ગુજરાતમાં આઈવીએફ માટે પાકિસ્તાનથી આવીને નાગરિકતા લીધી, પછી ભારતીય સૈનિકોની જાસૂસી મામલે કેવી રીતે ઝડપાયો?

લાભશંકર

ઇમેજ સ્રોત, V Bhati / Getty

ઇમેજ કૅપ્શન, લાભશંકર પાકિસ્તાનથી ભારત આઈવીએફ ટ્રીટમેન્ટ આવ્યા હતા
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાંથી પાકિસ્તાન માટે કથિતરૂપે જાસૂસી કરતી વ્યક્તિની ધરપકડ થઈ છે. પાકિસ્તાનમાંથી ભારત આવીને નાગરિકતા મેળવનારી આ વ્યક્તિની એટીએસ દ્વારા ધરપકડ કરાઈ છે.

ગુજરાતના તારાપુરની યુવતી સાથે પરણેલા પાકિસ્તાની વેપારીને લગ્નનાં ઘણાં વર્ષો સુધી બાળક નહીં થતાં પાકિસ્તાનથી બાળક માટે આઈ.વી.એફ.ની ટ્રીટમેન્ટ કરાવવા પત્ની સાથે તેઓ કેટલાંક વર્ષો પહેલાં ગુજરાત આવ્યા હતા. પછી સસરાની આર્થિક મદદથી તેમણે કરિયાણાની દુકાન કરી હતી. જોકે તેઓ ભારત આવ્યા બાદ પણ પિતા ન બની શક્યા. જેથી વધુ સારવારની જરૂર તેમને અનુભવાઈ.

પિતા બનવાની ટ્રીટમેન્ટ માટે આવેલા લાભશંકર મહેશ્વરી ભારતીય નાગરિકત્વ લીધા પછી એમની ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે કથિતરૂપે પાકિસ્તાની જાસૂસ બની ભારતીય સૈનિકોના ફોન હૅક કરાવવા બદલ ધરપકડ કરી છે.

આણંદ પાસેના નાનકડા ગામ તારાપુરમાં રહેતા ઑઇલ અને અનાજનો ધંધો કરતા રાઠી પરિવારના ઘણા સગાંઓમાંથી ભારત-પાકિસ્તાનનાં ભાગલાં થયાં ત્યારે કેટલાક પાકિસ્તાનમાં વસ્યા હતા અને કેટલાક ભારતમાં વસ્યા હતા. તારાપુરના વેપારીની દીકરી સાથે લાભશંકર મહેશ્વરીનાં લગ્ન થયાં હતાં.

‘પાકિસ્તાન જવું હતું પણ વિઝા નહોતા મળતા’

લાભશંકર મહેશ્વરી

ઇમેજ સ્રોત, V.BHATI

ઇમેજ કૅપ્શન, લાભશંકર મહેશ્વરી

પાકિસ્તાનથી ભારત આવેલા હિંદુઓને ભારતીય નાગરિકત્વ મળે એની ઝુંબેશ ચલાવતા મૂળ પાકિસ્તાની અને હવે ભારતીય નાગરિકત્વ ધરાવતા ડૉ. ઓમ મહેશ્વરીએ બીબીસી સાથેની વાતચીત કહ્યું કે, "ભારત પાકિસ્તાનના સંબંધો વાજપેયી સરકાર વખતે સુધરી રહ્યા હતા, ત્યારે મેડિકલ સારવાર કરાવવા ઘણા પાકિસ્તાનીઓ લૉન્ગ ટર્મ વિઝા લઈને ભારત આવતા હતા."

"એ સમયે લગ્નના લાંબા સમય સુધી સંતાન નહીં થતા પાકિસ્તાનના સવાઈ ગામમાં રહેતા લાભશંકર મહેશ્વરી એમનાં પત્નીને લઈને ભારત આવ્યા હતા. અહીં એમણે આઈ.વી.એફની ટ્રીટમેન્ટ કરાવી પણ કોઈ સંતાન થયું નહીં."

"મેડિકલ ટ્રીટમેન્ટમાં પૈસા વપરાતા જતા હતા. બીજા બાજુ તેઓ પાકિસ્તાનથી આવેલા એટલે અહીં કોઈ કામ ધંધો કરી શકે નહીં. જેથી પૈસા ખલાસ થઈ ગયા હતા. પણ એમના સાસરિયાં મદદ કરતાં હતાં."

"ત્રણ વર્ષ સતત અહીં સારવાર કરાવી પણ સંતાન થયું નહીં એટલે એમણે પાકિસ્તાન પરત જવા માટે 2002માં પહેલીવાર અરજી કરીને વિઝા માગ્યા પણ વિઝા મળ્યા નહીં."

"બીજી બાજુ એમનો ધંધો પણ અહીં સ્થિર થઈ રહ્યો હતો એટલે ભારતીય નાગરિત્વ માટે અરજી કરી અને 2005માં એમણે ભારતીય નાગરિકત્વ મળી ગયું."

"એ પછી એમણે કરિયાણાનો હોલસેલનો ધંધો કર્યો અને હવે અમારા સંપર્કમાં નથી."

‘2022માં પાકિસ્તાનનો પ્રવાસ’

પોલીસ અધિકારી

ઇમેજ સ્રોત, V.BHATI

ઇમેજ કૅપ્શન, પોલીસ અધિકારી

ઉપરાંત, આણંદ નજીક આવેલા તારાપુરમાં લાભશંકર સાથે કરિયાણાનો વેપાર કરતા જયેશ ઠક્કરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "લાભશંકર પહેલા એમના સસરા સાથે રહીને કમિશન પર અનાજનો હોલસેલનો ધંધો કરતા હતા. ભારતીય નાગરિકત્વ મળ્યા પછી એમણે તારાપુર ચોકડી પાસે માધવ કિરાણા નામની હોલસેલની દુકાન શરૂ કરી હતી."

"તેઓ અહીં સારો ધંધો કરતા હતા, એમનાં માતા-પિતા હયાત છે એટલે એ પાકિસ્તાન જવા માગતા હતા."

"એમણે કોરોના દરમિયાન સામાન્ય ખોટ ગઈ હતી. એમના એક પિતરાઈ ભાઈ કૃણાલ રાઠીએ એ પછી ઑઇલ અને અનાજમાં ભેળસેળ કરવાનું શરૂ કર્યું."

"એમની સામે ભેળસેળનો કેસ પણ થયો હતો. આ સમયમાં એમની ઇચ્છા પાકિસ્તાનમાં એમની મિલકત વેચીને પૈસા ગુજરાતમાં ધંધામાં લગાવવાની હતી."

"એટલે એમણે ફરી પાકિસ્તાનના વિઝા માટે અરજી કરી અને પછી 2022માં 45 દિવસ પાકિસ્તાન જઈને આવ્યા હતા. પણ એ પાકિસ્તાની જાસૂસ હશે એની અમને કલ્પના નહોતી."

સેનાના જવાનોની જાસૂસીનો આરોપ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પાકિસ્તાનથી આવીને ભારતીય સૈનિકોની તકનિકી મદદથી જાસૂસી કરવાના કથિત આરોપો હેઠળ પકડાયેલા લાભશંકર વિશે વાત કરતા ગુજરાત ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડના એસપી ઓ.પી.જતે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "2005માં ભારતીય નાગરિત્વ લીધા પછી લાભશંકર મહેશ્વરી એ 2022માં પાકિસ્તાનના વિઝા માટે અરજી કરી હતી. પણ એમના વિઝા ના મંજૂર થતા એમણે પાકિસ્તાનમાં રહેતા એમના માસીના દીકરા કિશોર રામવાણીને ફોન કરીને વિઝા ઝડપથી થાય એ માટે મદદ માગી હતી."

"ત્યારે એમણે પાકિસ્તાન ઍમ્બેસીની એક વ્યક્તિનો સંપર્ક કરવા કહ્યું હતું અને એમને વિઝા મળી ગયા હતા. ત્યાર બાદ એમનાં બહેન અને ભાણીનાં પાકિસ્તાનના વિઝા પણ એ જ વ્યક્તિ એ કરાવી આપ્યા હતા."

"આ સમયમાં પાકિસ્તાન ઍમ્બેસીમાં ઓળખાણ ધરાવતી વ્યક્તિ એ કહ્યા મુજબ એ જામનગરમાં મહમદ સકલૈન પાસે ગયા હતા અને મહમદ સકલૈન એ પોતાના નામથી સિમકાર્ડ જામનગરથી ખરીદ્યાં હતાં."

"એ સિમકાર્ડને જામનગરના અસગર મોદીના ફોનમાં ઍક્ટિવેટ કરાવ્યું હતું. એમનાં બહેન અને ભાણી જયારે પાકિસ્તાન ગયાં ત્યારે એ સિમકાર્ડ લાભશંકરે પાકિસ્તાન મોકલાવ્યું હતું."

એસપી જત ઉમેરે છે કે, "એ ભારતીય નંબરના સિમકાર્ડને પાકિસ્તાન મોકલાવ્યા પછી જયારે લાભશંકરને આપેલા સિમકાર્ડમાં વૉટ્સઍપ ઍક્ટિવ કરાવ્યું. જે માણસ એમને પાકિસ્તાનના વિઝા અપાવવામાં મદદ કરતો હતો એને વૉટ્સઍપનો ઓટીપી આપી દીધો હતો."

"ત્યારબાદ એ ભારતીય સેનાના જવાનો કે જેમનાં બાળકો સૈનિક સ્કૂલમાં ભણતા હોય એમને ફોન કરતો અને કહેતો કે સ્કૂલના નવા નિયમ અથવા સ્કૉલરશિપ માટે ફૉર્મ ભરવા એક એપીકે ફાઇલ મોકલે છે. આ ફાઇલમાં પહેલાંથી રિમોટ ઍક્સેસ ટ્રૉઝન નામનો મેલવેર વાઇરસ કોડિંગ કરેલો રહેતો હતો."

"આ ઉપરાંત ભારતની સેનાના જવાનોને આવી એપીકે. ફાઇલ મોકલતો કે જેમાં હર ઘર તિરંગા અભિયાનની લિંક હોય. એમાં પહેલાંથી રિમોટ ઍક્સેસ ટ્રૉઝન વાઇરસ કોડ કરેલો રહેતો."

"આ વાઇરસ લશ્કરમાં કામ કરતી વ્યક્તિના ફોનમાં આવી જાય એટલે એના વૉટ્સઍપ, ફોટા અને મૂવમેન્ટની ખબર પડી જાય છે. આવી રીતે એમને કારગિલ સરહદ પર કામ કરતા એક જવાનના મોબાઇમાં એક રિમોટ ઍક્સેસ ટ્રૉઝન વાઇરસ દાખલ કરાવ્યો હતો, જેના આધારે ભારતીય લશ્કરની ખાનગી વાતો પાકિસ્તાન સુધી પહોંચતી હતી."

‘રિમોટ ઍક્સેસ ટ્રૉઝન વાઇરસથી હૅકિંગ’

પ્રોફેસર નિલય મિસ્ત્રી

ઇમેજ સ્રોત, V.BHATI

ઇમેજ કૅપ્શન, પ્રોફેસર નિલય મિસ્ત્રી

આ અંગે આર્મી ઇન્ટલિજન્સ સાથે ગુજરાત એ.ટી.એસ.એ સંયુક્ત ઑપરેશન કરી તારાપુરથી લાભશંકર મહેશ્વરીની ધરપકડ કરી છે.

એમને અત્યાર સુધીમાં ભારતીય સેનાના કેટલાક જવાનોને આ વાઇરસની ફાઇલ મોકલાવી છે એની તાપસ ચાલી રહી છે.

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સાયબર સિક્યૉરિટીના આસિટન્ટ પ્રોફેસર નિલય મિસ્ત્રીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "રિમોટ ઍક્સેસ ટ્રૉઝન વાઇરસમાં તમને સામે ઑરિજિનલ વેબસાઇટ કે એપીકે ફૉર્મેટમાં ઍડવેર જેવો માલવેર તમારા ફોન ડિવાઇસમાં પહોંચી જાય છે."

"એ ઍડવેર લો ઑર્બિટ પર તમારા ફોનનો તમામ ડેટા કૉમ્પ્રેસ કરીને મોકલતો રહે એટલે તમારો મોબાઇલનો વધારે ઇન્ટરનેટ ડેટા વપરાય છે એ પણ તમને ખબર નહીં પડે."

"આ પૅસિવ ટ્રૉઝન છે અને બીજા ઍક્ટિવ ટ્રૉઝન હોય છે જેમાં ફોનમાં કોઈ પણ ઍક્ટિવિટી કરો એની ફાઇલ તરત જ બનાવી મોકલી આપે છે જેને સ્ક્રિન મિરરિંગ કહેવાય છે. એટલે ફોનમાં કોઈ વૉટ્સઍપ ચૅટ કે વિડીયો કે અન્ય મૅસેજ એ જ સમયે સામેની વ્યક્તિને મળી જાય છે."

"આ પ્રકારની લિંક સાથે રિમોટ ઍક્સેસ ટ્રૉઝન વાઇરસને કોડિંગ કરીને ઍમ્બેડ કર્યો હોય એટલે ફોનની વિગતો જ નહીં ફોનની મૂવમેન્ટ પણ ગમે તેટલા અંતરે હોઈએ પણ જોઈ શકીએ છીએ."

બીજી તરફ ગુજરાત ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે લાભશંકર મહેશ્વરીને તારાપુર કોર્ટમાં હાજર કરીને સરકારી વકીલ એમ. એચ. રાઠોડે 14 મુદ્દાની તાપસ માટે રિમાન્ડની માગણી કરી.

રિમાન્ડની માગણી સાથે તેમણે કહ્યું હતું કે,"લાભશંકરના ફોનમાં સંખ્યાબંધ નંબર છે. એ કોની સાથે વાત કરતા હતા, દેશ વિરોધી માહિતી એમણે કોને કોને પહોંચાડી છે? એ ઉપરાંત એમને સિમકાર્ડ આપનારા લોકો નાસતા ફરે છે, એની તાપસ કરવાની બાકી છે."

લાભશંકર કયા પાકિસ્તાની એજન્ટ સાથે સંપર્ક હતા અને ગુજરાતના એમના સંપર્ક પાકિસ્તાનના ક્યા લોકો સાથે છે એની તપાસ માટે માગેલા રિમાન્ડની દલીલો પૂરી થતા કોર્ટે એમને સાત દિવસના રિમાન્ડમાં મોકલી આપ્યા છે.

રેડ લાઇન
રેડ લાઇન