કતારની જેલમાં બંધ ભારતીય નૌકાદળના આઠ પૂર્વ અધિકારીઓને છોડી દેવામાં આવ્યા, શું હતો મામલો?

ઇમેજ સ્રોત, ANI
કતારની જેલમાં બંધ ભારતીય નૌકાદળના પૂર્વ સૈનિકોને છોડી દેવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે આ સંબંધે એક પ્રેસ રિલીઝ પણ જાહેર કરી છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, "ભારત સરકાર એ આઠ ભારતીય નાગરિકોને છોડી દેવાના નિર્ણયનું સ્વાગત કરે છે જેઓ દાહરા ગ્લોબલ કંપની માટે કામ કરી રહ્યા હતા અને કતારમાં કેદ હતા."
"આઠમાંથી સાત લોકો ભારત પરત પણ આવી ગયા છે. અમે કતારના અમીર દ્વારા લેવામાં આવેલા નાગરિકોને છોડી દેવાના અને તેમને ઘરે પાછા મોકલી દેવાના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ."
આ આઠ ભારતીય નાગરિકોની ધરપકડનો મામલો બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ વધારી રહ્યો હતો. કતારે ઑગસ્ટ 2022માં આ ભારતીયોની ધરપકડ કરી હતી પરંતુ તેમની ધરપકડનું કારણ ક્યારેય જાહેર કર્યું ન હતું.
આ પહેલાં ભારતે આ ભારતીયોને આપવામાં આવેલી ફાંસીની સજા સામે દોહામાં પણ અપીલ દાખલ કરી હતી. આ પછી ગયા વર્ષે કતારે આ ભારતીય નાગરિકોની મૃત્યુદંડની સજા ઘટાડી હતી.
‘ધ હિન્દુ’ના અહેવાલ મુજબ ઘણા સમયથી એવા સંકેતો મળી રહ્યા હતા કે કતાર આ આઠ નાગરિકોને રમઝાન કે ઈદ પહેલાં છોડી શકે છે.
જોકે, આ જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સંયુક્ત આરબ અમીરાત(યુએઈ)ની બે દિવસીય મુલાકાત માટે રવાના થયા તેના એક દિવસ પહેલાં આવી છે.
આ જ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લગભગ 750 ભારતીયો હજુ પણ કતારની જેલમાં બંધ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત આવીને તેમણે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હી ઍરપોર્ટ પર ઊતરેલા આ સાત પૂર્વ ભારતીય અધિકારીઓએ ‘ભારત માતા કી જય’ ના નારા લગાવ્યા હતા.
સમાચાર ઍજન્સી એએનઆઈને આપેલા નિવેદનમાં તેમાંની એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, "સુરક્ષિત અને સલામત રીતે ઘરે પાછા ફરીને મને નિરાંત અને આનંદની લાગણી અનુભવાય છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. તેમના પ્રયત્નો વગર અમારો છુટકારો ન થઈ શક્યો હોત. હું કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીનો પણ આભાર માનું છું."
ભારત પરત ફરેલા અન્ય એક વ્યક્તિએ એએનઆઈને જણાવ્યું હતું કે, "અમે અને અમારો પરિવાર બંને ચિંતાતુર હતા. અમે આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. વડા પ્રધાન મોદીએ આ મામલે કરેલા પ્રયત્નોને કારણે અમારો છુટકારો થયો છે."
"તેમણે અમારા મામલાને કતારની સરકાર સમક્ષ ઉઠાવ્યો હતો અને અમારા છુટકારાને શક્ય બનાવ્યો હતો. મારી પાસે કતારના અમીરનો આભાર વ્યક્ત કરવા માટે પણ શબ્દો નથી."
ભારતે સજાનો કર્યો હતો વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કતારમાં ધરપકડ કરાયેલા ભારતીય નૌકાદળના આઠ પૂર્વ અધિકારીઓને મૃત્યુદંડની સજાને દુખદ ગણાવતા ભારતે કહ્યું હતું કે આ બાબતે તમામ કાયદાકીય વિકલ્પો શોધવામાં આવશે.
આઠેય અધિકારી ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારીઓ છે અને ગયા વર્ષના ઑગસ્ટ મહિનાથી જ કતારની જેલમાં બંધ હતા. કતારે તેમના પર લાગેલા આરોપોને સાર્વજનિક નથી કર્યા.
ભારતના વિદેશ વિભાગે એક નિવેદનમાં કહ્યું હતું, "અમારી પાસે પ્રાથમિક માહિતી છે કે કતારની અદાલતે અલ દાહરા કંપનીના આઠ ભારતીય કર્મચારી સાથે સંકળાયેલા એક મામલામાં નિર્ણય સંભળાવ્યો છે."
નિવેદન અનુસાર, "અમે ફાંસી આપવાના નિર્ણયથી સ્તબ્ધ છીએ અને આ વિસ્તૃત નિર્ણયની રાહમાં છીએ. અમે તેમના પરિવારજનો અને કાયદાકીય ટીમના સંપર્કમાં છીએ. અમે સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે આ મામલાને જોઈ રહ્યા છીએ અને આને કતારના તંત્ર સામે ઉઠાવીશું."
જોકે, વિદેશ વિભાગે ત્યારે આ કેસ પર કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
છેલ્લા કેટલાક મહિનાઓથી ભારત સરકાર પર આ પૂર્વ અધિકારીઓને મુક્ત કરાવવાનું ભારે દબાણ હતું અને ભારતના વિદેશ વિભાગે કહ્યું હતું કે આ બાબત તેમની સર્વોચ્ચ પ્રાથમિકતામાં છે.
શું છે મામલો?

કતાર સરકારે સપ્ટેમ્બર 2022માં ભારતીય નૌકાદળના આઠ પૂર્વ અધિકારીઓની ધરપકડ કરી હતી. માર્ચમાં તેમના પર જાસૂસીના આરોપો ઘડાયા હતા.
ધરપકડ કરાયેલા આઠ ભારતીય નાગરિકો કતારની અલ આઝમી નામની કંપનીમાં કામ કરતા હતા.
આ કંપની સબમરીન પ્રોગ્રામમાં કતારના નૌકાદળ માટે કામ કરી રહી હતી. આ પ્રોગ્રામનો હેતુ રડારથી બચવાવાળા હાઇટૅક ઇટાલિયન તકનીક પર આધારિત સબમરીન મેળવવાનો હતો.
કંપનીમાં 75 ભારતીય નાગરિકો કર્મચારી હતા. જેમાં મોટાભાગના ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારીઓ હતા. મે મહિનામાં કંપનીએ કહ્યું હતું કે તે 31 મે,2022થી કંપની બંધ થવા જઈ રહી છે.
મીડિયા અહેવાલો અનુસાર કંપનીના પ્રમુખ ખમીસ અલ અજામી અને ધરપકડ કરાયેલા આઠ ભારતીયો સામે કેટલાક આરોપો સામાન્ય છે જ્યારે કેટલાક ખાસ પ્રકારના છે.
જાસૂસીના આરોપમાં ધરપકડ કરાયેલા આઠ કર્મચારીઓને પહેલાં જ કંપનીમાંથી બરખાસ્ત કરી દેવાયા હતા અને તેમના પગારનો હિસાબ પણ કરી દેવાયો હતો.
ગત મે મહિનામાં કતારે કંપનીને બંધ કરવાનો આદેશ આપ્યો અને તેના આશરે 70 કર્મચારીઓને મે, 2023 સુધીમાં દેશ છોડી દેવા કહેવાયું.
ભારતીયો પર જાસૂસીના શું આરોપ છે?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
મીડિયા અહેવાલો અનુસાર, ધરપકડ કરાયેલા કર્મચારીઓએ સંવેદનશીલ માહિતી ઇઝરાયલને આપી હતી.
ભારતીય મીડિયા અને અન્ય ગ્લોબલ મીડિયાના અહેવાલો અનુસાર આ પૂર્વ સૈનિકો પર આરોપ છે કે તેમણે કથિત રીતે ખૂબ જ વિશેષ ટૅક્નોલોજીવાળી ઇટાલિયન સબમરીન ખરીદવાના કતારના ગુપ્ત કાર્યક્રમની માહિતી ઇઝરાયલને આપી હતી. મતલબ નૌકાદળના આ પૂર્વ સૈનિકો પર ઇઝરાયલ માટે જાસૂસી કરવાનો આરોપ પણ લગાવાઈ શકે છે.
કતારની ગુપ્તચર એજન્સીનો દાવો છે કે તેની પાસે આ કથિત જાસૂસી બાબતે ઇલેક્ટ્રૉનિક પુરાવાઓ છે.
કતારની ખાનગી સુરક્ષા કંપની ઝાહિરા અલ આલમી માટે કામ કરનારા ભારતીય નૌકાદળના આ પૂર્વ અધિકારી કતારના નૌકાદળના સભ્યોને અનેક પ્રકારનું પ્રશિક્ષણ આપતા હતા.
તેમને ભારત અને કતાર વચ્ચે એક સમજૂતી હેઠળ નિયુક્ત કરાયા હતા.
ઝાહિરા અલ આલમીનું કામ શું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
કંપનીની વેબસાઈટ પર તે પોતાને કતારના સંરક્ષણ વિભાગ, સુરક્ષા અને અન્ય સરકારી એજન્સીની સ્થાનિક વેપારી ભાગીદાર છે તેવું બતાવાયું છે.
કંપની પોતાને સંરક્ષણ ઉપકરણોને ચલાવવા ઉપરાંત તેના સમારકામ અને ઉપકરણોની સારસંભાળમાં નિષ્ણાત ગણાવે છે.
આ વેબસાઇટ પર કંપનીના વરિષ્ઠ અધિકારીઓ અને તેમના પદ વિશે બધી માહિતી અપાયેલી છે.
તેમાં કેટલાય ભારતીયો પણ છે.
કંપનીના લિંક્ડઇન પેજ પર લખેલું છે, "તે રક્ષા ઉપકરણોને ચલાવવા અને લોકોને પ્રશિક્ષણ આપવા બાબતે કતારમાં સૌથી અગ્રેસર છે."
આગળ લખ્યું છે, "અલ ઝાહિરા કંપની સુરક્ષા અને ઍરોસ્પેસ મામલાઓમાં કતારમાં વિશેષ દરજ્જો ધરાવે છે."












