યુવાનોમાં કોઈ પણ લક્ષણ વિના શા માટે હાર્ટઍટેક આવે છે, આ ધ્યાન રાખવું જોઈએ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શારદા વી.
- પદ, બીબીસી તામિલ
છેલ્લા કેટલાક સમયથી આપણે એવા સમાચાર વાંરવાર સાંભળીએ છીએ કે તંદુરસ્ત દેખાતાં યુવક કે યુવતીને હાર્ટઍટેક આવે એટલે ફસડાઈ પડે અને મૃત્યુ પામે.
જીમમાં ઍક્સરસાઇઝ કરતા, લગ્નમાં ડાન્સ કરતા, ઘરે પરત ફરી રહેલ કે ગરબા ગાઈ રહેલ યુવાનાં મૃત્યુના સમાચાર આઘાતજનક હોય છે.
તામિલનાડુના ડિંડીગુલ જિલ્લામાં ગાડી ચલાવતી વખતે ડ્રાઇવરને અચાનક હાર્ટઍટેક આવ્યો, ત્યારે કન્ડક્ટરની સતર્કતાને કારણે બસ અકસ્માત ટાળી શકાયો હતો.
અન્ય એક કિસ્સામાં પશ્ચિમ તામબ્રામમાં 20 વર્ષીય એન્જિનિયરિંગ સ્ટુડન્ટ કૉલેજની હૉસ્ટેલમાં મૃત્યુ પામ્યો, તેને હાર્ટઍટેક આવ્યો હોવાનું કહેવાય છે.
તબીબોના કહેવા પ્રમાણે, હૃદયની બીમારીઓને કારણે યુવાનોમાં મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે. જનીન, હૃદયના સ્નાયુઓ જાડા થઈ જવા અને હાર્ટઍટેક જેવાં અનેક કારણોસર મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. જોકે, તેમાં હાર્ટઍટેક સર્વસામાન્ય કારણ છે.
કર્ણાટક સરકારે 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોનાં અચાનક મૃત્યુ વિશે જાણ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. મતલબ કે જો હૉસ્પિટલની બહાર આવાં મૃત્યુ થાય, તો મૃત્યુનાં કારણ વિશે જાણવા માટે ફરજિયાત પોસ્ટમૉર્ટમ કરવામાં આવશે.
કર્ણાટક સરકાર દેશભરમાં એવી એકમાત્ર રાજ્ય સરકાર છે કે જેણે આવો નિર્ણય લીધો છે.
યુવાને કોઈપણ જાતનાં લક્ષણ વગર અચાનક જ હાર્ટઍટેક આવી રહ્યા છે. ચેન્નાઈસ્થિત પ્રોફેસર અને કાર્ડિયૉલૉજિસ્ટ ડૉ. રેફાય શૌકતઅલીના કહેવા પ્રમાણે, આના માટે લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલાં ચાર કારણો મુખ્યત્વે જવાબદાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સતત તણાવ

ઇમેજ સ્રોત, Getty Images
સતત તણાવને હૃદયની બીમારીઓ માટે મુખ્ય કારણ માનવામાં આવે છે. દૈનિક જીવનમાં ઘરે કે ઑફિસે ગુસ્સો આવવો કે તણાવ અનુભવવો સામાન્ય બાબત છે, તેમાં કોઈ સમસ્યા નથી.
પરંતુ જોઈ બાબત અંગે સતત વિચાર આવતા હોય કે ચિંતા થતી હોય, તો તે ચિંતાનું કારણ બની શકે છે.
સતત તણાવને કારણે શરીરમાં કૉર્ટિસોલ તથા ઍડ્રેનલિન હૉર્મોનનો સ્રાવ ઝરે છે. જ્યારે તે વધુ પ્રમાણમાં ઝરવા લાગે, ત્યાર તે લોહીનું વહન કરતી ધમનીઓને નુકસાન પહોંચાડે છે તથા લોહીમાં ગઠ્ઠા થાય છે.
પેટની આસપાસ ચરબી

ઇમેજ સ્રોત, Getty Images
પેટની ચરબીને અંગ્રેજીમાં ઍબ્ડોમિનલ ઑબેસિટી કહેવામાં આવે છે. છાતીની નીચે તથા થાપાનાં હાડાકાંની ઉપરના વિસ્તારમાં પેટ, લિવર અને આંતરડાં જેવાં મહત્ત્વપૂર્ણ અંગો આવેલાં હોય છે.
શરીરના અન્ય ભાગની સરખામણીમાં પેટની આસપાસ એકઠી થયેલી ચરબીએ આવનારી સમસ્યાનો સંકેત હોય શકે છે. સ્થૂળતાનો મતલબ આ વિસ્તારમાં આવેલાં અંગોની આસપાસ ચરબી એકઠી થાય છે.
જેના કારણે હૃદયને લગતી સમસ્યા થાય છે અને ભવિષ્યમાં હાર્ટઍટેક થવાની શક્યતા રહે છે.
કમર અને થાપાનો ગુણોતરએ પેટની સ્થળતાનો અણસાર આપે છે. કમરના ઘેરાવાને થાપાના માપ સાથે વિભાજીત કરવાથી આ આંક મળે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ, જો પુરુષોમાં તે 0.9 અને મહિલાઓમાં 0.85થી વધુ હોય તો તેને પેટની સ્થૂળતા માનવામાં આવે છે.
અનિંદ્રા

ઇમેજ સ્રોત, Getty Images
થોડાં વર્ષ પહેલાં સુધી ઊંઘ મહત્ત્વપૂર્ણ મુદ્દો ન હતી, પરંતુ હવે એવું નથી. અનેક લોકોના કહેવા પ્રમાણે, માત્ર ચાર કલાકની ઊંઘ લઈને તેઓ સક્રિય રહી શકે છે.
અમુક અપવાદ હોય શકે છે, પરંતુ મોટાભાગે છથી આઠ કલાકની ઊંઘને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. વિશ્વભરમાં થયેલાં અનેક સંશોધનોમાં પણ આ બાબત બહાર આવી છે.
બાળકો જ્યારે ઊંઘ કરે છે, ત્યારે તેમનાં શરીરમાંથી વિકાસ માટે જરૂરી હૉર્મોન્સનો સ્રાવ ઝરે છે. જ્યારે પુખ્તો ઊંઘે છે, ત્યારે તેમના શરીરમાં મૅલાટોનિન રિલીઝ થાય છે, જે શરીરને શાંત કરવામાં તથા નિંદ્રાચક્રને નિયંત્રિત કરે છે.
જ્યારે તમે ઊંઘો, ત્યારે તમારું બ્લડપ્રેશર સહજ રીતે ઓછું હોય છે, પરંતુ જ્યારે તમે જાગૃત અવસ્થામાં હો છો, ત્યારે બ્લડ પ્રેશર વધુ હોય છે. એટલે અપૂરતી ઊંઘને કારણે હૃદયને પૂરતો આરામ નથી મળતો.
એવી જ રીતે લોહીમાં સુગરનું નિયમન કરતા ઇન્સ્યુલિનનો સ્રાવ ઝરવામાં પણ મુશ્કેલી ઊભી થાય છે. એટલે જ લાંબા સમયથી અનિંદ્રાથી પીડિતને અન્ય સમસ્યાઓની સાથે હાર્ટઍટેક થવાની શક્યતા વધી જાય છે.
હાઈ બ્લડપ્રેશર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કાર્ડિયાક ઍરેસ્ટ માટેનાં મુખ્ય કારણોમાંથી એક હાઈ બ્લડપ્રેશર પણ છે. ઊંચા દબાણ સાથે લોહી પસાર થવાથી રક્તવાહિનીઓને નુકસાન થાય છે.
જેનાથી લોહીની ધમનીઓમાં છારી (કે ખરી) જામતી જાય છે. જે ચરબી, કૅલ્શિયમ તથા કોશોની બનેલી હોય છે. જેના કારણે રક્તવાહિનીઓમાં બ્લૉકેજ થાય છે.
આજના સમયમાં યુવાનોમાં હાઇ બ્લડપ્રેશર વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે, વિશેષ કરીને જેઓ ત્રીસીમાં છે. તેનું એક મુખ્ય કારણ વધારે પડતું નમક પણ જવાબદાર છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા પ્રમાણે, ખોરાકમાં દૈનિક પાંચ ગ્રામ સુધી નમક લઈ શકાય. જોકે, સરેરાશ ભરાતીય દરરોજ 15થી 16 ગ્રામ મીઠું લે છે.
ફાસ્ટફૂડ તથા પ્રોસેસ્ડ ફૂડને વ્યાપકપણે ખાવાને કારણે યુવાનોનાં શરીરમાં વધુ પ્રમાણમાં મીઠું જાય છે.
શારીરિક નિષ્ક્રિયતા પણ હૃદયને લગતી સમસ્યાઓ નોતરી શકે છે. એક જગ્યાએ બેઠાં રહેવાને સ્મૉકિંગ સાથે સરખાવવામાં આવે છે.
યુવાનો લગભગ 10થી 12 કલાક સુધી એક જ જગ્યાએ બેસી રહે છે. ઘણી વખત તેઓ એક જગ્યાએ બેસીને લંચ કે ડિનર કરી લે છે.
જ્યારે વ્યક્તિ હલનચલન નથી કરતી, ત્યારે તેને હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાઇ કૉલેસ્ટ્રોલ તથા પેટની ફરતે ચરબી એકઠી થવાની સમસ્યા વધી જાય છે. તેને મૅટાબોલિક સિન્ડ્રૉમ પણ કહેવામાં આવે છે. અન્ય લોકોની સરખામણીમાં આવા લોકોને હાર્ટઍટેક કે હૃદયને લગતી સમસ્યાઓ થવાની શક્યતા વધુ હોય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












