ઊંઘમાં મોઢું ખુલ્લું રહે એ કોઈ બીમારી હોવાનો સંકેત આપે છે, ડૉક્ટર પાસે ક્યારે જવું પડે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ચંદનકુમાર જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા
લોકોની ઊંઘવાની આદતો અનેક પ્રકારની હોઈ શકે છે. કેટલાક લોકો માથા નીચે જાડું ઓશીકું મૂકીને ઊંઘે છે, તો કેટલાક પાતળા ઓશીકા પર માથું મૂકીને ઊંઘે છે.
કોઈ પણ ઋતુ હોય, કેટલાક લોકોને ચાદર ઓઢ્યા વિના ઊંઘ નથી આવતી અથવા તેઓ આ રીતે ઊંઘવું પસંદ કરતા નથી.
પણ એક વાર જ્યારે તમે ઊંઘમાં સરી જાઓ, ત્યારે તમને ઘણી બાબતોનો અણસાર પણ નથી રહેતો. આમાં સામેલ છે—મોઢું ખોલીને ઊંઘવું.
શું ઊંઘતી વખતે તમારું મોઢું ખુલ્લું રહે છે? શું કોઈએ તમને કહ્યું છે કે ઊંઘમાં તમારું મોઢું ખુલ્લું રહે છે?
જો એવું હોય તો આ અહેવાલમાં આપણે એ જ જાણવાની કોશિશ કરીશું કે ઊંઘમાં મોઢું ખુલ્લું રહેવું, એ કઈ બીમારીનો સંકેત છે?
ઊંઘ દરમિયાન મોં ખુલ્લું કેમ રહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે લોકો ભારે મહેનતવાળું કામ કરે, જેમ કે કસરત કે શ્રમ, ત્યારે ઘણી વાર ઊંઘ દરમિયાન મોઢું ખુલ્લુ રહેતું જોવા મળે છે. આવા સમયે શરીરને વધુ ઑક્સિજનની જરૂર હોય છે અને તેથી લોકો નાક સાથે મોંથી પણ શ્વાસ લે છે.
ઘણી વાર દોડતી વખતે કે ફૂટબૉલ જેવી રમતમાં લોકો મોંથી શ્વાસ લેતા જોવા મળે છે.
પરંતુ સામાન્ય રીતે જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે આંખો અને મોઢું બંને બંધ હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઊંઘ દરમિયાન આપણે નાકથી શ્વાસ લઈએ છીએ, કારણ કે ત્યારે આપણે આરામની સ્થિતિમાં હોઈએ છીએ, તેથી ઝડપથી શ્વાસ લેવાની જરૂર નથી પડતી.
પરંતુ ઘણા લોકોનું મોઢું ઊંઘતી વખતે ખુલ્લું રહે છે. હકીકતમાં, તેઓ આ સમયે મોઢાથી શ્વાસ લઈ રહ્યા હોય છે.
ડૉક્ટર શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આનું કારણ જાણવા માટે અમે દિલ્હીસ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)ના પલ્મૉનરી, ક્રિટિકલ કેર અને સ્લીપ મેડિસિન વિભાગના ડૉ. વિજય હડ્ડા સાથે વાત કરી.
ડૉ. વિજય હડ્ડા કહે છે: "મોઢું ખુલ્લું રાખીને ઊંઘવું ખૂબ સામાન્ય છે. ઘણા લોકો આ રીતે ઊંઘે છે. માત્ર મોઢું ખુલ્લું રાખીને ઊંઘવું કોઈ બીમારીનું લક્ષણ નથી."
"જો નાકમાં કોઈ સમસ્યા હોય અથવા નાક બ્લૉક હોય તો લોકો શ્વાસ લેવા માટે મોંનો ઉપયોગ કરે છે."
હકીકતમાં નાક બંધ રહેવાની પાછળ વધુ શરદી થવી એક સામાન્ય કારણ છે, પરંતુ ઘણી વાર ટૉન્સિલ વધવાથી પણ નાક બંધ થવાની સમસ્યા થાય છે. આ સમસ્યા બાળકોમાં વધુ જોવા મળે છે.
બાળકોમાં એડેનોઇડ્સ અથવા ટૉન્સિલનો આકાર મોટો હોય છે, જે તેમને સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે. આના કારણે તેમની નાકમાં થોડો અવરોધ રહે છે. તેથી ઘણાં બાળકો મોઢું ખોલીને ઊંઘે છે.
ઉંમર વધતી જાય છે તેમ ટૉન્સિલનો આકાર નાનો થતો જાય છે અને તેમની આ આદત ધીમે-ધીમે દૂર થવા લાગે છે.
સાવધાન ક્યારે થવું જોઈએ?
સૂતી વખતે મોઢું ખુલ્લું રહેવાનું એક કારણ સેપ્ટમ કાર્ટિલેજ પણ હોઈ શકે છે.
નાકના સેપ્ટમનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હોય છે— સેપ્ટમ કાર્ટિલેજ, જેને નેઝલ સેપ્ટમ કાર્ટિલેજ પણ કહેવામાં આવે છે. નાકનો સેપ્ટમ નેઝલ કેવિટીને બે ભાગોમાં વહેંચે છે.
ડૉ. વિજય હડ્ડા કહે છે, "સેપ્ટમ કાર્ટિલેજ સ્વાભાવિક રીતે થોડું વાંકું હોય છે, તે સંપૂર્ણ સીધું નથી, પરંતુ જો તે વધુ વાંકું થઈ જાય તો નાકના એક ભાગને અવરોધિત કરી શકે છે. એટલે કે ડેવિએટેડ નેઝલ સેપ્ટમ (DNS) થવાથી લોકો મોઢાથી શ્વાસ લેવાનું શરૂ કરે છે."
જો આ સમસ્યા વધુ ગંભીર હોય તો સેપ્ટોપ્લાસ્ટી નામની સર્જરી દ્વારા DNSને ઠીક કરી શકાય છે.
પરંતુ જો કોઈ વ્યક્તિ ઊંઘતી વખતે મોઢું ખુલ્લું રાખતી હોય અને તેની સાથે શ્વાસમાંથી મોટો અવાજ આવતો હોય અથવા તે નસકોરાં બોલાવતી હોય, તો આવી સ્થિતિમાં ડૉક્ટરની સલાહ લેવી યોગ્ય જોઈએ.
ડૉક્ટરની સલાહ ક્યારે લેવી?

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીસ્થિત સફદરજંગ હૉસ્પિટલના પલ્મૉનરી, ક્રિટિકલ કેર અને સ્લીપ મેડિસિન વિભાગના વડા ડૉ. રોહિતકુમાર કહે છે, "મોઢાથી શ્વાસ લેવાથી મોઢામાં સુકાઈ જવાની સમસ્યા થઈ શકે છે અને તે ઓરલ હાઇજિન પર અસર કરી શકે છે."
ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિ મોઢું ખોલીને ઊંઘતી હોય અથવા મોઢાથી શ્વાસ લે અને આ દરમિયાન નસકોરાંનો અવાજ પણ આવે, તો તે કોઈ અન્ય તકલીફનો સંકેત હોઈ શકે છે.
આવી સ્થિતિમાં ડૉક્ટરની સલાહ લેવી યોગ્ય ગણાય છે, જેથી તેઓ આ પાછળનું કારણ જાણી શકે.
ડૉ. રોહિતકુમાર કહે છે, "જો કોઈને ખાંસી, કફ અથવા અન્ય કોઈ તકલીફ નથી અને છતાં તે મોઢું ખોલીને ઊંઘે છે, તો સૌથી પહેલા તેની તપાસ ઈએનટી વિભાગમાં આવે છે. ત્યાર બાદ જ આગળની તપાસ શક્ય બને છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












