ઇંદિરા અને ફિરોઝનાં લગ્ન પહેલાં કેટલો વિરોધ થયો હતો, પછી કેવી રીતે લગ્ન થયાં?

ઇંદિરા ગાંધી, ફિરોઝ ગાંધી, જવાહરલાલ નેહરુ, ધર્મ, લગ્ન, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી

જવાહરલાલ નહેરુનું માનવું હતું કે, ફિરોઝ તેમની પુત્રી ઇંદિરા માટે યોગ્ય પસંદગી નથી. ફિરોઝ હિન્દુ નથી અને નથી કાશ્મીરી; પરંતુ, તેનાથી નહેરુને કશો ફરક પડતો નહોતો; કેમ કે, તેમની પોતાની જ બહેનો વિજયલક્ષ્મી અને કૃષ્ણાના પતિ કાશ્મીરી નહોતા.

નહેરુએ બહેનોનાં લગ્નનો બિલકુલ વિરોધ નહોતો કર્યો, પરંતુ, બંને બહેનોના પતિ ઑક્સફર્ડમાં ભણેલા હતા અને ભદ્ર, સમૃદ્ધ પરિવારના હતા. રણજિત પંડિત બૅરિસ્ટર હોવાની સાથે જ સંસ્કૃતના ખૂબ મોટા વિદ્વાન પણ હતા.

બીજી બાજુ, ફિરોઝ ગાંધી ખૂબ જ સાધારણ પૃષ્ઠભૂમિ ધરાવતા હતા. તેમની પાસે યુનિવર્સિટીની ડિગ્રી નહોતી, કોઈ નોકરી નહોતી અને નિયમિત આવકનું કશું સાધન પણ નહોતું.

કૅથરીન ફ્રૅન્કે ઇંદિરા ગાંધીના જીવનચરિત્ર 'ઇંદિરા, ધ લાઇફ ઑફ ઇંદિરા નહેરુ ગાંધી'માં લખ્યું છે, "ફિરોઝ ખૂબ મોટેથી બોલનારા, ગાળો આપનાર, અસંયમી વ્યક્તિ હતા. તેમનાથી બિલકુલ વિપરીત, નહેરુ ખૂબ સભ્ય, સુસંસ્કૃત અને સમજીવિચારીને બોલનાર વ્યક્તિ હતા."

કૅથરીને લખ્યું છે, "બીજા પિતાઓની જેમ નહેરુ પણ પોતાની દીકરીને ગુમાવવા નહોતા માગતા. ઇંદિરાની નાદુરસ્ત તબિયતનો સવાલ પણ હતો. તેમનાં પત્ની કમલા નહેરુ પણ, પોતાની મૃત્યુશય્યા પર ઇંદિરા અને ફિરોઝનાં લગ્ન વિશેની પોતાની આંતરિક શંકા વ્યક્ત કરી ચૂક્યાં હતાં. કમલાની દૃષ્ટિએ ફિરોઝ સ્થિર અને ભરોસાપાત્ર વ્યક્તિ નહોતા."

ઇંદિરાના ફિરોઝ સાથેનાં લગ્નથી ફોઈઓને મોટો વાંધો

ઇંદિરા ગાંધી, ફિરોઝ ગાંધી, જવાહરલાલ નેહરુ, ધર્મ, લગ્ન, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, KEYSTONE/HULTON ARCHIVE/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, જવાહરલાલ નહેરુ ઇંદિરા ગાંધી અને ફિરોઝ ગાંધીનાં લગ્નના પક્ષમાં નહોતા

જ્યારે ઇંદિરાએ પોતાનાં ફોઈ કૃષ્ણાને ફિરોઝ સાથે લગ્ન કરવાની પોતાની ઇચ્છા જણાવી, ત્યારે તેમણે તેમને થોડીક રાહ જોવા અને બીજા થોડાક છોકરાઓને મળવાની સલાહ આપી.

કૃષ્ણા હઠીસિંહે પોતાના પુસ્તક 'વી નહેરુઝ'માં લખ્યું છે, "આમ કહેતાં ઇંદિરા ભડકીને બોલ્યાં, 'શા માટે? તમે તો દસ દિવસમાં જ રાજાભાઈ સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. હું તો ફિરોઝને વર્ષોથી ઓળખું છું. હું વધુ રાહ શા માટે જોઉં, અને બીજા છોકરાઓને શા માટે મળું?"

જ્યારે ઇંદિરાએ પોતાનાં બીજાં ફોઈ વિજયલક્ષ્મી સાથે આ અંગે વાત કરી, ત્યારે તેમનું વલણ પણ તેમની તરફેણમાં નહોતું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પુપુલ જયકરે ઇંદિરાના જીવનચરિત્રમાં લખ્યું છે, "નાન (વિજયલક્ષ્મી)એ ખૂબ કડક શબ્દમાં તેમને સલાહ આપી કે તું ફિરોજ સાથે પ્રેમસંબંધ રાખ, પરંતુ લગ્ન કરવા વિશે ન વિચાર. ઇંદિરાએ આ સલાહને ખૂબ ખરાબ માની. તેમને તે પોતાના અને ફિરોઝના અપમાન જેવી લાગી."

હજુ તો નહેરુ પરિવારમાં જ આ વાત ચાલતી હતી, એવામાં અલાહાબાદના અખબાર 'ધ લીડર'એ પોતાના પહેલા પાને હેડલાઇન બનાવી, 'મિસ ઇંદિરા નહેરુઝ એંગેજમેન્ટ'. જ્યારે લીડરે આ ન્યૂઝ બ્રેક કર્યા ત્યારે નહેરુ કલકત્તામાં હતા. પાછા આવીને તેમણે એક નિવેદન જાહેર કર્યું, જેને 'બૉમ્બે ક્રોનિકલ' અને અન્ય અખબારોએ છાપ્યું.

નહેરુએ કહ્યું, "હું ઇંદિરા અને ફિરોઝનાં લગ્ન વિશે છપાયેલા સમાચારોની પૃષ્ટિ કરું છું. મારું માનવું છે કે, લગ્ન વિશે માતાપિતા ફક્ત સલાહ આપી શકે છે, પરંતુ અંતિમ નિર્ણય છોકરા-છોકરીએ જ કરવાનો હોય છે. મને જ્યારે ઇંદિરા અને ફિરોઝના આ નિર્ણય વિશે ખબર પડી, ત્યારે મેં તેનો હૃદયપૂર્વક સ્વીકાર્યો. મહાત્મા ગાંધીએ પણ તેમને પોતાના આશીર્વાદ આપી દીધા છે. ફિરોઝ ગાંધી એક યુવા પારસી છે, જે અમારા પરિવારનાં વર્ષોથી મિત્ર અને સાથી રહ્યા છે."

રામનવમીના દિવસે લગ્ન થયાં

ઇંદિરા ગાંધી, ફિરોઝ ગાંધી, જવાહરલાલ નેહરુ, ધર્મ, લગ્ન, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહાત્મા ગાંધીએ ઇંદિરા અને ફિરોઝ ગાંધીનાં લગ્નનું સમર્થન કર્યું હતું

મહાત્મા ગાંધીએ પણ પોતાના અખબાર 'હરિજન'માં લેખ લખીને આ લગ્નને પોતાનું સમર્થન આપી દીધું. પરંતુ, ગાંધીનું સમર્થન હોવા છતાં આ લગ્ન પ્રત્યે લોકોનો રોષ ઓછો થયો નહીં.

કેટલાક લોકોને લાગતું હતું કે, આ લગ્નથી ભારતની સદીઓ જૂની પરંપરા પર આઘાત થઈ રહ્યો છે. એક તો તે માતાપિતાએ નક્કી કરેલું લગ્ન નહોતું, અને બીજું, તે બંને પોતાના ધર્મની બહાર લગ્ન કરી રહ્યાં હતાં.

અલાહાબાદના આનંદ ભવનમાં વિરોધ દર્શાવતી ટપાલોનો ઢગલો થઈ ગયો હતો. કેટલાક અભિનંદનના ટેલિગ્રામ પણ આવ્યા. પ્રેસમાં દરેક જગ્યાએ લગ્ન બાબતે ચર્ચાઓ થઈ.

ઘણાં વર્ષો પછી ઇંદિરા ગાંધીએ આર્નોલ્ડ મિકાલિસને આપેલા ઇન્ટરવ્યૂમાં યાદ કર્યું કે, "લાગતું હતું કે આખું ભારત અમારાં લગ્નની વિરુદ્ધ હતું."

પંડિતોનાં સલાહસૂચન મેળવ્યાં પછી લગ્ન માટે 26 માર્ચનો દિવસ નક્કી કરવામાં આવ્યો. તે એક શુભ દિવસ હતો, કેમ કે, તે દિવસે રામનવમી હતી.

કૃષ્ણા હઠીસિંહે લખ્યું છે, "લગભગ નવ વાગ્યે દુલ્હન પોતાના રૂમમાંથી બહાર આવી. તેણે, જેલમાં પોતાના પિતાના હાથે ચરખા પર કાંતવામાં આવેલા સૂતરથી બનેલી, ગુલાબી રંગની સાડી પહેરી હતી. તેની બૉર્ડર પર સોનેરી રંગનું ભરતગૂંથણ કરાયું હતું. ઇંદિરાએ તાજાં ફૂલોનો હાર અને કાચની બંગડીઓ પહેરી હતી. ઇંદિરા આટલી સુંદર પહેલાં ક્યારેય લાગી નહોતી. તેનો ચહેરો જાણે ગ્રીક સિક્કા પર બનેલી સુંદર આકૃતિ હોય એવો લાગી રહ્યો હતો."

ફિરોઝે પરંપરાગત સફેદ શેરવાની અને ચૂડીદાર પાયજામો પહેર્યાં હતાં, જે ખાદીમાંથી બનાવેલાં હતાં.

હિંદુ રીતરિવાજ પ્રમાણે લગ્ન

ઇંદિરા ગાંધી, ફિરોઝ ગાંધી, જવાહરલાલ નેહરુ, ધર્મ, લગ્ન, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇંદિરા ગાંધી અને ફિરોઝ ગાંધીનાં લગ્નની તસવીર

આ સમારંભ આનંદ ભવનની બહાર બગીચામાં એક મંડપ નીચે થઈ રહ્યો હતો. ઇંદિરા અને ફિરોઝ એક મંચ પર અગ્નિકુંડ સમક્ષ બેઠાં હતાં. નહેરુની બાજુમાં એક આસન હતું, જે તેમનાં દિવંગત પત્ની કમલા નહેરુની યાદમાં ખાલી રાખવામાં આવ્યું હતું.

આમંત્રિત વ્યક્તિ ઓશરીમાં ખુરશીઓ અને શેતરંજીઓ પર બેઠા હતા. આનંદ ભવનની બહાર બિનઆમંત્રિત હજારો લોકોની ભીડ આ દૃશ્ય જોઈ રહી હતી.

આ ભીડમાં અમેરિકન ફૅશન મૅગેઝિનના ફોટોગ્રાફર નૉરવન હૅન પણ હતા. એ જમાનામાં તેઓ સ્થાનિક ઇરવિંગ ક્રિશ્ચિયન કૉલેજમાં ભણાવતા હતા. તેઓ પોતાના નવ એમએમના મૂવી કૅમેરા વડે આ દૃશ્યને ફિલ્માવવાની કોશિશ કરતા હતા.

કૅથરીન ફ્રૅંકે લખ્યું છે, "ઇંદિરા અને ફિરોઝનાં લગ્ન ન તો પરંપરાગત હતાં અને ન તો કાયદેસર. એ જમાનાના બ્રિટિશ કાયદા અનુસાર બે અલગ અલગ ધર્મના લોકો ત્યારે જ લગ્ન કરી શકતાં હતાં, જ્યારે તેઓ પોતાના ધર્મનો પરિત્યાગ કરી દે. સાત વર્ષ પહેલાં ઇંદિરાના પિતરાઈ ભાઈ બીકે નહેરુએ પણ લગભગ આ જ રીતે એક હંગેરિયન યહૂદી છોકરી ફોરી સાથે લગ્ન કર્યાં હતાં."

બીકે નહેરુનાં લગ્ન સમયે પણ મહાત્મા ગાંધીની સલાહ લેવામાં આવી હતી. તેમની સલાહના લીધે જ હિંદુ રીતરિવાજ પ્રમાણે બંનેનાં લગ્ન કરવામાં આવેલાં, પરંતુ, આ લગ્નને હિંદુ કે બ્રિટિશ, બંનેમાંથી એક પણ કાયદા હેઠળ માન્યતા નહોતી મળી.

વર્ષો પછી જ્યારે ઇંદિરાનાં બીજાં એક જીવનચરિત્રકાર ઉમા વાસુદેવે આ વિશે ઇંદિરા ગાંધીને પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમનો જવાબ હતો. "મને તેનાથી કશો ફરક નથી પડતો કે આ લગ્ન કાયદેસર હતાં કે ગેરકાયદે."

ફિરોઝે પવિત્ર પારસી દોરો પહેર્યો

ઇંદિરા ગાંધી, ફિરોઝ ગાંધી, જવાહરલાલ નેહરુ, ધર્મ, લગ્ન, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સમગ્ર લગ્નસમારંભ બે કલાક ચાલ્યો. એ દરમિયાન પંડિત ચાંદીની ચમચીથી અગ્નિમાં સતત દેશી ઘી હોમતા રહ્યા. પહેલાં, ઇંદિરા ઓશરીમાં જવાહરલાલ નહેરુની પાસે બેઠાં. પછી તેઓ બીજી બાજુ જઈને ફિરોઝ ગાંધીની બાજુમાં બેસી ગયાં.

ફિરોઝે ઇંદિરાને કેટલાંક કપડાં ભેટ આપ્યાં. ઇંદિરાએ ફિરોઝને પોતાના હાથે કશુંક ખવડાવ્યું.

ઇંદિરાનાં ભત્રીજી નયનતારા સહગલે પોતાના પુસ્તક 'પ્રિઝન ઍન્ડ ચૉકલેટ કેક'માં લખ્યું છે, "ત્યાર પછી બંનેનાં કાંડાં ફૂલોથી બાંધી દેવાયાં. પંડિતે ઘી હોમીને અગ્નિની જ્વાળા વધારી દીધી. ત્યાર પછી ઇંદિરા અને ફિરોઝે ઊભાં થઈને અગ્નિની ફરતાં સાત ફેરા ફરીને સપ્તપદીનો વિધિ પૂર્ણ કર્યો. ત્યાર પછી ત્યાં હાજર લોકોએ તેમના પર ફૂલોની પાંખડીઓની વર્ષા કરી."

બર્ટિલ ફૉકે ફિરોઝ ગાંધીના જીવનચરિત્ર 'ફિરોઝ ઘ ફરગોટન ગાંધી'માં લખ્યું છે, "જ્યારે ફિરોઝ પોતાનાં લગ્નનાં કપડાં પહેરતાં હતાં, ત્યારે રત્તીમાઈએ તેમને ખાસ કહ્યું કે, તેઓ પોતાની શેરવાનીની નીચે પારસી પવિત્ર દોરો ધારણ કરે. એ દિવસે ફિરોઝ ઇંદિરા કરતાંયે વધુ ગોરા લાગતા હતા."

"સમારંભમાં પારસી સમુદાયના ઘણા બધા લોકો સામેલ થયા હતા. તેમાં એ લોકો પણ હાજર હતા જેઓ આનંદ ભવનની બહાર પ્રદર્શન કરીને આ લગ્નનો વિરોધ કરવા માગતા હતા. પરંતુ, જવાહરલાલ નહેરુએ રત્તીમાઈ ગાંધીને વિનંતી કરી હતી કે તેઓ તેમને એવું ન કરવા માટે મનાવી લે."

આ લગ્નમાં સામેલ થનારા લોકોમાં નૅશનલ હેરલ્ડના સંપાદક રામારાવ પણ હતા. તેઓ હાથમાં પેન્સિલ અને નોટબુક લઈને આ લગ્નમાં સામેલ થયા હતા, જેથી તેઓ પોતાના અખબારમાં તેનું રિપોર્ટિંગ પણ કરી શકે.

કૉંગ્રેસના ઘણા દિગ્ગજ નેતા લગ્નમાં સામેલ થયા

ઇંદિરા ગાંધી, ફિરોઝ ગાંધી, જવાહરલાલ નેહરુ, ધર્મ, લગ્ન, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહાત્મા ગાંધી ઇંદિરા ગાંધીનાં લગ્નમાં સામેલ થઈ શક્યા ન હતા

સાંજના સમયે આનંદ ભવનના ગાર્ડનમાં રખાયેલા ભોજનસમારંભમાં રોટલી અને લીલાં શાકભાજીનું સામાન્ય જમવાનું રખાયું હતું. આ લગ્નમાં સરોજિની નાયડુ, તેમનાં પુત્રી પદ્મજા નાયડુ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક મૅરી ક્યૂરીનાં પુત્રી ઈવ ક્યૂરી પણ સામેલ થયાં હતાં.

પુપુલ જયકરે લખ્યું છે, "સામાન્ય રીતે ભારતીય લગ્નોમાં પોતાના ઘરેથી વિદાય થતાં સમયે છોકરીઓ રડે છે. પરંતુ, ઇંદિરા ગાંધી બિલકુલ નહોતાં રડતાં. જવાહરલાલ નહેરુની આંખો ભીની હતી. ઘણા મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ આ લગ્નમાં નહોતા આવી શક્યા. મહાત્મા ગાંધી પણ આ લગ્નમાં નહોતા આવી શક્યા, કેમ કે, 26 માર્ચે તેઓ બ્રિટનથી આવેલા સર સ્ટૅફર્ડ ક્રિપ્સને મળવા દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. લગ્નના દિવસે ક્રિપ્સ ત્યાં હાજર નહોતા, પરંતુ, લગ્ન પછી તેઓ ખાસ નવદંપતીને અભિનંદન આપવા અલાહાબાદ આવ્યા હતા."

કૉંગ્રેસ અધ્યક્ષ મૌલાના આઝાદ પણ લગ્નમાં પહોંચી નહોતા શક્યા, કેમ કે, તેમની ટ્રેન મોડી પડી હતી, પરંતુ, સાંજે રખાયેલા ભોજનસમારંભમાં તેઓ સામેલ થયા હતા.

ઇંદિરાનાં લગ્નના દિવસે પણ રાજકીય પ્રવૃત્તિઓ અટકાવવામાં નહોતી આવી. ભોજન-સમારંભની બરાબર પહેલાં આનંદ ભવનના ડ્રૉઇંગ રૂમમાં ક્રિપ્સ મિશન અંગેનું પોતાનું વલણ નક્કી કરવા માટે કૉંગ્રેસના ટોચના નેતૃત્વની બેઠક થઈ હતી.

બે દિવસ પછી જવાહરલાલ નહેરુ સહિત કૉંગ્રેસના બધા જ ટોચના નેતાઓ—ડૉ. રાજેન્દ્રપ્રસાદ, આચાર્ય કૃપલાણી, ભૂલાભાઈ દેસાઈ અને સૈયદ મહમૂદ—અલાહાબાદથી દિલ્હી જવા રવાના થયા.

કાશ્મીરમાં હનીમૂન

લગ્ન પછી તરત જ ઇંદિરા અને ફિરોઝ 5 ફોર્ટ રોડ પર ભાડાના એક મકાનમાં રહેવા જતાં રહ્યાં હતાં. એ સમયે ફિરોઝ પાસે નોકરી નહોતી, પરંતુ, તેઓ અખબારોમાં [સ્વતંત્ર] લેખ લખીને થોડા પૈસા કમાઈ લેતા હતા.

તેઓ કેટલીક વીમા પૉલિસીઓ પણ વેચતા હતા, જેનાથી તેમને થોડીક વધારાની આવક થતી હતી. લગ્નના બે દિવસ પછી ફિરોઝનાં માતા રત્તીમાઈ ગાંધીએ જૉર્જ ટાઉનમાં આવેલા પોતાના ઘરે એક હાઈ-ટીનું આયોજન કર્યું હતું, જેમાં અલાહાબાદના ભદ્ર વર્ગના લોકો સામેલ થયા હતા.

બે મહિના પછી ઇંદિરા અને ફિરોઝ પોતાના હનીમૂન માટે કાશ્મીર જવા રવાના થયાં.

ત્યાંથી ઇંદિરાએ નહેરુને તાર મોકલ્યો,

'જો અમે તમને અહીંની ઠંડી હવા મોકલી શકતાં હોત તો કેટલું સારું!

તરત નહેરુનો જવાબ આવ્યો,

'આભાર, પરંતુ તમારી પાસે ત્યાં કેરી નથી!'

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.