'કાળો રંગ સુંદર છે' – કેરળનાં અધિકારીની પોસ્ટથી શરૂ થઈ ચર્ચા, શું છે સમગ્ર મામલો?

કેરળના અધિકારી, કાળો રંગ, સારદા મુરલીધરન, અશ્વેત, ભેદભાવ, સમાજ, વિવાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, MUZAFAR A.V.

ઇમેજ કૅપ્શન, તેમણે લખેલી પોસ્ટ માટે તેમને શશિ થરૂરે શાબાશી આપી છે
    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બીબીસી માટે, બેંગલુરુથી

ચામડીના રંગને લઈને ભેદભાવનો સામનો કરવા વિશે કેરળનાં મુખ્ય સચિવ સારદા મુરલીધરનના નિવેદન પર ચારેકોર હોબાળો મચ્યો છે.

તેના વિશે સોશિયલ મીડિયામાં તેમની કરેલી પોસ્ટને તેમણે પહેલાં તો ડિલીટ કરી નાખી હતી અને પછી ફરીથી રિપોસ્ટ કરી હતી.

લોકોને સૌથી વધુ હેરાની એ થઈ હતી કે એક આટલા ઉચ્ચ પદે બેસેલા અધિકારીને પણ ચામડીના રંગને લઈને ભેદભાવનો સામનો કરવો પડી શકે છે.

મુરલીધરને તેમની પોસ્ટમાં લખ્યું છે, "મુખ્ય સચિવ તરીકે મારા કાર્યકાળ પર મેં કાલે એક દિલચસ્પ ટિપ્પણી સાંભળી હતી કે મારો કાર્યકાળ એટલો જ કાળો છે જેટલો મારા પતિનો કાર્યકાળ સફેદ હતો. હમ્મમ.... મારે મારા કાળાપણાને સ્વીકાર કરવાની જરૂર છે."

1990 બેચના અધિકારી મુરલીધરને સપ્ટેમ્બર 2024માં રાજ્યના મુખ્ય સચીવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમના પહેલાં તેમના પતિ વી. વેણુ આ પદ પર હતા.

મુરલીધરન ગરીબી નાબૂદી અને મહિલા સશક્તિકરણ, આજીવિકા મિશન, ગ્રામ પંચાયત વિકાસ યોજનાઓ, અનુસૂચિત જાતિ વિકાસ, ગ્રામીણ વિકાસ અને ઉચ્ચ શિક્ષણ સંબંધિત પ્રોજેક્ટ અમલમાં મૂકવા માટે તેમના ઉત્તમ પ્રદર્શન માટે જાણીતા છે.

તેઓ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટૅક્નૉલૉજીના ડાયરેક્ટર જનરલ પણ રહી ચૂક્યા છે.

એક વરિષ્ઠ વિવેચક એમ.જી. રાધાક્રિષ્નને બીબીસી હિન્દીને કહ્યું, "તેઓ બહુ કટ્ટરપંથી વિચારો અથવા સ્પષ્ટવક્તા તરીકેની ટિપ્પણીઓ માટે જાણીતાં નથી. તેઓ સામાન્ય રીતે ખૂબ જ શિસ્તબદ્ધ અને મૃદુભાષી હોય છે. આ એક એવી વસ્તુ છે જેના કારણે તેમને ખૂબ જ આઘાત પહોંચ્યો છે. કોઈએ સફેદ વિરુદ્ધ (ક્ષમતા સાથે જોડીને) કાળા (નિષ્ફળતા સાથે જોડીને)ની વિરુદ્ધનું વિશેષણ વાપર્યું હતું. જેનાથી તેમને ખરેખર ખૂબ આઘાત લાગ્યો હશે."

સારદા મુરલીધરને શું લખ્યું છે?

કેરળના અધિકારી, કાળો રંગ, સારદા મુરલીધરન, અશ્વેત, ભેદભાવ, સમાજ, વિવાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, MUZAFAR A.V.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પહેલાં તેમની પોસ્ટ તેમણે ડિલીટ કરી નાખી હતી અને પછી તેને રિપોસ્ટ કરી હતી. શારદા મુરલીધરને લખ્યું છે કે, "ગઈકાલે મુખ્ય સચિવ તરીકેના કાર્યકાળ પર એક રસપ્રદ ટિપ્પણી સાંભળી હતી કે તે (કાર્યકાળ) એટલો જ કાળો હતો કે જેટલો કાર્યકાળ મારા પતિનો સફેદ હતો. હમ્મ! મારે મારા કાળાપણું સ્વીકારવાની જરૂર છે."

"મેં આજે સવારે આ જ પોસ્ટ લખી અને પછી તેને કાઢી નાખી કારણ કે હું પ્રતિક્રિયાઓથી ડરી ગઈ હતી. હું તેને ફરીથી પોસ્ટ કરી રહી છું કારણ કે કેટલાક શુભેચ્છકોએ કહ્યું હતું કે કેટલીક બાબતો છે કે જેની ચર્ચા થવી જોઈએ. હું સંમત છું. તો ચાલો ફરી વાત કરીએ.

હું આ ખાસ વાત કેમ કહેવા માંગતી હતી? મને દુ:ખ થયું હતું. હા. પરંતુ છેલ્લા સાત મહિનામાં, મારા પુરોગામી (તેમના પતિ) સાથે મારી સરખામણી સતત થઈ રહી છે અને મને તેની આદત પડી ગઈ છે.

આ કાળા હોવાનું લેબલ ચોંટાડવાની વાત પણ હતી (જેમાં વ્યક્તિની મહિલા હોવાની વાત પણ હતી) જાણે કે એ કોઈ શરમની વાત હોય.

કાળો માત્ર એક રંગ નથી, પરંતુ કાળી વ્યક્તિ ક્યારેય સારું કરતી નથી, કાળો એ એક વર્ગ સાથે જોડાયેલી સમસ્યા છે, હૃદયહીન નિરંકુશતા છે, ઊંડો અંધકાર છે.

પરંતુ કાળા રંગને બદનામ કેમ કરવો જોઈએ? કાળો રંગ એ બ્રહ્માંડનું સાર્વત્રિક સત્ય છે. કાળો એ રંગ છે જે કોઈપણ વસ્તુને શોષી શકે છે અને માનવ સંસ્કૃતિ માટે જાણીતો ઊર્જાનો સૌથી શક્તિશાળી પ્રવાહ છે. તે એક એવો રંગ છે જે દરેક જગ્યાએ કામ કરે છે, પછી તે ઑફિસનો ડ્રેસ કોડ હોય, સાંજના વસ્ત્રોની ચમક હોય કે પછી વરસાદનું વચન હોય.

જ્યારે હું ચાર વર્ષની હતી ત્યારે મેં મારી માતાને પૂછ્યું કે શું તેઓ મને ફરીથી ગર્ભધારણ કરી શકે છે અને મને કાળીમાંથી સુંદર અને સુંદર બનાવી શકે છે કે નહીં?

મેં 50 વર્ષ આ નેરેટિવ હેઠળ દબાઈને વિતાવ્યા છે કે કાળા ન હોવું એ વધુ સારું છે. અને મેં આ વાત માનવાનું ચાલુ રાખ્યું કે કાળા વ્યક્તિનું કોઈ સૌંદર્ય કે મૂલ્ય નથી, ગોરી ત્વચા આકર્ષક છે. સારું મને હોય કે સારું મગજ એ બધું સફેદ સાથે જોડાયેલું છે.

હું બાળપણ સુધી આ વાત માનતી રહી. પોતાના બ્લૅક વારસાને કોણે મહિમા આપ્યો? તો પછી કોણે મને આ દૃષ્ટિએ જોવાનું શીખવ્યું?

તે કાળો રંગ સુંદર છે.

તે કાળો રંગ ખૂબસૂરત છે.

કે મને કાળો રંગ ગમે છે."

આ પોસ્ટ પર ચર્ચા થઈ એ પછી સારદા મુરલીધરને સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે ચામડીના રંગ પર તેમની ટિપ્પણી હકીકતમાં મજાકમાં કરવામાં આવી હતી.

તેમણે એએનઆઈને જણાવ્યું હતું કે, "કાળા રંગ સાથે શું વાંધો છે? શું આ હકીકતથી દૂર એ માત્ર ધારણા નથી? આ સ્વીકાર કરવું જરૂરી છે કે કાળાપણું એ એવી વસ્તુ છે કે તે મૂલ્યવાન અને સુંદર છે. મને લાગે છે કે આ મારા માટે સૌથી શ્રેષ્ઠ સમય છે કે હું તેને લઈને ડીફેન્સિવ ન થાઉં કે હું એક મહિલા છું કે મારો રંગ કાળો છે. સમય આવી ગયો છે કે હું આ બંને વસ્તુઓને સ્વીકાર કરું અને મજબૂતીથી સામે આવું. "

"હું મજબૂતીથી સામે આવું તો તેના કારણે હું કદાચ એવા લોકોને મદદગાર થઈ શકું કે જેઓ અક્ષમતાના અહેસાસમાંથી પસાર થઈ રહ્યા હોય. જેથી કરીને તેઓ એવું મહેસૂસ કરી શકે કે એમને કોઈ બહારની વ્યક્તિની માન્યતાની જરૂર નથી."

પોસ્ટ પર કેવી પ્રતિક્રિયાઓ સામે આવી?

કેરળના અધિકારી, કાળો રંગ, સારદા મુરલીધરન, અશ્વેત, ભેદભાવ, સમાજ, વિવાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, MUZAFAR A.V.

મુરલીધરનની સોશિયલ મીડિયા પોસ્ટ પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

કર્ણાટકના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે નિવૃત્ત થયેલા કે જયરાજે બીબીસીને કહ્યું, "મેં મારી આખી કારકિર્દીમાં આવું ક્યારેય જોયું કે સાંભળ્યું નથી. આ એક અપવાદ છે. તેમને અલગ અનુભવ થયો હશે."

શું આ તેના રંગ સાથે જોડાયેલો મુદ્દો છે એટલે તેના પર સૌથી વધુ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે કે પછી તેઓ એક મહિલા છે તેના માટે પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે કે પછી ઘણા લોકોને મહિલા બૉસ પસંદ નથી.

નારીવાદી સંશોધક અને તિરુવનંતપુરમમાં સેન્ટર ફૉર ડેવલપમેન્ટ સ્ટડીઝના પ્રોફેસર જે. દેવિકાને બીબીસીએ આ જ સવાલ પૂછ્યો હતો.

તેઓ કહે છે, "બંને વસ્તુઓ થઈ શકે છે. બંને સાથે જોડાયેલી ધારણાઓ છે. કાળી મહિલાઓને ઓછી સક્ષમ ગણવામાં આવે છે, જ્યારે ગોરા પુરુષોને વધુ સક્ષમ માનવામાં આવે છે."

પરંતુ દેવિકા એ પણ કહે છે, "જો તમે ખરેખર અશ્વેતોનું ગૌરવ જોવા માંગતા હોવ, તો તમે આશા વર્કરોના સંઘર્ષના સ્થળ તિરુવનંતપુરમમાં આવો. તમે કેરળના તે કોવિડ યોદ્ધાઓના ચહેરા જુઓ. તેમના ચહેરા જુઓ સૂર્યની રોશનીમાં સળગી ગયેલા, ધૂળભરી આંધીથી ખરડાયેલાં, પરસેવાથી લથપથ પરંતુ કોઈ ગ્લોઇંગ, મેકઅપ અને લિપસ્ટિક વગરના ચહેરાઓ જુઓ. આ પ્રદર્શનમાં રંગભેદ તેમની ચિંતાઓથી ક્યાંય દૂર દેખાય છે."

દેવિકા કેરળમાં આશા વર્કરોના આંદોલન તરફ ઈશારો કરી રહ્યાં છે.

નોંધનીય છે કે કેરળમાં આશા વર્કરો તેમના પગારવધારાની માગ કરી રહ્યા છે. સરકારે વચનો આપ્યા હતા પરંતુ હજુ સુધી તે પૂરા કર્યા નથી.

રાધાકૃષ્ણન દેવિકા સાથે સહમત થાય છે કે મુરલીધરન પોતે કહે છે તેમ, "રંગ સૌથી મોખરે છે અને વળી તેઓ એક મહિલા પણ છે. પરંતુ ભારતીય સંસ્કૃતિમાં આ કંઈ નવું નથી. કેરળ આનાથી અલગ નથી. ગોરાઓના ગુલામ રહીને આપણે રંગને સત્તા, શક્તિ, વર્ચસ્વ, અને દરેક વસ્તુ સાથે સાંકળી લીધો છે. રંગભેદ એ રાષ્ટ્રીય ખ્યાલ છે."

તેમણે એમ પણ કહ્યું કે, "સામાન્ય રીતે, આવા ટોચના હોદ્દા પર બેસેલી વ્યક્તિ તેના વિશે વાત કરતી નથી. જો તમે ધ્યાન આપશો, તો તમને ખબર પડશે કે આવા ટોચના હોદ્દા પર બેઠેલા મોટાભાગના લોકો સામાન્ય રીતે ઉચ્ચ જાતિના હોય છે. આ પદ પર પછાત સમુદાયો અથવા લઘુમતીઓમાંથી આવતા લોકોને આપણે જોયા હોય તે ખૂબ જ ઓછું છે. જો તેઓ આવી વાત કરે તો પણ તેઓ ખુલ્લેઆમ વાત નહીં કરે."

મોહિનીઅટ્ટમનાં નૃત્યાંગના નીના પ્રસાદે બીબીસીને જણાવ્યું, "હું તેમને ઓળખું છું અને હું અમુક અધિકાર સાથે કહી શકું છું કે તેઓ પોતાના માટે રંગભેદની વાત નથી કરી રહ્યાં. તેઓ ભારતીય સમાજની ઊંડે પહોંચી ગયેલી સમસ્યાનું મૂલ્યવાન પાસું ઊભું કરી રહ્યાં છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે તેમણે વંચિત વર્ગોમાં કામ કર્યું છે. આપણે હંમેશાં તેમની સાદગી અને ગરિમા માટે મહિલાનું સન્માન કર્યું છે."

તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે સોશિયલ મીડિયા પર લખ્યું, "શાબાશ, સારદા, તમારો અવાજ ઉઠાવવા બદલ. અને સુંદર રીતે લખ્યું!"

શું તેમના પર કોઈ કાર્યવાહી થઈ શકે છે?

કેરળના એક આઈએએસ અધિકારી, જેમણે નામ જાહેર ન કરવાની શરતે બીબીસીને કહ્યું, "આ પોસ્ટ પાછળનું કારણ શું હતું તે પ્રશ્નનો જવાબ આપવો જરૂરી છે. શું નાગરિક તરીકે કે અમલદાર તરીકે તેમના અધિકારોનું ઉલ્લંઘન થયું હતું? તેમણે આ વિશે જણાવવાની જરૂર છે. શું તે નુકસાનકારક ટિપ્પણી હતી?"

અન્ય એક અધિકારીએ કહ્યું, "પોસ્ટ પરથી એવું લાગે છે કે આ એક વિચાર છે. આપણામાંથી ઘણા લોકો પોસ્ટમાં કરવામાં આવેલી ફરિયાદને સમજવામાં અસમર્થ છીએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.