ગુજરાત : મહિલાને આંખની પાંપણમાંથી 250 જૂ નીકળી, શું છે સમગ્ર મામલો અને કઈ રીતે બચવું?

આંખોનું આરોગ્ય, આંખોમાં જૂ કેવી રીતે થાય અને ન થાય તે માટે શું ધ્યાનમાં રાખવું, આંખોમાં બીમારીનાં લક્ષ્ણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Supplied

    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી ગુજરાતી

અમરેલી જિલ્લાના સાવરકુંડલાની હૉસ્પિટલમાં તાજેતરમાં જ અનોખો અને તબીબી દૃષ્ટિએ રસપ્રદ અને જવલ્લે જ જોવા મળતો કેસ નોંધાયો હતો.

સુરતનાં 66 વર્ષીય મહિલા ગીતાબહેન આંખના વિભાગમાં નિદાન અર્થે આવ્યાં હતાં. તેમને લગભગ અઢી-એક મહિનાથી આંખની પાંપણમાં ખૂબ જ દુઃખતું હતું અને તીવ્ર ખંજવાળ આવતી હતી. તેમની આંખ લાલ થયેલી હતી, જેના કારણે તેમને ઊંઘ પણ નહોતી આવતી.

જ્યારે આ મહિલાએ હૉસ્પિટલના નેત્રરોગ વિશેષજ્ઞ ડૉ. મૃગાંક પટેલને બતાવ્યું, તો જાણવા મળ્યું કે મહિલાની આંખની પાંપણમાં જીવંત જંતુઓ હતાં, એ પણ એક-બે નહીં, પણ 250.

જંતુઓની પ્રકાશ પ્રત્યેની સંવેદનશીલતા તથા તબીબી વિજ્ઞાનની કેટલીક મર્યાદાને કારણે તબીબે ઇન્જેક્શન વગર જૂઓને દૂર કરવાની કામગીરી હાથ ધરવી પડી હતી, જે બેએક કલાક સુધી ચાલી હતી.

તબીબી ભાષામાં આ સ્થિતિને ફ્થિરિયાસિસ પાલ્પેબ્રારમ કહે છે. તે શા માટે થાય છે, તેના લક્ષણો શું છે તથા આવી પરિસ્થિતિ ઊભી ન થાય, તે માટે શું કરવું જોઈએ?

અજીબોગરીબ કેસની પૃષ્ઠભૂમિ

આંખોનું આરોગ્ય, આંખોમાં જૂ કેવી રીતે થાય અને ન થાય તે માટે શું ધ્યાનમાં રાખવું, આંખોમાં બીમારીનાં લક્ષ્ણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Supplied

ઇમેજ કૅપ્શન, ગીતાબહેન મેહતાની આંખમાંથી નીકળેલી જૂ

સાવરકુંડલાસ્થિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હૉસ્પિટલના આંખના વિભાગના ડૉ. મૃગાંક પટેલે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ગીતાબહેન મૂળ સાવરકુંડલાનાં છે અને હાલ સુરતમાં રહે છે.

ગીતાબહેન ઓપીડીમાં સારવાર અર્થે બતાવવા આવ્યાં, ત્યારે તેમની મુખ્ય ફરિયાદ હતી કે અઢી-એક મહિનાથી તેમને પાંપણ પર ખૂબ જ ખંજવાળ આવતી હતી.

ડૉ. મૃગાંક પટેલ કહે છે, "ખંજવાળના કારણોમાં પ્રાથમિક રીતે પાંપણ પર ખોડો બહુ સામાન્ય બાબત છે, પણ પાંપણ પર જૂ થવી તે બહુ અસામાન્ય બાબત છે. જ્યારે અમે ધ્યાનથી મેગ્નિફાઇ કરીને જોયું ત્યારે પાંપણ પર જૂઓની હલચલ જોવા મળી હતી."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"જૂઓનાં ગોળ ઈંડાં પણ દેખાયાં હતાં. આ એક યુનિક પેરાસાઇટ (પરોપજીવી) છે. આ પરિસ્થિતિને તબીબી ભાષામાં "ફ્થિરિયાસિસ પાલ્પેબ્રારમ" કહેવાય છે."

"અમારી સામે ત્યારે સૌથી મોટો પ્રશ્ન હતો કે, દર્દી આંખોમાં જૂ છે તે વાત સાંભળીને ગભરાઈ ન જાય, તેથી તેમનું કાઉન્સેલિંગ પણ કર્યું હતું. અમે દર્દીને સમજાવ્યું હતું કે, ઘણી બધી જૂઓ હોવાથી વધારે સમય પણ લાગી શકે છે."

પરિવાર માટે પણ આ પરિસ્થિતિ ખૂબ કપરી હતી. તેમણે સુરતની અમુક હૉસ્પિટલમાં દેખાડ્યું હતું, પરંતુ કોઈ સકારાત્મક પરિણામ આવ્યું ન હતું.

દર્દી ગીતાબહેનના પુત્ર અમિત મહેતાએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું, "મમ્મીને આંખમાં ખંજવાળ આવતી હતી. રાત્રે ઊંઘ પણ આવતી ન હતી. ત્યારે સુરતની કેટલીક હૉસ્પિટલમાં બતાવ્યા છતાં કોઈ પરિણામ ન આવ્યું. એ પછી સાવરકુંડલા બતાવ્યું ત્યારે ડૉ. મૃગાંકને અમને જણાવ્યું હતું કે મમ્મીની આંખમાં જૂ છે, જેને ખેંચીને કાઢવી પડશે."

ડૉ. મૃગાંક કહે છે, "આ જે પેરાસાઇટ (જૂ) હોય છે, તેનો ખોરાક આપણા શરીરનું લોહી હોય છે. આંખની પાંપણની ત્વચા શરીરની અન્ય ત્વચા કરતાં અત્યંત પાતળી હોવાથી આ પેરાસાઇટ (જૂ) સરળતાથી લોહી પી શકે છે."

"ત્યારે આ જૂ પાંપણ પર પકડ મજબૂત કરીને બેસી જાય છે, જેનાથી દર્દીને ખંજવાળ આવે છે. અને જ્યારે દર્દી આ જૂ કાઢવાની કોશિશ કરે, ત્યારે તે સરળતાથી નીકળતી પણ નથી."

જૂને દૂર કરવાની પ્રક્રિયા

આ પ્રકારની જૂ પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય છે અને પ્રકાશમાં આમતેમ થવા લાગે છે એટલે તેમને કાઢવા માટે સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ મેકફર્સનની મદદ લેવી પડતી હોય છે. એ પછી એક-એક જૂ પકડીને ખેંચીને કાઢવી પડે છે.

ડૉ. મૃગાંક પટેલ જણાવે છે, "સૌપ્રથમ દર્દીને ટીપાં દ્વારા આંખનો ભાગ સંવેદનહીન કરવો ટોપિકલ એનેસ્થેસિયા આપવામાં આવ્યું, જેથી દર્દી જૂ ખેંચતી વખતની પીડામાં રાહત મેળવી શકે. આ ટ્રીટમેન્ટ પાછળ બેએક કલાકનો સમય લાગ્યો હતો."

"આ પ્રક્રિયા પૂરી થતાં દર્દીને રાહત થવા લાગી હતી. તેમની ખંજવાળ ઓછી થઈ હતી. તે પછી અમે દર્દીનું કાઉન્સેલિંગ કર્યું હતું."

ડૉ. મૃગાંક જણાવે છે, "આવા કેસ ભારતમાં જોવા મળ્યા છે. પાંચેક મહિના અગાઉ પ્રથમ વાર કેસ આવ્યો ત્યારે મેં રિસર્ચ પેપરનો અભ્યાસ પણ કર્યો હતો. આ જવલ્લે જોવા મળતો કેસ છે."

જટિલ પ્રક્રિયામાં ડૉ. મૃગાંક પટેલ અને તેમની ટીમની મહેનતથી મહિલાની બંને આંખની પાંપણમાંથી કુલ મળીને 250થી વધુ જૂ તથા 85થી વધુ ઈંડાં કાઢવામાં આવ્યાં. આ સર્જરીના બીજા જ દિવસે મહિલાને ફરી ચેકઅપ અર્થે આંખની ઓપીડીમાં લાવવામાં આવ્યાં, ત્યારે આંખ એકદમ ચોખ્ખી અને તંદુરસ્ત હતી.

હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. પ્રકાશ કટારિયાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "મારા મેડિકલ નોલેજને 21 વર્ષનો અનુભવ છે, પણ મેં આવા બે કેસ આજ દિન સુધી જોયા નથી. અમારી હૉસ્પિટલમાં આવેલો આ કેસ એટલે પણ જટિલ હતો, કેમ કે, આ એવી પ્રક્રિયા ન હતી કે, જેમાં વધુ એનેસ્થેસિયા આપવું પડ્યું હોય."

"દર્દી બે-અઢી મહિનાથી હેરાન થતાં હતાં, તેઓ સૂઈ શકતાં ન હતાં. અગાઉ તેમણે સુરતમાં બેથી ત્રણ ડૉક્ટરને બતાવ્યું હોવા છતાં તેનું નિદાન ન થયું, તેના પરથી આની ગંભીરતા સમજી શકાય છે."

પાંચેક મહિના અગાઉ આ જ પ્રકારનો એક કેસ સાવરકુંડલામાં નોંધાયો હતો. ત્યારે એક બાળકની એક આંખની ઉપરની પાંપણ પર જૂઓ હતી. તે સરળતાથી નીકળી ગઈ હતી અને માત્ર દોઢ કલાકમાં તે તંદુરસ્ત થયું હતું.

ફ્થિરિયાસિસ પાલ્પેબ્રારમ છે શું?

આંખોનું આરોગ્ય, આંખોમાં જૂ કેવી રીતે થાય અને ન થાય તે માટે શું ધ્યાનમાં રાખવું, આંખોમાં બીમારીનાં લક્ષ્ણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Supplied

ઇમેજ કૅપ્શન, ડૉ. મૃગાંક પટેલ

અમેરિકાના નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશનમાં જણાવ્યા મુજબ, ફ્થિરિયાસિસ પાલ્પેબ્રારમ નામની અસામાન્ય તબીબી સ્થિતિ પર કેન્દ્રિત છે, જેમાં ફ્થિરસ પ્યુબિસ (Phthirus pubis) નામની જૂ પાંપણો પર ચેપ લગાડે છે. આ ચેપ સામાન્ય રીતે કોઈ ચીજવસ્તુના સંપર્ક દ્વારા ફેલાય છે અને તેના લક્ષણોમાં તીવ્ર ખંજવાળ, પાંપણની લાલાશઅને ઊંઘમાં ખલેલનો સમાવેશ થાય છે. આ ચેપનું નિદાન સામાન્ય આંખના ચેપ જેવું ન હોવાથી મુશ્કેલ બની શકે છે.

એનસીબીઆઇની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, ફ્થિરિયાસિસ પાલ્પેબ્રારમ, જેને "ફ્થિરિયાસિસ સિલિઆરિસ" અથવા "સિલિઅરી ફ્થિરિયાસિસ" પણ કહેવાય છે, તે પાંપણનો એક્ટોપેરાસાઇટોસિસ છે, જેને પ્યુબિક અથવા કરચલાની જૂ તરીકે પણ ઓળખવામાં આવે છે.

કઈ રીતે આંખોમાં જૂ થઈ શકે?

આંખોનું આરોગ્ય, આંખોમાં જૂ કેવી રીતે થાય અને ન થાય તે માટે શું ધ્યાનમાં રાખવું, આંખોમાં બીમારીનાં લક્ષ્ણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Supplied

ઇમેજ કૅપ્શન, ડૉ. પ્રકાશ કટારિયા

અમદાવાદસ્થિત ધ્રુવ હૉસ્પિટલમાં આંખના રોગોના નિષ્ણાત ડૉ. હર્ષદ આગજા બીબીસી સાથે વાત કરતાં જણાવે છે, "આ બહુ જવલ્લે જ જોવા મળતો રોગ છે. જે રીતે મચ્છર ઈંડાં મૂકે તેમાં લાર્વા હોય છે, તે જ રીતના આ લાર્વા હોય છે. ઘણી વખત સ્વચ્છતાનો અભાવ હોય અથવા દર્દી આંખો મસળ્યા કરતું હોય, ત્યારે પણ ચેપને કારણે આ થતું હોય છે.

"અમારી કારકિર્દીમાં અમે આવો એક કેસ બહુ વર્ષો પહેલાં અમદાવાદની શારદાબેન હૉસ્પિટલમાં જોયો હતો. પણ આ કેસ બહુ રેર છે."

આ થવાનું કારણ ચોક્કસ પ્રકારનું વાતાવરણ કે ઘરમાં રહેલાં ઓશિકાંને કારણે પણ જૂ શરીરમાં પ્રવેશી શકે છે.

ડૉ. મૃગાંક જણાવે છે, "આ રોગ માણસ ઉપરાંત ઢોરમાં પણ જોવા મળે છે. સ્વચ્છતા પર ધ્યાન આપીએ તો, ઓઢવાની ચાદર, પાથરવાના ઓશિકાં, તકિયા પર રહેલાં જંતુઓ, રજાઈઓ હોય કે કપડાંમાં આ જૂઓ રહેલી હોઈ શકે છે."

"ત્યારે બીજું કારણ એ છે કે, આ રોગ આકસ્મિક પણ આવી શકે. કોઈ એવા સ્થળ, જેમ કે, જંગલમાં જવાથી કે ઢોરના સંપર્કમાં આવ્યા હોય, ત્યારે તે શરીરે ચોંટે છે અને માથામાંથી તે પાંપણ પર આવી જતી હોય છે."

આંખના રોગોના નિષ્ણાત ડૉ. આલાપ બાવીશી બીબીસીને જણાવે છે, "આ કેસ અત્યંત રેર તો છે જ, તદુપરાંત ગુજરાતમાં પ્રથમવાર રિપોર્ટ થયો છે, પણ આ જૂ દક્ષિણ ભારતમાં વધુ જોવા મળે છે અને ત્યાં માર્ચ-એપ્રિલમાં આ જૂ જોવા મળતી હોય છે."

"આ કેસ તેટલો જટિલ નથી, પણ આ કેસમાં આંખમાંથી જૂ કાઢવાની પ્રક્રિયા ખૂબ જટિલ અને ઝીણવટ માંગી લે તેવી છે. તેનું કારણ છે કે, કોઈ પણ દવાથી આના લાર્વા જતાં નથી. તેથી એક-એક કરીને જૂ આંખમાંથી પકડીને કાઢવી પડે છે. કોઈ પણ દવા એવી નથી કે જે સંપૂર્ણપણે તેને મારી શકે. તદુપરાંત, તે પ્રકાશથી દૂર ભાગતી હોવાથી તેના પર ટોર્ચ માર્યા સિવાય તેને બહાર કાઢવી પડે, તે અઘરું છે."

માથાની જૂ અને પાંપણની જૂમાં શું છે ફરક

આંખોનું આરોગ્ય, આંખોમાં જૂ કેવી રીતે થાય અને ન થાય તે માટે શું ધ્યાનમાં રાખવું, આંખોમાં બીમારીનાં લક્ષ્ણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Supplied

ઇમેજ કૅપ્શન, સાવરકુંડલાસ્થિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર

ડૉ. આલાપ બાવીશી બીબીસીને જણાવે છે, "માથાની જૂ અને આંખની જૂ જુદી હોય છે. આંખમાં થતી જૂ આંખની સફેદ ત્વચામાં ફરે છે અને તે પ્રકાશથી દૂર ભાગે છે. ત્યારે પાંપણની અંદરના ભાગમાં જ્યાં સંપૂર્ણ અંધારું હોય, ત્યાં આ જૂ રહેતી હોય છે."

"આ પ્રકારની જૂઓ સ્વચ્છતાના અભાવ કરતાં જ્યારે પાકને લણવાની સિઝન હોય, ત્યારે ઊડતી વખતે આંખમાં પ્રવેશતી હોય છે. આમાં તેટલા પ્રમાણમાં પીડા ન થતી હોવાથી શરૂઆતના સમયમાં તેની જાણ થવી મુશ્કેલ છે."

ડૉ. મૃગાંક જણાવે છે, "જૂઓમાં અમુક પ્રકારની પ્રજાતિઓ આવતી હોય છે. ત્યારે હેડ લાઉસ, પ્યુબિક લાઉસ પણ હોય છે. આ જૂ નરી આંખે જોઈ શકાતી નથી, માત્ર માઇક્રોસ્કોપ દ્વારા જ જોઈ શકાય છે."

"આ જૂઓ દેખાવે પારદર્શક હોય છે. તે જ્યારે ત્વચા પર ચોંટીને બેસે, ત્યારે ખ્યાલ આવવો મુશ્કેલ છે. જૂની અંદર ફરતું લોહી માઇક્રોસ્કોપ વડે દેખાઈ શકે છે. તેનાથી જૂના શરીરના અંગો વિશે પણ ખ્યાલ આવે છે."

પ્રાથમિક લક્ષણો

આંખોનું આરોગ્ય, આંખોમાં જૂ કેવી રીતે થાય અને ન થાય તે માટે શું ધ્યાનમાં રાખવું, આંખોમાં બીમારીનાં લક્ષ્ણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ પ્રકારની જૂ વાળમાંથી આંખો સુધી પહોંચી શકે છે (પ્રતીકાત્મક તસવીર)

ડૉ. મૃગાંક જણાવે છે કે, દર્દી સુરત રહેતાં હતાં અને તેમનું એક ઘર સાવરકુંડલામાં પણ હતું. સાવરકુંડલામાં જે ઘર છે તે મોટા ભાગે બંધ રહેતું હતું. તેથી, ઘર બંધ હોવાને કારણે અને ઘરની આસપાસ ઢોરોની અવરજવર હોવાને કારણે આ જૂ આવી હોય, તેવું કારણ હોઈ શકે.

ડૉ. મૃગાંક જણાવે છે કે, આંખોમાં પીડા થવી, આંખમાં સતત ખંજવાળ આવવી તેમજ ઊંઘ ન આવવી તેવાં લક્ષણો હોઈ શકે.

પાંપણના અલગ-અલગ ભાગમાં પાણી આવવું, ઉપરાંત પાંપણ પર સોજો આવવો – આ મૂળ લક્ષણો છે, જે ત્વચા પર જે ઇન્ફેક્શન કરાવે તેના કારણે ખંજવાળ આવતી હતી.

આ પ્રકારના રોગોથી બચવા શું સાવચેતી રાખવી જોઈએ?

ડૉ. હર્ષદ આગજા કહે છે કે, "દર્દીઓએ હાથની સફાઈ અને ખાસ કરીને દિવસ દરમિયાન બે થી ત્રણ વખત મોં ધોવું જોઈએ. આવી પરિસ્થિતિઓમાં મોટા ભાગે બાળકો અને વૃદ્ધો ભોગ બનતાં હોય છે. યુવાનોમાં તેનું પ્રમાણ ઓછું હોય છે."

ડૉ. પ્રકાશ કટારિયા કહે છે કે, "સૌથી પહેલાં કોઈ પણ વ્યક્તિને આંખને લઈને આવી કોઈ શંકા હોય તો તેમણે જલદીથી ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને રાહત ન થાય તો કોઈ અનુભવી ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આંખની સમસ્યાને હળવાશથી લેવાથી તે આગળ જતાં વધુ નુકસાન કરતી હોય છે. ઘરમાં પણ સ્વચ્છતા રાખવી જરૂરી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન