પાકિસ્તાન: રમખાણના મહિનાઓ બાદ પણ ખ્રિસ્તીઓ હજુ કેમ ભયમાં જીવે છે?

ઇમેજ સ્રોત, KHAMIL KHAN
ઉત્તર-પૂર્વ પાકિસ્તાનના જરાંવાલામાં ખ્રિસ્તીઓએ ચાર મહિના પહેલાં સેંકડો પ્રદર્શનકારીઓ દ્વારા બે ડઝનથી પણ વધારે ગિરજાઘર અને કેટલાંક ઘરોમાં તોડફોડનું દૃશ્ય જોયું હતું.
આ ઘટના પછી સરકારે તેમનાં ગિરજાઘરો અને મકાનોના ફરીથી નિર્માણમાં મદદ કરવા માટે આર્થિક સહાય કરવાનો વાયદો આપ્યો હતો. જોકે હવે નાતાલના તહેવારમાં ખ્રિસ્તી સમુદાય આ નુકસાનને કારણે ચિંતિત છે.
ક્રિસમસનું કૈરોલ જુલૂસ જરાંવાલાની પાછળની ગલીઓમાંથી નીકળે છે, જેમાં પારંપારિક ગાયકો પણ સામેલ થાય છે. આ જુલૂસ ગિરજાઘરથી શરૂ થાય છે, જેમાં પાદરીની સાથે બે ઢોલી અને 15-20 ગાયક પણ જોડાય છે.
આ જુલૂસ અંધારી ગલીઓમાંથી નીકળે છે અને લોકો પોતાના મોબાઇલની ટૉર્ચથી પ્રકાશ ફેલાવે છે અને જેમ-જેમ આગળ વધે છે તેમ દરેક ગલીમાંથી માણસો જોડાતા જાય છે.
આ લોકો ચમકદાર કમાનો, ફાધર ક્રિસમસની ટોપીઓ અને ચમકદાર કપડાં પહેરીને કૈરોલના જુલૂસમાં સામેલ થાય છે. અમુક મોટા છોકરાઓ નાના-નાના ફટાકડા ફોડે છે અને જ્યારે આ ફટાકડાના અવાજથી તેમની માતાઓ ડરી જાય છે ત્યારે તે છોકરાઓ હસે છે.
22 ગિરજાઘરો પર હુમલા

ઇમેજ સ્રોત, KHAMIL KHAN
આ વર્ષે જરાંવાલામાં નાતાલના તહેવારની જૂની પરંપરા પાદરી રિઝવાન મિલ માટે મહત્ત્વની છે.
જુલૂસના નેતૃત્વમાંથી થોડો સમય કાઢીને તેઓ કહે છે, “ક્રિસમસ હવે અમારા દિલમાં છે. ઈસુ ખ્રિસ્ત મારા માટે મુક્તિદાતા છે. તેમણે જ મને હુમલાઓ દરમિયાન બચાવ્યો. તે અમારા બધાના મુક્તિદાતા છે.”
આ વર્ષે 16 ઑગસ્ટે જરાંવાલામાં હજારો લોકો એ વાતે નારાજ થઈ ગયા કે ખ્રિસ્તી સમુદાયની કોઈ વ્યક્તિએ કથિત રીતે જાણી જોઈને કુરાનનાં પાનાંને નુકસાન પહોંચાડ્યું હતું. ખ્રિસ્તી સમુદાય પર ધર્મના અપમાનનો આરોપ લગાવાયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારપછી ભીડ હિંસક થઈ ગઈ અને ચર્ચો અને ખ્રિસ્તી લોકોનાં ઘરો પર હુમલાઓ કર્યા. ખ્રિસ્તી સમુદાયના ઘણા લોકો પોતાનાં ઘર છોડીને ખુલ્લાં મેદાનોમાં રાતો વિતાવવા મજબૂર થઈ ગયા.
તોડફોડની આ ઘટનાઓમાં નવ પોલીસવાળાને પણ ઈજા થઈ હતી, પણ કોઈ નાગરિકનો જીવ નહોતો ગયો.
પોલીસે ન્યાયનો વાયદો કર્યો અને 350થી વધારે લોકોની ધરપકડ કરી હતી. સરકારે ખ્રિસ્તી સમુદાયના વિશ્વાસને પાછો મેળવવા આ ચર્ચો અને ઘરોના પુનર્નિર્માણમાં મદદ કરવાનો વાયદો કર્યો હતો.
અધિકારીઓએ કહ્યું કે જે 22 ગિરજાઘરો પર હમલાઓ કરવામાં આવ્યા હતા તેનું સમારકામ કરીને, સજાવીને ફરીથી લોકો માટે ખોલી દેવામાં આવ્યાં છે. દીવાલો પર નવા રંગ અને ફર્શ પર નવા કાર્પેટની તાજી સુગંધ છે.
સરકાર તરફથી આર્થિક મદદની સાથે-સાથે પરોપકારી સંસ્થાઓ, એનજીઓ અને સ્થાનીય મસ્જિદો અને ગિરજાઘરોમાં આયોજિત આઉટરીચ પ્રોગ્રામ થકી કામ કરવામાં આવ્યું અને ઉપહાર આપવામાં આવ્યા.
જોકે, કેટલાંક ઘરોમાં ચાર મહિના પછી પણ હુમલાની રાતે થયેલી તોડફોડનાં નિશાન જોઈ શકાય છે.
હમલાઓ અને તોડફોડનાં નિશાન

સાઇમા પોતાના ઘરના એક રૂમમાં બેઠી છે જેની દીવાલો પર કાળાં નિશાન દેખાઈ રહ્યાં છે.
તે કહે છે કે તેને પૈસા તો મળ્યા પણ મકાનમાં રહેનારા બધા સંબંધીઓમાં વહેંચ્યા પછી તે અપૂરતા હતા. નુકસાન ખૂબ જ વધારે થયું છે અને તેના સમારકામમાં પણ સમય લાગી રહ્યો છે.
સાઇમા ઉમેરે છે, “આ એક ખૂબ જ સુંદર ઘર હતું. મારાં માતા-પિતાએ તેને એક-એક પાઈ બચાવીને બનાવ્યું હતું. એક ઘર બનાવવા આખું જીવન લાગે છે અને હવે આ બધું બળીને ખાખ થઈ ગયું છે. અમારી પાસે જે કંઈ પણ હતું તે બધું જ બળી ગયું.”
તે જણાવે છે કે તેના આ ઘરમાં તેનાં ભાઈ-બહેન અને બાળકો રહે છે. ચાર પરિવારોને કુલ 20 લાખ રૂપિયા મળ્યા છે જે પૂરતા નથી.
આમાંથી કેટલાક પૈસા એ લોકોને ભાડાપેટે આપ્યા જે ઘરમાં નથી રહી શકતા. સાઇમા અને તેની ભાભી એકમાત્ર રહેવાલાયક રૂમમાં રહે છે.
તે મારા કાનમાં કહે છે, “અમે ખૂબ જ થાકી ગયાં છીએ” અને રડવા લાગે છે. “આ એકમાત્ર રૂમમાં પણ કોઈ સુવિધા નથી, લાઇટ નથી, પાણી નથી, અમારી પાસે કંઈ જ નથી. અમારી બસ એટલી જ ઇચ્છા છે કે આ ઘર ફરીથી બની જાય.”
ડર અને ભરોસાનું સંકટ

ઇમેજ સ્રોત, KHAMIL KHAN
જરાંવાલામાં અધિકારીઓએ બીબીસીને કહ્યું કે નુકસાનની તપાસ કરનારી કમિટીએ 78 પરિવારોની ઓળખ કરી છે અને દરેક પરિવારને 20 લાખ રૂપિયા આપ્યા છે.
તેમણે જણાવ્યું કે રકમનો નિર્ણય દરેક ઘરની ચકાસણી કર્યા પછી કરવામાં આવ્યો હતો.
સાઇમાના ઘરના સામેના રસ્તાની પેલે પાર સોનમના ઘરનું નિર્માણ અને સમારકામ ચાલી રહ્યું છે.
જ્યારે અમે ઑગસ્ટમાં જરાંવાલાની મુલાકાત કરી હતી ત્યારે તેમના એક બેડરૂમમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. બીજા રૂમની બારીઓ તૂટી ગઈ હતી અને તેમના બૅડને પહેલા માળેથી ગલીમાં ફેંકી દેવાયો હતો.
હવે રૂમોમાં ફરીથી રંગરોગાન કરી દીધું છે અને ફર્નિચર પણ રાખવામાં આવ્યું છે પણ બૅડરૂમના દરવાજાઓમાં હજુ પણ કાણાં છે જેને હુમલાખોરોએ તોડી નાખ્યો હતો.
સોનમ કહે છે કે અમે અહીં સુરક્ષિત નથી.
“એ હુમલાઓને કારણે જે ડર અમારા મનમાં પેદા થયો હતો તે હજુ પણ છે. ગલીમાં કોઈની મદદની બૂમો પડે તો દરેક એ જોવા માટે બહાર નીકળી આવે છે કે શું થઈ રહ્યું છે, કારણ કે અમે બધાં ખૂબ જ ડરી ગયાં છીએ. ફરીથી ભરોસો કરવો ખૂબ જ મુશ્કેલ છે.”
પોલીસનું વલણ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સિટી પોલીસ ઑફિસર કૅપ્ટન અલી ઝિયા કહે છે, “એક સમાજ અને એક પોલીસ દળના નાતે અમારે ભરોસો પાછો લાવવો પડશે. બન્ને તરફથી આ દિશામાં ઘણું કામ કર્યું છે.”
પરંતુ લોકોમાં હજુ પણ કેટલોક ગુસ્સો છે.
હુમલાના સમયે કેટલાક લોકોએ પોલીસની ટીકા કરી હતી કે તે નુકસાનને રોકવા કે ભીડને સમય પર કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી.
કૅપ્ટન ઝિયાનું કહેવું છે કે "અમારી પ્રાથમિકતા જીવ બચાવવાની હતી અને બીજી સંપત્તિ બચાવવાની હતી. તે દિવસે પોલીસના નવ અધિકારી પણ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસને પણ ઘણું નુકસાન થયું છે. લોકોને હજુ પણ અમારા પર ભરોસો છે."
પોલીસનું કહેવું છે, “હકીકત તો એ છે કે ધરપકડ કરેલા 350 લોકોમાંથી ચોથા ભાગના લોકો હજુ પણ જેલમાં બંધ છે. બીજા લોકોને જામીન પર છોડવામાં આવ્યા છે પણ પ્રશાસન તેમના વિરુદ્ધ પણ કેસ ચલાવશે.”
કૅપ્ટન ઝિયાએ કહ્યું, “કાયદો લાગુ કરવાની એક પ્રક્રિયા છે. પોલીસ દળ અને સરકાર અહીંના બે સૌથી મોટા પક્ષકાર છે. અમે એ દેખાડવા માગીએ છીએ કે આવી હરકતોને ભવિષ્યમાં સહન કરવામાં નહીં આવે. જો અમે ન્યાય ન અપાવ્યો તો આવી ઘટનાઓ બનતી રહેશે.”
તેમને આશા છે કે અદાલતમાં આ કેસો 2024ની શરૂઆતમાં ચાલુ થઈ જશે.
જોકે ત્યાં સુધી પોલીસ હજરત મહમદના અપમાનનો કેસ અને હિંસક ભીડ વિશે વિસ્તારથી વાત કરવા માગતી નથી.
જોકે, રસ્તા પર થતી હિંસા અંગે પોલીસ કહે છે કે એ વાતના કોઈ સંકેત નથી કે પ્રતિક્રિયા પ્રાયોજિત હતી અને તેમનું કહેવું છે કે પ્રદર્શનના એલાનની વાત સોશિયલ મીડિયા થકી અચાનક ફેલાઈ ગઈ.
જરાંવાલામાં કૈરોલનું જુલૂસ અંતે ચર્ચ તરફ પાછું ફર્યું જ્યાંથી શરૂ થયું હતું.
બાળકો સ્નોમેન, ક્રિસમસનાં ઝાડ અને ફાધર ક્રિસમસની તસવીરોથી સજાવેલા સ્ટેજ પર પોતાના ક્રિસમસ ડાંન્સની પ્રૅક્ટિસ કરી રહ્યાં હતાં.
આ ચર્ચ પર ઑગસ્ટમાં થયેલા હુમલાઓ પછી કલાકો સુધી ધુમાડો નીકળતો રહ્યો હતો.
સાઇમાએ મને કહ્યું, “અમે અત્યારે પણ તે પળોનો અનુભવ કરી શકીએ છીએ પણ અમે આશા રાખીએ કે જે વીતી ગયું તે વીતી ગયું. અમે એટલું જ ઇચ્છીએ છીએ અને તે માટે જ ઇશ્વરને પ્રાર્થના કરીએ છીએ.”












