ગુજરાતમાં લસણ આટલું મોંઘું કેમ થઈ ગયું છે? ક્યારે ઘટશે ભાવ?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, રુચિતા પુરબિયા
- પદ, બીબીસી ગુજરાતી માટે
લસણના ભાવ અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા છે.
આના કારણે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ઘર પરિવારોમાં રસોડાનાં બજેટ પર અસર પડી રહી છે.
લસણ એ ભારતીય ખાદ્યપદાર્થોમાં એક મહત્ત્વનો ભાગ છે. અને હાલમાં કેટલાક સમયથી લસણનો ભાવ આસમાને પહોંચ્યા છે, ખરીદનાર અને વેચનાર બધાને લસણના ભાવ નડી રહ્યા છે.
આ ભાવવધારો ડિસેમ્બર મહિનાથી શરૂ થયો હતો અને બે મહિના બાદ તે આસમાને પહોંચ્યો છે. અને વેપારીઓ અનુસાર લસણના ભાવ ઘટે તેવી કોઈ શક્યતા દેખાતી નથી.
આ ભાવવધારાનું મુખ્ય કારણ લોકોમાં લસણની વધુ માગ અને હોલસેલ બજારમાં પુરવઠાની અછત માનવામાં આવે છે.
બજારમાં લસણના ભાવ આસમાને

ઇમેજ સ્રોત, ANI
અમદાવાદની બજારોમાં લસણના છૂટક ભાવ 400થી 450 રૂપિયા છે.
જૂન મહિનામાં અમદાવાદ હોલસેલ માર્કેટમાં લસણના ભાવ 40-120 રૂપિયા પ્રતિ કિલો હતા. આ ભાવ વધીને નવેમ્બરમાં 90-200 સુધી થયા, ડિસેમ્બરમાં 130-250 રૂપિયે પ્રતિ કિલો અને ફેબ્રુઆરીમાં 250 થી 350 પ્રતિ કિલોએ ચાલે છે. જોકે છૂટકમાં લસણનો ભાવ પ્રતિ કિલો 400 રૂપિયાને પાર પહોંચ્યો છે.
ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદ એપીએમસીમાં 20 કિલો લસણના ભાવ 5000 થી 35000 સુધી બોલાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદાવાદ એપીએમસીના સેક્રેટરી સંજય પટેલ કહે છે કે, "છેલ્લા 2 મહિનાથી લસણના ભાવ ધીમે ધીમે વધી જ રહ્યા છે."
લસણમાં જંગી ભાવવધારાનું કારણ શું છે?

ઇમેજ સ્રોત, Getty
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લસણનું ઉત્પાદન વર્ષમાં બે વાર કરવામાં આવે છે, રવિ અને ખરીફ ઋતુમાં. ખરીફ ઋતુમાં જૂન-જુલાઈમાં તેની વાવણી થાય છે અને ઑક્ટોબર નવેમ્બરમાં લણણી અને રવિ ઋતુમાં, સપ્ટેમ્બર-નવેમ્બરમાં વાવણી થાય છે અને માર્ચમાં લણણી થઈને બજારમાં આવે.
હાલમાં, બજારોમાં આવતા જથ્થાબંધ લસણ માર્ચ-મે સમયગાળા દરમિયાન લણવામાં આવેલા રવિ પાકના છે. આ સ્ટૉક ખતમ થવાનો છે, પરંતુ નવા ખરીફ લસણની આવક હજુ શરૂ થવાની બાકી છે. પરિણામે લસણનો પુરવઠો ઘટ્યો છે, જેના કારણે જથ્થાબંધ ભાવમાં વધારો થયો છે.
કિશોરભાઈ વઘાસીયા રાજકોટના લસણના વેપારી છે, તેઓ રાજકોટ ચેમ્બર ઑફ કૉમેર્સના ડિરેક્ટર પણ છે. તેઓ લસણના પાક વિશે સમજાવતા કહે છે કે, "નવું લસણ માર્ચમાં બજારમાં આવે તે પહેલા જૂનું લસણ બજારમાં ખૂટી ગયું અને આના લીધે લસણની ડિમાન્ડ વધતી રહી અને પુરવઠો ખૂટી ગયો."
"આમ તો ડિસેમ્બરમાં લસણના ભાવ વધતા જ હોય છે કેમકે આ સમયે જથ્થો સૌથી ઓછો હોય છે. પરંતુ આ વર્ષે ભાવ ઘણો વધારે વધ્યો છે. આનું મુખ્ય કારણ છે સ્ટૉકની અછત."
ઉપરથી આ વર્ષે ઉત્પાદન પણ ઘટવાની આશંકા છે. કેમકે, ગુજરાત ખેતી કચેરીના સત્તાવાર આંકડા સૂચવે છે કે, ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં લસણના ઉત્પાદનનો સરેરાશ વિસ્તાર 21,111 હેક્ટર હતો. 2023-24ની રવિ સિઝનમાં તે ઘટીને 17,143 હેક્ટર થઈ ગયું છે. એટલે લસણનું ઉત્પાદન આ વર્ષે ઘટશે અને તેથી, આ વર્ષે લસણની બજારમાં તંગી રહેશે.
કિશોરભાઈ વધુમાં જણાવે છે કે, "કમોસમી વરસાદના અને ધુમ્મસના લીધે લસણના પાકની ગુણવત્તા બગડે છે અને લસણ સંકોચાયેલું પાકે છે. જેના કારણે ખેડૂતને પાકનું વળતર ઓછું મળે છે. અને આ વર્ષે કમોસી વરસાદના કારણે પાકની ગુણવત્તાને પણ અસર થશે."

ઇમેજ સ્રોત, Getty Images
ઉપરથી, આ વર્ષે ભારતભરમાં વરસાદ ઓછો રહ્યો છે અને પાણીની ખૂબ જ ખેંચ રહી છે, જેને લીધે ઉત્પાદન ઓછું થશે.
રાજકોટ એપીએમસીના સેક્રેટરી બી.આર.તેજાણી કહે છે કે, લસણ એ જીવનજરૂરીઆતની વસ્તુ છે, તેનો ભાવ ગમે તેટલો હોય તે ભોજન બનાવવા માટે જોઈએ જ. અને આના કારણે લસણની માંગ સતત ચાલુ રહી છે અને પુરવઠો ઓછો હોવાથી ભાવ આસમાને પહોંચ્યો છે.
રાજકોટના લોધીકા તાલુકાના ધવલભાઈ દેસાઈ, લસણની ખેતી કરે છે, તેઓ કહે છે કે, "ભાવમાં જે વધારો છે તે હાલમાં ફક્ત મોટા ખેડૂતો જેમને ગયા સાલનો સ્ટૉક કરીને રાખ્યો હતો તેમને મળશે. નાના ખેડૂતો પાસે સ્ટૉક કરવાની સુવિધા નથી હોતી તેથી તેમણે તો જયારે લણણી કરી હશે ત્યારે જ પાક ઓછા ભાવે વેચી દીધો હશે.
શકુંતલાબહેન સોલંકી અમદાવાદમાં રહેતાં એક ગૃહિણી છે. તેઓ કહે છે કે, "છેલ્લા 2-3 મહિનાથી લસણના ભાવ બસ વધ્યે જ જાય છે, ઘટવાનું નામ જ નથી લેતા. અમારે તો ઘર ચલાવવું અઘરું બની ગયું છે."
લસણ કેમ સ્ટૉક ના કરી શકાય?
કિશોરભાઈ સમજાવે છે કે, "લસણ ડુંગળીની જેમ એક પાણીવાળી વસ્તુ છે, તેથી તે સુકાય જાય છે અને તેનો લાંબા સમય સુધી સ્ટૉક થઈ શકે એમ નથી. જયારે પાણી સુકાય જાય એટલે તેનું વજન ઘટી જાય, અને ખેડૂતને વળતર ઓછું મળે. દાખલા તરીકે સો કિલો લસણ સુકાય એટલે વજન જો 80 કિલો થાય તો ખેડૂતને 20 કિલોના ભાવનું નુકસાન થાય."
તેઓ જણાવે છે કે લસણની જીવન રેખા 6-8 મહિનાની હોય છે. જો લસણ આખું વર્ષ સ્ટૉક કરી શકાતું હોત તો ખેડૂતો અને વેપારી એને સ્ટૉક કરી શકતા હોત અને ધીરે ધીરે બજારમાં લાવતા હોત જેથી તેના ભાવમાં મોટી ઊંચ-નીચ ન આવે. પરંતુ એવું નથી, એટલે તેની જેવી જ લણણી થાય, ખેડૂત તેને બજારમાં વેચી દે છે.
જયારે લસણની લણણી થાય ત્યારે તેના ભાવ ખૂબ જ નીચે આવી જાય છે અને સ્ટૉક પતે એટલે ભાવ વધી જાય છે.
લસણનો ભાવ ક્યારે ઘટશે?

ઇમેજ સ્રોત, Getty Images
આ વિશે વાત કરતા તેજાણીભાઈ કહે છે કે, "નવો સ્ટૉક જ્યાં સુધી બજારમાં નહીં આવે ત્યાં સુધી ભાવ ઘટશે નહીં."
તેઓ વધુમાં કહે છે કે, "આ વર્ષે વરસાદ મોડો શરૂ થયો હતો અને તેથી વાવણી પણ એક મહિનો મોડી શરૂ થઈ હતી, તેથી આ વર્ષે નવો પાક પણ બજારમાં આવતા હજી એક મહિનો લાગશે. તેથી હજી એક મહિના સુધી ભાવ ઉતારવાની સંભાવના ઓછી છે."
ગુજરાત જ નહીં સમગ્ર ભારતમાં લસણના ભાવ આસમાને
મધ્ય પ્રદેશની રાજ્ય ખેતી મંડીમાં પણ લસણના ભાવ 250-300 રૂપિયા પ્રતિ કિલો છે.
દિલ્હીમાં રિટેલમાં લસણનો ભાવ 700 રૂપિયા સુધી પહોંચ્યો છે.
સમગ્ર ભારતમાં ગયા વર્ષે વરસાદ એકંદરે ઓછો રહ્યો હતો અને તેથી જ, લસણ ઉત્પાદન રાજ્ય જેવા કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઉત્પાદન ઘટ્યું હતું.
મધ્ય પ્રદેશમાં લસણનું ઉત્પાદન સરેરાશ રહેશે, પરંતુ સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં ઉત્પાદન ઘટશે અને તેથી ભાવ વધુ રહેશે.
ગુજરાતમાં લસણનું ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં લસણનું સૌથી વધારે ઉત્પાદન મધ્ય પ્રદેશમાં થાય છે. જે દેશનું 63.4 ટકા લસણનું ઉત્પાદન કરે છે અને ગુજરાત ચૌથા નંબરનું સૌથી વધારે લસણ ઉત્પાદન કરતું રાજ્ય છે.
લસણનું મુખ્યત્વે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને થોડુંક મધ્ય ગુજરાતમાં પણ ઉત્પાદન થાય છે.
લસણના આ બધા મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાં આ વર્ષે કમોસમી વરસાદ, કાળઝાળ ગરમી અને ઓછી ઠંડી રહી છે અને તેથી ઉત્પાદન ઘટ્યું છે.













