જ તેઓ સ્વીડનબૉર્ગના પરિચયમાં આવ્યા અને એમણે સ્થાપેલા 'ધ ન્યૂ ચર્ચ' (પંથ- જે પાછળથી સ્વીડનબૉર્ગ સોસાયટી નામે જાણીતો થયો)થી સુપરિચિત થઈને, પ્રભાવિત થઈને ખ્રિસ્તી ધર્મ પ્રત્યે આકર્ષાયા હતા. અને 1898માં એમણે જાહેર કર્યું કે તેઓ 'પરમ સત્ય'ને પામ્યા છે.

7 એપ્રિલ, 1898માં એક પત્રમાં તેઓ કહે છે, 'મેં ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો છે.'

ધર્માંતર પછી કાન્તનું જીવન જાણે કે છિન્નભિન્ન થઈ ગયું હતું. કોઈ પોતાનું ન રહ્યું. એમના મિત્રોએ પણ તેમનો સાથ છોડી દીધો હતો. જોકે એ સમયે કવિ કલાપી અને ન્હાનાલાલનો સધિયારો રહ્યો હતો.

મિત્રોના એમની સાથેના વર્તનથી એમના હૃદયને ખૂબ આઘાત લાગ્યો હતો. એક પત્રમાં તેઓ લખે છે, 'અહીંના અને બહારના મારા જૂના મિત્રોના વર્તનસંબંધી તો શા માટે લખું? બેશક, મને ખેદનાં ઘણાં કારણો છે પણ એ બિચારાં અજ્ઞાન છે.'

ફરી હિન્દુ બન્યા, પણ 'આજીવન ખ્રિસ્તી રહ્યા'

કવિ કાન્ત, લાહોર રેલવે સ્ટેશન, કાન્તના પત્રો, પંડિત યુગ, બીબીસી ગુજરાતી, ગુજરાત, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, મણિશંકર રત્નજી ભટ્ટ, અમરેલી, ચાવંડ ગામ, સ્વીડનબૉર્ગ, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ

ઇમેજ સ્રોત, Mukul pandya

ઇમેજ કૅપ્શન, કવિ કાન્તના પુત્ર જયંતકુમાર ભટ્ટ અને પુત્રવધૂ મનોરમા જે. ભટ્ટ

1888માં કાન્ત ગ્રૅજ્યુએટ થયા ત્યારે પ્રશ્નોરા જ્ઞાતિમાં એ પ્રથમ ગ્રૅજ્યુએટ થયેલા હતા અને એથી જ જ્ઞાતિએ એમનું માનપત્ર આપીને બહુમાન કર્યું હતું અને આ જ જ્ઞાતિએ કાન્તનો પાછળથી ધર્માંતર કરવાને લીધે બહિષ્કાર કર્યો હતો.

અમેરિકામાં વસતા લેખક-સંપાદક મુકુલ પંડ્યા કવિ કાન્તના પ્રપૌત્ર થાય. વીડિયો કૉલ મારફતે તેમણે કાન્તનાં સંસ્મરણો બીબીસીને જણાવ્યાં હતાં.

મુકુલ પંડ્યાએ જણાવ્યું કે "પ્રથમ પત્ની નર્મદાના અવસાન પછી તેમને મનની શાંતિ જોઈતી હતી અને એ તેમને સ્વીડનબૉર્ગના સિદ્ધાંતોમાં મળી હતી. સ્વીડનબૉર્ગની વિચારધારા રૂઢીચુસ્ત નહોતી. આથી કાન્ત એ તરફ વધુ આકર્ષાયા હતા."

ઉલ્લેખનીય છે કે કાન્ત સ્વીડનબૉર્ગના 'ધ ન્યૂ ચર્ચ' દેવાલયના પંથના અનુયાયી થયા અને બાપ્તિસમા લીધું. 1914માં હિન્દી સ્વીડનબૉર્ગ સોસાયટીની સ્થાપના કરી હતી. એ મંડળ કાન્તે મુંબઈમાં સ્થાપ્યું હતું. તેઓ એના આજીવન પ્રમુખ રહ્યા હતા.

કાન્ત સત્તરેક વર્ષ સુધી ખ્રિસ્તી રહ્યા અને છેવટે પાછા ફર્યા હતા. મુકુલ પંડ્યા કહે છે, "તેઓ પરિવારને ખૂબ પ્રેમ કરતા હતા. પત્ની અને પરિવાર માટે છેવટે ફરી હિન્દુ બન્યા. જોકે તેમનામાં સ્વીડનબૉર્ગની વિચારધારા અને સિદ્ધાંતો આજીવન જળવાઈ રહ્યાં."

તેઓ કહે છે, "જેની આજે ખૂબ જરૂર છે, એ ભાઈચારો અને ધર્મભાવનામાં કાન્ત માનતા હતા. કાન્ત માનતા કે માણસજાત અને માનવતા મોટો ધર્મ છે. એકબીજા સાથે પ્રેમથી રહીએ, ધર્મ-વિચાર મુદ્દે લડાઈ-ઝઘડાનો કોઈ અર્થ નથી."

નરસિંહથી ન્હાનાલાલમાં નિરંજન ભગત લખે છે, 'કાન્તને કોઈ ધર્મ પ્રત્યે પૂર્વગ્રહ કે તિરસ્કાર ન હતો, દુર્ભાગ્ય કે દુષ્ટભાવ ન હતો. એમનામાં સર્વધર્મસમભાવ હતો.'

કવિ કાન્ત, લાહોર રેલવે સ્ટેશન, કાન્તના પત્રો, પંડિત યુગ, બીબીસી ગુજરાતી, ગુજરાત, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, મણિશંકર રત્નજી ભટ્ટ, અમરેલી, ચાવંડ ગામ, સ્વીડનબૉર્ગ, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ

કાન્તના ધર્માંતરને કારણે સ્વજનોને થતું દુ:ખ કાન્તથી જોવાતું નહોતું.

એક પત્રમાં તેઓ લખે છે, 'મારી માનસિક સ્થિતિ ખરેખર વિષમ થઈ પડી છે. ફરી ફરીને વિચારતાં પણ મારી ધાર્મિક માન્યતા મને ખોટી લાગતી નથી... પણ પત્ની અને બાળકોને પરાણે દાખલ કરવામાં ભય અને કોક વાર તો પાપ જેવું લાગે છે. પત્ની જ્ઞાતિને જ ચાહે છે, તો તેને માટે જે કરવું પડે તે કરવાની મને ફરજ લાગે છે. અત્યાર સુધીમાં તેને ઘણું ખમવું પડ્યું છે, તો હવે તેનું દુ:ખ ઓછું થાય તે જોવાને ઉત્સુક છું.'

નિવ્યા પટેલ લખે છે, 'તેઓ સહજભાવે ખ્રિસ્તી બનેલા. જોકે પરિવારજનો અને સમાજે આકરી તાવણીમાં પસાર કર્યા બાદ તેઓ કમને સ્વધર્મમાં પાછા ફર્યા હતા. વ્યક્તિસ્વાતંત્ર્ય પર આઘાત આપનાર જ્ઞાતિપ્રથાને તેઓ માફ કરી શક્યા નથી.'

કાન્ત ફરી હિન્દુ થયા પરંતુ નરસિંહરાવ નોંધે છે તેમ એમનામાં એક 'જૂનો ક્રિશ્ચિયન નિગૂઢ' તો આજીવન રહ્યો. સમાજભયે, સમાજના પ્રહારે અને પરિવારપરિતાપે કાન્ત હિન્દુ થયા, પરંતુ ખ્રિસ્તી કદી ન મટ્યા.

કાશ્મીરથી ગુજરાત આવતાં રેલગાડીમાં કાન્તનું અવસાન

કવિ કાન્ત, લાહોર રેલવે સ્ટેશન, કાન્તના પત્રો, પંડિત યુગ, બીબીસી ગુજરાતી, ગુજરાત, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, મણિશંકર રત્નજી ભટ્ટ, અમરેલી, ચાવંડ ગામ, સ્વીડનબૉર્ગ, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ

ઇમેજ સ્રોત, ekatrafoundation.org

ઇમેજ કૅપ્શન, ગુજરાત પાછા ફરતા લાહોરના સ્ટેશન પર કાન્તનું અવસાન થયું એ જ દિવસે અમદાવાદમાં તેમના કાવ્યસંગ્રહ 'પૂર્વાલાપ'ની પહેલી આવૃત્તિ બહાર પડી હતી

જે દિવસે કાન્તનું અવસાન થયું એ જ દિવસે અમદાવાદમાં 'પૂર્વાલાપ'ની પહેલી આવૃત્તિ બહાર પડી હતી.

કાન્તને પોતાનો કાવ્યસંગ્રહ છપાવવાની ઘણી ઇચ્છા થયેલી પણ કોઈને કોઈ કારણથી એ કામ અટકી પડેલું. 21-05-1909ના પત્રમાં લખે છે, 'મારાં કાવ્યો પ્રસિદ્ધિ માટે તૈયાર કરું છું. 'પૂર્વાલાપ' નામ આપવું ધાર્યું છે.'

કવિ કાન્તે બાળપણથી અનેક પારિવારિક અને આર્થિક મુશ્કેલીઓ વેઠી હતી, જે તેમના પત્રો અને કવિતામાં પણ પ્રતીત થાય છે.

વડોદરાનું કલાભવન બંધ થયું ત્યારે કાન્તને આશા હતી કે વડોદરામાં કોઈ જગ્યાએ ગોઠવાઈ જશે, પણ એવું ન બન્યું અને કાન્ત બેકાર બન્યા. અમદાવાદ પણ અનુકૂળ ન આવતા છેવટે તેઓ ભાવનગર સ્ટેટમાં જોડાયા. ત્યાં પગાર ઓછો હોવા છતાં નોકરી સ્વીકારી. 1898થી ભાવનગર સ્ટેટમાં તેમણે નોકરી સ્વીકારી લીધી ત્યારથી ત્યાં જ રહ્યા.

તેમને મુસાફરી કરવાનો બહુ શોખ હતો. આર્થિક મુશ્કેલીઓ અને સ્વજનોની ચિરવિદાય પછી તેમણે જીવનમાં શાંતિ માટે પ્રયાસો કર્યા હતા. 1923માં કાન્ત પેન્શન લઈને નિવૃત્ત થયા અને કાશ્મીરના પ્રવાસે નીકળ્યા હતા.

ઋષીકેશથી કાન્ત કાશ્મીર ગયેલા અને ગુજરાત પાછા ફરતા લાહોરના સ્ટેશન પર 16 જૂન, 1923ના રોજ તેમનું અવસાન થયું હતું.

પ્રફુલ્લ રાવલ લખે છે, 'એમનું નિધન થયું ત્યારે તેઓ એકલા હતા. માણસો વચ્ચે, પરિવાર વચ્ચે, સ્વજનો વચ્ચે કાન્ત એકલા જ હતા અને રહ્યા.'

મુખ્ય સંદર્ભ :

  • કાન્તમાળા
  • પૂર્વાલાપ - સંપાદન- રામનારાયણ વિશ્વનાથ પાઠક
  • પરબ સામયિક, ગુજરાતી સાહિત્ય પરિષદ (કાન્ત વિશેષાંક, નવેમ્બર, 2017
  • અર્વાચીન કવિતા- સુન્દરમ્

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન