એગ્ઝિટ પોલ : ભાજપ ફરી 100 સીટથી વધારે મેળવશે?

ગુજરાત અને દેશની અનેક મીડિયા સંસ્થાઓ એ રાજ્ય ઉપરાંત હિમાચલ પ્રદેશની ચૂંટણીઓનાં એગ્ઝિટ પોલ પ્રસારિત કરી દીધા છે.
સરવેના તારણ પ્રમાણે, ભાજપને સરેરાશ 108 થી 115ની વચ્ચે બેઠકો મળશે, જ્યારે કોંગ્રેસને સરેરાશ 65 થી 74ની વચ્ચે બેઠકો મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.
સરવેમાં ગુજરાતનાં તારણો પર રાજકીય વિશ્લેષકોની નજર છે, જ્યાંના પરિણામો પર રાષ્ટ્રીય રાજકારણનો આધાર રહેશે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ તથા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શાખ દાવ પર લાગેલી છે.
ભાજપ સામે 22 વર્ષનું શાસન ટકાવી રાખવાનો પડકાર છે. સામે પક્ષે કોંગ્રેસને પાટીદાર નેતા હાર્દિક પટેલ, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરનું સમર્થન મળ્યું છે.
દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પણ સરકાર સામે મોરચો ખોલ્યો છે અને અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત ભાજપના વડા જીતુભાઈ વાઘાણી તથા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ ભરી હતી. જેમાં જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે ભાજપને 150 બેઠકો મળશે.
9મી તારીખે પ્રથમ તબક્કામાં 68 ટકા તથા ગુરુવારે બીજા તબક્કામાં સરેરાશ 68.7 ટકા મતદાન થયું હતું.
ગુરુવારે માત્ર સરવેના તારણો મળી રહ્યાં છે અને તા. 18મી ડિસેમ્બરે ચૂંટણીનાં પરિણામો આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શું કહે છે સરવે?

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
- ઇન્ડિયા ન્યૂઝ-સીએનએક્સના એગ્ઝિટ પોલ પ્રમાણે, ભાજપને 100-120 તથા કોંગ્રેસને 65-75 બેઠકો મળી શકે છે તથા અન્યોને 02-04 બેઠક મળી શકે છે.
- ટાઇમ્સ નાઉ- વીએમઆરના એગ્ઝિટ પોલ પ્રમાણે, ભાજપને 108, કોંગ્રેસને 17 બેઠક મળશે.
- ન્યૂઝ 18-સીવોટરના એગ્ઝિટ પોલમાં ભાજપને 108 તથા કોંગ્રેસને 74 બેઠક મળશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે.
- ઇન્ડિયા ટુડે-માય એક્સિસમાં ભાજપને 99થી 113, તથા કોંગ્રેસને 68થી 82 બેઠક, જ્યારે અન્યોને એકથી ચાર બેઠક મળશે તેવું અનુમાન મૂકવામાં આવ્યું છે.
- ટુડેઝ ચાણક્ય તથા ન્યૂઝ-24ના એગ્ઝિટ પોલ પ્રમાણે, ભાજપને 135 બેઠકો મળી શકે છે, જેમાં 11 બેઠકોની વધઘટની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
- ન્યૂઝ નેશનના તારણ પ્રમાણે, ભાજપને 124 થી 128 બેઠક મળી શકે છે.

ઇમેજ સ્રોત, AFP
- એબીપી-સીએસડીએસના સરવે પ્રમાણે, 117 તથા કોંગ્રેસને 64 બેઠકો મળશે, જ્યારે અન્યને એક બેઠક મળી શકે છે.
- ન્યૂઝ એક્સના સરવે પ્રમાણે, ભાજપને 110-120 બેઠકો, કોંગ્રેસને 65-75 તથા અન્યોને 2-4 બેઠકો મળી શકે છે.

2012ની સ્થિતિનું વિહંગાવલોકન

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને 115, જ્યારે કોંગ્રેસને 61 બેઠકો મળી હતી.
જોકે, રાજ્યસભાની ચૂંટણીઓ પૂર્વે દસથી વધુ ધારાસભ્યો પાર્ટી છોડી ભાજપમાં જોડાઈ ગયાં હતાં.
ગુજરાતમાં બે તબક્કામાં કુલ 182 બેઠકો પર મતદાન થયું હતું.
પ્રથમ તબક્કામાં તા. 9મી ડિસેમ્બરે 89 બેઠક પર વોટિંગ થયું હતું. જ્યારે બીજા તબક્કામાં ગુરુવારે 93 બેઠકો પર મતદાન થયું હતું.
પ્રથમ તબક્કામાં સરેરાશ 68 ટકા મતદાન થયું હતું. બીજા તબક્કામાં 68.7 ટકા વોટિંગ થયું હતું.

એગ્ઝિટ પોલ અને વિશ્વાસ

ઇમેજ સ્રોત, Kalpit Bhacheh
હંમેશા એગ્ઝિટ પોલનાં તારણ મુજબ પરિણામો આવે તે જરૂરી નથી. વર્ષ 2015માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે લગભગ પ્રત્યક્ષ ટક્કર હતી. છતાંય ભાજપનો રકાસ થશે, તેવી શક્યતા કોઈ એગ્ઝિટ પોલે વ્યક્ત કરી ન હતી.
ગુજરાતમાં મોટાભાગની બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. અમુક સ્થળો પર જનવિકલ્પ પાર્ટી કે આમ આદમી પાર્ટી જેવા પક્ષો પણ મેદાનમાં છે.
અગાઉ 2004માં લોકસભા ચૂંટણીઓ વખતે લગભગ તમામ પક્ષોએ એનડીએને સ્પષ્ટ બહુમત મળશે, તેમ જણાવ્યું હતું. જોકે, તેઓ જનતાનો મિજાજ પારખવામાં થાપ ખાઈ ગયા હતા.
પરંતુ 2014માં કેટલીક સરવે સંસ્થાઓએ એનડીએને સ્પષ્ટ બહુમતી આપી હતી અને તેઓ મહદંશે ખરા સાબિત થયા હતા.
એગ્ઝિટ પોલમાં તારણમાં સેમ્પલ સાઇઝ, અમીર-ગરીબનું પ્રતિનિધિત્વ, શહેરી કે ગ્રામીણ વિસ્તારનું પ્રતિનિધિત્વ વગેરે જેવી બાબતો અસર કરે છે.
જનતાના મનમાં શું રહેલું છે, તે 18મી ડિસેમ્બરે જ બહાર આવશે.
(બીબીસી કોઈ ચૂંટણી એગ્ઝિટ પોલ કરાવતું નથી, અહીં માત્ર અન્ય સંસ્થાઓ દ્વારા કરાવવામાં આવેલું વિવરણ જ આપવામાં આવ્યું છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














